અધ્યાય - ૫૮ - શ્રીહરિની મહાદીક્ષાનો વિધિ.
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! મુનિપતિ શ્રીરામાનંદસ્વામીએ પ્રબોધની એકાદશીના સુપ્રભાતે પોતાના જ ઉદ્ધવસંપ્રદાયના અનુયાયી, શાંત સ્વભાવના એક ઉત્તમ વિપ્રને આમંત્રણ આપી બોલાવ્યા. તે દીક્ષાપ્રદાનના વિધિમાં વિશારદ હતા.૧
રામાનંદસ્વામીએ તેના દ્વારા દીક્ષા આપવાનો સમગ્ર વિધિ કરાવ્યો અને તે વિપ્રે પણ શાસ્ત્રમાં કહેલા દીક્ષાવિધિની પધ્ધતિ અનુસારે યથાયોગ્ય સમગ્ર વિધિ કર્યો.૨
રામાનંદસ્વામીએ પ્રેરણા કરી ત્યારે તે વિપ્રે પ્રથમ શ્રીહરિની પાસે શરીરની શુદ્ધિ માટે ત્રણ કૃચ્છ્રવ્રતના પ્રતિનિધિરૂપે સુવર્ણનું દાન અપાવી પ્રાયશ્ચિત કર્મ કરાવ્યું.૩
ત્યાર પછી તે વિવિધરંગોથી શોભતું સર્વતોભદ્ર નામનું મંડળ રચી તેમના પર નવ કળશોની સ્થાપના કરી.૪
તેમાં પ્રથમ ઉદારબુદ્ધિમાન તે વિપ્રે તાંબાના આઠ કળશોનું પૂર્વદિશાથી પ્રારંભ કરી પ્રદક્ષિણાના ક્રમે આઠે દિશાઓમાં સ્થાપન કર્યું અને તેના મધ્ય ભાગે એક સુવર્ણ કળશનું સ્થાપન કર્યું.૫
જળ ભરેલા તેમ જ રત્ન, પંચપલ્લવ અને ઉપર પધરાવેલા નાળિયેરની સાથે વસ્ત્રોથી અલંકૃત તે કળશોમાં દેવતાઓનું સ્થાપન કર્યું.૬
તેમાં મધ્યભાગમાં સ્થાપન કરેલા સુવર્ણના કળશમાં લક્ષ્મી અને રાધાએ સહિત શ્રીકૃષ્ણ ભગવાનનું સ્થાપન કર્યું. પછી પૂર્વદિશામાં સ્થાપના કરેલા કળશમાં મા ભગવતી દુર્ગાદેવીનું સ્થાપન કર્યું, દક્ષિણ દિશાના કળશમાં ભુવનભાસ્કર સૂર્યનારાયણનું સ્થાપન કર્યું. પશ્ચિમદિશાના કળશમાં વિઘ્નવિનાયક ગણપતિજીનું, ઉત્તરદિશામાં શિવજીનું, અગ્નિકોણના કળશમાં વિશ્વક્સેનનું, નૈઋર્ત્યકોણમાં ગરુડજીનું, વાયુકોણમાં વાયુપુત્ર હનુમાનજીનું અને ઇશાનકોણના કળશમાં ભગવાનના મુખ્ય પાર્ષદ શ્રીદામાનું સ્થાપન કર્યું. આ પ્રમાણે દિશા અને વિદિશાના ક્રમથી વિધિ પ્રમાણે ઉપરોક્ત દેવતાઓનું સ્થાપન કર્યું.૭-૯
હે રાજન્ ! ત્યારપછી તે વિપ્રે વેદ અને પુરાણોક્ત મૂળમંત્રોથી અર્થાત્ તે તે દેવતાઓના નામમંત્રોથી ભગવતી દુર્ગાદેવી આદિ અંગદેવતાઓએ સહિત પ્રધાનદેવતા શ્રીકૃષ્ણ ભગવાનનું શ્રીનીલકંઠવર્ણી પાસે પૂજન કરાવ્યું.૧૦
તેમાં પંચામૃતે સહિત ષોડશોપચારથી પૂજન કરાવી અંગદેવતા સહિત પ્રધાન દેવ શ્રીકૃષ્ણ ભગવાનને મહાનૈવેદ્ય અર્પણ કરાવ્યું. પછી સર્વે દેવતાઓની મહાદીપ દ્વારા મહાઆરતી ઉતારી પૂજન કરાવ્યું.૧૧
તે સમયે મૃદંગ, કાંસા, ઝાલર, તુરઇ, નગારાં આદિ અનેક વાજિંત્રોના ધ્વનિ સાથે મિશ્રિત થયેલો અને ભગવાનના ભક્તોના મુખે ગવાતાં કીર્તનોનો ધ્વનિ આકાશમાં ગુંજવા લાગ્યો.૧૨
તે વિપ્રે સંસ્કાર કરેલી વેદિકામાં અગ્નિનું સ્થાપન કરી ''શ્રીકૃષ્ણાય નમઃ'' આ મૂળમંત્રથી એકસો ને આઠ ઘીની આહુતિઓ અર્પણ કરી.૧૩
પછી રામાનંદસ્વામીએ પૂર્વમુખે વિરાજમાન થયેલા શ્રીનીલકંઠવર્ણીને શ્વેતકૌપીન, આચ્છાદનવસ્ત્રમાં ધોતી અને ઉપર ધારવાનું ઉત્તરીય વસ્ત્ર અર્પણ કર્યાં. પછી ભગવાનની પ્રસાદિભૂત તુલસીના કાષ્ઠમાંથી બનાવેલી સૂક્ષ્મ અને નવીન તથા કંઠમાં ધારવા યોગ્ય બેવળી કંઠી વર્ણીને અર્પણ કરી.૧૪-૧૫
ભગવાનની પૂજા કરતાં બચેલાં ચંદનથી શ્રીવર્ણીના લલાટમાં ઊર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરાવ્યું અને તે તિલકના મધ્યે રાધિકાજીની પૂજા કરતાં બાકી રહેલા કાશ્મીરી કુંકુમનો ગોળ ચાંદલો કરાવ્યો.૧૬
વર્ણીરાજને અર્થે સહિત મહામંત્રનો ઉપદેશ :- હે રાજન્ ! ઉત્તર સન્મુખ મુખારવિંદ રાખીને બેઠેલા રામાનંદ સ્વામીએ શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન કરી પૂર્વ સન્મુખ બેઠેલા શ્રીનીલકંઠવર્ણીના જમણા કાનમાં શ્રીકૃષ્ણ ભગવાનના અષ્ટાક્ષરમંત્રનો ઉપદેશ કર્યો.૧૭
ત્યારપછી ગુરૂવર્ય રામાનંદ સ્વામીએ વિશુદ્ધબુદ્ધિવાળા શ્રીહરિને મંત્રરાજ શ્રી અષ્ટાક્ષરમંત્રનો ઉધ્ધવ સંપ્રદાયને અનુસારે યથાર્થ ઉત્તર સમજાવ્યો.૧૮
હે વર્ણીરાજ ! પિંડ અને બ્રહ્માંડ આ બે પ્રકારનું ક્ષેત્ર છે. તેમાં પિંડમાં રહેનારો અલ્પજ્ઞા જીવ કહેવાય અને બ્રહ્માંડમાં રહેનારા સર્વજ્ઞા વૈરાજપુરુષ ઇશ્વર કહેવાય છે. તે બન્નેને ક્ષેત્રજ્ઞા કહેવાય છે. આ અષ્ટાક્ષરમંત્રમાં તે બન્ને ક્ષેત્રજ્ઞાનો ''અહમ્'' શબ્દથી નિર્દેશ કર્યો છે.૧૯
હવે આ જીવ-ઇશ્વરરૂપ ક્ષેત્રજ્ઞામાં અન્વયપણે રહીને તેના પ્રકાશકપણે અને નિયંતાપણે રહેલા તથા તેનાથી વ્યતિરેક સ્વરૂપે રહેલા જે અક્ષરબ્રહ્મ છે. તેનો આ અષ્ટાક્ષરમંત્રમાં ''બ્રહ્મ'' શબ્દથી નિર્દેશ કર્યો છે.૨૦
આ અક્ષરબ્રહ્મ છે તે પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમનારાયણનો આશ્રય કરી તેના વડે પ્રાપ્ત કરેલી સામર્થીથી પૂર્વોક્ત બન્ને ક્ષેત્રજ્ઞાને પ્રેરણા કરે છે. તે પરબ્રહ્મને અક્ષરબ્રહ્મ થકી પણ પર એવા પુરુષોત્તમ કહ્યા છે.૨૧
તે પુરુષોત્તમનારાયણ ભગવાન સ્વયં આ પૃથ્વીપર મનુષ્યોનાં આત્યંતિક કલ્યાણ માટે મનુષ્યાકૃતિ ધારણ કરે છે. ત્યારે તે જીવાત્માઓને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપી એ જીવાત્માઓની અંદર રહેલા અનાદિ અજ્ઞાનને હરે છે. આવા અજ્ઞાન હરનારા એ પુરુષોત્તમનારાયણનો આ મંત્રમાં ''કૃષ્ણ'' શબ્દથી નિર્દેશ કર્યો છે.૨૨
તેમજ પ્રેમપૂર્વક તે શ્રીકૃષ્ણ ભગવાનની સેવા કરવાથી પ્રગટ થતી પોતાની દિવ્ય શોભાસ્પદ સ્થિતિનો આ મંત્રમાં ''દાસ'' એવા પદથી નિર્દેશ કર્યો છે.૨૩
દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ અને પ્રાણની સાથે રહેલા છતાં બ્રહ્મભાવે ભક્તિ કરવાથી મુક્ત દશાને પામેલા આત્માને આ જગતમાં જાણવા યોગ્ય કે પામવા યોગ્ય કાંઇ બાકી રહેતું નથી તેથી તેને પૂર્ણકામપણું કહેવાય છે. આવી પૂર્ણકામ સ્થિતિનો આ અષ્ટાક્ષરમંત્રમાં ''અસ્મિ'' એવા પદથી નિર્દેશ કર્યો છે.૨૪
હે વર્ણીરાજ ! જેવી રીતે વૈકુંઠ, ગોલોક, શ્વેતદ્વિપ કે બ્રહ્મપુરમાં રહેલા મુક્તો ભગવાનની પ્રાપ્તિથી અને સેવા પ્રાપ્તિથી પૂર્ણકામ છે. તેવી જ રીતે આલોકમાં પણ દિવ્ય નરાકૃતિ ધરી રહેલા પ્રત્યક્ષ શ્રીહરિની પ્રાપ્તિથી અને તેમની સેવાથી અહીં રહેલા ભક્તો પણ પૂર્ણકામ સ્થિતિને પ્રાપ્ત કરે છે. બસ આટલો આ અષ્ટાક્ષર મંત્રનો અર્થ છે.૨૫
હે રાજન્ ! આ પ્રમાણે રામાનંદસ્વામીએ વર્ણીરાજને ''બ્રહ્માહં કૃષ્ણદાસો।સ્મિ'' આ અષ્ટાક્ષર મહામંત્રનો અર્થ સમજાવ્યો.૨૬
હે વર્ણી ! બહારના વિષયોમાં ગતિ કરતી અંતઃકરણની વૃત્તિનો નિરોધ થવો, હૃદયમાં બ્રહ્મજ્યોતિનું દર્શન થવું અને ત્યારપછી તે બ્રહ્મજ્યોતિમાં સાક્ષાત્ શ્રીકૃષ્ણ ભગવાનનું દર્શન થવું એ જ આ અષ્ટાક્ષરમંત્ર જપવાનું ફળ છે.૨૭
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે ગુરુ રામાનંદસ્વામી વર્ણીરાજને મંત્રાર્થનો બોધ આપી ફરી કહેવા લાગ્યા કે, હે વર્ણીરાજ ! જ્યાં સુધી શરીરનું ભાન હોય ત્યાં સુધી સ્વધર્મનો ત્યાગ ન કરવો.૨૮
આ પ્રમાણે ઉદ્ધવસંપ્રદાયની રીતિ અનુસારે તમે પિતા ધર્મદેવ થકી સર્વે ધર્મોનું શ્રવણ કર્યું છે. અને તેનું નિરંતર પાલન પણ કરો છો.૨૯
તે સર્વે ધર્મોનો તમારે ક્યારેય ત્યાગ ન કરવો. અને વિશેષ ધર્મોનું પણ તમારે પાલન કરવું, તે ધર્મો કહું છું. હમેશાં બાહ્ય અને આભ્યંતર એમ બે પ્રકારે શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા કરવી.૩૦
પૂજાને અંતે પ્રથમ એકાગ્ર મનથી રાસપંચાધ્યાયીનો પાઠ કરવો. શક્તિને અનુસારે વાસુદેવ માહાત્મ્યનો પણ એકાગ્ર મનથી પાઠ કરવો.૩૧
ત્યારપછી ભગવાનની પ્રસાદીભૂત અન્ન કે જળ હોય તે જ ખાવું અને પીવું પણ ભગવાનને નિવેદન ન કરેલાં ફળપત્રાદિક ક્યારેય ખાવાં કે પીવાં નહિ.૩૨
નિરંતર શ્રીકૃષ્ણ ભગવાનનું નામ સંકીર્તન કર્યા કરવું અને ભગવાનની ભક્તિ વિનાનો વ્યર્થ સમય ગુમાવવો નહિ.૩૩
હે મુનિ ! જે ગ્રંથમાં શ્રીકૃષ્ણ ભગવાનના માહાત્મ્ય તથા લીલા ચરિત્રોનું વર્ણન હોય તેવા ગ્રંથોની કથા પ્રતિદિન નિયમપૂર્વક સાંભળવી.૩૪
તેના વડે ભગવાનની ભક્તિ અતિશય વૃદ્ધિ પામે છે. તેથી તેનું શ્રવણ અવશ્ય કરવું. અને વક્તાની અનુપસ્થિતિમાં સ્વયં તેનું વાંચન કરવું.૩૫
શ્રીવર્ણીરાજનું સાર્થક દિક્ષાનામકરણ :- હે રાજન્ ! રામાનંદસ્વામી આ પ્રમાણે નીલકંઠવર્ણીને ભાગવતધર્મનો ઉપદેશ આપી મનમાં વિચાર કરીને શિષ્ય વર્ણીરાજનું સાર્થક દીક્ષાનામાભિધાન કર્યું.૩૬
તેણે પહેલું ''સહજાનંદ'' એવું સાર્થક નામ રાખ્યું. કારણ કે વર્ણીમાં સાહજિક આનંદ અખંડ રહેલો હતો. અન્ય સાધન જન્ય કૃત્રિમ આનંદની તેને કોઇ જરૂર ન હતી. પછી સાર્થક ''નારાયણમુનિ'' એવું નામ રાખ્યું કારણ કે તપ, સ્વભાવ અને શરીરની આકૃતિથી બદરીપતિ નારાયણ ભગવાન સમાન તે જણાતા હતા.૩૭-૩૮
ત્યારપછી શ્રીહરિએ ગુરુ રામાનંદ સ્વામીની આદરપૂર્વક પૂજા કરી, પ્રદક્ષિણા કરીને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા.૩૯
પછી મુક્તાનંદ સ્વામી આદિ સંતો, માયારામ ભટ્ટ આદિ વિપ્રો અને અન્ય વૈષ્ણભક્તોની વિનય પૂર્વક પૂજા કરી. હે રાજન્ ! દીક્ષાવિધિ કરાવનાર વિપ્રે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે દીક્ષાવિધિની સમાપ્તિ કરી.૪૦
ગુરુએ આપ્યું શ્રીકૃષ્ણ દર્શનનું વરદાન :- હે રાજન ્! પછી શ્રીહરિ ગુરુ રામાનંદસ્વામીની આગળ બન્ને હાથ જોડીને ઊભા રહ્યા. તે સમયે દીક્ષિત સ્થિતિમાં વર્ણીને જોઇને અત્યંત પ્રસન્ન થયેલા સ્વામી નારાયણમુનિને કહેવા લાગ્યા કે, તમે મારી પાસેથી ઇચ્છિત વરદાન માગો.૪૧
ત્યારે સહજાનંદ સ્વામી વિનયપૂર્વક કહેવા લાગ્યા કે, હે સ્વામી ! તમે જો મારી ઉપર પ્રસન્ન થયા હો તો મને એ વરદાન આપો કે, શ્રીકૃષ્ણ ભગવાન પ્રતિદિન તમારા અર્ચાસ્વરૂપમાંથી પ્રગટ થઇ તમે અર્પણ કરેલા પૂજાના ઉપહારો જેમ સદાય પ્રત્યક્ષપણે સ્વીકારે છે. તમે નિવેદન કરેલું ભોજન જમે છે. તેમ મારી પૂજામૂર્તિમાંથી પ્રતિદિન પ્રગટ થઇ મેં અર્પણ કરેલા ઉપહારોને પણ શ્રીકૃષ્ણ ભગવાન પ્રત્યક્ષ ગ્રહણ કરે, મારી સાથે હસે અને મારી સાથે વાતો કરે.૪૨-૪૩
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! શ્રીરામાનંદસ્વામી શ્રીહરિ ઉપર અતિ પ્રસન્ન થઇ તથાસ્તુ એમ કહી માગેલું વરદાન આપ્યું. રાત્રીએ શ્રીકૃષ્ણના નામ સંકીર્તન સાથે સૌએ એકાદશીનું જાગરણ કર્યું.૪૪
સવારે દ્વાદશીના સુપ્રભાતે રામાનંદસ્વામીએ વિપ્રો, સાધુ અને બ્રહ્મચારીઓને મનોવાંછિત ભક્ષ્ય તથા ભોજ્ય આદિક સુંદર ભોજનોથી તૃપ્ત કર્યા, અને વિપ્રોને વસ્ત્ર આદિકની ખૂબજ દક્ષિણાઓ આપી.૪૫
હે રાજન્ ! શ્રીકૃષ્ણ ભગવાન જેમ રામાનંદસ્વામીની પૂજામાં પ્રત્યક્ષ પદાર્થો સ્વીકારતા તેમજ શ્રીહરિની પૂજામાં પણ અર્પણ કરેલા પદાર્થો પ્રતિદિન સ્વીકારવા લાગ્યા.૪૬
પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ ભગવાનનાં દર્શનાદિથી શ્રીહરિનો મનોરથ સફળ થયો તેથી પોતાના આત્માને કૃતકૃત્ય માનવા લાગ્યા અને ગુરુની પાસે જઇ આ બધી ઘટતી દિવ્ય ઘટનાઓ જણાવી.૪૭
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! નારાયણમુનિને ક્યારેક રાસેશ્વરી રાધાની સાથે વેણુ વગાડતા નટવરની સમાન આકૃતિ ધારણ કરનારા સાક્ષાત્ દ્વિભુજ ભગવાન શ્રીકૃષ્ણનાં પ્રત્યક્ષ દર્શન થતાં.૪૮
ક્યારેક બલરામજીની સાથે, ક્યારેક રૂક્મણીદેવીની સાથે, ક્યારેક અર્જુનની સાથે અને ક્યારેક કેવળ એકલા બિરાજતા પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ ભગવાનનાં દર્શન થતાં.૪૯
શ્રીકૃષ્ણ ભગવાન સ્વયં દ્વિભુજ હોવા છતાં ક્યારેક ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપતા. તેથી વર્ણીરાજનો શ્રીકૃષ્ણ ભગવાનને વિષે ઘણો બધો પરમોત્કૃષ્ટ પ્રેમ પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગ્યો.૫૦
હે ધરણીશ ! આ પ્રમાણે મનુષ્ય નાટકનું અનુકરણ કરી તપસ્વીઓના જેવી લીલા કરતા ભગવાન શ્રીહરિ અતિશય વિનયયુક્ત થઇ સ્વામી સાક્ષાત્ શ્રીકૃષ્ણ ભગવાન છે એવી બુદ્ધિ રાખીને ગુરુ રામાનંદ સ્વામીની સમયે સમયે શ્રદ્ધાપૂર્વક સેવા કરવા લાગ્યા.૫૧
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં રામાનંદસ્વામી પાસેથી શ્રીહરિએ મહાદીક્ષાનો સ્વીકાર કર્યો એ નામે અઠ્ઠાવનમો અધ્યાય પૂર્ણ થયો. --૫૮--