અધ્યાય - ૫૫ - પત્રોવાંચી ગદ્ગદ્ થયેલા શ્રીરામાનંદસ્વામીએ મુક્તાનંદસ્વામી તથા નીલકંઠવર્ણી ઉપર પત્ર લખી મોકલ્યો.
સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! મયારામ વિપ્રે પત્રો આપ્યા પછી તરત જ મુનિરાટ્ શ્રી રામાનંદ સ્વામીએ બન્ને પત્રોનું વાંચન કર્યું, અને વર્ણીરાજના આગમનના સમાચાર જાણી સ્વામી અત્યંત પ્રસન્ન થયા.૧
નીલકંઠવર્ણીનો પોતાને વિષેનો પ્રેમભાવ અને ભગવાનનાં પ્રત્યક્ષ દર્શન માટે કરાતા તીવ્ર તપના સમાચાર વાંચી સ્વામી ગદ્ગદ્કંઠ થયા અને આંખમાં હર્ષનાં અશ્રુઓ ઉભરાયાં.૨
રામાનંદ સ્વામીએ પત્રમાં લખેલ સમગ્ર વૃત્તાંત સભામાં બેઠેલા સુંદરજી સુથાર આદિ ભક્તજનોની આગળ વાંચી સંભળાવ્યું અને નીલકંઠવર્ણીના ગુણોની ખૂબજ પ્રશંસા કરી.૩
રામાનંદ સ્વામીએ પોતાના હસ્તે શ્રીનીલકંઠ બ્રહ્મચારીને આશ્વાસન આપવા તેમના પત્રના આપેલા પ્રત્યુત્તર સાથે બુદ્ધિમાન મુક્તાનંદ સ્વામી ઉપર એક પત્ર લખ્યો.૪
શ્રી રામાનંદ સ્વામીનો પત્ર :- સંસારના ત્રિવિધ તાપથી પીડાતા અનંત પામર જીવોને ભાગવત ધર્મનો ઉપદેશ આપી તેના તાપને દૂર કરી આનંદ ઉપજાવતા અને લોજપુરમાં નિવાસ કરી રહેલા મુક્તાનંદ સ્વામી આદિ આપ સર્વ સંતોનું મંગળ થાઓ. તથા સનત્સુજાત બ્રહ્મર્ષિએ જે બ્રહ્મચર્યવ્રતને સાક્ષાત્ 'બ્રહ્મ'ની ઉપમા આપી છે તે તમારું બ્રહ્મચર્યવ્રત નિર્વિઘ્ને પૂર્ણ થાઓ.૫
અત્ર ભુજનગરમાં વિરાજતા રામાનંદ એવા મારા બહુ રૂડા આશીર્વાદ સ્વીકારશો. મુક્તાનંદમુનિ આદિ તમે સર્વે 'ભગવાનની કૃપાથી અમને જે કુશળતા વર્તે છે' તે સર્વે સમાચાર જાણશો.૬
તમે મયારામ વિપ્રની સાથે જે બે પત્રો મોકલ્યા હતા તે અમને મળ્યા છે. તે વાંચીને આપ સર્વેનું જે વૃત્તાંત હતું તે સમગ્ર વૃત્તાંત યથાર્થ મેં જાણ્યું છે.૭
અને તમારી સમીપે આવેલા વર્ણીરાજ નીલકંઠજીનું પણ સમસ્ત વૃત્તાંત મેં જાણ્યું છે. તેની સમસ્ત વર્તન રીતિ મનુષ્યમાં સંભવી શકે તેવી નથી. તેથી તે સામાન્ય પુરુષ નથી. પરંતુ મનુષ્યધર્મમાં રહેલા તે કોઇ ઇશ્વર છે.૮
મને એમ છે કે, હરિ ઇચ્છાએ તમારી સમીપે આવેલા તે વર્ણીરાજ શ્વેતદ્વિપધામના કોઇ નિરન્નમુક્ત હોય, અથવા બદરીકાશ્રમવાસી કોઇ મુનીન્દ્ર હોય.૯
તે કારણથી તમે સર્વે સંતો તે નીલકંઠવર્ણીના મનને અનુકૂળ સેવા કરજો અને તેમની પાસેથી બ્રહ્મચર્યવ્રતનાં રક્ષણ માટે યોગની કળાઓ શીખજો.૧૦
નેતી, ધોતિ, બે પ્રકારની બસ્તિ, નોળી અને કુંજર ક્રિયા આદિ યોગની સર્વે ક્રિયાઓ શરીરની શુદ્ધિમાટે પ્રથમ શીખજો અને ત્યારપછી ક્રમશઃ અષ્ટાંગયોગની પ્રક્રિયાઓ શીખજો.૧૧
તે નીલકંઠ બ્રહ્મચારી કહે તે પ્રમાણે આસન અને બહુ પ્રકારના પ્રાણાયામો, તેમજ ઇન્દ્રિયોના પ્રત્યાહાર, ધારણા અને ભગવાનની મૂર્તિનું ધ્યાન અને સમાધિનો અભ્યાસ શીખજો.૧૨
અષ્ટાંગયોગના અભ્યાસ વિના નૈષ્ઠિક બ્રહ્મચર્યવ્રતની સિદ્ધિ થતી નથી. તેથી બ્રહ્મચયભ્વ્રતના રક્ષણ માટે અષ્ટાંગયોગના અભ્યાસપરાયણ રહી યોગસિદ્ધિનું સંપાદન કરજો.૧૩
જે પુરુષો યોગસાધનાના માધ્યમથી સાક્ષાત્ બ્રહ્મનું સ્વરૂપ એવાં બ્રહ્મચર્યવ્રતની સિદ્ધિ મેળવી જિતેન્દ્રિય થાય છે. અને બ્રહ્મરૂપે ભગવાન શ્રીકૃષ્ણનું ભજન કરે છે. તેવા પુરુષોને જ શાસ્ત્રમાં ઉત્તમ પ્રકારના ભક્તો કહેલા છે.૧૪
બ્રહ્મચર્યવ્રત સકલ પુરુષાર્થની સિદ્ધિ કરાવનારું હોવાથી આષ્ટાંગયોગના અભ્યાસથી સિદ્ધ કરેલા તે વ્રતનું સર્વપ્રકારે રક્ષણ કરવું. કેમ કરવું ? તો કામરૂપી શત્રુ અને સ્ત્રીઓના પ્રસંગનો સર્વપ્રકારે દૂરથી જ ત્યાગ કરવો.૧૫
જે ભગવદ્ભક્ત યોગી બ્રહ્મચર્યવ્રતનું રક્ષણ કરવા ઇચ્છતો હોય તેણે જાણી જોઇને સ્ત્રીઓની સામે દૃષ્ટિ માંડીને ક્યારેય જોવું નહિ. સ્ત્રીસંબંધી શૃંગારિક વાતો સાંભળવી નહિ અને કરવી નહિ. સ્ત્રીઓના ગુણ અવગુણનું વર્ણન કરવું કે સાંભળવું નહિ.૧૬
સ્ત્રીઓનાં રમણ કરવાનાં સ્થાને ત્યાગી પુરુષે જવું નહિ. નિર્વસ્ત્ર નાની બાળા હોય તો પણ જાણી જોઇને તેને જોવી નહિ. સ્ત્રીઓની કાષ્ઠાદિકની પુતળી કે ચિત્રપ્રતિમાને જોવી નહિ, અને સ્પર્શ પણ કરવો નહિ. દેવતાઓની પ્રતિમા વિના અન્ય સ્ત્રીઓની પ્રતિમા ચિતરવી નહિ.૧૭
વળી ત્યાગી પુરુષે સ્ત્રીઓ સાથે ક્યારેય પણ હાસ્યવિનોદ કરવો નહિ. અને તેની સાથે બોલવું પણ નહિ. માર્ગમાં સ્ત્રીઓની સાથે ત્યાગી પુરુષે ચાલવું નહિ, અન્ય પુરુષના માધ્યમ વિના સ્ત્રીઓને સાક્ષાત્ કોઇ કાર્યની પ્રેરણા કે જ્ઞાનનો ઉપદેશ ત્યાગી પુરુષે કરવો નહિ.૧૮
સ્ત્રીઓએ અંગ ઉપર ધારણ કર્યા પછી ઉતારીને મૂકેલાં વસ્ત્રોનો પણ સ્પર્શ કરવો નહિ. સ્ત્રીસંબંધી કોઇ પણ પ્રકારના સંકલ્પો મનથી પણ કરવા નહિ. ભગવાનના ભક્ત ત્યાગી પુરુષે મોટા આપત્કાળ પડયા વિના સ્ત્રીઓના શરીરનો સ્પર્શ કરવો નહિ.૧૯
તેમ જ જે સ્થાનકને વિષે સ્ત્રીઓની સ્નાનાદિક ક્રિયા થતી હોય ત્યાં તે ક્રિયાઓ ત્યાગીએ ન કરવી. અને માર્ગમાં ચાલતી વખતે સ્ત્રીઓથી ચાર હાથ દૂર ચાલવું, જે ઘરમાં સ્ત્રી હોય તે ઘરમાં શયન કરવું નહિ.૨૦
આ પ્રમાણેનું સદાચાર-પરાયણ જીવન જે યોગી ભક્ત જીવે છે તે ઉર્ધ્વરેતા ભક્તને બ્રહ્માદિ દેવો પણ વંદન કરે છે. તે માટે આ ઉપર કહેલા ઉપાયો દ્વારા કામરૂપી શત્રુ થકી પોતાના બ્રહ્મચર્યવ્રતનું સર્વપ્રકારે રક્ષણ કરવું.૨૧
જે યોગી ઉપરોક્ત સદાચારનું પાલન કરતો નથી અને પોતાના સંકલ્પને વશ થઇ સ્ત્રીઓનો પ્રસંગ કરે છે તે યોગી સિદ્ધ થયો હોવા છતાં પણ સ્ત્રીના સંગે આઠમા બ્રહ્મચર્યવ્રતથી ભ્રષ્ટ થાય છે. અને વારંવાર જન્મમરણરૂપ સંસૃતિનાં દુઃખને પામે છે.૨૨
જે યોગમાર્ગથી વ્રતનું રક્ષણ થાય છે તે માર્ગમાં ક્રોધ, માન, મદ, મત્સર, લોભ તથા ઇર્ષ્યા તેમજ અનેક પ્રકારના રસ આદિ દોષો વિઘ્ન કરનારા છે. તેથી યોગી ભક્તે તેમનો દૂરથી જ ત્યાગ કરવો.૨૩
અને એ યોગીભક્તોએ આહાર અને નિદ્રા પણ યોગ્ય પ્રમાણસર કરવાં. દ્યુતાદિ વ્યસનમાત્રનું ક્યારેય પણ આચરણ ન કરવું, સુરા અને માંસનું સેવન ન કરવું અને તેનો સ્પર્શ પણ ન કરવો. તથા જીવપ્રાણીમાત્રનો દ્રોહ ન કરવો અને કોઇની સાથે વૈરબુદ્ધિ પણ ન કરવી.૨૪
પોતાનું હિત ઇચ્છતા યોગીભક્તે કાયા, વાણી અને મનથી પણ કોઇ પ્રાણીની હિંસા ન કરવી, અને પોતાની પણ હિંસા ન કરવી. ચોરીનું કર્મ ન કરવું, તથા વર્ણાશ્રમ ધર્મનો ભંગ થાય તેવું કર્મ પણ ન કરવું.૨૫
હે નિર્દોષ મુક્તમુનિ ! આ પૃથ્વી પર ઉપરોક્ત રીત પ્રમાણે જે ભગવાનના ભક્ત યોગીઓ સ્વધર્મનિષ્ઠ થાય છે તેના પર હું સદાય પ્રસન્ન રહું છું. શ્રીકૃષ્ણ ભગવાનના આવા સ્વધર્મનિષ્ઠ ભક્તો મને બહુ વહાલા લાગે છે.૨૬
માટે હે બુદ્ધિમાન મુક્તમુનિ ! તમે પણ મારા શિષ્યવૃંદ એવા તમારા ગુરુભાઇ સંતોની સાથે શ્રીનીલકંઠવર્ણીને ગુરુપણે સ્વીકારી તેમની પાસેથી યોગની રીત શીખજો.૨૭
તપથી કૃશ થઇ ગયેલા નીલકંઠવર્ણીની યથાયોગ્ય અન્નજળથી સેવા કરજો. તે તપોનિધિ શ્રીનીલકંઠ વર્ણી ઉંમરમાં તમારા સર્વ કરતાં નાના છે છતાં તેમને વિષે બાળકબુદ્ધિ ક્યારેય પણ ન કરશો.૨૮
ગ્રીષ્મ ઋતુમાં વૈશાખમાસ ઉતરતાં હું પિપલાણા નામના ગામે તુરંત આવીશ, અને હું ન આવું ત્યાં સુધી નિઃસ્પૃહી તે નીલકંઠવર્ણી ક્યાંય ચાલ્યા ન જાય તેનું ધ્યાન રાખી તેની રુચિ અનુસાર સેવા કરજો.૨૯
હે રાજન્ ! આ પ્રમાણે રામાનંદ સ્વામી મુક્તમુનિના પત્રનો ઉત્તર લખી શ્રી નીલકંઠવર્ણીના પત્રનો ઉત્તર લખવા લાગ્યા.૩૦
હે નીલકંઠ વર્ણિરાજ ! તમારું કલ્યાણ થાઓ. તમે શ્વેતદ્વિપધામવાસી નિરન્નમુક્તોમાં મુખ્ય એવા મહામુક્ત જેવા તેજસ્વી જણાઓ છો. પોતાની તીવ્ર તપશ્ચર્યાથી મનુષ્યોના અંતરમાં બદરિકાશ્રમવાસી ધર્મપુત્ર સાક્ષાત્ નારાયણઋષિ હો ને શું ? એવી શંકા ઉત્પન્ન કરો છો. આવા મહાન તથા મુક્તમુનિ વિગેરે સંતમંડળને બહુ જ આનંદ ઉપજાવનારા તમને મારા ધર્મની રક્ષા કરનારા તથા વેદાદિ સત્શાસ્ત્ર સંમત બહુજ રૂડા આશીર્વાદ છે.૩૧
તમારો પત્ર મળ્યો. તેમાં જણાવેલું તમારું સમગ્ર વૃત્તાંત મેં જાણ્યું. તમારા દેહની સ્થિતિ પણ મેં જાણી. તમારું તપ આ કળિયુગના મનુષ્યોથી ન થઇ શકે તેવું દુષ્કર છે. તમારો વૈરાગ્ય, જ્ઞાન, ભક્તિ, નિયમપાલનની દૃઢતા, ધર્મ પાલનમાં નિષ્ઠા અને શાંતિ આદિ સદ્ગુણો પૂર્વ જન્મમાં સિદ્ધ કરેલા હોવાથી આટલી નાની ઉંમરમાં આ જન્મમાં સહજ પણે વર્તે છે. તેથી તેમાં કાંઇ આશ્ચર્ય ન કરવું, અને અમને પણ નથી.૩૨
ધ્યાનમાં તમે જેવા ભગવાન શ્રીકૃષ્ણનાં નિત્ય દર્શન કરો છો, તે શ્રીકૃષ્ણ તેવા જ છે. તેથી તેમના ધ્યાનપરાયણ થઇ મુક્તાનંદ આદિ સંતોની પાસે નિવાસ કરીને રહો, અને મારા આવવાની પ્રતીક્ષા કરો, હું વૈશાખમાસ ઉતરતાં તમારા સર્વેની પ્રસન્નતા માટે તત્કાળ પીપલાણા ગામે આવીશ, તમે મુક્તાનંદ આદિ સર્વે સંતોની સાથે ત્યાં આવજો.૩૩
તમને મારાં દર્શનની અતિશયે ઉત્કંઠા વર્તે છે, તેમાં શ્રીકૃષ્ણનાં પ્રત્યક્ષ દર્શનરૂપ કારણને હું જાણું છું. પરંતુ અત્યારે માર્ગમાં કાઠી, મીયાણા આદિ ધાડપાડુઓનો ભય વર્તે છે, તેથી અહીં આવવું દુષ્કર છે. માટે તમારે ભુજનગર ન આવવું. જો તમને મારાંમાં પૂજ્ય બુદ્ધિ વર્તતી હોય તો મારાં વચનને આદરપૂર્વક સ્વીકારજો. અને ત્યાં જ રહી સંતોને યોગનો અભ્યાસ કરાવજો.૩૪
હે વર્ણીરાજ ! આપના અંતરમાં મારાં દર્શનની જેવી ઉત્કંઠા વર્તે છે તેવી જ મારા અંતરમાં પણ તમારાં દર્શનની ઉત્કંઠા વર્તે છે. એમ તમે નિશ્ચે જાણજો અને તેથી હું તત્કાળ ત્યાં આવીશ, અને વળી તમે નિરંતર સ્વધર્મનું પાલન કરજો. યશોદાનંદન ભગવાન શ્રીકૃષ્ણના ચરણમાં મારી એજ પ્રાર્થના છે કે, તમારા જેવા ધાર્મિક ભગવાનના ભક્તનો સમાગમ હર હમેશ મને પ્રાપ્ત થાય.૩૫
આ પૃથ્વી ઉપર જે મનુષ્યો ધર્મ પરાયણ જીવન જીવે છે તે મને અતિશયે વ્હાલા લાગે છે. એકાંતિક ધર્મમાં આસક્ત એવા પુરુષોથી હું અણુ માત્ર પણ દૂર નથી. તેમાં આપના જેવા સંત તો મારે મન બહુ બહુ પૂજનીય છે. આપના જેવા સત્પુરુષોનું ચરણોદક તો ગંગાદિક તીર્થોનાં જળ કરતાં પણ સ્પર્શ કરનારા મનુષ્યોને તત્કાળ અધિક પાવન કરનારું છે.૩૬
આ પૃથ્વી ઉપર જે મનુષ્યો આપના જેવા એકાંતિક સંત પુરુષોને જમાડે છે અને પૂજન કરે છે. તે જનોને બ્રહ્માદિ દેવતાઓ સહિત ચરાચર આ સમગ્ર જગતને અનેક વાર જમાડયાનું અને પૂજન કર્યાનું પુણ્ય મળે છે.૩૭
હે વર્ણી ! તમારા જેવા સત્ પુરુષમાં મને જેવી પ્રીતિ છે તેવી પ્રીતિ તો મારા દેહમાં કે આત્મામાં પણ મને નથી. કારણ કે શ્રીકૃષ્ણ ભગવાનની નવધા ભક્તિનો રસ માણનારા ધાર્મિક સંતપુરુષો છે, તે જ મારું હૃદય છે. એથી તમારે મારે દર્શન માટે ખેદ ન કરવો. કારણ કે ટૂંક સમયમાં જ પીપલાણા ગામે આપણ બન્નેનું નિશ્ચે મિલન થશે.૩૮-૩૯
તમારે મારી આજ્ઞા વિના અહીં ભુજનગર આવવું નહીં. એવો મારો આદેશ છે. અને જો સ્વેચ્છાથી આવશો તો મનમાં ઇચ્છેલું સુખ તમને કદી પ્રાપ્ત નહી થાય.૪૦
મારાં દર્શનના પ્રેમમાં પણ તમારે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરી મારી સમીપે સર્વથા આવવું નહી અને મારા આત્મસ્વરૂપ જેવા તથા મને પ્રિય મુક્તાનંદ આદિ સંતોમાં આદરભાવ રાખવો.૪૧
અત્યંત ક્ષીણ થયેલું તમારું શરીર જેવી રીતે તીવ્ર તપશ્ચર્યા કરવાથી વધુ ક્ષીણ થાય તેવી રીતની તીવ્ર તપશ્ચર્યા હવે ન કરશો. કારણ કે આલોકમાં શરીર છે તે જ ધર્મસિદ્ધિનું અને ભગવદ્ પ્રસન્નતાનું સાધન છે. ભગવાનની કૃપા વિના માનવ શરીર મળવું અતિ દુર્લભ છે. અને એ શરીરને તીવ્ર તપશ્ચર્યા કરી બહુ દુર્બળ કરી પ્રાણરહિત કરે તો ફરી તેને જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય અને તપનું સંપાદન થઇ શક્તું નથી. તેમ જ પોતાના ધર્મમાર્ગની સિદ્ધિ પણ થતી નથી.૪૨-૪૩
માટે હે તાત ! મારું વચન માની તમારા માટે નહિ પણ મારા માટે તમારાં શરીરનું પોષણ કરવું. કારણ કે હે વર્ણીરાજ ! આ લોકમાં મારે તમારી પાસેથી ઘણાં બધાં ધર્મ કાર્યો સિદ્ધ કરાવવાનાં છે. અસ્તુ અત્ર ભુજનગરથી રામાનંદ સ્વામીના જય શ્રીકૃષ્ણ.૪૪
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! રામાનંદ સ્વામીએ આ પ્રમાણે પત્રો લખી કવરમાં બીડી સરનામું કરી વિપ્રવર્ય મયારામ ભટ્ટના હાથમાં આપ્યા.૪૫
વિપ્રવર્ય તે ઉત્તર પત્રિકાઓ લઇ ફરી તત્કાળ સાતમે દિવસે લોજપુર પાછા પધાર્યા અને મુક્તાનંદ સ્વામીના હાથમાં તે પત્રિકાઓ અર્પણ કરી, ત્યારે મુક્તાનંદ સ્વામી પણ નીલકંઠ વર્ણીને સાથે રાખી તેનું વાંચન કર્યું.૪૬-૪૭
પત્રો વાંચ્યા પછી શ્રીહરિએ રામાનંદ સ્વામીની આજ્ઞાઓનો સ્વીકાર કર્યો, અને ત્યાં જ નિવાસ કરીને રહ્યા. સ્વામીની આજ્ઞા પ્રમાણે સર્વે સંતો નીલકંઠ વર્ણીની પાસેથી હર્ષપૂર્વક સમસ્ત યોગની કળાઓ શીખવા લાગ્યા.૪૮
અને ભગવાન શ્રીહરિ પણ સ્વામીના આદેશને અનુસારે તે મુક્તાનંદ આદિ સર્વે સંતોને સમગ્ર અષ્ટાંગ યોગનું શિક્ષણ આપવા લાગ્યા. ઉપદેષ્ટા ગુરુ ભગવાન શ્રીહરિની કૃપાથી અલ્પ કાળમાં જ તે સર્વે સંતો યોગકળાની સિદ્ધદશાને પામ્યા.૪૯
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં રામાનંદ સ્વામીએ ભુજથી પત્રોના પ્રત્યુત્તર લખ્યાનું નિરૂપણ કર્યું એ નામે પંચાવનમો અધ્યાય પૂર્ણ થયો. --૫૫--