અધ્યાય - ૧૬ - તામસ દેવતાઓનાં વ્રતાદિનો નિષેધ.
તામસ દેવતાઓનાં વ્રતાદિનો નિષેધ. શ્રીહરિનું ભાડેરપુરમાં આગમન . શ્રીહરિની રૃપમાધુરીનું વર્ણન. અહિંસાધર્મનો ઉપદેશ. નવરાત્રીવ્રત કરવું કે નહિ ?. શ્રીહરિનું મોડા ગામે અને ત્યાંથી અલૈયા ગામે આગમન.
શ્રીહરિનું ભાડેરપુરમાં આગમન :-- સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! માણાવદરમાં જન્માષ્ટમીનો ઉત્સવ કરવા ભાડેરપુરથી વાઘજી આદિ ત્રણ રાજકુમારો આવ્યા હતા. તેણે ભગવાન શ્રીહરિને પોતાના પુરમાં પધારવા પ્રાર્થના કરી, ત્યારે પોતાના ભક્તજનોની સાથે ભગવાન શ્રીહરિ તે રાજકુમારોનું પ્રિય કરવા ભાદરવાવદ કપિલા છઠ્ઠને દિવસે ભાડેરમાં પધાર્યા.૧-૨
તે શ્રદ્ધાવાન અને અતિશય નિર્મળ મતિવાળા રાજકુમારો વાઘજી, મૂળજી અને દેશળજી પરમ સ્નેહથી શ્રીહરિની સેવા કરવા લાગ્યા.૩
દેવરામ આદિ વિપ્રભક્તો અને બીજા અનેક વૈશ્ય ભક્તો, અને શુદ્ર ભક્તો તેમજ સર્વે સ્ત્રી ભક્તો પોતાની શક્તિ પ્રમાણે ભક્તિભાવપૂર્વક શ્રીહરિની સેવા કરવા લાગ્યા.૪
વર્ણિરાટ્ ભગવાન શ્રીહરિએ ભાડેરપુરમાં ભાદરવા વદી અમાવાસ્યાને દિવસે પિતા ધર્મદેવનાં શ્રાદ્ધ નિમિત્તે હજારો બ્રાહ્મણોને ઇચ્છિત ભોજન કરાવી તૃપ્ત કર્યા.૫
અને તે જ દિવસે બપોર પછી સુંદર સભાનું આયોજન કર્યું, તે સભાના મધ્ય ભાગમાં દિવ્ય સિંહાસન ઉપર સંતોના સ્વામી ભગવાન શ્રીહરિ શોભવા લાગ્યા.૬
શ્રીહરિની રૂપમાધુરીનું વર્ણન :-- શ્રીહરિ તરુણ અવસ્થામાં મનોહર પુષ્ટ શરીરથી શોભતા હતા. નહિ અતિ ઊંચા કે નહિ અતિ નીચા એવા સમ શરીરવાળા હતા. તેમનાં નેત્રો લાલ કમળની પાંખડી સમાન એક સરખાં હતાં. જાનુ પર્યંત લાંબી બે ભુજાઓ શોભી રહી હતી. તેમના શરીરનો વર્ણ મેઘની સમાન શ્યામ સુંદર હતો. તેનું મુખારવિંદ મંદમંદ હાસ્યથી શોભી રહ્યું હતું.૭
માંસલવાળા બે ખભા સુંદર લાગતા હતા. તેમનો ત્રણ રેખાવાળો કંઠ શંખની સમાન શોભતો હતો. તલના પુષ્પની સમાન તેમની નાસિકા સુંદર જણાતી હતી. તેમનું હૃદયકમળ વિશાળ હતું, ત્રણ વળ પડવાથી ઉદર અત્યંત સુંદર લાગતું હતું. સૌમ્ય આકૃતિ અને ઊંડી ગોળ ગંભીર નાભિ અત્યંત મનોહર જણાતી હતી. બન્ને ચરણકમળની ફણાઓ ઉપડતી હોવાથી શોભી રહી હતી.૮
વિશાળ ભાલમાં ચાંદલાઓ સહિત ઊર્ધ્વપુંડ્ર તિલક ધારણ કર્યું હતું, કંઠમાં તુલસીની બેવડી કંઠી શોભી રહી હતી. સુંદર શ્વેતવસ્ત્રો ધારણ કર્યાં હતાં અને વર્ણિવેષમાં અત્યંત મનોહર લાગતા હતા.૯
ભક્તજનો એ ચંદન પુષ્પોની માળાઓ, તોરા તથા બાજુબંધ ધારણ કરાવી શ્રીહરિની આદરપૂર્વક પૂજા કરી હતી. શ્રીહરિએ જમણા હસ્તમાં તુલસીના કાષ્ઠમાંથી બનાવેલી જપમાળા ધારણ કરી હતી.૧૦
હે રાજન્ ! આ પ્રમાણે સકલ ઐશ્વર્ય સંપન્ન ભગવાન શ્રીહરિ પોતાના મુખકમળ ઉપર નેત્રકમળની વૃત્તિને ધારણ કરી દર્શન કરી રહેલા પોતાના સમસ્ત ભક્તજનો ઉપર કરૂણામય દૃષ્ટિથી ચારે તરફ જોતાં આનંદ ઉપજાવી રહ્યા હતા. તે સમયે સભામાં શ્રીહરિની આગળ ત્યાગી સંતો બેઠા હતા, અને તેની ચારે તરફ સર્વે પુરુષ ભક્તજનો બેઠા હતા. અને સ્ત્રીભક્તજનો પણ પોતાની મર્યાદા પ્રમાણે સભાના એક ભાગમાં બેઠાં હતાં. સર્વે સંતો-ભક્તો શ્રીહરિનાં વચનામૃત સાંભળવાની ઇચ્છાથી મૌન બેઠા હતા. તે સમયે ભગવાન શ્રીહરિ મધુરવાણીથી કહેવા લાગ્યા.૧૧-૧૩
અહિંસાધર્મનો ઉપદેશ :-- ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે ભક્તજનો ! તમે સર્વે ગૃહસ્થો તથા સાધુ, બ્રહ્મચારી સર્વે ત્યાગીઓ મારું એકાગ્રચિત્તથી વચન સાંભળો, સર્વકાળે અને સર્વપ્રકારે તમારા સર્વેનું સદાય શ્રેય કરનારું વચન હું તમને કહું છું.૧૪
અહિંસા છે એજ પરમ ધર્મ છે. એમ વેદની આજ્ઞા છે. એથી મારા આશ્રિતોએ સર્વપ્રકારે હિંસાનો ત્યાગ કરવો. પોતાનું હિત ઇચ્છતા મારા ભક્તજનોએ મન, વચન અને કર્મથી ક્યારેય કોઇ પણ જીવપ્રાણી માત્રનો દ્રોહ ન કરવો.૧૫-૧૬
હે ભક્તજનો ! મારા આશ્રિતોએ યજ્ઞામાં પણ કોઇ દેવદેવીઓને ઉદ્દેશીને કોઇ જીવની હિંસા ન કરવી. તથા સૌત્રામણિયાગમાં પણ સુરાનું પાન ન કરવું. તેવી જ રીતે જે દેવ તથા દેવીની આગળ સુરા અને માંસનું નિવેદન થતું હોય તથા જેમની આગળ જીવહિંસા થતી હોય તે દેવ કે દેવીને મારા આશ્રિતોએ ક્યારેય પણ માનવા નહિ. તેમનું વ્રત પણ ક્યારેય કરવું નહિ. તેમજ તેમના મંત્રનો જપ પણ કરવો નહિ અને આપત્કાળ પડયા વિના તે દેવ દેવીને વંદન પણ કરવાં નહિ.૧૭-૧૯
કૌલાર્ણવ વગેરે શક્તિપંથના ગ્રંથો ક્યારેય પણ સાંભળવા નહિ. તેમનો અભ્યાસ પોતે ક્યારેય કરવો નહિ અને બીજાને કરાવવો પણ નહિ. કારણ કે તે ગ્રંથમાં પ્રતિપાદન કરેલો ઉર્ધ્વામ્નાય અર્થાત્ દેવી સંપ્રદાય છે તે વેદ બાહ્ય છે. એમ તમારે ચોક્કસ જાણી રાખવું.૨૦
હે ભક્તજનો ! મેં જે આ નિષેધ કર્યો તે મારાં વચનોનો અનાદર કરીને કોઇ વર્તન કરતો હોય તેનો મારા આશ્રિત ભક્તજનોએ આપત્કાળ પડયા વિના સંગ પણ ન કરવો.૨૧
આજ દિવસથી આરંભીને જે મનુષ્યો મારી આ ઉપરોક્ત આજ્ઞાનો અનાદર કરશે, તેઓના વંશનો નક્કી વિનાશ થશે તેમજ તેની ધનસંપત્તિનો અને રાજ્યનો પણ વિનાશ થશે. તે મનુષ્યસમાજમાં પ્રતિષ્ઠાહીન થશે, અને સર્વત્ર મોટી અપકીર્તિને પામશે, તેઓનો એક પણ પુરુષાર્થ ક્યારેય પણ સિદ્ધ થશે નહિ, અને મરીને ઘોર નરકમાં જશે, એમાં કોઇ જાતનો સંશય નથી.૨૨-૨૪
નવરાત્રીવ્રત કરવું કે નહિ ? :-- સુવ્રતમુનિ કહે છે હે રાજન્ ! ભગવાન શ્રીહરિનું ઉપરોક્ત વચન સાંભળી સુબુદ્ધિને વરેલા ભગવાન શ્રીહરિના ચરણકમળની જ એક દૃઢ ઉપાસના કરતા રાજર્ષિ વાઘજીભાઇ બે હાથ જોડી નમસ્કાર કરી શ્રીહરિને પૂછવા લાગ્યા કે, હે હરિ ! આવતી કાલથી આરંભીને માતા પાર્વતી દેવીનો દર વર્ષે આવતો નવરાત્રીવ્રતનો પ્રારંભ થાય છે.૨૫-૨૬
આ વ્રત અમારી કુળપરંપરામાં ઉજવાતું આવે છે. એ વ્રતમાં કોઇ કોઇ જગ્યાએ પ્રાણીવધ અને મદિરાપાન થતાં પણ જોવામાં આવે છે, અને અમે તમારા આશ્રિત થયા છીએ તેથી અમારે આ વ્રત કરવું કે નહિ ? તેમાં જે યોગ્ય હોય તે તમે અમને જણાવો. કારણ કે તમે ભાગવતધર્મના પ્રવર્તક છો. હે રાજન્ ! આ પ્રમાણે રાજર્ષિ વાઘજીભાઇએ પૂછયું તેથી પ્રસન્ન થયેલા ભગવાન શ્રીહરિ સર્વેને સાંભળતાં કહેવા લાગ્યા.૨૭-૨૮
ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે રાજન્ ! જે રાજસી અને તામસી પ્રકૃતિના દેવ-દેવીઓ છે તે જ સુરા-માંસનું ભક્ષણ કરે છે. પરંતુ સાત્વિક પ્રકૃતિના દેવ કે દેવીઓ ક્યારેય પણ તેનું ભક્ષણ કરતાં નથી.૨૯
ધર્મ, જ્ઞાન, તપ, યોગ, વૈરાગ્ય આદિ ગુણોથી સંપન્ન પાર્વતીદેવી તો ભગવતી લક્ષ્મીજી તથા વેદમાતા સાવિત્રી દેવીની સમાન સાત્વિક દેવી છે.૩૦
ભગવાન શંકરનાં પ્રાણપ્રિય પાર્વતીદેવી તો આપણને પૂજ્ય છે. અને આ નવરાત્રીનું વ્રત છે, તે પાર્વતીદેવીનું જ છે. એમ તમે જાણો.૩૧
હે રાજન્ ! સાત્વિક દેવ કે દેવીનું વ્રત પૂજન તમારે કરવું પણ બીજા તામસ કે રાજસ દેવતાઓનું વ્રત પૂજન કદાપિ ન કરવું.૩૨
તપોનિષ્ઠ પતિદેવ ભગવાન શિવની સાથે રહેતાં તપઃપ્રિયા ભગવતી પાર્વતી દેવીને હિંસા પ્રિય નથી. અને જે મનુષ્યો તેની આગળ હિંસા કરે છે તે અસુરો અને દૈત્યો છે.૩૩
હે રાજન્ ! તેથી આ પાર્વતીજીનાં નવરાત્રિવ્રતમાં મદ્ય, માંસથી પૂજન કરવાનો કોઇ જગ્યાએ કુલાચાર હોય તો તેને અધર્મ જાણવો.૩૪
જે ધર્મમાં જીવહિંસા થતી હોય, જે ધર્મમાં સુરાપાનનું વિધાન હોય તથા જે ધર્મમાં વ્યભિચારને માન્ય ગણ્યો હોય, તેવો ધર્મ એ ધર્મ નથી, એ અધર્મ છે. તેનો દૂરથી જ ત્યાગ કરી દેવો.૩૫
હે નિષ્પાપ રાજન્ ! આવો ધર્માભાસ ખરેખર અધર્મ છે તેનો ત્યાગ કરવામાં કોઇ દોષ નથી, કોઇ પાપ નથી. પરંતુ તેનો ત્યાગ કરવો એજ સચ્છાસ્ત્ર સંમત શ્રેષ્ઠ ધર્મ જ છે.૩૬
મદ્ય અને માંસ પ્રિય ક્ષુદ્ર દેવ દેવીનું વ્રત કે પૂજન ક્યારેય પણ કરવું નહિ.૩૭
તમે તો સત્વગુણ પ્રધાન મુમુક્ષુ અને વિષ્ણુભક્ત છો. તથા મારા આશ્રિત છો. તેથી હિંસાપ્રિય દેવ-દેવીઓનું પૂજન કરવું તે તમને યોગ્ય નથી.૩૮
હે રાજન્ ! હિંસા છે તે અધર્મની પત્ની છે અને અહિંસા છે તે ધર્મની પત્ની છે. હિંસા અધર્મીઓને પ્રિય લાગે છે, જ્યારે ધાર્મિક જનોને અહિંસા પ્રિય લાગે છે.૩૯
પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણના ભક્તજનોએ ક્યારેય પણ તામસ એવા ક્ષુદ્ર દેવદેવીઓથી ભય ન પામવું, કારણ કે, ભગવાન શ્રીકૃષ્ણ તો કાળ અને માયાના પણ નિયંતા છે, અને આ ક્ષુદ્ર દેવદેવીઓ તો કાળ-માયાનું ભક્ષ્ય છે. તેનાથી ભય પામવાનું કોઇ કારણ નથી.૪૦
મારા આશ્રિત ભક્તજનોએ તો તામસ દેવદેવીઓની કે તેના ઉપાસકોની નિંદા ન કરવી અને તેવા શક્તિ ઉપાસકોની સાથે વિવાદમાં પણ ન ઉતરવું.૪૧
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિનાં વચનો સાંભળી વાઘજી રાજાનો સંશય દૂર થયો, અને તમે કહ્યું તેમ કરશું, એમ કહી શ્રીહરિનાં વચનો પોતાના મસ્તક પર ધારણ કર્યાં.૪૨
તે સમયે સભામાં બેઠેલા શ્રીહરિના ભક્ત બ્રાહ્મણો શ્રીહરિને પ્રણામ કરીને કહેવા લાગ્યા કે, હે પ્રભુ ! નવરાત્રીના વ્રત સંબંધી અમારે તમને કાંઇક પ્રશ્ન પૂછવો છે. તો અમારાં વચન સાંભળો.૪૩
અમે સર્વે તમારા જ એક ચરણના ઉપાસી વૈષ્ણવ ભક્તો છીએ. તેથી તામસી કે રાજસી દેવ-દેવીનું વ્રત અમે બહુધા કરતા નથી.૪૪
હે સ્વામિન્ ! છતાં તમારા આશ્રિત થયા પછી પણ કોઇ કોઇ બ્રાહ્મણો કુળ પરંપરાગત ધર્મને લીધે માત્ર ઉપર ઉપરથી તેમનું વ્રત કરે છે. અને તે પણ તમારો ઉપદેશ સાંભળ્યા પછી આજ દિવસથી આરંભીને નહિ કરે.૪૫
હે જગતપતિ ! નવરાત્રીના વ્રતમાં પૂજન કરાવવારૂપ અમારી આજીવિકા રહેલી છે. તેથી દેવીની પૂજા, સપ્તશતીનો પાઠ અને દેવીનું સ્થાપન વગેરે અમારે કરાવવું પડે છે.૪૬
હવે અહીં અમારો એ પ્રશ્ન છે કે, હે દેવ ! અમે એ કરીએ કે ન કરીએ ? એ વિષે અમને યથાયોગ્ય જે સત્ય હોય તે કહો. હે રાજન્ ! પોતાના બ્રાહ્મણ ભક્તોનાં આવાં પ્રકારનાં વચનો સાંભળી ભગવાન શ્રીનીલકંઠ બ્રહ્મચારી પ્રેમથી બ્રાહ્મણો પ્રત્યે કહેવા લાગ્યા.૪૭
હે ભૂદેવો ! પોતાની આજીવિકા હોય અથવા પરાધિનતા હોય ને ચંડિકા આદિક તામસ દેવીઓની પ્રતિમાનું પૂજન, સ્થાપન, પાઠ આદિ કરવાનું થાય તો વ્યવહાર પુરતું કરવું.૪૮
તેમાં પણ આજીવિકાવૃત્તિનો બીજો કોઇ ઉપાય ન હોય તેવા આપત્કાળના સમયમાં તામસ દેવદેવીનું પૂજન સ્વયં કર્યું હોય અથવા બીજા પાસે કરાવ્યું હોય તો તે દોષની શુદ્ધિ માટે યથાયોગ્ય પ્રાયશ્ચિત પણ કરવું.૪૯
પોતાને યજમાન ન જાણે એ રીતે બીજા કોઇ નિમિત્તને બહાને થયેલા દોષની શુદ્ધિ માટે એક ચાંદ્રાયણવ્રત કરવું, અને જો યજમાન જાણી જાય તો માનભંગથી તેની બુદ્ધિ નષ્ટ થવાથી એ યજમાન આ બ્રાહ્મણની વૃત્તિ હરી લે માટે કોઇ ન જાણે એ રીતે પ્રાયશ્ચિત્તનું ચાંદ્રાયણ વ્રત ગુપ્ત રીતે કરવું.૫૦-૫૧
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ઉપરોક્ત શ્રીહરિનું વચન સાંભળી બ્રાહ્મણોને પોતાના આપત્કાળને દૂર કરવાનો ઉપાય પ્રાપ્ત થતાં અત્યંત પ્રસન્ન થયા અને ફરી શ્રીહરિને પૂછવા લાગ્યા કે, હે હરિ ! કોઇ મહારોગથી પીડાતો કે ભૂતપ્રેતાદિકના વળગાડથી પીડાતા કે પછી બાલગ્રહ તથા વૃદ્ધગ્રહ આદિની પીડાથી પીડાતા મનુષ્યના દુઃખની નિવૃત્તિને માટે કયા મંત્રનો જપ કરવો કે કયા સ્તોત્રનો પાઠ કરવો ?૫૨-૫૩
હે પ્રભુ ! મનુષ્યોએ દેહાવસાન સમયે કોનો જપ કરવો જોઇએ ? કે જે જપ કરવાથી પાપી જનોને પણ ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય.૫૪
હે પરમેશ્વર ! જે સ્તોત્રનો પાઠ કરવાથી સકામ અથવા નિષ્કામ મનુષ્યોના મનોરથ પૂર્ણ થાય તેવાં સ્તોત્ર કયાં છે ? તે પણ અમને કૃપા કરીને જણાવો.૫૫
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે બ્રાહ્મણોએ પૂછયું તેથી ભગવાન શ્રી નારાયણમુનિ પોતાનાં વચનામૃતોથી સમગ્ર સભાજનોને હર્ષ ઉપજાવતા કહેવા લાગ્યા કે, હે બ્રાહ્મણો ! તમે મારું વચન સાંભળો. અને બીજા ભક્તો પણ સર્વે મારું વચન સાંભળો. હું તમને સર્વે સ્તોત્રોનું શિરોમણી તેમજ પરમ કલ્યાણકારી સ્તોત્રનો ઉપદેશ કરું છું.૫૬-૫૭
મહાભારતના અનુશાસન પર્વમાં દાનધર્મને વિષે ભીષ્મપિતાએ યુધિષ્ઠિર રાજાને ''વિષ્ણુસહસ્રનામસ્તોત્ર'' નો ઉપદેશ કર્યો છે. તે સ્તોત્ર સર્વે ઉપદ્રવોની ઔષધી છે. તેનો જપ કરવો એવો મારો મત છે.૫૮
હે ઉત્તમ ભૂદેવો ! આ સ્તોત્રનો જપ કરવાથી જ તમે પૂછેલી સર્વ સમસ્યાઓનું નિરાકરણ થશે, અને સર્વે પુરુષાર્થો સિદ્ધ થશે. માટે સર્વ કાર્યોમાં મનુષ્યોએ આજ સ્તોત્રનો પાઠ કરવો.૫૯
તેવી જ રીતે શ્રીમદ્ ભાગવતપુરાણમાં કહેલા ''શ્રીનારાયણ કવચ'' સ્તોત્રનો પાઠ કરવો, આ સ્તોત્ર પણ સર્વ પ્રકારના ઉપદ્રવનો નાશ કરે છે.૬૦
પોતાનાં કાર્યને અનુસારે તથા પોતાની ધન સંપત્તિને અનુસારે પુરશ્ચરણ પદ્ધતિમાંથી તેનો વિધિ જાણીને આ બન્ને સ્તોત્રનું પુરશ્ચરણ કરવું. આ બન્નેનું વિધિપૂર્વક પુરશ્ચરણ કરવાથી તે મનુષ્યોને તેના કાર્યની સિદ્ધિ આપે છે. તેથી ત્રણે વર્ણના સર્વે મનુષ્યોએ આ જ બે સ્તોત્રનો જ અવશ્યપણે જપ કરવો, પાઠ કરવો.૬૧-૬૨
હે ભૂદેવો ! આ લોકમાં મારા આશ્રિત મનુષ્યે કોઇ પણ કાર્યની સિદ્ધિમાટે તત્કાળ ફળ આપનારા શૂદ્ર દેવ કે દેવીના મંત્ર કે સ્તોત્રનો જપ ક્યારેય પણ ન કરવો.૬૩
તેમાં પણ મદ્યમાંસપ્રિય રાજસ કે તામસ દેવ દેવીઓના મંત્ર કે સ્તોત્રનો જપ તો ક્યાકેય પણ ન કરવો. કારણ કે, તેનો જપ કરવાથી મુમુક્ષુ ભક્તના મોક્ષનાં અંકુર જ વિનાશ પામે છે.૬૪
જે પુરુષો એવા મંત્ર સ્તોત્રનો જપ કરે છે તે દેહને અંતે અનેક પ્રકારનાં નરકની પીડા ભોગવી પછી પિશાચ થાય છે. અને જો સ્ત્રી હોય તો તે ડાકિની થાય છે.૬૫
માટે હે ઉત્તમ ભૂદેવો ! સકામી કે નિષ્કામી બન્ને પ્રકારના જનોએ સર્વકાર્યમાં સર્વદા મેં કહ્યા તે બે સ્તોત્રનો જ પાઠ કરવો, અથવા બ્રહ્મચર્યવ્રતનું યથાર્થ પાલન કરી વિધિને અનુસારે પોતાની શક્તિ પ્રમાણે તત્કાળ ફળને આપનારા હનુમાનજીના મંત્રનો કે સ્તોત્રનો જપ કરવો.૬૬-૬૭
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ભગવાન શ્રીનારાયણમુનિનાં આવાં પ્રકારનાં હિતકારી વચનોનું શ્રવણ કરી તે સર્વે બ્રાહ્મણો તથા બીજા મનુષ્યો તથા ક્ષત્રિય રાજા વાઘજીભાઇ આદિ સર્વેએ તે વચનોને મસ્તક ઉપર ધારણ કર્યાં અને શ્રીહરિને વંદન કર્યા.૬૮
હે રાજન્ ! પછી ભગવાન શ્રીસહજાનંદ સ્વામી ભક્તજનોને આનંદ ઉપજાવતા ભાડેરપુરમાં અન્નકૂટના ઉત્સવ પર્યંત નિવાસ કરીને રહ્યા. ને ત્યાંથી મોડા ગામે જવા પ્રયાણ કર્યું.૬૯
શ્રીહરિનું મોડા ગામે અને ત્યાંથી અલૈયા ગામે આગમન :-- હે રાજન્ ! ભગવાન શ્રી નારાયણ મુનિ પોતાના સેવકો સંતો-ભક્તોની સાથે ચાલતા માર્ગમાં આવતાં ભક્તજનોના ગામમાં ક્યાંક એક દિવસ ક્યાંક બે દિવસ નિવાસ કરતા કરતા કેટલાક દિવસો પછી ''મોડા'' ગામે પધાર્યા. તે ગામમાં દલુજીભાઇ, દામજીભાઇ વગેરે ક્ષત્રિય ભક્તોએ ભગવાન શ્રીહરિનું સ્વાગત પૂજન કર્યું. ભગવાન શ્રીહરિ પણ સૌને આનંદ ઉપજાવતા ત્યાં પાંચ દિવસ નિવાસ કરીને રહ્યા, અને પછી ત્યાંથી ''અલૈયા'' ગામે પધાર્યા.૭૦-૭૧
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં તામસ દેવતાઓના વ્રતાદિના નિષેધનું નિરૂપણ કર્યું એ નામે સોળમો અધ્યાય પૂર્ણ થયો. --૧૬--