૨૫. શ્રીહરિએ ધર્મપિતાને દિવ્યદર્શન અને વરદાન આપ્યું.

Submitted by swaminarayanworld on Tue, 05/07/2011 - 6:39pm

પૂર્વછાયો-

સહુ મળી વળી સાંભળો, કહું ત્યાર પછીની રીત ।

ધર્મદેવની વારતા, તમે સાંભળજયો દઇ ચિત ।।૧।।

સાંખ્યયોગને આશરી, રહ્યા પોતે સ્વધર્મને માંય ।

નિશદિન શ્રીકૃષ્ણનું, સ્મરણ કરે છે સદાય ।।૨।।

પ્રવૃત્તિ મનથી પરહરી, કરી વિષયવાસના ત્યાજ ।

સ્વાદ રહિત થોડું જમે, બ્રહ્મચર્ય રાખવા કાજ ।।૩।।

તપે કરી તન કૃષ છે, ધ્યાન યોગનું છે બળ ।

સુત તેની સેવા કરે, નિરજર જાણું નિરમળ ।।૪।।

ચોપાઇ-

પોતાના સુત ભગવાન જેહ, હરિ સાથે છે બહુ સનેહ ।

તેહ વિના તપ જોગવતિ, મનને શુદ્ધ કર્યું છે અતિ ।।૫।।

એવા સમામાં દેહ લક્ષણ, થાવા લાગ્યાં તને તતક્ષણ ।

ફરકી આંખ્ય ભુજ ડાબું અંગ, થયાં શુકન જાણ્યાં કુઢંગ ।।૬।।

વળી સ્વપ્નાં લાધાં છે જેહ, અતિ અવળાં જણાણાં તેહ ।

જાણું રવિ શશિ વળી ઉડુ, પડ્યાં ભૂમિએ તે પણ ભુડું ।।૭।।

કર્યો શાસ્ત્ર દષ્ટિએ વિચાર, આવ્યું મૃત્યું જાણ્યું નિરધાર ।

જાણ્યું થોડા દાડામાંહિ દેહ, પડશે એમાં નહિ સંદેહ ।।૮।।

પછી શ્રીકૃષ્ણનાં બાળચરિત્ર, દશમમાં કહ્યાં છે પવિત્ર ।

તેનો નિત્ય નિત્ય પાઠ કરે, કૃષ્ણમૂર્તિ ઉરમાં ધરે ।।૯।।

બીજા થકી છે બહુ ઉદાસ, એમ કર્તાં વીત્યો એક માસ ।

પ્રેમવતીનો માસિસો જેહ, કર્યો શાસ્ત્રના વિધિએ તેહ ।।૧૦।।

શ્રાદ્ધ સારી જમાડ્યા વિપર, કર્યો માસિસો સારો સુંદર ।

પછી માસે માસે નિરધાર, જમ્યા દ્વિજ હજારો હજાર ।।૧૧।।

એમ કર્તાં સાત માસ થયા, જમી બ્રાહ્મણ તે ઘેર ગયા ।

પછી પોતે પોતાના સંબંધી, જમ્યા ભેળા બેસી ભલી વિધિ ।।૧૨।।

પછી ધર્મદેવને તે દને, આવ્યો તાવ પીડા થઇ તને ।

ત્યારે એમ વિચાર્યું છે મન, આવ્યું મૃત્યું હવે થોડે દન ।।૧૩।।

પછી સર્વે પદારથ માંય, પ્રીતિ રહેવા દીધી નહિ ક્યાંય ।

શ્રીકૃષ્ણ ધ્યાને જોડ્યું છે મન, આવ્યો એકાદશીનો ત્યાં દન ।।૧૪।।

તેદિ શ્રીકૃષ્ણની પૂજા કીધી, તેડી બ્રાહ્મણને ભલી વિધિ ।

એમ કર્તાં આથમિયો દન, પડી રાત્ય આવિયાં સ્વજન ।।૧૫।।

સર્વે સંબંધી રહ્યાં છે સુઇ, હરિ વિના બેઠું નથી કોઇ ।

એકાદશીના જાગરણ કાજ, એક જાગે પોતે મહારાજ ।।૧૬।।

નિજતાતનાં ચાંપે છે ચરણ, એમ કરે છે આપે જાગરણ ।

તાત પામ્યા પીડા તાવ તેણે, નથી આવતી નિદરા નેણે ।।૧૭।।

પછી હરિની ઇચ્છાએ કરી, વૃત્તિ અંતરમાંહિ ઉતરી ।

સમાધિમાં જોયું બ્રહ્મતેજ, દીઠો તેજ સમૂહ સહજ ।।૧૮।।

જોયું વૃંદાવન તે મોઝાર, દીઠા કૃષ્ણ ત્યાં કર્તા વિહાર ।

સુંદર મોરલી હાથે છે એવા, દીઠા પૂર્વે દીઠા હતા જેવા ।।૧૯।।

નિર્ખિ શ્રીકૃષ્ણ વાધ્યો આનંદ, થયા મગન દેખી સુખકંદ ।

હુવા રોમાંચિત ગાત્ર તેણે, આવ્યાં હર્ષ તણાં આસું નેણે ।।૨૦।।

પછી ધર્મે સંભ્રમે કરીને, કર્યાં દંડવત બહુ હરિને ।

કરી નમસ્કાર જોડી પ્રાણ, ઉભા આગળે ધર્મ સુજાણ ।।૨૧।।

કર્તાં દર્શન ત્યાં તતકાળ, દીઠા કૃષ્ણ પોતાના તે બાળ ।

કૃષ્ણ હરિ હરિ તેજ કૃષ્ણ, એવું જાણીને કરે છે દ્રષ્ણ ।।૨૨।।

કૃષ્ણસમ દેહનો આકાર, ફેર નહિ વેષ બ્રહ્મચાર ।

પછી ધર્મને સર્વે સાંભર્યું, કૃષ્ણ હરિનામે દેહ ધર્યું ।।૨૩।।

મારે ઘેર પ્રગટ્યા એ કૃષ્ણ, થઇ પોતે ભગવાન પ્રશ્ન ।

એમ જાણી પ્રેમવશ થયા, પછી હરિને મળવા ગયા ।।૨૪।।

ત્યાંતો અંતર્ધાન થયું રૂપ, દીઠું સમાધીમાં જે અનુપ ।

જાગ્યા સમાધિથી ધર્મદેવ, ત્યાંતો પાસે કર્તા દીઠા સેવ ।।૨૫।।

તેને મળ્યા કરી અતિ પ્રીત, તેણે થયા પોતે રોમાંચિત ।

આવ્યાં હર્ષનાં આંખ્યમાં આંસું, જાણ્યું આવી મંડાણું ચોમાસું ।।૨૬।।

પછી નમસ્કાર કરી ઘણું, કર્યું પ્રારથના પ્રભુતણું ।

કહે નરનાટયક તમે ધરી, ઢાંકી રાખ્યું છે ઐશ્વર્ય હરિ ।।૨૭।।

તમે સર્વે જગતના સ્વામી, કૃષ્ણદેવ તમે બહુનામી ।

મારા ઇષ્ટદેવ કૃષ્ણ જેહ, પૂરણ પુરૂષોત્તમ તમે તેહ ।।૨૮।।

કરવા સત્ય પોતાનું વચન, મારા પુત્ર થયા ભગવન ।

તમે સ્વતંત્ર છો ભગવાન, પૂર્વે આપ્યું તું મુજને જ્ઞાન ।।૨૯।।

સાક્ષાતકાર જનમ સમે, મને જણાણાતા પ્રભુ તમે ।

તેહ જ્ઞાન કાળ વેગે કરી, મને વિસરી ગયું તું હરિ ।।૩૦।।

હવે આજથકી જ્ઞાન એહ, વિસરીમાં જાજયો માગું તેહ ।

કહું તમને સુણો દયાળ, આવ્યો છે સમીપે દેહ કાળ ।।૩૧।।

પાંચ છો દિને તન છુટશે, કાચો કુંભ તે નિશ્ચે ફુટશે ।

તેનો ભય નથી મન મારે, દઢ આશ્રયે કરી તમારે ।।૩૨।।

પણ એક ખેદ મનમાંય, વિરહ તમારો નહિ સહેવાય ।

માટે ફરી જન્મ થાઓ મારો, પણ વિયોગ માં થાઓ તમારો ।।૩૩।।

એવો વર માગું તમ પાસ, આપો દયા કરી અવિનાશ ।

એવાં સુણી ધર્મનાં વચન, બોલ્યા આપે પોતે ભગવન ।।૩૪।।

કહ્યું તાત સુણો મારી વાત, મારૂં સ્વરૂપ જાણ્યું સાક્ષાત ।

થયું યથારથ જ્ઞાન મારૂં, એતો થયું છે અતિશે સારૂં ।।૩૫।।

કાંઇ જાણવા પામવા માંઇ, કેડે રહ્યું નથી બાકી કાંઇ ।

તમે પૂરણકામ છો તાત, માનો કૃતારથ કહું વાત ।।૩૬।।

માટે ભૌતિક દેહને ત્યાગી, દિવ્ય દેહ પામો બડભાગી ।

સર્વે સંબંધી ભેળા તમે તાત, રહેશો મારી પાસે સાક્ષાત ।।૩૭।।

એમાં સંશય નથી લગાર, તજો ચિંતા તમે આણીવાર ।

થાઓ નિઃસંગ સર્વથી ધર્મ, કહું આ સમે સમજો મર્મ ।।૩૮।।

મુજ પરાયણ થાઓ તાત, શુદ્ધ મને કરી કહું વાત ।

નિજ આતમામાં મારૂં ધ્યાન, કરો અતિ પ્રીતે ગુણવાન ।।૩૯।।

કહું સાંભળજયો સહુ જન, કહ્યાં તાતને એવાં વચન ।

સુણી રાજી થયા ધર્મદેવ, કર્યો નમસ્કાર તતખેવ ।।૪૦।।

પછી ધર્મ બોલ્યા તેહ વાર, તમે કર્યો મુંપર ઉપકાર ।

તેના પ્રતિ ઉપકાર માંઇ, હાથ જોડ્યા વિના નથી કાંઇ ।।૪૧।।

માટે ચરણકમળ તમારે, કરૂં વંદન વારમવારે ।

એવું સુણી પોતે ભગવાન, કર્યું તાતનું બહુ સનમાન ।।૪૨।।

પછી ધર્મે તેડ્યા સુત દોય, રામપ્રતાપ મોટેરા સોય ।

નાના સુત ઇચ્છારામ જેહ, પોતા પાસળે તેડાવ્યા તેહ ।।૪૩।।

મૃત્યું સમય જાણીને ધર્મ, સમજાવે છે સુતને મર્મ ।

હરિજ્ઞાનરૂપ ચિંતામણિ, દેવા ઇછ્યા છે સુતને ઘણી ।।૪૪।।

જેમ મૃત્યું ટાણે કોઇ જન, સોંપે પોતાના પુત્રને ધન ।

તેમ હરિજીના જ્ઞાનરૂપ, ઇછ્યા સુતને દેવા અનૂપ ।।૪૫।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદ સ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે ધર્મસમાધિ નામે પચીસમું પ્રકરણમ્ ।।૨૫।।