અધ્યાય ૯ - ઇતિહાસ કથામાં તે જ બ્રાહ્મણના વૃત્તાંતનું સંપૂર્ણ નિરૂપણ
પુણ્યમતિ વિપ્રનું ઐતિહાસિક અદ્ભૂત વૃત્તાંત :- શતાનંદ સ્વામી કહે છે, હે મહાબુદ્ધિમાન્ રાજા ! પુણ્યમતિ તે વિપ્રનું અતિ અદ્ભૂત પવિત્ર વૃત્તાંત હું તમને કહું છું, તમે સ્વસ્થચિત્તે સાંભળો. ૧
સર્વે દેશોમાં અત્યંતપવિત્ર અંતર્વેદ નામથી પ્રસિદ્ધ એક દેશ આવેલો છે, આ દેશનું મહર્ષિઓ અને દેવતાઓ પણ સેવન કરે છે, તેથી અત્યંત શ્રેષ્ઠ દેશ છે. જે દેશમાં પુરુષો પોતપોતાના વર્ણાશ્રમ-ધર્મપરાયણ વર્તે છે. સર્વે સત્યપરાયણ વર્તે છે. સર્વે ધીર અને શૂરવીર છે. એ દેશની સ્ત્રીઓ પણ સર્વે પતિવ્રતા છે. ૨-૩
હે ભૂપતિ ! આવા પવિત્ર દેશમાં દેવતાઓને પ્રિય એવા વૈભવોથી યુક્ત કાનપુર નામનું નગર આવેલું છે. આ નગર દેવેન્દ્રપુરી અમરાવતીની સમૃદ્ધિની સાથે સ્પર્ધા પણ કરે છે. ૪
આ નગર મણિમય સેંકડો સ્તંભોથી શોભે છે, સુવર્ણમય જાળીઓથી શોભે છે. કંચનમય કળશોથી વિરાજીત છે, દેવેન્દ્રના ભવન સમાન ભવનોથી અલંકૃત છે. આ નગર દેવતાઓએ સેવવા યોગ્ય સુંદર આરામના સ્થળોથી સુંદર અટારીઓ, જરૂખાઓ, ગોપુરો, એક સાથે હારબંધ રચેલી હવેલીની પંક્તિઓ અને ઘરના અંદરના ભાગે રહેલા દેવમંદિરોથી અલંકૃત છે. ૫-૬
વળી આ નગર રમણીય સભાસ્થાનો, ચારેબાજુ શોભી રહેલા કિલ્લાની સાથે સુંદર ઝાડીઓ કે સુંદર દ્વારો, ભ્રમણમાર્ગો અને તોરણોથી સમલંકૃત છે. પોતપોતાના ધર્મપરાયણ રહેલા બ્રાહ્મણ, ક્ષત્રિય આદિ ચારેવર્ણના મનુષ્યોથી પૂર્ણ છે. તેમજ વેદને જાણનારા વિદ્વાન વિપ્રોના પ્રતિદિન થતા વેદઘોષથી ગુંજી રહ્યું છે. ૭-૮
અને વળી આ નગર પોયણાં, કલ્હાર અને કમળ આદિથી સુશોભિત છે, અને તેથી જ ભમરાઓના સમૂહોથી અને હંસાદિ પક્ષીઓના સમુદાયથી શોભી રહેલા સરોવરોથી સમલંકૃત છે. આ નગરના છેડે લોકપાવની સ્વર્ગની ગંગાનદી વહી રહી છે, જેમાં સ્નાન કરનારા મનુષ્યો દેવની સમાન જણાય છે. ૯-૧૦
હે નૃપ ! આવા ભવ્ય નગરમાં ગર્ગગોત્રમાં જન્મેલા, યજુર્વેદના અભ્યાસી, વેદ વેદાંતમાં પરંગત કાન્યકુબ્જ નામના બ્રાહ્મણ પરિવારમાં કુળ પરંપરાથી આજ નગરમાં નિવાસ કરી રહેલા કોઇ માધવરામ વિપ્રનો કલ્યાણજી નામે પુત્ર થયો. તે હમેશાં શ્રીકૃષ્ણની પરોક્ષભાવે ભક્તિ કરતો.૧૧-૧૨
આ વિપ્રને તેના પૂર્વ સંસ્કારના પરિપાકના બળે ભૂત, ભવિષ્યનું તેમજ વિવિધ જન્મોનું જ્ઞાન પ્રગટ થયું. હે નૃપ ! તેના વીતી ગયેલા સ્વેદજ આદિ અનંત યોનિઓમાં પોતે ભોગવેલાં દુઃખોનો અને કર્માનુસારે ભવિષ્યમાં થનારા જન્મોમાં ભોગવવા પડનારા સમસ્ત દુઃખોનો સાક્ષાત્કાર થઇ ગયો. ૧૩-૧૪
તેમજ ગર્ભવાસ આદિકમાં ભોગવેલાં દુઃખોનું અને અસહ્યય અનંત બીજી પીડાઓના અનુભવનું સાક્ષાત્ જ્ઞાન થઇ ગયું. અર્થાત્ કે તે દુઃખો અને પીડાઓને પ્રત્યક્ષપણે નિહાળવા લાગ્યો. ૧૫
વિપ્રે પ્રત્યક્ષ અનુભવેલાં દુઃખોનું વર્ણન :- વિષ્ટા મૂત્ર આદિ મળના ભરેલા ગર્ભાશયમાં પ્રવેશેલો શરીરધારી જીવ કેડ ને મસ્તકથી વાંકોવળી ઊંધે માથે લટકે છે અને તીવ્ર પીડાને ભોગવે છે. ૧૬
કૃમિઓના સમૂહો તેના શરીરને વળગે છે ત્યારે શરીર અતિશય સુકોમળ હોવાના કારણે એ તીવ્ર ડંશોને લેશમાત્ર પણ સહન કરી શકતો નથી. ત્યારે શ્વાસ લેવાનો લેશમાત્ર તેને અવકાશ પ્રાપ્ત થતો નથી ને મહાકલેશને પામી મૂર્છિત થઇ જાય છે. ૧૭
પાંજરામાં પૂરેલાં પક્ષીની જેમ પોતાના અંગને હલાવવા પણ બિલકુલ સમર્થ થતો નથી, અને જઠરાગ્નિની જ્વાળાથી બળતા સમગ્ર શરીરમાં તીવ્ર વેદનાનો અનુભવ કરે છે. ૧૮
આ પ્રમાણે પોતે પૂર્વે ભોગવેલા ગર્ભવાસ આદિકના સમગ્ર અસહ્ય દુઃખોને પ્રત્યક્ષપણે જાણ્યું. તેમજ તામિસ્ર, અંધતામિસ્ર, રૌરવ આદિ હજારો ઘોર નરકના કુંડો રહેલા છે તેમાં ભોગવાતા કષ્ટોને પણ પ્રત્યક્ષ જાણ્યા. જે નરકમાં ઉચ્ચ સ્વરે આક્રન્દ કરતા પાપી પ્રાણીઓને યમદૂતો નિર્દયપણે લોહના દંડથી, ચાબુકોથી, મુદ્ગરોથી તેમજ મોટી તલવાર આદિ શસ્ત્રોથી તાડન કરે છે. નેત્રોને મૂળમાંથી ઉખેડી નાખે છે. વારંવાર યંત્રોમાં નાખી પીલે છે. ખારા કાદવથી ભરેલા જળમાં ડૂબાડી રુંધે છે. ક્યારેક ઊંચા પર્વત પરથી નીચે પટકાવે છે. તપાવેલા તેલમાં ફેંકી દેછે. જીવતાને જીવતાં જ આંતરડાં ખેંચી કાઢે છે. ભળભળતા અગ્નિમાં બાળે છે. અતિ દુઃસહ ઝેરીલા ધુમાડામાં રૃંધે છે. ચામડી ચીરીને વળી મોટા સોયાથી સીવે છે. લોઢાથી બનાવેલી અને તપાવેલી સ્ત્રી પુરુષની પ્રતિમા સાથે બાથ ભરાવે છે. આવા પ્રકારની અનંત તીવ્ર યમયાતનાનું તેને પ્રત્યક્ષ દર્શન થયું. ૨૧-૨૫
હે રાજન્ ! આ પ્રમાણેનાં દુઃખ દર્શનથી તેના ચિત્તમાં મોટો પરિતાપ થયો, રાત્રે નિદ્રા ન આવી. ત્રાસથી તેનું મન આકુળ-વ્યાકુળ થઇ ગયું. જન્મ મરણ અને ગર્ભવાસના તીવ્ર ત્રાસથી વ્યથિત બનેલા વિપ્રને પુત્ર, પત્ની, મિત્ર, પશુ, અન્ન, વાહન આદિ સમૃદ્ધિમાં ક્યાંય સુખ જ રહ્યું નહીં, પરંતુ ચારેબાજુ દુઃખ દુઃખ જ દેખાવા લાગ્યું. ૨૬-૨૭
ત્યારપછી આગળ ભવિષ્યમાં થનારા દુઃખોને નાશ કરવાના ઉપાયો સર્વ પંડિતોને પૂછવા લાગ્યો. તે પંડિતોના કહેવા અનુસાર સર્વ પ્રકારના ઉપાયોનું અનુષ્ઠાન પણ કર્યું. છતાં મનની પીડા શાંત થઇ નહીં, તેથી તે વૈરાગ્ય પામેલો વિપ્ર તીર્થયાત્રાના બહાને કોઇ સાચા સત્પુરુષનો સમાગમ મેળવવાની ઇચ્છાથી પુત્ર, પત્ની આદિ કુટુંબનો અને ઉપકરણોએ સહિત ઘરનો ત્યાગ કરીને ચાલી નીકળ્યો. ૨૮-૨૯
એ વિપ્ર પ્રયાગ, કાશી, જગન્નાથપુરી, અયોધ્યા, ચિત્રકૂટ, વૃંદાવન, રામેશ્વર, હરિદ્વાર, કુરુક્ષેત્ર, પુષ્કરતીર્થ, પુલહાશ્રમ, સિધ્ધપુર, પ્રભાસ તથા દ્વારિકા આદિ અનેક પવિત્ર તીર્થોમાં પોતાનાં દુઃખનો વિનાશ કરવા ફર્યો. ૩૦-૩૨
તેમજ એ વિપ્ર ગંગા, યમુના, રેવા, સરયુ, તાપી, ગોદાવરી આદિ તીર્થોમાં પણ ફર્યો અને તે તીર્થોમાં પ્રખ્યાત તત્ત્વદર્શી પંડિતો, બ્રહ્મવિદ્યાને ભણાવતા કેટલાક ગુરુઓ અને અનેક શિષ્યોથી સેવાયેલા આચાર્યોનો સમાગમ પણ કર્યો. તેઓને પોતાના કલેશને નાશ કરવાના ઉપાયો પણ વિનયથી પૂછયા અને તેઓએ કહેલા ઉપાયો પણ કરી જોયા, છતાં તેના દુઃખની કોઇ શાંતિ થઇ નહીં. ૩૩-૩૫
ત્યારે નિરાશ થયેલો એ વિપ્ર અતિ ચિંતાથી આકુળ-વ્યાકુળ મનવાળો થઇ દૈવી ઇચ્છાએ ફરતો ફરતો આ પવિત્ર પશ્ચિમ પંચાળ દેશમાં આવ્યો. ત્યાં તેમના કાને કોઇ મનુષ્ય પાસેથી સાંભળવામાં આવ્યું કે ભગવાન શ્રીસ્વામિનારાયણે અહીં દુર્ગપુરમાં શ્રીગોપીનાથજી ભગવાનનું રમણીય મંદિર બંધાવ્યું છે. અને સ્વામિનારાયણ ભગવાનનો સાક્ષાત્કાર પામેલા સાધુઓ અહીં રહે છે. આટલું સાંભળતાની સાથે જ એ વિપ્રને હર્ષ ઊભરાયો ને ઉતાવળથી અહીં આવ્યો, અહીં આવતાંની સાથે જ તેના મનની વ્યાધિ હતી તે શાંત થઇ ગઇ. ૩૬-૩૮
અહીં કોઇ મોટા સત્પુરુષ રહેતા હોવા જ જોઇએ, એમ જાણી ઉન્મત્તગંગામાં સ્નાન કરી શ્રીગોપીનાથજી ભગવાનના ચરણારવિંદનાં દર્શન કર્યાં. તેમના દર્શનથી પરમ શાંતિ અને પરમાનંદની પ્રાપ્તિ થઇ. સામે આવેલ કોઇ ભક્તને પૂછવા લાગ્યો કે અહિં કોઇ મહાન સાધુ છે ? પ્રેમ ભરેલી તેમની વાણી સાંભળી આ કોઇ જિજ્ઞાસુ છે, એમ જાણી એ ભક્ત તે વિપ્ર પ્રત્યે કહેવા લાગ્યો કે, હે દ્વિજ ! આજે સત્સંગિજીવન નામે ગ્રંથની શુભ કથાનો પ્રારંભ થયો છે. એ કથાના વક્તા બહુ મોટા સાધુ છે. એ સત્સંગિજીવન ગ્રંથની પાવનકારી કથા સાંભળવા સર્વે સંતો અને સત્સંગી ભક્તજનો એ સભામાં ઉપસ્થિત થયા છે. ૪૦-૪૨
આ પ્રમાણે એ ભક્તનું પરમ પ્રિય વચન સાંભળી એ વિપ્ર સભામાં આવીને બેઠો અને મારા મુખેથી આ સત્સંગિજીવન ગ્રંથની કથાનું શ્રવણ કર્યું. ૪૩
હે હેમંતસિંહ રાજન્ ! તમે પૂછેલ પરમ અદ્ભૂત આ સત્સંગિજીવન ગ્રંથનું માહાત્મ્ય પણ એ શ્રેષ્ઠ બ્રાહ્મણે શ્રદ્ધાથી સાંભળ્યું. શ્રદ્ધા અને પરમ પ્રીતિથી કરેલા આ ગ્રંથના શ્રવણથી પ્રત્યક્ષ ભગવાન શ્રીહરિનું તેમને દર્શન થયું, તેથી તે કલ્યાણજી વિપ્ર પૂર્વે કહેલા સંસારના બીજભૂત કર્મોના કષ્ટમાંથી મુક્ત થઇ શોકરહિત થઇ કૃતકૃત્ય થઇ ગયો. ૪૪-૪૫
હે શુદ્ધબુદ્ધિવાળા રાજા ! આ પ્રમાણે માહાત્મ્યે સહિત આ સત્સંગિજીવન ગ્રંથની કથાના શ્રવણથી સમગ્ર સિદ્ધિને પામેલા આ વિપ્રનું સર્વ વૃત્તાંત સાંભળવા ઇચ્છતા તમને મેં પ્રીતિપૂર્વક કહ્યું છે. જેનાથી તમારા પ્રશ્નનો ઉત્તર પણ તમને મળી ગયો છે. ૪૬
હે અવનીશ ! આ સત્સંગિજીવન શાસ્ત્રના શ્રવણથી ભગવાનની સેવારૂપ પરમ સુખ આપનાર, મોક્ષરૂપ ચોથા પુરુષાર્થને મનુષ્ય તત્કાળ પામે છે, એ મોક્ષરૂપ પુરુષાર્થની પ્રાપ્તિ માટે મોટા મોટા રાજાઓ પણ રાજ્ય લક્ષ્મીનો ત્યાગ કરી વનમાં તપ કરવા ચાલ્યા જાય છે. તો આ કથાથી અગાઉના ત્રણ પુરુષાર્થની સિધ્ધિ થાય એમાં કહેવું જ શું ? ચારે પુરુષાર્થોમાંથી જે જે પુરુષાર્થને પામવાની ઇચ્છા રાખી મનુષ્ય આ સત્સંગિજીવનની કથા સાંભળે છે, તે તે પુરુષાર્થને ચોક્કસ પામે છે. ૪૭-૪૮
હે ભૂપતિ ! સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભગવદ્ભક્તિએ યુક્ત એકાંતિક ધર્મથી પુરુષોત્તમનારાયણને રાજી કરી તેમના ચરણકમળની સેવામાં નિરંતર નિવાશ ઇચ્છતા હોય તેને એની સિદ્ધિ આ સત્સંગિજીવનની કથા સાંભળવાથી જ થઇ જાય છે. ૪૯-૫૦
આ પ્રમાણેનું શતાનંદ સ્વામીનું અમૃતની સમાન વચન સાંભળી હેમંતસિંહ રાજા પરમ આનંદને પામ્યા અને સભાજનો પણ પરમ આનંદ પામ્યા. ૫૧
ત્યારબાદ આ જગતમાં જે કોઇ પણ જાતિના જનો ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ ચારે પુરુષાર્થમાંથી જે જે પુરુષાર્થને પામવાની પોતાના મનમાં ઇચ્છા ધરાવતા હતા તે તે પુરુષાર્થની પ્રાપ્તિ કરાવી આપતા આ સત્સંગિજીવન શુભ શાસ્ત્રને પોતાને મળતા અવકાશને અનુસાર ઉત્સાહથી સાંભળવા લાગ્યા. ૫૨-૫૩
તેમાં ધર્માર્થી ધર્મની સિદ્ધિને નિશ્ચે પામ્યા, અર્થાર્થી પ્રયાસ વિના તત્કાળ અર્થ સિદ્ધિને પામ્યા, કામાર્થી કામ સિદ્ધિને પામ્યા, મોક્ષાર્થી મનુષ્યો પરમ પુરુષાર્થરૂપ મોક્ષસિદ્ધિને તત્કાળ પામ્યા. ૫૪-૫૫
જેઓ એકાંતિક ધર્મથી શ્રીહરિને પ્રસન્ન કરી (અક્ષરધામમાં) તેમની સેવામાં રહેવાની ઇચ્છા ધરાવતા હતા તેઓ પણ આ ગ્રંથની કથા સાંભળવાથી તત્કાળ તે સિદ્ધિને પામ્યા. ૫૬
મુક્તાનંદ સ્વામી કહે છે. ત્યારબાદ શતાનંદ સ્વામીના મુખકમળમાંથી નીકળેલા કથામૃતનું શ્રવણ કરવાથી અત્યંત આનંદ પામેલા હેમંતસિંહ રાજાએ ભગવાનની સેવારૂપ પરમ પુરુષાર્થરૂપ મોક્ષની પ્રાપ્તિને માટે પોતાના ભવનમાં શાસ્ત્રવિધિ અનુસાર યોગ્ય વિપ્ર વક્તા પાસે આ 'સત્સંગિજીવન' ગ્રંથની કથા કરાવી અને શ્રદ્ધાથી તેનું શ્રવણ કર્યું. ૫૭-૫૮
છેલ્લે મુક્તાનંદ સ્વામી કહે છે :- આ પ્રમાણે સભામાં શતાનંદ સ્વામીના મુખેથી મેં આ સત્સંગિજીવન શાસ્ત્રનું માહાત્મ્ય જે રીતે સ્પષ્ટપણે સાંભળ્યું હતું એજ રીતે મારી બુદ્ધિને અનુસાર સ્પષ્ટપણે 'શ્રીસત્સંગિજીવન માહાત્મ્ય' નામે ગ્રંથની મેં મુક્તાનંદે રચના કરી છે. ૫૯-૬૦
પ્રથમ આ સત્સંગિજીવન માહાત્મ્યને સાંભળી પછીથી જ સત્સંગિજીવન ગ્રંથનું શ્રવણ કરવું, એમ શતાનંદ સ્વામીએ મને વચન કહેલું છે. ૬૧ જગતમાં જે મનુષ્યો આ સત્સંગિજીવન માહાત્મ્ય ગ્રંથનો ભક્તિભાવપૂર્વક પાઠ કરશે કે શ્રવણ કરશે તેઓ પણ શ્રીમત્ સત્સંગિજીવન ગ્રંથના પાઠનું અને શ્રવણનું ફળ પ્રાપ્ત કરશે, શ્રીહરિની પ્રસન્નતાથી તેઓ ઇચ્છીત સુખને પામશે, એમાં સંશય જ નથી. શ્રીહરિની પ્રસન્નતાના પાત્રભુત હું મુક્તાનંદ મુનિ આ વાત સત્ય જ કહું છું. ૬૨-૬૩
સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી છેલ્લે વંદનાત્મક ધ્યાન કરે છે :- ધર્મનંદન શ્રીસહજાનંદ શ્રીહરિને હું અતિ હર્ષથી સદૈવ વંદન કરું છું. આ શ્રીહરિ માયાથી પર સર્વોત્તમ અક્ષરધામમાં દિવ્ય સ્વરૂપે સદાસાકાર બિરાજે છે. તે દિવ્ય અનંત કલ્યાણકારી મહાગુણોના એક માત્ર ધામસ્વરૂપ છે. જે સર્વોપરી કીર્તિને ધારી રહેલા છે. આ પૃથ્વી પર મનુષ્ય સ્વરૂપે પ્રગટ થઇ ધર્મ સહિત ભક્તિ માર્ગનું ખૂબ પ્રવર્તન કર્યું છે. તેમજ દયાના મહાસિંધુ છે. એવા આ સ્વામિનારાયણ ભગવાનનું હું ધ્યાન કરું છું. જે શ્રીમાન્ શ્રીહરિની મૂર્તિ મંગળરૂપ છે, દર્શન કરનારની પીડાને સમાવે છે, જમણા હાથમાં તુલસીની માળા સદા ધારી રહ્યા છે. સૂક્ષ્મ, શ્વેત એવાં દિવ્ય વસ્ત્રોને ધારણ કરેલાં છે, મંદ મંદ સુંદર હાસ્ય મનોહર મુખ શોભી રહ્યું છે, જે વૃક્ષસ્થળમાં અંકિત શ્રીવત્સના ચિહ્નથી શોભી રહ્યા છે. કડાં, બાજુબંધ, કુંડળ અને હાર આદિ આભૂષણોને પણ અલંકૃત કરતા જેમનાં દિવ્ય અંગો છે. ૬૪-૬૫
જે ભગવાન શ્રીહરિના ચરણ કમળનું સર્વથકી પર અક્ષરધામમાં રહેલા અક્ષરમુક્તો સદાય સેવન કરે છે, જેમનું દિવ્ય મંગલ શરીર રમણીય છે. તેમજ જે શ્રીહરિ બ્રહ્મા આદિ દેવતાઓના પણ નિયંતા છે એવા શ્રીહરિકૃષ્ણ ભગવાન મારા અંતરમાં નિરંતર નિવાસ કરીને રહો. ૬૬
જે ભગવાન તમે પૂર્ણ દયા કરીને આ પૃથ્વીપર દિવ્ય મનુષ્યાકૃતિ ધારીને પ્રગટયા છો. તમારા અનેક વિધ રમણીય દિવ્ય ચરિત્રો ચિંતવન કરવા યોગ્ય છે, જેણે કરીને તમે પોતાના આશ્રિત ભક્તજનોના સમગ્ર ભયને વિનાશ કરો છો, એવા હે ધર્મનંદન શ્રીહરિ ! મારા ઉપર પ્રસન્ન થાઓ. ૬૭
સંતોની પ્રાર્થના :- ધર્મનંદન શ્રીહરિના ચરણકમળમાં જ પોતાના મનરૂપી ભમરાઓને સતત આસક્ત રાખનારા, તેથી જ ઇન્દ્રિયોરૂપ પોતાના દુષ્ટ ઘોડાઓના તીવ્રવેગને જીતનારા, તેમજ પરનું હિત કરવામાં સદૈવ તત્પર એવા સાધુપુરુષો પણ મારા ઉપર નિરંતર પ્રસન્ન રહો. ૬૮
આ પ્રમાણે શ્રીહરિના ચરણારવિંદના પરમ અનુગ્રહના પાત્રરૂપ મુક્તાનંદ સ્વામી વિરચિત શ્રીમત્ સત્સંગિજીવન ગ્રંથના માહાત્મ્યમાં શતાનંદ સ્વામી અને હેમંતસિંહ રાજાના સંવાદ રૂપે તે બ્રાહ્મણની ઇતિહાસ કથામાં તે જ બ્રાહ્મણના વૃત્તાંતનું સંપૂર્ણ નિરૂપણ કર્યું એ નામે નવમો અધ્યાય પૂર્ણ થયો. ।। ૯ ।।