પૂર્વછાયો- વળી વળી શું હું વર્ણવું, ભાઇ પરચાનો નહિ પાર ।
દુઃખ પડે જયારે દાસને, ત્યારે તર્ત કરે હરિ વાર ।।૧।।
વિપત પડ્યે નહિ વેગળા, રહે ભક્ત ભેળા ભગવાન ।
તેણે મગન મનમાં, હંમેશે રહે હરિજન ।।૨।।
અંગે ખુમારી ન ઉતરે, શ્રીહરિની સામર્થી જોઇ ।
નરનારી નિર્ભય રહે, મન ભય ન માને કોઇ ।।૩।।
દેહછતાં દુઃખિયા નહિ, મુવા પછી જાવું બ્રહ્મમોલ ।
પેખી પ્રતાપ એ નાથનો, તેણે અંગે સુખ અતોલ ।।૪।।
ચોપાઇ- એક પરચો કહું અનુપ, સારો સુણ્યા જેવો સુખરૂપ ।
હરિ હતા તે હાલાર દેશ, ત્યાંથી કર્યો કચ્છે પરવેશ ।।૫।।
એક સેવક સંગે લઇને, ચાલ્યા રણની વાટે વઇને ।
મારગમાં ચાલતાં મહારાજ, કર્યાં કંઇક જનનાં કાજ ।।૬।।
એક વિપ્ર દારિદરી દીન, અન્ન વસ્ત્રે કરી અતિ ખીન્ન ।
તેને આપિયાં વસ્ત્ર ઉતારી, પેંડા પાક ને સુખડી સારી ।।૭।।
કાપી દરિદ્ર એનું દયાળ, ચાલ્યા ત્યાંથી જન પ્રતિપાળ ।
વાટે ચાલતાં ન કરે વેલ, અતિ ત્યાગી અંગે અલબેલ ।।૮।।
આવ્યા સમુદ્ર સમીપે શ્યામ, પડી સાંજ રહેવા નહિ ઠામ ।
લાગી પ્યાસ ને પીડાણા પ્રાણ, સુક્યો કંઠ ન બોલાય વાણ ।।૯।।
લાગ્યા કાંટા ને કાંકરા વળી, અતિ થાકમાં પડિયા ઢળી ।
એહ માંહિલું ન ગણ્યું દુઃખ, ચાલો ચાલશું કહે શ્રીમુખ ।।૧૦।।
એમ કહી ઉઠ્યા અવિનાશ, એક સેવક છે પોતા પાસ ।
તેતો પામિયો પીડા અપાર, પ્રાણ તજવા થયો તૈયાર ।।૧૧।।
પડ્યો ઉષર જળમાં આપ, પ્યાસ ભૂખ દુઃખ ને સંતાપ ।
કંઠે આવી રહ્યા જયારે પ્રાણ, ત્યારે બોલિયા શ્યામ સુજાણ ।।૧૨।।
સુણો દાસ કહે અવિનાશ, પિવો જળ જો હોય પિયાસ ।
કહે દાસ પિયાસ છે ભારી, કેમ પિવાય ખારૂં આ વારી ।।૧૩।।
કહે નાથ નથી ખારૂં નીર, પિવો જળ જે રહે શરીર ।
ત્યારે વિશ્વાસી દાસે તે પીધું, વાલે ગંગાજળ જેવું કીધું ।।૧૪।।
પીધું પાણી ને ગઇ પિયાસ, એમ ઉગારીયો નિજદાસ ।
ખારો સાગર મીઠોજ કીધો, એવો પરચો પ્રભુજીયે દીધો ।।૧૫।।
એહ સમે પુરૂષ અલૌકિ, ગયા મોહન મુખ વિલોકી ।
પછી ત્યાંથી ચાલ્યા સુખકારી, થયું જેવું હતું એવું વારી ।।૧૬।।
એમ આપ્યો પરચો અવિનાશે, જેવો દેખ્યો તેવો લખ્યો દાસે ।
પછી ત્યાંથી ચાલ્યા બહુનામી, આવી મળ્યા રામાનંદ સ્વામી ।।૧૭।।
તેને પાય લાગ્યા જોડી હાથ, પછી ત્યાં થકી ચાલિયા નાથ ।
આવ્યું એક તળાવ અરણ્ય, રહ્યા રાત્ય ત્યાં અશરણશરણ ।।૧૮।।
પોઢી જાગિયા પ્રાણજીવન, જોઇ રાજી ને પૂછે છે જન ।
કાલ્ય પાણીમાં પુરૂષ મળ્યો, તેતો નાથજી મેં નવ કળ્યો ।।૧૯।।
થયું ખારૂં મીઠું કેમ વારી, તમે નમ્યા કેને સુખકારી ।
કહે નાથ જન મન જાણ્ય, મળ્યો પુરૂષ તે મુક્ત પ્રમાણ ।।૨૦।।
કર્યું ખારૂં તે મીઠું મેં પાણી, તારી પ્યાસની પીડા મેં જાણી ।
પછી મળ્યા રામાનંદ સ્વામી, તેને ચાલ્યા અમે શિશ નામી ।।૨૧।।
બીજા પુરૂષ અલૌકિક બહુ, આવે જાય આંહિ નિત્ય સહુ ।
એવી વાત કરી અવિનાશે, સુણી શ્રીમુખથી નિજ દાસે ।।૨૨।।
એવી કહી અલૌકિક વિધ્ધ, કર્યું પાણી મીઠું પરસિધ્ધ ।
એમ આપી પરચો મહારાજ, કયુર્ં નિજ સેવકનું કાજ ।।૨૩।।
જેની કરી શ્રીહરિએ સાર, તેનું નામ લાલજી સુતાર ।
વળી બીજી કહું એક વાત, સ્વામી સચ્ચિદાનંદની વિખ્યાત ।।૨૪।।
થયો જે દિનનો સતસંગ, થયું તે દિનું અલૌકિ અંગ ।
હરે ફરે કરે કાંઇ કામ, રહી હરિમાંહિ આઠું જામ ।।૨૫।।
અતિ પ્રેમી સનેહી અમળ, પ્રભુ વિના ન રહેવાય પળ ।
જો ન દેખે નયણે દયાળ, તો ન રહે શરીર સંભાળ ।।૨૬।।
નાથ ન દીઠે ન રહે ધીર, વહે નવ દ્વારે રૂધિર ।
જીવે હરિની મૂરતિ જોઇ, જો ન દેખે પડે દ્રગે લોઇ ।।૨૭।।
એવા હેતવાળા હંસરૂપ, કહું તેહની વાત અનુપ ।
જયારે પોત્યે હતા ઘરમાંઇ, દેવ દેવી ન માનતા કાંઇ ।।૨૮।।
એવું જાણી ભુવા ભેળા થયા, કહે મારીયે આજ અજીયા ।
અતિ ધુણે દિયે ધુધકારી, નાપ્ય પરચા તો નાખીયે મારી ।।૨૯।।
દઇ ડારો અતિ અકળાવ્યો, દુષ્ટે હરિજનને ડરાવ્યો ।
તેની વાર કરવા મહારાજ, આવ્યા અલબેલો અધિરાજ ।।૩૦।।
કહે આવો પરચો હું આપું, પાપી મસ્તક તમારાં કાપુ ।
મારા દાસને આપ્યું જે દુઃખ, વાત આજ તમારી વિમુખ ।।૩૧।।
એવું સાંભળી ભાગ્યા છે ભુવા, માન્યું મનમાં જે હવે મુવા ।
બીજા આવી લાગ્યા હરિપાય, એમ કરી સેવકની સહાય ।।૩૨।।
કહે નાથ તું સાંભળ જન, કશો ભય મ રાખીશ મન ।
એમ વાર કરી વાલો વળ્યા, આપ્યો પરચો અઢળ ઢળ્યા ।।૩૩।।
વળી એક દિવસને માંય, કરી સચ્ચિદાનંદની સહાય ।
સચ્ચિદાનંદ દર્શન કાજે, ચાલ્યા કચ્છદેશ બેસી ઝાઝે ।।૩૪।।
સંભારી શ્રીહરિની મૂરતિ, આવ્યું અંગમાં આનંદ અતિ ।
તેણે ન રહ્યા નાડી ને પ્રાણ, મુક્યો દેહ મળિયાં એંધાણ ।।૩૫।।
તેને વહી ગયા દિવસ ત્રણ, શ્વાસ ન ચાલે પામિયા મરણ ।
પછી કાષ્ઠમાં ખડકી કાયા, દેવા અગની તૈયાર થયા ।।૩૬।।
તેહ સમે આવ્યા સુખકંદ, સાર લેવા સ્વામી સહજાનંદ ।
ચિતામાંહિથી ઉઠાડ્યો દાસ, આપ્યો પરચો એ અવિનાશ ।।૩૭।।
આવ્યાતા આભડવા જે જન, તેતો આશ્ચર્ય પામિયા મન ।
પછી આવી લાગ્યા સહુ પાય, કહે હરિએ કરી સહાય ।।૩૮।।
વળી એક દિવસની વાત, વરસે અખંડ ધાર વર્ષાત ।
આવી નદી ભરપુર ભારી, વહે અતિ વેગમાંહિ વારી ।।૩૯।।
તે ઉતરવા કર્યો વિચાર, પડ્યા પોતે તે પાણીમોઝાર ।
પગ ન ટક્યો તણાણા ત્યારે, તેહ સમે આવ્યા વાલો વારે ।।૪૦।।
ઝાલી બાંય ને કાઢિયા બહાર, દિયે ઠપકો વારમવાર ।
હવે કરીશમાં આવું ફરી, એમ કહીને સધાવ્યા હરિ ।।૪૧।।
બૂડતાં દાસ ઉગારી લીધો, એમ પરચો અલબેલે દીધો ।
વળી કહું તે એક દિવસ, પ્રભુ પ્રીત્યમાં થયા પરવશ ।।૪૨।।
પિંડ બ્રહ્માંડ ન રહ્યું ભાન, કરતાં શ્રીજીમહારાજનું ધ્યાન ।
જાણી બાવરા બેડી પહેરાવી, ભાંગી બેડી અલબેલે આવી ।।૪૩।।
ત્યારે ઘરમાં ઘાલી દીધું તાળું, રાખ્યું રખવાળે રખવાળું ।
તે માંહિથી વાલો કાઢી ગયા, તાળાં કમાડ તે દીધાં રહ્યાં ।।૪૪।।
જોઇ આશ્ચર્ય પામિયા જન, સચ્ચિદાનંદજી ધન્ય ધન્ય ।
એહ આપ્યો પરચો દયાળે, દીનબંધુ જનપ્રતિપાળે ।।૪૫।।
વળી એક દિવસ નિદાન, આવ્યું ટુંટિયું મૂરતિમાન ।
કહે કાયામાં પ્રવેશ કરી, તારા પ્રાણ લઇશ હું હરિ ।।૪૬।।
ત્યારે સચ્ચિદાનંદ કહે સારૂં, આવ્ય રૂપ બદલીને તારૂં ।
પછી પ્રકાશરૂપે તે પેઠું, આવી નાભિકમળમાં બેઠું ।।૪૭।।
પછી સચ્ચિદાનંદે તે જાણી, લીધી કર પગની નાડી તાણી ।
પછી પ્રકટાવી જઠર ઝાળ, બળવા લાગ્યું ટુંટિયું તે કાળ ।।૪૮।।
કહે આજ મુજને ઉગારો, કેદી ન કરૂં છેડ તમારો ।
પછી ગયું દઇ વરદાન, પૂર્યો પરચો શ્રીભગવાન ।।૪૯।।
એમ સચ્ચિદાનંદજી સંત, પામ્યા પરચા ભજી ભગવંત ।
તેતો લખતાં ન લૈયે પાર, જે જે પૂર્યા છે પ્રાણઆધાર ।।૫૦।।
પડે કષ્ટ જનને જો કાંઇ, કરે સહાય હરિ તે માંઇ ।
તેણે વર્તે છે અતિ આનંદ, કહું સુણો સહુ જન વૃંદ ।।૫૧।।
ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે નિષ્કુળાનંદ સ્વામી તથા સચ્ચિદાનંદ સ્વામી એ આદિને પરચા પૂર્યા એ નામે એકસો ને ચોત્રિશમું પ્રકરણમ્ ।।૧૩૪।।