અધ્યાય - ૩૩ - ભક્તિના અંગભૂત ધર્મનું નિરૂપણ.
શ્રીહરિ કહેછે, હે મા ! હવે હું તમને ભક્તિના અંગભૂત ધર્મ, જ્ઞાન અને વૈરાગ્યનાં લક્ષણો જેમ છે તેમ વિસ્તારથી જુદાં જુદાં વિવેચન કરીને કહું છું તેને તમારા હૃદયમાં ધારણ કરો. ૧
તે ત્રણ અંગને મધ્યે ધર્મનું પ્રથમ વિવેચન કરું છું. બ્રહ્માદિ ઇશ્વરોએ સહિત ત્રિલોકીનું ધારણ કરે તેનું નામ 'ધર્મ' છે. આ ધર્મકર્મથી પરતંત્ર સર્વે જીવાત્માઓને અને ભગવાનની ઉપાસનાથી જેને ઐશ્વર્ય પ્રાપ્ત થયું છે એવા બ્રહ્માદિ ઇશ્વરોને પણ મોક્ષ ન થાય ત્યાં સુધી ધારી રાખવા યોગ્ય છે.ર
જાતિ અને કુળથી ભલે હીન હોય, છતાં જો પુરુષ ધર્મનિષ્ઠ હોય તો તેની બ્રહ્માદિ દેવતાઓ પણ ખૂબ પ્રશંસા કરે છે અને આદર આપે છે અને બ્રહ્માદિ ઈશ્વરો જેવો મોટો હોય છતાં પણ જો ધર્મમાંથી ભ્રષ્ટ થાય તો તેની તુચ્છ માણસો પણ નિંદા કરે છે. તેથી સર્વેને ધર્મના માર્ગે ચાલવું તે જ ખરેખર સુખકારી છે. ૩-૪
હે મા ! શ્રુતિ અને સ્મૃતિએ પ્રતિપાદન કરેલા સદાચારથી પ્રમાણિત કરાયેલો આ ધર્મ મનુષ્યના ચાર વર્ણ અને ચાર આશ્રમના ભેદથી અધિકારને અનુસારે જુદોજુદો વણવાયેલો છે. તેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ ચાર વર્ણ છે અને બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ આ ચાર આશ્રમના વિભાગ કહ્યા છે. ૫-૬
ચારેવર્ણના સાધારણ અને વિશેષધર્મો :- હે મંગલરૂપા મા ! મનુષ્યના સાધારણ અને વિશેષ એમ બે પ્રકારના વર્ણધર્મ અલગથી કહ્યા છે. અને આશ્રમધર્મ પણ અલગથી કહ્યા છે. આમ બન્ને પ્રકારના ધર્મો હું તમને સંક્ષેપથી સંભળાવું છું. ૭
હિંસા ન કરવી. સત્ય બોલવું, ચોરી ન કરવી. કામ, ક્રોધ અને લોભને જીતવા, મદ્ય અને માંસનો ત્યાગ રાખવો. પરસ્ત્રીનો ત્યાગ રાખવો. કોઇ પણ જાતનું નાનું-મોટું વ્યસન ન કરવું. પોતાની જાતિ થકી ભ્રષ્ટ કરે એવું, કોઇ પણ પાપકર્મ રોટી-બેટી આદિના વ્યવહારમાં ન આચરવું. પૂર્વોક્ત સંતોની યથાયોગ્ય અનુવૃત્તિ સાચવવાપૂર્વક સેવા કરવી. ભગવાનની નવધા ભક્તિ કરવી. આ તેર મુખ્ય છે અને બીજા અનેક ચારે વર્ણના સાધારણ ધર્મો શાસ્ત્રમાં કહેલા છે.૮-૯
આંતર ઇન્દ્રિયોનું શમન કરવું અને બાહ્ય ઇન્દ્રિયોનું દમન કરવું, તપ કરવું જ્ઞાન સાધવું, દુઃખી ઉપર દયા રાખવી, સ્વધર્મ પાલનમાં શ્રદ્ધા રાખવી, ઉપદ્રવીને ક્ષમા આપવી વગેરે બ્રાહ્મણોના સ્વાભાવિક વિશેષપણે પાલન કરવાના ધર્મો કહ્યા છે. શૂરવીરતા, ધીરજ, બળ, ઉદારતા, સાધુ, ગાય અને બ્રાહ્મણનું દુષ્ટો થકી રક્ષણ કરવું, વગેરે ક્ષત્રિયોના વિશેષ ધર્મ કહ્યા છે. ખેતી, વેપાર, ગોરક્ષા અને વ્યાજવટો આદિ વૈશ્યોના વિશેષ ધર્મો કહ્યા છે. અને હે નિષ્પાપ મા ! ત્રણે વર્ણના મનુષ્યોની સેવા- (નોકરી) કરવી તે શૂદ્રનો વિશેષ ધર્મ કહ્યો છે. ચારે વર્ણથી ઇતર જાતિના સર્વે જનસમુદાય માટે જેમાં હિંસા ન હોય, ચોરી ન હોય અને વ્યભિચારકર્મ ન હોય તેવી પોતાના કુળને ઉચિત કોઇ પણ પ્રવૃત્તિ કરવી તે તેઓનો વિશેષ ધર્મ કહેલો છે. ૧૦-૧૨
ચારેવર્ણની આજીવિકાનાં સાધન :- હે મા ! યજ્ઞાયાગ સ્વાધ્યાય આદિ કરવાં અને દાન સ્વીકારવું એ બ્રાહ્મણની આજીવિકાનું સાધન છે. આયુધ ધારણ કરી પ્રજાનું પાલન-રક્ષણ કરવું તે ક્ષત્રિયોની આજીવિકાનું સાધન છે. વેપાર, ખેતી આદિ વૈશ્યોની આજીવિકાનું સાધન છે અને ત્રણે વર્ણને ત્યાં સેવા કરવી એ શૂદ્રની આજીવિકાનું સાધન છે. ૧૩
તેમાં પણ આપત્કાળ પડે ને પોતાની નિશ્ચિત આજીવિકાવૃત્તિથી જીવન ચલાવવું મુશ્કેલ પડે ત્યારે બ્રાહ્મણ અને ક્ષત્રિયોએ ખેતી-વેપાર આદિ વૈશ્યની વૃત્તિ સ્વીકારી લેવી. અને વૈશ્યોને પોતાની આજીવિકામાં આપત્તિ ઉભી થાય ત્યારે શૂદ્રોની સેવા કરવારૂપ આજીવિકા સ્વીકારી લેવી અને શૂદ્રોએ આપત્કાળમાં શંકરનીતિની આજીવિકાથી જીવન ચલાવી લેવું. પરતું આપત્કાળ વ્યતીત થઇ જાય ત્યારે પોતાની મૂળ આજીવિકાની વૃત્તિ ઉપર આવી જવું. ૧૪
બ્રહ્મચર્યાશ્રમના સાધારણધર્મો :- હે મા ! બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, આ ત્રણ વર્ણના પુરુષોને યજ્ઞોપવીત આદિ સંસ્કારોથી દ્વિજત્વ પ્રાપ્ત થાય છે. આવા દ્વિજ પુરુષોએ પહેલા બ્રહ્મચર્ય આશ્રમમાં રહીને વેદાદિ અધ્યયન માટે ગુરુનો આશ્રય કરવો.૧પ
ગુરુના આશ્રમમાં રહેતા તે બ્રહ્મચારીએ કપાસના તંતુમાંથી બનાવેલાં, કૌપીન તથા ઉપર ધારવાનાં આવશ્યક વસ્ત્રો રાખવાં. મૃગચર્મ રાખવું, કામળો રાખવો, દંડ અને કમંડલું પણ રાખવાં. ગૌમુખીએ સહિત તુલસીના કાષ્ઠની જપમાળા પણ રાખવી, દર્ભ અને દર્ભમાંથી નિર્મિત આસન આદિ રાખવાં. આંખમાં ક્યારેય આંજણ ન આંજવું. તેલથી શરીરનું મર્દન ન કરવું, શરીરે ચંદનનો લેપ ન કરવો, ફુલની માળા ધારણ ન કરવી અને સુવર્ણનાં આભૂષણો પણ બ્રહ્મચારી એ ધારણ ન કરવાં ૧૬-૧૭
હે મા ! બ્રહ્મચારીએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે, મહાપુરુષોનો સંગ તે જ મુક્તિનું દ્વાર છે અને સ્ત્રીલંપટ પુરુષોનો સંગ તે સંસૃતિનું દ્વાર છે. માટે સંતોનો સંગ કરવો પણ અસંતનો સંગ ક્યારેય પણ ન કરવો. અને અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખવો. તેમાં પણ જાણી જોઇને સ્ત્રીના અંગનો સ્પર્શ ન થાય તે ખાસ જોવું. અને બ્રહ્મચારીએ ગુરુપત્નીને પણ દૂરથી નમસ્કાર કરવા. ૧૮-૧૯
તેવીજ રીતે બ્રહ્મચારીએ મૈથુનક્રિયામાં આસ્કત એવાં પ્રાણીમાત્રને બુદ્ધિપૂર્વક ક્યારેય પણ જોવાં નહિ. તથા લક્ષ્મી આદિ દેવીઓની પ્રતિમા સિવાય અન્ય સ્ત્રીઓની ચિત્ર અથવા પાષાણની પ્રતિમાનો ક્યારેય પણ બુદ્ધિ પૂર્વક સ્પર્શ કરવો નહિ. તેમજ ભક્તિભાવપૂર્વક ગુરુની સેવા કરવી. પ્રતિદિન ત્રિકાલસંધ્યા પણ બ્રહ્મચારીએ કરવી તથા શક્તિ પ્રમાણે સવાર સાંજ ગાયત્રીમંત્ર અને ભગવાનના નામમંત્રનો જાપ પણ કરવો. સવાર સાંજ મૌન પાળવું અને અગ્નિમાં હોમ કરવો, ભિક્ષાટન કરવું, વેદાધ્યયનપરાયણ જીવન જીવવું, ઇન્દ્રિયોને જીતીને વર્તવું. આ રીતે હે મા ! બ્રહ્મચારીએ વર્તીને ગુરુકુળમાં નિત્યે નિવાસ કરવો. આ પ્રમાણે દેશકાળને અનુસારે પોતાની બુદ્ધિની ક્ષમતા મુજબ છ અંગ અને તેના અર્થોએ સહિત વેદાધ્યયન કરીને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવા માટેનો સમાવર્તન સંસ્કાર કરવો. ૨૦-૨૪
ગૃહસ્થાશ્રમના સાધારણધર્મો :- હે મા ! જે બ્રહ્મચારીને વૈરાગ્ય ન હોય તેણે પોતાની શક્તિ પ્રમાણે ગુરુને દક્ષિણા આપી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવો પણ જેને તીવ્ર વૈરાગ્ય હોય તેવા બ્રહ્મચારીએ તો સીધા વાનપ્રસ્થ કે સન્યાસ આશ્રમમાં પ્રવેશ કરીને નૈષ્ઠિક બ્રહ્મચારી થવું.૨૫
હે મા ! ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાની ઇચ્છાવાળા પુરુષે શુદ્ધકુળમાં જન્મેલી, સમાન જ્ઞાતિવાળી, તથા પોતાનાથી ઉંમરમાં નાની-નિર્દોષ કન્યા સાથે વિવાહ કરવો. ન્યાય તથા નીતિથી ધન કમાવું. પ્રતિદિન સ્નાન કરવું, ત્રિકાલ સંધ્યા કરવી, સવાર સાંજ હોમ કરવો, પિતૃઓનું તર્પણ કરવું વિષ્ણુ ભગવાનનું પૂજન કરવું. તેમજ શક્તિ પ્રમાણે સ્વાધ્યાય તથા વૈશ્વદેવકર્મ કરવું. ૨૬-૨૭
હે મા ! ગૃહસ્થ પુરુષે આપત્કાળમાં મધ્યાહ્ન સમયે કરવાની સંધ્યા સવારે પ્રાતઃકાળે જ કરી લેવી તથા પ્રાતઃસમયે કરવાની સંધ્યા મધ્યાહ્ને કરવી. તેમાં પેલી પ્રાતઃસંધ્યા કરવી, પછી મધ્યાહ્ન સંધ્યા કરવી. તેવી જ રીતે આપત્કાળમાં સાયંકાળે કરવાની સંધ્યા રાત્રિને વિષે કરવી. આવી રીતે હે મા ! સંધ્યાવંદન, ગાયત્રીજપ અને વિષ્ણુનું પૂજન કર્યા વગરનો વિપ્ર ચાર વેદનો જ્ઞાતા હોવા છતાં પણ શૂદ્ર જ કહેલો છે. તેમાં કોઇ સંશય નથી. ૨૮-૨૯
હે મા ! સ્નાન કર્યા પછી ધોયા વગરના સૂતરના વસ્ત્રનો સ્પર્શ ન કરવો. અને સ્નાન ન કર્યું હોય તેવા અપવિત્ર પુરુષે જેનો સ્પર્શ કર્યો હોય તેવા ધોવાયેલાં વસ્ત્રનો પણ સ્નાન કર્યા પછી સ્પર્શ ન કરવો. હે મા ! ત્રણે વર્ણના દ્વિજાતિ પુરુષે ધન-ધાન્ય આદિકનો પૂર્ણ વૈભવ હોય ત્યારે વિવાહ સમયે તથા પોતાની મિલ્કતના ભાઇભાગ કરતે સમયે અગ્નિનું આધાન અવશ્ય કરવું, અર્થાત્ અગ્નિની સાક્ષી જરૂરથી રાખવી. ૩૦-૩૧
હે મા ! ગૃહસ્થ પુરુષે સમયે સમયે માતા પિતા આદિ પોષ્યવર્ગનું અન્ન વસ્ત્રાદિકે કરીને પોષણ કરવું પણ તેમને પીડવા નહિ. તેવી જ રીતે આંગણે આવેલા અતિથિઓની અન્ન, જળ અને વસ્ત્રાદિકથી નિરંતર સંભાવના કરવી. નિત્યે સંતોનો સમાગમ કરવો અને ભગવાનની નવ પ્રકારની ભક્તિ પણ કરવી અને કુસંગનો કે કુસંગીનો સંગ ક્યારેય ન કરવો તથા મૂઢ માણસની જેમ ઘરમાં આસક્ત થઇને પડયા ન રહેવું. ૩૨-૩૩
સ્થાવરસૃષ્ટિમાં પીપળો અને જંગમમાં સાચો ભગવદ્ભક્ત સર્વશ્રેષ્ઠ :- હે મા ! ગૃહસ્થ પુરુષે બીજા બધા જીવો કરતાં ભગવાનના એકાંતિક ભક્તોનો મહિમા અધિકપણે જાણવો. બીજા કરતા અધિક માન આપવું, અધિક રક્ષણ કરવું. તેમજ બીજા કરતાં અધિક તેને આદર આપી પૂજવા. કારણકે ભગવાન સિવાય સર્વ સૃષ્ટિ માત્રમાં એકાંતિક ભક્ત સમાન અન્ય કોઇ શ્રેષ્ઠ નથી. ૩૪
હે મા ! આલોકની સ્થાવર સૃષ્ટિમાં પાષણ આદિના જીવો કરતાં તૃણાદિ જીવો શ્રેષ્ઠ છે. તેના કરતાં ડાંગર વિગેરે ધાન્ય અને ઔષધીઓ શ્રેષ્ઠ છે. તેના કરતાં લતાઓ શ્રેષ્ઠ છે. તેનાથી આંબા આદિકનાં વૃક્ષો શ્રેષ્ઠ છે તે સર્વ કરતાં પીપળો અધિક શ્રેષ્ઠ છે. આ પ્રમાણે સ્થાવર સૃષ્ટિમાં ન્યૂનાધિકપણે વિશેષતા રહેલી છે. તેવી જ રીતે જંગમ સૃષ્ટિમાં ન્યૂનાધિકપણે વિશેષતા રહેલી છે. ૩૫-૩૬
હે મા ! આ જગતની જંગમ સૃષ્ટિમાં પૃથ્વીપર ચાલતી કીડી કરતાં આકાશમાં ઉડતાં પતંગિયાં શ્રેષ્ઠ છે. તેના કરતાં સુગંધપ્રેમી ભમરા શ્રેષ્ઠ છે. તેના કરતાં ચકલાં આદિક પક્ષીઓ શ્રેષ્ઠ છે, તેના કરતાં શાકાહારી સસલાં આદિક પ્રાણીઓ શ્રેષ્ઠ છે, અને તેના કરતાં ગાયો આદિ શ્રેષ્ઠ છે, તેનાથી મનુષ્ય શ્રેષ્ઠ છે, તેમાં પણ શુદ્ધ ચાર વર્ણના મનુષ્યો શ્રેષ્ઠ છે. તે ચારમાંથી પણ બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, તેના કરતાં પણ ધર્મનું આચરણ કરનાર કોઇ પણ જાતિનો પુરુષ શ્રેષ્ઠ છે, તેવા ધાર્મિક પુરુષોમાં પણ આત્મજ્ઞાની પુરુષ વધુ શ્રેષ્ઠ છે, અને જ્ઞાનીઓમાં પણ જે ભગવાનનો એકાંતિક ભક્ત છે તે સર્વ કરતાં શ્રેષ્ઠ છે. ૩૭-૩૯
હે મા ! આવા ભગવાનના એકાંતિક ભક્તો થકી બીજા કોઇ શ્રેષ્ઠ છે નહિ. કારણ કે, સ્વયં શ્રીહરિ ભગવાન તેના અંતરમાં સદાય વિરાજમાન હોય છે. આ પ્રમાણે તારતમ્યતા સમજીને ભગવાનના ભક્તોને સર્વ કરતાં અધિકપણે માનવા અને પૂજવા. જે લોકો આ પ્રમાણે તારતમ્યભાવ નહિ સમજીને સંત અને અસંતમાં સમભાવ રાખે છે તે મહામૂર્ખ છે અને તે મોટા દોષના ભાગીદાર છે. તે કારણથી દરેક 'સત્' અને 'અસત્' નો વિવેક જરૂરથી શીખવો. ૪૦-૪૧
પુનઃ ગૃસ્થાશ્રમના સાધારણધર્મનું વર્ણન :- હે મા ! વૈષ્ણવ એવા ગૃહસ્થ ભક્તે ચંદન, પુષ્પમાળા, અલંકારો, વસ્ત્રો તેમજ અનાજ આદિ વિગેરે ભોગ્ય પદાર્થો પ્રથમ ભગવાનને નિવેદન કરી પછીથી જ પોતાના ઉપયોગમાં લેવાં. દેવતાઓ અને પિતૃઓનું પૂજન પણ 'તેમાં ભગવાન અખંડ રહેલા છે' એવી બુદ્ધિથી ભગવાનનાં જ પ્રસાદિના ચંદનાદિક ઉપચારોથી જ કરવું. શાસ્ત્રોક્તવિધિથી શ્રાદ્ધના સમયે પિતૃશ્રાદ્ધ કે માતૃશ્રાદ્ધ પણ કરવું. ૪૨-૪૩
હે સતી, મા ! ખેતી કર્યા વિના પાકેલા મુનિ-અન્નથી અથવા ખેતીથી પાકેલા પવિત્ર ડાંગર આદિ ધાન્યથી પણ શ્રાદ્ધકર્મ કરવું. આ શ્રાદ્ધકર્મમાં આપત્કાળ આવી પડે છતાં ક્યારેય માંસનું નિવેદન ન કરવું. કારણ કે પિતૃઓ હમેશાં અહિંસાધર્મ-પરાયણ જ ભગવાનના ભક્તો હોય છે. ૪૪-૪૫
હે મા ! જે દેવતા કે દેવીની આગળ મદ્યમાંસનું નૈવેદ્ય થતું હોય કે, જીવહિંસા થતી હોય તેવા દેવ કે દેવીને ક્યારેય માનવા-પૂજવા નહિ. તેવી જ રીતે હે મા ! પોતાના અધિકારને અનુસારે દેશકાળને ધ્યાનમાં લઇ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ગૃહસ્થોએ તીર્થાટન કરવું તથા એકાદશી આદિ વ્રતોનું અનુષ્ઠાન પણ કરવું. પવિત્રદેશમાં, પવિત્ર કાળમાં અને પવિત્ર સત્પાત્રમાં જે કાંઇ વિશેષ રીતે પુણ્યકર્મ કરેલું હોય તે અવિનાશી ફળને આપનારું થાય છે. ૪૬-૪૮
ધનાઢય ગૃહસ્થના વિશેષધર્મ :- હે મા ! ધનાઢય ગૃહસ્થ ભક્તોએ તો નવ્ય ભવ્ય સુદ્રઢ રમણીય ભગવાનના મંદિરનું નિર્માણ કરાવવું. તદુપરાંત ધન-ક્ષેત્ર આદિકથી આજીવિકાની વ્યવસ્થા કરાવી ભગવત્ પૂજનના પ્રવાહને અખંડ ચાલુ રખાવવો.૪૯
વળી ધનાઢય ગૃહસ્થે છૂટે હાથે દક્ષિણાઓ આપવાની સાથે હિંસારહિત વિષ્ણુયાગ યજ્ઞો કરવા. તથા ભગવાનની કે ભક્તોની સેવાને અર્થે વાવ, કુવા, તળાવ વિગેરે જળસંગ્રહના નિર્માણ પણ કરાવવાં.પ૦
તેમજ ઘણાં ઘી અને સાકરમિશ્રિત મિષ્ટભોજન વડે ભગવાનના ભક્ત સાધુ અને બ્રાહ્મણોને તૃપ્ત કરવા, પણ તેમની અવગણના કયારેય ન કરવી. સત્પુરુષો આગળ હમેશાં નિષ્કપટપણે વર્તવું.પ૧
અતિ લોભ ન કરવો. અતિ કામી ન થવું અને અતિ ક્રોધ પણ ન કરવો. તેવી જ રીતે મત્સર ન રાખવો. કયાંય પણ અતિમાની ન થવું. તેમજ સમસ્ત દેહધારીઓ ઉપર દયાવાળા થવું.૫૨
વળી હે મા ! ગૃહસ્થ પુરુષોએ પોતાના સમીપ સંબંધ વિનાની વિધવા સ્ત્રીઓનો આપત્કાળ પડયા વિના જાણી જોઇને ક્યારેય સ્પર્શ કરવો નહિ.પ૩
તેમ જ ગૃહસ્થ પુરુષોએ પોતાની મા-બેન અને દિકરીની સાથે પણ આપત્કાળ પડયા વિના એકાંત સ્થળમાં ક્યારેય ન રહેવું.પ૪
તેવીજ રીતે તીર્થાદિક સ્થાનકને વિષે મોક્ષને માટે પણ પોતાની કે પારકાની હત્યા ન કરવી અને નિત્યે ધર્મપરાયણ જ જીવન જીવવું.૫૫
સધવા-વિધવા નારીઓના સાધારણધર્મો :- હે મા ! સધવાનારીએ પતિવ્રતાના ધર્મ પ્રમાણે સ્થિર રહી ચંચળતાનો ત્યાગ કરવો અને પોતાના પતિનું નિરંતર દેવની માફક સેવન કરવું તથા વિધવા નારીએ ભગવાન શ્રી લક્ષ્મીપતિની પતિબુદ્ધિથી સેવા કરવી, તેમજ ચાંદ્રાયણ આદિકના વ્રત ઉપવાસથી પોતાના શરીરને કૃશ કરી રાખવું.પ૬-પ૭
અને વળી જેમ ત્યાગી પુરુષો સ્ત્રીમાત્રને દૃષ્ટિ માંડી જોતા નથી અને સ્પર્શ કરતા નથી તેમ વિધવા સ્ત્રીઓએ પણ પોતાના સમીપ સંબંધ સિવાયના સમગ્ર પુરુષમાત્રને જોવા નહિ અને તેનો સ્પર્શ પણ કરવો નહિ. તેવીજ રીતે વિધવા સ્ત્રીએ એકાંત સ્થળમાં પોતાના પિતા કે પુત્રની સાથે પણ આપત્કાળ પડયા વિના ક્યારેય રહેવું નહિ.૫૮-૫૯
વાનપ્રસ્થાશ્રમના સાધારણધર્મો :- હે મા ! ગૃહસ્થ પુરુષોએ આયુષ્યના ત્રીજા ભાગમાં એકાવનમા વર્ષના પ્રારંભે વાનપ્રસ્થ-આશ્રમનો સ્વીકાર કરવો. જો પોતાની સ્ત્રી સુશીલ સ્વભાવની હોય તો સાથે લેવી, નહિ તો પોતાના પુત્રોને સોંપી એકલાજ વનમાં પ્રવેશ કરવો.૬૦
વનમાં તે વાનપ્રસ્થીએ ઉનાળાની ઋતુમાં પણ પંચાગ્નિનું સેવન કરવું. શિયાળામાં નિયહપૂર્વક જળમાં બેસવું. વર્ષાઋતુમાં વરસાદની ધારાઓ સહન કરવી. તથા સદાય ભગવાનની ભક્તિ પરાયણ જીવન જીવવું.૬૧
તેવીજ રીતે વનમાં પાકેલાં ખડધાન્ય કે ફળથી અથવા કંદમૂળથી અગ્નિહોત્ર કર્મનું અનુષ્ઠાન કરવું. તે અગ્નિ રાખવા માટે કુટીરની રચના કરવી પણ પોતે કુટીરથી બહાર નિવાસ કરવો.૬૨
ખેતી કર્યા વિના પાકેલા અને સ્વયં જંગલમાંથી સોધી લાવેલા ખડધાન્ય આદિકથી પોતાના જીવનનો નિર્વાહ કરવો. પોતાની શક્તિ અનુસાર વનમાં નિવાસ કરી, પછીથી ચોથા સંન્યાસ આશ્રમનો સ્વીકાર કરવો.૬૩
સંન્યાસાશ્રમના સાધારણધર્મો :- હે મા ! એ સંન્યાસ આશ્રમમાં પ્રવેશ કરેલા પુરુષે એક કંથા ને બે કૌપીન તથા બે આચ્છાદન વસ્ત્રો રાખવાં. વાંસમાંથી બનાવેલો દંડ રાખવો અને કમંડલું ધારણ કરવું.૬૪
વળી નારાયણપરાયણ એ સંન્યાસીએ ('' ઁ નમો નારાયણાય'') એ અષ્ટાક્ષરમંત્રનો નિરંતર જપ કર્યા કરવો, જ્ઞાન-વિજ્ઞાન સંપન્ન થઇ સંન્યાસીએ શ્રીહરિની નવધા ભક્તિ કરવી.૬૫
આપત્કાળ પડયા વિના કે વર્ષાઋતુ વિના એક જગ્યાએ ક્યારેય વાસ કરવો નહિ. હમેશાં પવિત્ર બ્રાહ્મણના ઘરની અલ્પમાત્રામાં એકજ વખત ભિક્ષા ગ્રહણ કરવી.૬૬
એકાદશી આદિક ભગવાનનાં વ્રતોનું વિધિપૂર્વક પાલન કરવું તથા બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવું. મન અને ઇન્દ્રિયોને જીતીને વર્તવું.૬૭
વૈરાગ્યવાન માટે કળિયુગી વ્યવસ્થા :- હે મા ! વાનપ્રસ્થ અને સંન્યાસ આ બે આશ્રમનો કળિયુગમાં નિષેધ છે. તેથી ઘરમાંથી વિરક્ત થયેલા બ્રહ્મચારીએ અથવા ત્રણે વર્ણના ગૃહસ્થોએ પણ ભાગવતી મહાદીક્ષાનો સ્વીકાર કરી આત્મનિવેદી ભક્ત થવું.૬૮
અને પોતાનાજ આશ્રમમાં રહી અષ્ટપ્રકારે બ્રહ્મચર્યવ્રતનું પાલન કરી હરિભજન પરાયણ જીવન વ્યતીત કરવું.૬૯
અથવા ઘરનો ત્યાગ કરીને સાધુઓના મંડળમાં જઈને મહાદીક્ષા લઇને સાધુગુણે સંપન્ન થઇ ઋષભદેવના પુત્ર જડભરતની જેમ નિર્માનીપણે વર્તી ભગવાનનું અખંડ ભજન સ્મરણ કરવું.૭૦
હે મા ! પોતાનું હિત ઇચ્છતા સાધુ પુરુષે દેવતાની પ્રતિમા વિનાની અન્ય સ્ત્રીની ચિત્ર કે કાષ્ઠની પ્રતિમાને પણ બુદ્ધિપૂર્વક જોવી નહિ અને તેનો સ્પર્શ પણ કરવો નહિ, તેમજ સુવર્ણ કે રૂપિયા આદિક દ્રવ્યનો પણ ત્યાગ કરવો.૭૧
હે મા ! સ્ત્રી અને સ્ત્રીમાં આસક્ત પુરુષનો સંગ એક ભગવાન સિવાય મુક્ત પુરુષોને પણ સર્વ પ્રકારે બંધન કરનારો છે, માટે તેના સંગનો સાધુપુરુષે સદંતર ત્યાગ રાખવો.૭૨
સ્ત્રીનો પ્રસંગ થયા પછી ગમે તેવો સિદ્ધ સાધુ હોય તોપણ તેનાં જ્ઞાન, ભક્તિ, યોગ, તપ, ત્યાગ અને સત્શાસ્ત્રનું મનન, ચિંતન વિગેરે અનંતગુણો નિષ્ફળ થઇ જાય છે, તેથી મુમુક્ષુએ કાળા સર્પની જેમ સ્ત્રી થકી હમેશાં ભય પામતા રહેવું જોઇએ, અરે ! કોઇ સમાધિ સ્થિતિને પ્રાપ્ત કરી હોય તો પણ સાધુ પુરુષે સ્ત્રીનો પ્રસંગ તો દૂરથી જ છોડી દેવો.૭૩-૭૪
વળી હે મા ! કામ, ક્રોધ, લોભ, માન, ભગવાનના ભક્તો સિવાય અન્યત્ર સ્નેહ અને રસાસ્વાદમાં આસક્તિ, આ છ નરકનાં દ્વાર છે, તેથી તેનો દૂરથી જ ત્યાગ કરવો. વળી એ ત્યાગી પુરુષે ઇન્દ્રિયો જીતી હોય છતાં પણ અષ્ટપ્રકારના બ્રહ્મચર્યનું પાલન કરતાં થકાં નિરંતર શ્રીહરિની નવપ્રકારની ભક્તિ પ્રિતિ પૂર્વક કરવી.૭૫-૭૬
હે મા ! ભગવાનના એકાંતિક ભક્ત આવા સાધુ પુરુષો ભગવાનની સેવા સિવાય ચારપ્રકારની મુક્તિ કે કૈવલ્યમુક્તિને પણ ઇચ્છતા નથી તો પછી તુચ્છ એવાં સ્વર્ગનાં સુખની તો અપેક્ષા જ કેમ રાખે ? ભગવાનની સેવા સિવાય ઇતર વાસનાનો નાશ કરવામાં તત્પર રહેનારા આવા સાધુપુરુષે પોતાના હૃદયમાં કામ, ક્રોધાદિ અંતઃશત્રુઓને પ્રવેશવાનો અવકાશ પ્રાપ્ત ન થાય એ રીતે સાવધાનપણે વર્તવું.૭૭-૭૮
વળી હે મા ! આવા સાધુપુરુષે અશુભ એવા દેશ, કાળ, ક્રિયા, શાસ્ત્ર, સંગ, દીક્ષા, મંત્ર અને ધ્યાનનો ત્યાગ કરવો, અને શુભ દેશકાળાદિકનું હમેશાં સેવન કરવું, તેમજ પૂર્વોક્ત સાધુ લક્ષણે સંપન્ન પુરુષોએ આચરેલા માર્ગે ચાલવું. તેમ છતાં હે મા ! મેં બતાવેલા આ નિયમોમાંથી જે જે નિયમનો ભંગ થાય તેનું વર્ણાશ્રમી દરેક પુરુષોએ યથાશાસ્ત્ર પ્રાયશ્ચિત કરવું.૭૯-૮૦
હે જનની ! આ પ્રમાણે મેં ચારે વર્ણ અને ચારે આશ્રમના શાસ્ત્રવિહિત ધર્મોનું તમારી આગળ પૃથક્ પૃથક્ સ્પષ્ટ રીતે નિરુપણ કર્યું, હવે તમને જ્ઞાનનું લક્ષણ કહું છું.૮૧
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં હરિગીતાના બીજા અધ્યાયમાં વર્ણાશ્રમ ધર્મનું નિરૂપણ કર્યું એ નામે તેત્રીસમો અધ્યાય પૂર્ણ થયો. -૩૩-