રાગ સામેરી-
શુભમતિ તમે સહુ મળી, સુંણો અદેવનો ઉપાય ।
વૈર જેને નથી વિસર્યું, છે શત્રુતા શ્રીહરિ માંય ।।૧।।
દેવાસુર સંગ્રામ માંહિ, હરિ સહાયથી મુવા અદેવ ।
તેણે કરી હરિ અરિ જાણી, તતપર થયા તતખેવ ।।૨।।
વળી દ્વાપર કળિની સંધે, આપે હણ્યા હરિએ અસંત ।
જે પશુ પક્ષી અજગર નરમાં, રહ્યાતા સંતાઇ અનંત ।।૩।।
જેને શ્રીકૃષ્ણે હાથે હણ્યા, તેતો પામિયા પદ નિર્વાણ ।
પણ જિયાં તિયાં યુધ્ધે મુવા, તે સર્વે થયા અસુરાણ ।।૪।।
અતિ વિષય વાસના વાળા, વૈર કૃષ્ણ સાથે વાળવા ।
અસદ્ગતિ પામી અવતર્યા, દૈત્ય હજારે હજાર હવા ।।૫।।
અસુર વૈરી આગલ્યા, આવ્યા અઘભર્યા અદેવ અતિ ।
ધર્મ હરિનો જનમ જાણી, પીડા કરવા છે મતિ ।।૬।।
દેવ દાનવ દૈત્ય દુષ્ટ, યક્ષ રાક્ષસ જે કહેવાય ।
વૈર વાળવા વેષ બદલી, રહ્યા ત્રણ સ્થળને માંય ।।૭।।
વામી શૈવી ને વૈષ્ણવી, દનુજે દીક્ષા લીધી કઇ ।
ધર્મનો અતિ દ્વેષ કરવા, સાધુ સરિખા થયા સઇ ।।૮।।
કેટલેક ધર્યા તન દ્વિજમાં, કેટલાક રાજામાં રહ્યા ।
કેટલાક વસિયા વૈશ્યમાં, કેટલાક શુદ્રમાં થયા ।।૯।।
ત્યાગી વૈરાગી તપસ્વી, કુંડ ઢુંઢ ને કબિરિયા ।
પીર ફકિર પંડિતમાં, દનુજ દેહ ધરી રહ્યા ।।૧૦।।
અધિપતિ એમાં થઇ, શિષ્યશાખા બહોળા કર્યા ।
નિઃશંક થઇ નર નારકી, અધર્મને અતિ આચર્યા ।।૧૧।।
પુંશ્ચલી સ્વૈરિણી કામિની, બળી બગાસે નારી નિસરી ।
એવા અસુર નર જેહ, તે બેઠા એ ત્રણ્યેને વરી ।।૧૨।।
જેવા અદેવ નર અભાગી, તેવી પત્નિયો તેને મળી ।
ધર્મનો અતિ દ્વેષ કરવા, વડો આગ્રહ માંડ્યો વળી ।।૧૩।।
કહે દેવ પિતૃના શ્રાદ્ધમાં, મદ્ય માંસ જેવું કાંઇ નથી ।
જો ઇચ્છો અચિર ફળ પામવા, તો પૂજજયો સહુ એહથી ।।૧૪।।
જિજ્ઞાસુ જીવ જગતમાં, દૈવીસર્ગના જે હતા ।
તેને એવો ઉપદેશ આપી, પાપીએ કર્યા પાપ કરતા ।।૧૫।।
ધર્મની ઓઠ્ય લઇ અધર્મી, ધિરવી ધન નારી હરે ।
શાસ્ત્રના અર્થ ફેરવી, પ્રેરે જેમ પોતે કરે ।।૧૬।।
કહે વેદમાં એહ ભેદ છે, પશુ મારી કરવો જગનને ।
વામ વારૂણી સંગ વિના, નહિ પામો આત્મદર્શનને ।।૧૭।।
પોતાના ઇષ્ટદેવ મંદિરમાં, દિયે પરત્રિયા ઋતુ દાન જો ।
એહ તુલ્ય કોઇ પુણ્ય નહિ, એહ મોટો ઉપકાર માનજયો ।।૧૮।।
એવી રીતે અસુર નર, ધર્મનું ખંડન કરે ।
વૈર છે જેને કૃષ્ણશું, એવે આદરે અહોનિશ ફરે ।।૧૯।।
વળી વર્ણાશ્રમમાં રહી, અસુર કરે છે અસુરપણું ।
શત્રુભાવ શ્રીકૃષ્ણ સાથે, વૈર વાવરે છે અતિ ઘણું ।।૨૦।।
દ્વિજકુળે જેણે તન ધર્યાં, તે મકાર મહાત્મ્ય કહે કથી ।
મદ્ય માંસ મૈથુન જેવું, કલ્યાણ અર્થે કોઇ નથી ।।૨૧।।
કહે વેદમાં એહ ભેદ છે, વળી ભ્રષ્ટ ભક્તિ છે બધી ।
અણસમજુ એમ જાણે જે, આ વણશી ગયા વટલી ।।૨૨।।
ઉત્તમ મધ્યમ માને અજ્ઞાની, પણ આત્માતો એક છે ।
તેમાં વર્ણાશ્રમ વિધિ, એજ મોટો અવિવેક છે ।।૨૩।।
એવો અસુર ઉપદેશ આપી, કાપી પાપીએ જડ ધર્મની ।
આપી મતિ અવળી અતિ, વાટ બતાવી કુકર્મની ।।૨૪।।
વળી અસુર અવતર્યા, ક્ષત્રિ કુળ માંહિ ખરા ।
દ્વેષી જેહ છે ધર્મના, તેણે પાપી કર્યા નારી નરા ।।૨૫।।
નરપતિ કુમતિ અતિ, પર પત્નિને પરાણે હરે ।
પ્રજા પીડે પાપી અતિ, ગતિ પારકા ઘરમાં કરે ।।૨૬।।
વિના વાંકે વાંક દઇને, પ્રજાને પીડે ઘણું ।
પ્રપંચ કરે ધન હરે, એમ કરે વિત્ત આપણું ।।૨૭।।
સબળ નિર્બળ ન્યાયમાં, અધર્મને આગળ કરે ।
લાંચ લઇ દોષ દઇ, ન્યાયનો અન્યાય કરે ।।૨૮।।
વેદ શાસ્ત્ર સંતની વળી, કુળ મર્યાદા નહિ રતિ ।
સત્યવાદી સંત દેખી, અંતરમાં દાઝે અતિ ।।૨૯।।
પાપ કરતા ધન હરતા, રમતા પરનારી સંગે ।
કપટી લંપટી કુડાબોલા, ગુહ્ય વારતા એવા સંગે ।।૩૦।।
પ્રભુપણું પોતામાં પરઠી, કૃષ્ણસમ ર્કીિત ગમે ।
રમણીને કહે રાધિકા, રસિયા થઇ પોતે રમે ।।૩૧।।
એમ અદેવ અરિપણું, પ્રગટ પાળે પ્રસિદ્ધ શું ।
ધર્મ ભક્તિ કૃષ્ણ સાથે, વૈર જેને બહુ વિધશું ।।૩૨।।
વળી વૈશ્ય જાતિમાં, અસુરજન જે અવતર્યા ।
વિશ્વાસઘાતી લખે પાતિ, કુડ કપટ દગે ભર્યા ।।૩૩।।
છળ કળ ને છેતરવું, દેશભાષાની જાણે કળા ।
ધર્મમાં નહિ ઢુકડા, અધર્મ કરવા ઉતાવળા ।।૩૪।।
શુદ્રમાં સંતાઇ રહ્યા, દૈત્ય દાનવ દગે ભર્યા ।
કૃષ્ણશું કલેશ કરવા, કઇક એમાં અવતર્યા ।।૩૫।।
અતિ પાપી માંસ સુરાપી, મારે પશુ વન ગામનાં ।
ખર સૂકર કુકર કપિ, કરિ ચકાસમ કામના ।।૩૬।।
જેવા એ વર્ણ તેવાજ આશ્રમ, પાપિના પાપી ગુરૂ ।
અધર્મને મહા ધર્મ માન્યો, વાત તેની હું શું કરૂં ।।૩૭।।
બ્રહ્મચારી ભંગી નવલ રંગી, સંગી ધન નારીતણા ।
પંચ કેશે ફરે વિદેશે, પિવે પ્યાલા મદ્યના ઘણા ।।૩૮।।
ગૃહી અતિ નિર્દય થઇ, અભ્યાગતનું અપમાન કરે ।
અન્ન ન આપે સામું સંતાપે, પેટ કુટુંબનું પોતે ભરે ।।૩૯।।
વાનપ્રસ્થ વિશ્વમાંહિ, ધર્મ કોઇ ધારતું નથી ।
અતિ કામી લુણહરામી, પાપી પરદારા પથી ।।૪૦।।
થઇ સંન્યાસી ફરે ઉદાસી, પ્યાસી પૈસા નાર્યના ।
કરી કાષાયાંબર સુંદર અંગે, હૈયે ભર્યા હિંગાર્યના ।।૪૧।।
મતિ મેલી અતિ ફેલી, શેલી ભુંશિ સિદ્ધ થયા ।
ધર્મહિણા બુદ્ધિક્ષિણા, દિલમાં ન મળે દયા ।।૪૨।।
કુપંથ કળિ કાળમાં, બગડેલ મત બોળા થયા ।
કુંડ ઢુંઢ ને જાુલાહ જેવા, કુમતિ મતિ ગ્રહિ રહ્યા ।।૪૩।।
વેદ વિપ્ર સંત શાસ્ત્ર, માને નહિ મૂઢમતિ ।
અવતાર સર્વે કહે ઓરા, પોતાનું આઘું અતિ ।।૪૪।।
પ્રભુનો પ્રતાપ મુકી, કર્મના ગુણ ગાય છે ।
અનેક જીવ કરી આગળ્યે, વળી જમપુરી જાય છે ।।૪૫।।
સુંદર નારી જોઇ સારી, વાતમાં લઇ વશ કરે ।
વિધવા શું વિહાર કરતા, મુર્ખ મનમાં નવ ડરે ।।૪૬।।
અતિપાપી પલ સુરાપી, ગર્ભ ગાળે વળી નારના ।
એવા જગતમાં સાધુ કહાવે, તે શબ્દ ઘા તરવારના ।।૪૭।।
અંતર ખોટા બાહેર મોટા, અધર્મ રહ્યા આચરી ।
એવે સાધુ નામને, ખોટ્ય મોટી દિધી ખરી ।।૪૮।।
નામ વૈરાગી વૈરાગ્ય નહિ, વાટે ઘાટે વશ્યા જઇ ।
ગુરુ થઇ દંભ ફુંક દઇ, એમ જીવ ઠગ્યા કઇ ।।૪૯।।
ડાહ્યા પ્રપંચ દંભમાં, માયા શિષ્યની લેવા સઇ ।
આશા તૃષ્ણા અતિઘણી, કામ ક્રોધ ઘટમાં કઇ ।।૫૦।।
ખબરદાર ખાન પાનમાં, દામ વામના ભુખ્યા ભમે ।
એવા અસુર ગુરુ થઇ, ધર્મને અહોનિશ દમે ।।૫૧।।
ભામિનિયોને ભાવતી, વળી ભક્ત ભક્તિ આદરે ।
ખેલ ઉત્સવ ઓસર મેળા, ભેળા થઇ ભુંડાઇ કરે ।।૫૨।।
ભક્તિ નામે ભષ્ટવાડો, આચરણ એ અસુર તણાં ।
નરનારી વિકાર વિના, ગોતતાં ન મળે ઘણાં ।।૫૩।।
અઘવંતા નર અતિ ઘણા, માત પિતા ગુરુના ઘાતકી ।
કુકર્મી કામી હરામી, કહીએ મહા પંચ પાતકી ।।૫૪।।
બેન બેટી માસી માતા, અનુજવધુ સુતપ્રિયા ।
ગોત્ર નારી નવ ગણે, અદેવ જગમાં એવા થયા ।।૫૫।।
ભ્રાત તાત કાકો મામો, કામે જુવે સુત કામિની ।
એવી કુલટા કરી અસુરે, ભવમાં બહુ ભામિની ।।૫૬।।
વિધવા નારી અપાર કામી, નર વિના નવ રહી શકે ।
વર્ષે વર્ષે ગર્ભ ગાળે, બિયે નહિ પાપ થકે ।।૫૭।।
એમ અસુર ઉપદેશથી, નરનારી નિયમમાં ન રહ્યાં ।
અન્યો અન્ય એબે ભર્યાં, સર્વે જન સરખાં થયાં ।।૫૮।।
ભલું કુળ બ્રાહ્મણ તણું, જેમાં સદ્ગ્રંથ અતિ નિર્મળા ।
તેમાં અસુર અવતરી, કર્યા ગ્રંથ અર્થ અવળા ।।૫૯।।
રૂડું કુળ રાજાતણું, જેમાં ભક્ત બહુ હરિના થયા ।
તેમાં દૈત્ય પ્રકટિને, અધર્મ સર્વે રાખી રહ્યા ।।૬૦।।
પુષ્ટિ કરવા પાપની, નવા ગ્રંથ નિપજાવીયા ।
સંસ્કૃત પ્રાકૃત શબ્દે, જીવ બહુ ભરમાવિયા ।।૬૧।।
એવે પાપે કરી પૃથ્વી, વારમવાર કંપે વળી ।
સત્ય ધર્મ તીર્થ દેવતા, પામ્યા પીડા સહુ મળી ।।૬૨।।
પડે દુકાળ બહુ દામિની, ચાલે વાયુવેગે વૃક્ષ પડે ।
એવા ઉપદ્રવ અતિશે, પ્રાણધારી સહુને નડે ।।૬૩।।
અતિપીડા અધર્મથી, ચરાચર સહુ પામિયા ।
ત્યારે ભક્તિ ધર્મ ઋષિ, પ્રકટ્યાં કરી દયા ।।૬૪।।
ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદ સ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે અસુર ઉદ્ભવ નામે નવમું પ્રકરણમ્ ।।૯।।