અધ્યાય ૧ - સત્સંગિજીવન ગ્રંથના માહાત્મ્યમાં શતાનંદ સ્વામી અને હેમંતસિંહ રાજાના સંવાદ

Submitted by swaminarayanworld on Sat, 24/06/2017 - 3:43pm

અધ્યાય ૧ - સત્સંગિજીવન ગ્રંથના માહાત્મ્યમાં શતાનંદ સ્વામી અને હેમંતસિંહ રાજાના સંવાદ

સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી શ્રીહરિનું પ્રથમ ધ્યાનાત્મક મંગલાચરણ કરે છે :-


સદ્બુદ્ધિને આપનારા શ્રીહરિનું હું સદાય ધ્યાન કરું છું. આ શ્રીહરિ ઇશ્વરોના પણ ઇશ્વર છે. પોતાના અક્ષરધામમાં દિવ્ય સ્વરૂપને ધારણ કરી અખંડ વિરાજે છે. મુક્તોના મંડળો આદરપૂર્વક જેમનું સદાય સેવન કરે છે. એજ ભગવાન દયાએ કરીને આ પૃથ્વી પર અધર્મને નિર્મૂળ કરવા, સાધુ અને શુભ ધર્મનું સંરક્ષણ કરવા તેમજ મનુષ્યોનું કલ્યાણ કરવા ધર્મદેવથકી ભક્તિદેવીને ત્યાં પ્રગટ થયા છે.૧


જેણે ભાવિ મુમુક્ષુજનોના મોક્ષ માટે શતાનંદમુનિ પાસે સત્સંગિજીવન નામે ગ્રંથની રચના કરાવી છે એવા ધર્મનંદન શ્રીહરિને હું નમસ્કાર કરું છું. ૨


માહાત્મ્ય ગ્રંથ રચવાનો હેતુ :- આ સત્સંગિજીવન ગ્રંથનું માહાત્મ્ય ભગવાન શ્રીહરિ અને તેમના એકાંતિક ભક્તોની પ્રસન્નતા માટે મુક્તાનંદ નામે હું આદરથી રચું છું. ૩


અભૂતપૂર્વ સભાનું આયોજન :- શ્રીહરિના નિવાસના કારણે અપૂર્વ શોભાસંપન્ન-ગઢપુરમાં ઉત્તમરાજાના દરબારમાં શ્રીગોપીનાથજી મહારાજના અતિશય વિશાળ, રમણીય મંદિરમાં શ્રીહરિના અંતર્ધાન થયા બાદ કેટલાક મહિનાઓ પછી એક સમયે મોટી સભાનું આયોન થયું. ૪-૫


તે સભામાં આચાર્યને શોભાવે તેવા સદ્બુદ્ધિમાન શ્રીઅયોધ્યાપ્રસાદજી મહારાજ અને શ્રીરઘુવીરજી મહારાજ, તેમજ હું (મુક્તાનંદ) આદિ સર્વે સંતો, મુકુન્દાનંદ આદિ સર્વે બ્રહ્મચારીઓ અને મયારામ આદિ શ્રીહરિના આશ્રિત ગૃહસ્થ ભક્તો યથા યોગ્ય સ્થાને બેઠા હતા. ૬-૭


ગ્રંથકર્તા શતાનંદ સ્વામીનું આગમન :- શ્રીહરિના ધ્યાનમાં મનને એકાગ્ર કરનાર મહામુનિ શતાનંદ સ્વામી 'અપૂર્વ મહાસભાનું આયોજન થયું છે, એમ જાણી હર્ષપૂર્વક ત્યાં આવ્યા. વેદાદિ સત્શાસ્ત્રમાં પ્રવીણ શતાનંદ સ્વામીને આવતા જોઇ સભામાં ઉપસ્થિત સર્વે ઊભા થયા અને તેમને સુંદર આસન પર હર્ષથી બેસાડયા. ૮-૯


આચાર્યશ્રીઓની કથા શ્રવણની ઇચ્છા :- ત્યારપછી આચાર્યશ્રીઓ તેમના પ્રત્યે કહેવા લાગ્યા કે હે મુનિ ! તમોએ શ્રીહરિની આજ્ઞાથી મોક્ષને આપનાર 'સત્સંગિજીવન' નામના ગ્રંથની રચના કરી છે.મહામેધાવી આપના મુખેથી અમે એ ગ્રંથની કથા સાંભળવા ઇચ્છીએ છીએ. કારણકે આ લોકમાં મનુષ્યજન્મની સફળતા ભગવાનની કથા સાંભળવાથી જ થાય છે. ૧૦-૧૧


આ પ્રમાણે આચાર્યશ્રીઓનું વચન સાંભળી શતાનંદ સ્વામી અતિ હર્ષ પામ્યા અને એકાગ્રચિત્તવાળા તે સર્વેને પ્રેમથી સત્સંગિજીવન ગ્રંથની કથા સંભળાવી. અને તે સર્વે ભક્તજનોએ ઉત્તમરાજાના દરબારમાં સજાવેલા શ્રેષ્ઠ સભામંડપમાં તેમના મુખેથી આ પૂણ્યકારી કથાનું શ્રવણ કર્યું. ૧૨-૧૩


હેમંતસિંહરાજાના પ્રશ્ન સાથે આ ભવ્ય ગ્રંથ માહાત્મ્યનું સવિસ્તર વર્ણન :- એ કથાની સમાપ્તિ બાદ એક વખત સભામાં બેઠેલા શતાનંદ સ્વામીને શ્રીહરિના એકાંતિક ભક્ત હેમંતસિંહ રાજાએ હાથ જોડીને પ્રશ્ન કર્યો. હે મહામુનિ ! આપે રચેલા ગ્રંથરાજ સત્સંગિજીવન ગ્રંથનું માહાત્મ્ય સાંભળવા ઇચ્છું છું. આપ મને એ માહાત્મ્યની કથા સંભળાવો. ૧૪-૧૫


હે મુનિ ! આ ગ્રંથના શ્રવણમાં કોને અધિકાર છે ? ગ્રંથને સાંભળવાનું ફળ શું છે ? આ ગ્રંથનું શ્રવણ કેવી જગ્યાએ બેસીને કયા સમયે કરવું જોઇએ ? હે મુનિ ! આ ગ્રંથની કથા કરનારા વક્તાનાં લક્ષણ કેવાં હોવાં જોઇએ ? અને શ્રોતાઓનાં લક્ષણ કેવાં હોવાં જોઇએ ? આ ગ્રંથની કથાનું શ્રવણ કરી વાંચનાર વક્તાને શું આપવું જોઇએ ? ૧૬-૧૭

 

આ પ્રમાણે જિજ્ઞાસુ હેમંતસિંહ રાજાએ મોટા આદરથી પૂછયું તેથી મહામુનિ શતાનંદ સ્વામી પ્રસન્ન થયા અને આ પ્રમાણે કહેવા લાગ્યા.૧૮


શતાનંદ સ્વામી કહે છે, હે રાજન્ ! તમે બહુજ સારો પ્રશ્ન કર્યો છે. તમારો આ પ્રશ્ન સર્વજીવનું હિત કરનાર છે. તમારા પ્રશ્ન અનુસાર હું તમને ઉત્તર આપું છું. ૧૮-૧૯


ગ્રંથ મહિમા :- હે રાજન્ ! આ સત્સંગિજીવન સત્શાસ્ત્ર તો ઇતિહાસ, પુરાણો, વેદ, સાંખ્ય, યોગ, સર્વે સ્મૃતિ રૂપે રહેલાં ધર્મશાસ્ત્રો, વેદાંત, રામાયણ આદિ સત્શાસ્ત્રોના સારરૂપ સર્વોત્તમ છે, અને સંસારના ભયને નાશ કરનાર છે. ૨૦-૨૧

 

આ ગ્રંથમાં આત્યંતિક મોક્ષના હેતુરૂપ એટલે કે- સાધનરૂપ તેમજ પાપને બાળી નાખનાર એકાંતિક ધર્મનું અતિશય સ્પષ્ટપણે વર્ણન કરેલું છે. ૨૨


સત્સંગિજીવન એટલે મહાનૌકા :- શ્રીમાન્ શ્રીહરિની અંતર્ધાનલીલા પછીના સમસ્ત શરીરધારીઓને આ સંસાર સાગર તરવા માટે આ ગ્રંથ નૌકારૂપ છે. ૨૩


સત્સંગિજીવન એટલે અજ્ઞાનરૂપ અંધકારને દૂર કરનાર ઝળહળતો સૂર્ય :- ઇશ્વર, બ્રહ્મ, પરબ્રહ્મ, માયા અને જીવોના સ્વરૂપ સંબંધી સમજ ન હોવારૂપ અજ્ઞાન અંધકારનો વિનાશ કરવામાં આ ગ્રંથ સૂર્ય સમાન છે. આ શાસ્ત્રનું શ્રવણ કર્યા પછી શ્રોતાજનો અન્ય સર્વ શાસ્ત્રોનું અતિશય દુર્ગમ રહસ્ય પણ યથાર્થ જાણી શકે છે. હે પૃથ્વીપતિ ! શ્રીહરિના અનુગ્રહથી અને તેમની આજ્ઞાથી તેમની સમીપે જ નિવાસ કરીને મેં આ શુભ શાસ્ત્રની રચના કરી છી. ૨૪-૨૬


આ ગ્રંથ માટે શ્રીમુખના વખાણ :- આ સંપૂર્ણ શાસ્ત્રનું મારા થકી શ્રવણ કર્યા પછી શ્રીહરિ શ્રીમુખે આ પ્રમાણે બોલ્યા કે- આ રમણીય સત્સંગિજીવન શાસ્ત્ર સર્વશાસ્ત્રોમાં શિરોમણિ છે. એટલાજ માટે જન્મ-મરણરૂપ ભવરોગને નાશકરનારા સર્વ શાસ્ત્રોના સમૂહમાં આ સત્સંગિજીવન શાસ્ત્રનું માહાત્મ્ય મનુષ્યોએ સર્વોત્તમ જાણવું. અર્થાત્ બીજા શાસ્ત્રો થકી આ શાસ્ત્ર શ્રેષ્ઠ છે એમ જાણવું. આ શાસ્ત્રનું શ્રવણ મોટા સુકૃતને ઉત્પન્ન કરે છે, આ શાસ્ત્ર અતિ પવિત્ર છે, આ શાસ્ત્ર નિર્દોષ છે. ભગવાનના એકાંતિક ધર્મનું આ શાસ્ત્રમાં પ્રતિપાદન કરેલ હોવાથી આ શ્રેષ્ઠ ધર્મશાસ્ત્ર છે, આ શાસ્ત્ર ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિથી ભરપૂર છે. આ શાસ્ત્ર સત્પુરુષોએ નિરંતર સેવવા યોગ્ય છે. મનુષ્યોના પાપના સમૂહને શમાવનારું છે. કળિયુગના મેલને ધોનારું છે, સર્વપ્રકારની જડતારૂપ અંધકારને નિવારનારું છે, આ શાસ્ત્રની પ્રાપ્તિ પુણ્યશાળી આત્માઓનેજ થાય છે, પરંતુ બીજાને નહિ. ૨૭-૨૯


આ શાસ્ત્ર સમગ્ર ધર્મનો યથાર્થ નિર્ણય આપે છે. સમગ્ર શાસ્ત્રોના મતરૂપી ભ્રમને દૂર કરે છે. સમગ્ર જનોના ઇચ્છિત શ્રેષ્ઠ મનોરથોને પૂર્ણ કરે છે, આ શાસ્ત્ર સાંભળનાર સર્વજનોના કાન અને મન બન્નેને આનંદ ઉપજાવે છે, માટે અતિ ઉત્તમ છે. આ શાસ્ત્રનું શ્રવણ અનેક પ્રકારના સંશયરૂપી શલ્યોને અંતરમાંથી બહાર કાઢી નાખે છે. આ શાસ્ત્રની કથા સાંભળવા માત્રથી કુબુદ્ધિ હરાઇ જાય છે. કામ, ક્રોધાદિ અંતઃશત્રુઓના ભયને હરનારું આ શાસ્ત્ર ક્રાંતદર્શી કવિજનોના આભૂષણરૂપ છે, માટે જ આ પૃથ્વીપર આ શાસ્ત્ર સર્વોત્કર્ષરૂપે વર્તે છે. જેમ બહુ પ્રકારના દ્રવ્યોમાં નિધિ ઉત્તમ છે, વૃક્ષોના સમૂહમાં કલ્પતરુ ઉત્તમ છે અને સમસ્ત ગાયોમાં કામધેનુ ઉત્તમ છે, તેવી જ રીતે સર્વ શાસ્ત્રોમાં આ સત્સંગિજીવન શાસ્ત્ર ઉત્તમ માનેલું છે. ૩૦-૩૨


આ શાસ્ત્ર શ્રીહરિના ચરિત્રરૂપી અમૃતરસથી ભરપૂર હોવાથી તેનું શ્રવણ અને વર્ણન કરવા માત્રથી ત્રિવિધતાપને દૂર કરનારું છે. શ્રીહરિના ચરણારવિંદમાં પરમ ભક્તિને આપનારું છે. તેથી જ આ લોકમાં ભગવત ભક્તોને અતિશય પ્રિય છે.૩૩


આ શાસ્ત્રની બ્રહ્મા, ભવ આદિ દેવતાઓ પણ ઇચ્છા રાખે છે અને સાંભળવા માત્રથી શ્રોતાઓના દૂષણને ભેદી નાખે છે. તેમજ પ્રાણધારી સમસ્ત જીવોના પુણ્યને વૃદ્ધિ પમાડે છે, તેથીજ સંસૃતિરૂપ રોગનું ઔષધરૂપ છે. અતિશય ભયંકર કાળરૂપી મહાસર્પથી અત્યંત વારંવાર દંશ પામેલા જનોને આ શાસ્ત્ર અમૃત સમાન છે. કામરૂપી દાવાનળને શાંત પમાડવામાં મેઘ સમાન છે. તેમજ ભગવાન શ્રીહરિના સ્થાન સુધી ઉપર પહોંચવામાં નિસરણી રૂપ છે. ૩૪-૩૫


હે રાજન્ ! હવે તમને આ સત્સંગિજીવન ગ્રંથને સાંભળવાનો કોને અધિકાર છે, તેની વાત કરું છું, તમે આ ગ્રંથને સાંભળવામાં અનુરાગી છો, તેથી એકાગ્રચિત્તથી શ્રવણ કરો. ૩૬


આ ગ્રંથની કથાના અધિકારી :- હે ભૂમિપતિ ! આ ધરતી પર મનુષ્ય શરીરને પામેલાં સમસ્ત નરનારીઓ આ ગ્રંથનું શ્રવણ કરવાનાં અધિકારી છે. હે રાજન્ ! ચારે આશ્રમ અને ચારે વર્ણનાં મનુષ્યો આ ગ્રંથનું શ્રવણ કરવાનાં અધિકારી છે. તેથી સર્વે જનોએ આદરપૂર્વક આ ગ્રંથનું શ્રવણ કરવું. હે ભૂપતિ ! આદરપૂર્વક સાંભળવા યોગ્ય પાવનકારી આ શાસ્ત્રને સાંભળવાથી જે ફળ મળે છે તે હવે તમને કહું છું. ૩૭-૩૯


કથા શ્રવણનું ફળ :- સર્વ યજ્ઞો, સર્વ પ્રકારનાં દાનો તેમજ સર્વ ગંગાદિ તીર્થો કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે સર્વ ફળ આ સત્સંગિજીવન શાસ્ત્રના સાંભળવા માત્રથી મનુષ્યોને પ્રાપ્ત થાય છે. ૪૦


આ શાસ્ત્રના સાંભળવા માત્રથી શ્રીહરિ અત્યંત પ્રસન્ન થાય છે અને સાંભળનારા મનુષ્યોના સર્વ મનોરથ તત્કાળ પૂર્ણ કરી આપે છે. આ કળિયુગમાં કોઇ પણ માનવ મહાતપ કરવા સમર્થ નથી. તેમજ એક ભગવાનને જ રાજી કરવાની ઇચ્છા રાખી કોઇ દાન કે યજ્ઞા કરવા પણ સમર્થ નથી. માટે હે રાજન્ ! ડાહ્યા મનુષ્યોએ આ શાસ્ત્રનું શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરવું જોઇએ. કારણ કે આનાં શ્રવણ માત્રથી શ્રીહરિ અતિશય રાજી થાય છે. અને જે મનુષ્યો અતિશય આદરપૂર્વક આ સત્સંગિજીવનનું કથારૂપ અમૃતપાન કરે છે તેઓ કાળરૂપી અજગરના મહાત્રાસથી મૂકાઇ ને ભગવાનના ધામને પામે છે. અમૃતપાન કરનારા દેવતાઓ પણ એક હજાર યુગ પરિમિત આયુષ્ય પામ્યા પછી પણ કાળની થપાટનો ભય લાગવાથી ભગવદ્ ભક્તો પાસેથી આ કથામૃતનું પાન કરવા ઇચ્છે છે. હે ભૂપતે ! સ્વર્ગમાં દેવતાઓને પણ દુર્લભ આ કથારૂપી અમૃત પૃથ્વી પરના મનુષ્યોને શ્રીહરિની કૃપાથી સુલભ બને છે. માટે હે મનુષ્યો ! આ કથામૃતનું પાન તૃપ્તિ ન થાય તેટલું કર્યે રાખજો. આ ગ્રંથના સેવનથી ન મળે એવું દુર્લભ કાંઇ પણ નથી કે જેનો લાભ લેવા માનવ આ શાસ્ત્રનો ત્યાગ કરે. કારણ કે આ શાસ્ત્ર સમગ્ર ફળની સિદ્ધિને આપનારું છે. માટે મનુષ્યોએ એકાગ્રમનથી આર્દપૂર્વક આ ગ્રંથનું સેવન કરવું. આ જગતમાં વિવિધ પ્રકારના પાપોની જાળને નાશ કરવાની જેને ઇચ્છા હોય તેમણે મહામુનિઓના સમૂહોએ સેવન કરેલા તેમજ સાંભળવા માત્રથી પાપને હરનારા આ ગ્રંથનું તત્કાળ શ્રવણ કરવું. ૪૧-૪૮


જે મનુષ્યોએ આ સત્સંગિજીવન શાસ્ત્રનું એકવાર પણ શ્રવણ કર્યું નથી, તેઓએ માનવશરીરરૂપ પોતાના હાથમાં આવેલ એક શ્રેષ્ઠ રત્નને તેનું મૂલ્ય ન સમજવાથી જેમ રત્નનું મૂલ્ય નહિ જાણનારા જનો હાથમાં આવેલા દુર્લભ રત્નને કૂવામાં ફેંકી દે છે, તેમ આ શરીરને વ્યર્થ ગુમાવે છે. કારણ કે આ શરીરને દેવતાઓ પણ પ્રાપ્ત કરવા માટે પોતાના મનથી ઇચ્છા કરે છે. મંગળકારી તેમજ સારી રીતે સાંભળવા યોગ્ય આ શાસ્ત્રના શ્રવણ વિનાના માનવને જ્ઞાની પુરુષોએ પશુ સમાન કહ્યો છે, માટે અહિં જ પોતાનું હિત સાધવા ઇચ્છતા મનુષ્યોએ શાંત મનથી આ ગ્રંથનું શ્રવણ કરવું. ઘર, પુત્રો, સાધન સામગ્રી, સમગ્ર રાજ્ય અને સર્વ સંપત્તિ વગેરે પદાર્થો જ્યારે શરીરનું મૃત્યુ પ્રાપ્ત થાય છે ત્યારે તેમાનું કંઇ પણ મનુષ્યનું રક્ષણ કરવા સમર્થ થતાં નથી. પરંતુ આ શાસ્ત્ર જો શ્રવણ કર્યું હોય તો તેનું રક્ષણ કરે છે. અને ઇચ્છિત સુખ આપે છે. ૫૧


માટે હે બુદ્ધિમાન્ રાજા ! આ પ્રમાણે મેં તમને આ ગ્રંથના શ્રવણનું માહાત્મ્ય કહ્યું. તેને ધ્યાનમાં લો. તેવી જ રીતે હવે શ્રદ્ધાવાન તમને તેના શ્રવણનું સ્થાન એટલે કે ક્યાં બેસીને કથાનું શ્રવણ કરવું ? તે કહું છું. તે સાવધાન થઇને સાંભળો. ૫૨


કથા શ્રવણનું સ્થળ :- સરિતાના તટમાં, શોભાયમાન શ્રીકૃષ્ણ મંદિરમાં, વાળી-લીંપીને પવિત્ર કરેલા પોતાના ભવનમાં, તેમજ તેજ રીતે પવિત્ર ઉલ્લોચ વગેરેથી અલંકૃત કરેલા ઉત્તમ ખુલ્લા સ્થળમાં ખૂબ આદરપૂર્વક આ ગ્રંથનું શ્રવણ કરવું. ૫૩


હે રાજન્ ! હવે આ ગ્રંથના શ્રવણનો સમય તમને શાસ્ત્રને અનુસારે કહું છું. કારણ કે તમે અતિ જિજ્ઞાસુ, સ્નેહી તેમજ શ્રેષ્ઠ હરિભક્ત છો. ૫૪


કથા શ્રવણનો સમય :- આ પૃથ્વીપર આ શાસ્ત્ર અતિશય આદરપૂર્વક નિરંતર સાંભળવું, પ્રતિદિન અનુકૂળતા ન હોય તેમણે ચાતુર્માસમાં તો અવશ્ય સાંભળવું. હે રાજન્ ! જ્યારે ચાતુર્માસમાં શ્રવણની અનુકુળતા ન હોય ત્યારે શ્રાવણમાસમાં તો મનુષ્યોએ અવશ્ય સાંભળવું. અને જ્યારે શ્રાવણમાસમાં પણ જો અનુકૂળતા ન હોય તો ચૈત્ર માસમાં સર્વથા શ્રવણ કરવું, તે જ શુભ છે. અથવા મનુષ્યોએ અધિક માસમાં તો અવશ્યપણે આ શાસ્ત્રનું શ્રવણ કરવું જ. કારણ કે આ માસના દેવતા સ્વયં શ્રીહરિ છે. તેથી આ માસ સર્વ માસોમાં ઉત્તમ માસ છે. ૫૮


હે મહીપતિ ! જે વક્તાના મુખમાંથી નીકળેલી વાણી શ્રોતાઓને સંસારમાંથી મુક્ત કરનારી છે એ વક્તાનાં લક્ષણ હવે તમને કહું છું. ૫૯


વક્તાનાં લક્ષણો :- જેની વાણી સાંભળવા માત્રથી શ્રોતાઓને કથામાં રસ ઉત્પન્ન થતો હોય, જે મધુર સ્વરે ધીર ગંભીરપણે વાંચનાર હોય, તે તે સ્થળમાં પ્રતિપાદન કરાતા અર્થની સાથે ભક્તિભાવ યુક્ત હોય, સ્પષ્ટ અક્ષરના ઉચ્ચારણથી બોલનાર હોય, ઉત્સાહી હોય, અતિ વિસ્તારપૂર્વક વાંચનાર ન હોય, શાંત રીતે વાંચનાર હોય, શ્રદ્ધાવાન હોય, દૃઢ નિશ્ચયવાન હોય, ગુરુપરંપરાગત વિદ્યાભ્યાસ કરેલો હોય, ગ્રંથના સમગ્ર અર્થને જાણનાર હોય, જિતેન્દ્રિય હોય, સુશીલ હોય, દુરાગ્રહ રહિત હોય, યથાર્થ કહેનાર હોય, વાચાળ હોય, શ્રોતાઓને બોધ આપવામાં નિપુણ હોય, ઇશ્વર ઇચ્છાએ જે કાંઇ મળે તેનાથી સંતુષ્ટ હોય, દયાવાન હોય, નિરહંકારી હોય, મૃદુલ સ્વભાવ વાળો હોય, શાંત હોય, ભગવદ્ભક્તિ સંપન્ન હોય, લોકાપવાદથી રહિત હોય, પ્રતિગ્રહથી વિમુખ હોય, અર્થાત્ કેવળ દાનના સ્વીકારથી જીવન નહિ જીવનાર હોય, કામને જીત્યો હોય, ક્રોધ ઉપર વિજય મેળવ્યો હોય, લોભને જીત્યો હોય, નિઃસ્પૃહી હોય, સર્વ સાથે મૈત્રી રાખનાર હોય, ધીરજવાન હોય, સાધુવૃત્તિથી સંપન્ન હોય, નિર્દંભી હોય, અકિંચન હોય, અર્થાત્ ધનના ગર્વથી રહિત હોય, જાતિએ વિપ્ર હોય અને ઉપકારી હોય આવા પ્રકારના ગુણોથી યુક્ત હોય, તેને જ આ ગ્રંથનો વક્તા સ્વીકારેલ છે. ૬૦-૬૫


બ્રાહ્મણ સિવાયના બીજા પણ જે દ્વિજાતિ ક્ષત્રિય ને વૈશ્ય જે ભાગવતી દીક્ષાને પામ્યા હોય, અષ્ટાંગ બ્રહ્મચર્યનું પાલન કરનારા હોય, તેમજ લોભે રહિત હોય, તેઓ પણ આ ગ્રંથની કથા કહેવાના અધિકારી છે. ૬૬


હે મહિપાલ ! હવે આ સર્વોત્તમ શાસ્ત્રના શ્રોતાઓનાં લક્ષણો તમને કહું છું. કારણ કે તમે એ જાણવાની જિજ્ઞાસાવાળા છો. ૬૭


આ ગ્રંથના શ્રોતાઓનાં લક્ષણો :- જે શ્રોતા શ્રદ્ધા અને ભક્તિથી યુક્ત હોય, અન્ય કામો કરવાની લાલસા રાખીને કથામાં બેઠા ન હોય, વાણીને નિયમમાં રાખી હોય, પવિત્ર હોય, સાવધાન હોય, પુણ્યમાં ભાગ રાખનાર હોય, વિનયસંપન્ન હોય, ઇન્દ્રિયોનું દમન કરતા હોય, મત્સર રહિત હોય, સ્વધર્મમાં રહેલા હોય, પરમાત્મામાં પ્રેમ વધે તેવી ઇચ્છા ધરાવતા હોય, આવા પ્રકારના શ્રોતાઓ આ ગ્રંથની કથાશ્રવણના અધિકારી કહેલા છે. ૬૮-૬૯


હે મહીપતિ ! હવે આ શાસ્ત્રના શ્રવણની સમાપ્તિમાં જે કરવા યોગ્ય કાર્ય હોય તે તથા વક્તાને આપવા યોગ્ય દાન શું છે ? તે તમને હું કહું છું. તેને તમે સાંભળો. ૭૦
શ્રોતાઓનું કર્તવ્ય અને વક્તાને આપવાનું દાન :- આ ગ્રંથના શ્રવણની સમાપ્તિમાં ગ્રંથની મહાપૂજા કરવી, ગ્રંથને બાંધવા માટે રમણીય વસ્ત્ર અને શક્તિને અનુસારે સુવર્ણ આપવું. વક્તાને અનેકવિધ નૂતન વસ્ત્રો તેમજ આભૂષણો આપવાં. ત્યારબાદ પોતાની શક્તિને અનુસારે સુવર્ણ વગેરેની દક્ષિણા આપવી. અન્ય શ્રોતાજનોએ પણ અલગ અલગ પોતાની શક્તિને અનુસાર વસ્ત્ર, પાત્ર, ધન, વાહન, આભૂષણ અને તેર પદોનું દાન કરવું. ૭૧-૭૩


આ પ્રમાણે મુક્તાનંદ સ્વામી વિરચિત શ્રીમત્ સત્સંગિજીવન ગ્રંથના માહાત્મ્યમાં શતાનંદ સ્વામી અને હેમંતસિંહ રાજાના સંવાદરૂપે ગ્રંથના માહાત્મ્યનું પ્રશ્નોત્તરરૂપે નિરૂપણ કર્યું, એ નામે પ્રથમો અધ્યાય પૂર્ણ થયો. ।। ૧ ।।