અધ્યાય - ૫૧ - લોજની વાવ ઉપર સુખાનંદ સ્વામી સાથે મેળાપ.
સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! તે લોજપુરમાં ઉદ્ધવાવતાર જગદ્ગુરુ શ્રીરામાનંદ સ્વામીના મુક્તાનંદ સ્વામી આદિ પચાસ ત્યાગી શિષ્યો રહેતા હતા.૧
તેમાંના એક સુખાનંદ નામના સંત ત્યાં વાવ ઉપર સ્નાન કરવા પધાર્યા અને વાવના કાંઠે ધ્યાનમુદ્રામાં બેઠેલા એક અલૌકિક બ્રહ્મચારીને નિહાળ્યા.૨
તે સમયે તપસ્વીશ્રેષ્ઠ બાલાયોગીને નમસ્કાર કરી સુખાનંદ સ્વામી પૂછવા લાગ્યા કે, હે વર્ણીરાજ ! આપનું કયા દેશમાંથી શુભ આગમન થયું છે ? અને અહીંથી ક્યા દેશ તરફ આપનું પ્રયાણ થશે ? આપ કૃપા કરીને મને જણાવશો ?૩
સુખાનંદ સ્વામીનાં વચનો સાંભળી શ્રીનીલકંઠ બ્રહ્મચારી કહેવા લાગ્યા કે, હું ઉત્તર કૌશલ દેશથી નીકળી તીર્થોમાં વિચરણ કરતો કરતો દૈવ-ઇચ્છાથી અહીં આવ્યો છું. પણ તમે કયા સંપ્રદાયના સાધુ છો ? અને કોના શિષ્ય છો ? તે મને કહો.૪
આ પ્રમાણે શ્રીહરિનો સામો પ્રશ્ન સાંભળી સુખાનંદ સ્વામી કહેવા લાગ્યા કે, આ પૃથ્વી પર અત્યારે ભગવાનપણાની પ્રસિદ્ધિને પામેલા રામાનંદ સ્વામી છે. તેમના ત્યાગી સાધુઓની સાથે બીજા હજારો ગૃહસ્થ શિષ્યો છે.૫
તેમાં જે ત્યાગી શિષ્યો છે તેના અગ્રણી સંત મુક્તાનંદ સ્વામી મારા સહિત પચાસ ત્યાગી સાધુઓના મંડળની સાથે અહીં વિરાજે છે.૬
હું અહીં સ્નાન કરવા માટે આવ્યો ને સદ્ભાગ્યવશાત્ તપોનિધિ આપનાં દર્શન થયાં. તેથી આપની સમીપે આવ્યો છું, આપનું દર્શન યોગી પુરુષોએ પણ કરવા જેવું છે.૭
હે વર્ણીરાજ ! અમારામાં મોટેરા ગુરુભાઇ મુક્તાનંદ સ્વામી છે. તે યોગના પારને પામેલા છે. ભગવાન શ્રીકૃષ્ણના એકાંતિક ભક્ત છે. પોતે તપસ્વી હોવા છતાં આપના જેવા તપોનિધિનાં દર્શન કરવાની ઝંખના ધરાવે છે.૮
સમગ્ર દેહધારીઓને દર્શન કરવા જેવા એ સંત છે. ગુરુ રામાનંદ સ્વામીની આજ્ઞાથી આપના જેવા યોગીપુરુષોની સેવા કરવા માટે જ આ લોજપુરમાં મારા જેવા ગુરુભાઇઓની સાથે તે રહે છે. તો તપોનિધિ આપ, તેમને આપનું દર્શન આપો. જો આપ ત્યાં નહિં પધારો તો તે સ્વામી જ મારી પાસેથી આપનું વૃત્તાંત સાંભળી તરત જ આપનાં દર્શન કરવા અહીં પધારશે.૯-૧૦
મુક્તાનંદસ્વામી સાથે મેળાપ :- સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણેનાં સુખાનંદ સ્વામીનાં વચનો સાંભળી મુક્તાનંદ સ્વામી જેવા યોગીપુરુષનાં દર્શનને જ તીર્થયાત્રાનું સાચું ફળ જાણી વર્ણીરાજ શ્રીહરિ સુખાનંદ સ્વામીને કહેવા લાગ્યા કે, હે મુનિ ! વનમાં નવાં નવાં વૃક્ષો નીચે નિત્યે નિવાસ કરતો હું પુર કે ગામમાં ક્યારેય પ્રવેશ કરતો નથી. છતાં પણ તેવા યોગીનાં દર્શનને જ સર્વ તીર્થયાત્રાનું ફળ જાણું છું. તેથી હું જ તમારી સાથે તેમનાં દર્શન કરવા હમણાં આવું છું.૧૧-૧૩
એમ કહીને શ્રીહરિ તે જ ક્ષણે ઊભા થયા અને સુખાનંદ સ્વામી સાથે રામાનંદ સ્વામીના આશ્રમમાં પધાર્યા. તેજસ્વી બ્રહ્મચારીને આવતા જોઇ મુક્તાનંદ સ્વામી વગેરે સંતો તત્કાળ ઊભા થઇ સન્મુખ ગયા.૧૪
શ્રીહરિએ સંતોને નમસ્કાર કર્યા અને સંતોએ શ્રીહરિને નમસ્કાર કર્યા, ત્યારપછી સૌ યથાયોગ્ય પોતપોતાના સ્થાને આવીને બેઠા. બિરાજેલા બાલયોગીનાં દર્શન કરી સૌ સંતો આશ્ચર્ય પામવા લાગ્યા.૧૫
આશ્ચર્યકારીમૂર્તિ વર્ણીરાજ :- સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! તપ અને તેજથી દેદીપ્યમાન, મન અને નેત્રોને આનંદ ઉપજાવતા શાંતમૂર્તિ શ્રીહરિનાં દર્શન કરી મુક્તાનંદ સ્વામી આદિ સંતો અનેક પ્રકારના તર્ક વિતર્ક કરવા લાગ્યા.૧૬
અરે..... આપણે ધરતી પર અનેક તપસ્વીઓ અને યોગીઓને જોયા છે. પરંતુ આ વર્ણીરાજ જેવા યોગી આ ભૂમંડલમાં અત્યાર સુધી જોયા નથી અને સાંભળ્યા પણ નથી.૧૭
કારણ કે ક્યાં આ બ્રહ્મચારીનું ઉગ્ર તપ અને ક્યાં બાલક્રીડાને ઉચિત એમની અવસ્થા ? તેથી આ કોઇ સાધારણ મનુષ્ય તો નથી જ, પરંતુ મનુષ્યરૂપમાં કોઇ દેવતા હોય તેમ લાગે છે.૧૮
શું વર્ણીરૂપે મનુષ્યાકૃતિ ધરનારા સાક્ષાત્ સૂર્ય નારાયણ હશે ? અથવા ચંદ્ર, અગ્નિ કે સનત્કુમાર તથા કાર્તિક સ્વામી હશે ? અથવા શ્વેતદ્વિપધામવાસી કોઇ નિરન્નમુક્ત તો નહીં હોય ને ? અથવા મૂર્તિમાન તપ સ્વયં આ નીલકંઠ સ્વરૂપે તો નહિ પધાર્યું હોય ને ? ભલે ગમે તે હોય પણ આજે આપણે આ તપોનિધિનાં દર્શન થયાં તે આપણાં મોટાં ભાગ્ય અને મહા આનંદની વાત છે. એમની સેવા કરવાથી આપણા ગુરુવર્ય શ્રીરામાનંદ સ્વામી આપણા ઉપર ખૂબજ પ્રસન્ન થશે.૧૯-૨૦
હે રાજન્ ! આ પ્રમાણે તર્ક-વિતર્કની સાથે ચર્ચા કરતા સંતો વર્ણીરાજની સેવા કરવા લાગી ગયા, સ્વયં મુક્તાનંદ સ્વામીએ વર્ણીરાજનું સ્વાગત કરી આતિથ્ય સત્કાર કરાવ્યો અને વર્ણીરાજ પણ આવા હળાહળ કલિયુગમાં પણ તે સંતોને જિતેન્દ્રિય અને સુશીલ સ્વભાવના જાણી પોતાને સમાગમ કરવા યોગ્ય છે એમ માનવા લાગ્યા.૨૧-૨૨
વર્ણીરાજે પૂછયા પાંચ પ્રશ્નો :- હે રાજન્ ! ત્યારપછી બાલયોગી શ્રીહરિ કેવા કેવા મોટા ગુણોથી વિશિષ્ટ આ સંત છે, એમ જાણવાની ઇચ્છાથી મહાન સંત શ્રી મુક્તાનંદ સ્વામીની પરીક્ષા કરવા બે હાથ જોડી વિનયપૂર્વક પ્રશ્નો પૂછવા લાગ્યા. શ્રી નીલકંઠવર્ણી પૂછતાં કહે છે, હે મહામુનિ ! તમે અતિ સુજ્ઞા છો. સત્શાસ્ત્રમાં કહેલાં લક્ષણોએ યુક્ત સંતપુરુષોએ તમને સંત તરીકે પ્રમાણિત કર્યા છે. તેથી હે મહામુનિ ! તમને જે હું પ્રશ્નો કરું. તેનો યથાર્થ ઉત્તર આપજો. જીવનું સ્વરૂપ શું છે ? ઇશ્વરનું સ્વરૂપ શું છે ? તેમજ માયાનું સ્વરૂપ શું છે ? બ્રહ્મનું સ્વરૂપ અને પરબ્રહ્મનું સ્વરૂપ શું છે ? આ સર્વેનાં પૃથક્ પૃથક્ લક્ષણો જાણવાની મારા અંતરમાં ઇચ્છા વર્તે છે. તો તમે તેનાં લક્ષણો મને જણાવો.૨૩-૨૫
આ પ્રમાણે વર્ણીરાજે સૂક્ષ્મ પ્રશ્નો પૂછયા. તે સાંભળી મુક્તાનંદ સ્વામી, ગુરુ રામાનંદ સ્વામીના મુખેથી અભ્યાસ દરમ્યાન જે પ્રકારે જાણ્યું હતું અને સાંભળ્યું હતું, તે જ પ્રકારે તેનો ઉત્તર આપવા લાગ્યા.૨૬
જીવનું સ્વરૂપ :- હે વર્ણીરાજ ! જીવાત્મા સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીરમાં નખથી શિખા પર્યંત વ્યાપીને રહેલો છે. તે ચક્ષુ આદિ ઇન્દ્રિયો અને મન આદિ અંતકરણ દ્વારા વિવિધ ક્રિયાઓને કરે છે.૨૭
હકીકતે તે જીવ અજન્મા છે. નિત્ય છે. શાશ્વત છે. કોઇનાથી પણ વિભાગ ન કરી શકાય તેવો નિરંશ છે. અવિનાશી છે. પ્રકાશરૂપ છે. તથા ઇન્દ્રિયો અંતઃકરણને પ્રકાશ કરનારો છે. તેમ જ હે વર્ણીરાજ ! ગીતામાં કહેલા અછેદ્ય, અભેદ્ય આદિ લક્ષણોથી સંપન્ન છે.૨૮
ઇશ્વરનું સ્વરૂપ :- હે વર્ણીરાજ ! ઇશ્વર છે તે વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત આ ત્રણ શરીરમાં અન્વયપણે ઉપાસનાના બળે પ્રાપ્ત થયેલી સામર્થીથી જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયરૂપ કર્મને કરે છે, અને તે સર્વજ્ઞા છે. એવા પુરુષને ઇશ્વર જાણવા.૨૯
માયાનું સ્વરૂપ :- હે વર્ણીરાજ ! માયા છે તે જીવાત્માની ઉત્પત્તિના ક્ષેત્રરૂપ છે. જેમ બીજને ઉગવા પૃથ્વીનો આધાર જોઇએ તેમ જીવને શરીર પ્રાપ્ત કરવા માયાની જરૂર પડે છે. તે અનાદિ છે, જડ ચિદાત્મક છે, તમોમયી અર્થાત્ ગાઢ અંધકારરૂપ છે, ભગવાન શ્રીહરિની શક્તિસ્વરૂપા છે, કાર્ય અને કારણ સ્વરૂપા છે, સત્ત્વ, રજ અને તમ આ ત્રણ ગુણવાળી છે. તે અજન્મા છે, અજ્ઞાન-સ્વરૂપા છે, આવી માયાને પણ ભગવાન શ્રીહરિનો આશ્રય કરનારા જીવાત્માઓ તરી જાય છે. આ માયાનાં લક્ષણો છે.૩૦-૩૧
બ્રહ્મનું સ્વરૂપ :- હે વર્ણીરાજ ! બ્રહ્મ છે તે સત્ય સ્વરૂપ છે, જ્ઞાનસ્વરૂપ અર્થાત્ ચૈતન્ય સ્વરૂપ છે, અનંત સ્વરૂપ છે, પૂર્ણ સ્વરૂપ અર્થાત્ સર્વવ્યાપક છે, અખંડ, અવિનાશી છે, અક્ષર છે. આવું જે બ્રહ્મ તે ભગવાન વાસુદેવનું ધામ છે. અમૂર્ત સ્વરૂપે ભગવાનને અને મુક્તોને ધારી રહેલું છે અને મૂર્તિમાન સ્વરૂપે અખંડ ભગવાનની સેવામાં હાજર રહે છે.૩૨
તે શુદ્ધ સ્વરૂપ, નિત્યસ્વરૂપ અને અવિકારી છે. અને માયા આદિ સર્વને પ્રકાશક કરનારું છે. તે સર્વે બ્રહ્માંડોનો આધાર છે. આ પ્રમાણે બ્રહ્મનાં લક્ષણો છે. તે તમે જાણો.૩૩
પરબ્રહ્મનું સ્વરૂપ :- હે વર્ણીરાજ ! જે નારાયણ છે, તે જ વાસુદેવ છે અને તે જ પરબ્રહ્મ છે. તે સ્વતંત્ર છે. સ્વયંપ્રકાશક છે. ને સદાય આનંદમય દિવ્યમૂર્તિ છે. સર્વમાં વ્યાપીને રહેનારા વિષ્ણુ છે. તે સદાય શ્યામ સુંદરમૂર્તિ કૃષ્ણ છે, તે સ્વરૂપ, સ્વભાવ, ગુણ, વિભૂતિ, ઐશ્વર્ય અને સામર્થીથી ક્યારેય પણ દૂર થતા ન હોવાથી અચ્યુત છે. તેમાં કોઇ વિકાર ન હોવાથી અવ્યય છે.૩૪
તે સર્વજ્ઞા છે, સત્ય સંકલ્પ છે. સર્વના કર્મફલપ્રદાતા છે, સર્વાન્તર્યામી છે, સર્વે શક્તિઓ તેની સદાય સેવા કરે છે, તે સર્વે ઇશ્વરોના પણ પરમેશ્વર છે.૩૫
તે પોતાની યોગૈશ્વર્યરૂપ અંતર્યામી શક્તિથી સર્વત્ર વ્યાપીને અન્વયપણે રહેલા છે. અને અક્ષરબ્રહ્મધામમાં સ્વયં સ્વસ્વરૂપે મૂર્તિમાન વ્યતિરેકપણે પણ રહ્યા છે. તે કાળ માયા આદિ સર્વના નિયંતા છે. અને તે સર્વે કારણના કારણ પણ છે.૩૬
અક્ષર પર્યંત સર્વે આત્માઓના પણ તે આત્મા હોવાથી પરમાત્મા કહેલા છે. હે વર્ણીરાજ ! આ પરબ્રહ્મનાં લક્ષણ છે. તે પરબ્રહ્મજ એક સર્વે મુમુક્ષુ જીવાત્માઓને ઉપાસના કરવા યોગ્ય, ભજન સ્મરણ કરવા યોગ્ય છે.૩૭
હે વર્ણીરાજ ! આ પ્રમાણે મેં મારી મતિ અનુસાર ગુરુમુખેથી જે રીતે સાંભળ્યું હતું તેજ રીતે વર્ણન કરી તમારા પ્રશ્નનાં ઉત્તર કર્યા છે. અને વિશેષપણે એમનાં લક્ષણો અમારા ગુરુ રામાનંદ સ્વામી જાણે છે. એટલું નહિ પણ સ્વામી તો એ સર્વેના સ્વરૂપને પ્રત્યક્ષ દેખે પણ છે. વધુમાં પોતાના પ્રતાપથી મુમુક્ષુઓને તેનાં સાક્ષાત્ દર્શન પણ કરાવે છે.૩૮-૩૯
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે કહીને સંપ્રદાયના અગ્રણી સંત શ્રી મુક્તાનંદ સ્વામી વિરામ પામ્યા. ત્યારે વર્ણીરાજ શ્રીહરિ પણ તેમના વચનો સાંભળીને બહુજ પ્રસન્ન થયા.૪૦
આ સાધુ સ્વભાવથી સરળ અને નિષ્કપટ સંત છે, એમ જાણી શ્રીનીલકંઠવર્ણી કહેવા લાગ્યા કે, હે મુનિ ! તમે જે ઉત્તર કર્યો તે સંપૂર્ણ સત્ય છે. તેમાં મને કોઇ પણ પ્રકારનો સંશય નથી.૪૧
હે મુનિ તીર્થોમાં વિચરણ દરમ્યાન મેં ઘણા બધા શાસ્ત્રવેત્તા વિદ્વાનોને આ પ્રશ્નો પૂછયા છે, પરંતુ તેમાંથી કોઇ પણ તમારા જેવા યથાર્થ ઉત્તરો આપી શક્યા નથી.૪૨
તમે સર્વે સંતો શાસ્ત્રોક્ત લક્ષણથી સંપન્ન મહાન સાધુપુરુષો છો. તમારા જેવા સંતોનાં દર્શનથી મને અંતરમાં બહુ જ આનંદ આવે છે. અંતર હર્ષથી નાચી ઉઠયું છે.૪૩
હે રાજન્ ! શ્રીનીલકંઠવર્ણીનાં વચનો સાંભળી મુક્તમુનિ પણ તેમને કહેવા લાગ્યા કે, હે વર્ણીરાજ ! આ લોકમાં મેં હજારો ખ્યાતનામ તપસ્વીઓ જોયા છે પણ તમારા જેવા તપોનિધિનાં ક્યાંય દર્શન કર્યાં નથી.૪૪
હે યોગીરાજ ! આવા અઘરા પ્રશ્નો કરવા અને પછી તેના યથાર્થ ઉત્તરો જાણવા, એમાં તો તમારી જ બુદ્ધિ સર્વ મનુષ્ય કરતાં સર્વોપરી વર્તે છે.૪૫
ત્યારપછી નીલકંઠવર્ણી તે સંતોને સાધુલક્ષણે સંપન્ન અને સાચા સાધુ જાણી કેટલાક દિવસો સુધી ત્યાં સ્થિર થયા અને તે સર્વે સંતો પણ શ્રીહરિની શ્રદ્ધાપૂર્વક સેવા સમાગમ કરવા લાગ્યા.૪૬
પ્રાકૃતભાષા કે સંસ્કૃતભાષાના ગ્રંથોમાં બ્રહ્મવિદ્યા સંબંધી પ્રશ્નો પૂછવામાં કે તેના યથાર્થ ઉત્તરો આપવામાં કોઇ પણ બુદ્ધિમાન પુરુષ શ્રીહરિને જીતવા સમર્થ થતા નહિ.૪૭
વિચક્ષણ સર્વે સંતો પણ શ્રીહરિમાં મનુષ્યોમાં સંભવે નહિ એવી અસાધારણ બુદ્ધિ જોઇ સાધારણ મનુષ્યપણાની બુદ્ધિ શ્રીહરિમાં ક્યારેય કરતા નહિ, કોઇ દિવ્ય પુરુષ છે એમ જાણતા. વર્ણીના વેષમાં રહેતા સાક્ષાત્ શ્રીહરિના ગુણ અને ઐશ્વર્યના પારને નહિ પામેલા અને તેથી જ અતિ આશ્ચર્યચકિત થયેલા મુક્તાનંદ આદિ સર્વે સંતો સ્વેચ્છાએ મનુષ્યાકૃતિ ધરીને આવેલા ભગવાન શ્રીહરિની પ્રેમ અને ભાવથી ખૂબ સેવા કરવા લાગ્યા.૪૮-૪૯
હે ભૂપાલ ! સ્થિર દૃષ્ટિવાળા ભગવાન શ્રીહરિ લોજપુરમાં મુક્તાનંદ સ્વામી સંતોના મુખેથી રાસેશ્વરી રાધાના પ્રાણપતિ ભગવાન શ્રીકૃષ્ણની અતિ પાવનકારી અને મનોહારી કથાનું નિત્યે અતિભાવથી શ્રવણ કરતા અને સાથો સાથ સદાય તપશ્ચર્યા પણ કરતા રહેતા.૫૦
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં નીલકંઠવર્ણીએ મુક્તાનંદ સ્વામીને પાંચ પ્રશ્નો કર્યા અને તેના ઉત્તરોથી બહુજ ખુશી થઇ ત્યાં રોકાયા વગેરેનું નિરૂપણ કર્યું એ નામે એકાવનમો અધ્યાય પૂર્ણ થયો. --૫૧--