અધ્યાય - ૧૭ - શ્રીહરિનું શેખપાટ અને ભાદરા ગામે આગમન.
શ્રીહરિનું શેખપાટ અને ભાદરા ગામે આગમન. સત્-અસત્ પુરુષોનાં લક્ષણો . શ્રીહરિનું કચ્છમાં અંજાર અને ભુજમાં આગમન.
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! તે અલૈયા ગામના નારાયણ સુથાર આદિ સુથાર ભક્તજનોએ પૂજન કર્યું. ત્યારપછી ભગવાન શ્રીહરિ શેખપાટ ગામે પધાર્યા ત્યાં લાલજી સુથારે પોતાની માતા લાડુબાદેવી તથા પુત્ર રામજીની સાથે ભગવાન શ્રીહરિની પૂજા કરી સેવા કરવા લાગ્યા. પરમેશ્વર શ્રીહરિ તેમના પ્રેમને વશ થઇ કેટલાક દિવસો પર્યંત શેખપાટમાં નિવાસ કરીને રહ્યા.૧-૨
હે રાજન્ ! પોતાના સેવકો સંતો-ભક્તોની સાથે શ્રીહરિ વસંત પંચમીને દિવસે તે શેખપાટ ગામથી ચાલ્યા અને તે જ દિવસે ભાદરા ગામે પધાર્યા. ત્યાં ભગવાન શ્રીકૃષ્ણના પૂજન સાથે વસંતપંચમીનો મોટો ઉત્સવ કર્યો. તે ભાદરા ગામના મૂળજી શર્મા તથા સુંદરજી શર્મા એ બે ભાઇઓ તથા અન્ય અનેક વિપ્રો શ્રીહરિની સેવા કરવા લાગ્યા. તેમજ વૃદ્ધ રતનજી, લાધાજી, દેવજી આદિ વૈશ્ય ભક્તો પણ શ્રીહરિની સેવા કરવા લાગ્યા.૩-૪
વશરામ, માવજી, રામજી, રણછોડ આદિ સુથાર ભક્તજનો તથા નાથાભાઇ આદિ શૂદ્ર ભક્તજનો પરમ આદરથી ભગવાન શ્રીહરિની સેવા કરવા લાગ્યા. તે વસંતપંચમીના ઉત્સવમાં દેશાંતરોમાંથી આવેલા ઘણા બધા ભક્તજનોએ સાથે મળીને અતિ રાજી થકા ચંદન, પુષ્પ, ધન, વસ્ત્રાદિક વડે ભગવાન શ્રીહરિની ખૂબ જ સેવા પૂજા કરી.૫-૬
હે રાજન્ ! તે વસંતપંચમીના દિવસે બપોર પછીના સમયે અતિ વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું, ભગવાન શ્રીહરિ તે સભામધ્યે સિંહાસન ઉપર વિરાજમાન થયા હતા. તે સમયે શ્રીહરિના મુખકમળ સામે જ દૃષ્ટિ રાખીને સર્વે ભક્તજનો પોતપોતાની મર્યાદામાં રહીને તે સભામાં બેઠા હતા. ત્યારે સર્વે ભક્તોને આનંદ ઉપજાવતા વર્ણિરાજ ભગવાન શ્રીહરિ વચનો કહેવા લાગ્યા.૭-૮
હે ભક્તજનો ! ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ જ એક સર્વ દેહધારીઓને મુક્તિ આપનારી છે. તે ભક્તિ સત્પુરુષના સમાગમથી જ ઉદય પામે છે અને અસત્ પુરુષના સમાગમથી વિનાશ પામે છે. તેથી મુમુક્ષુ એવા જે ભગવાનના ભક્તોએ અસત્પુરુષનો સંગ ક્યારેય પણ ન કરવો. તે અસત્પુરુષો કે જે અસુરો છે. તેનાં લક્ષણોથી તેને ઓળખી રાખવા. કારણ કે અસુરો કાંઇ મનુષ્ય જાતિથી જુદા હોતા નથી.૯-૧૦
સત્-અસત્ પુરુષોનાં લક્ષણો :-- સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણેનું ભક્તપતિ ભગવાન શ્રીહરિનું પોતાના માટે હિતકારી વચન સાંભળીને વિપ્રવર્ય મૂળજીશર્મા શ્રીહરિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને પૂછવા લાગ્યા કે, હે જગતપતિ ! તમે જે અસુરોના સંગનો ત્યાગ કરવાનું કહ્યું, તે અસુરોનાં યથાર્થ લક્ષણો અમે સર્વે સભામાં બેઠેલા ભક્તજનો આપના મુખેથી જાણવા ઇચ્છીએ છીએ.૧૧-૧૨
હે સ્વામિન્ ! તમે સર્વજ્ઞા છો. માટે અમારા ઉપર કૃપા કરીને તે અસુરોનાં લક્ષણો અમને જણાવો. હે રાજન્ ! આ પ્રમાણે મૂળજી શર્માએ પૂછયું તેથી અત્યંત પ્રસન્ન થઇને ભગવાન શ્રીહરિ કહેવા લાગ્યા.૧૩
હે વિપ્ર ! ભગવાન શ્રીકૃષ્ણ તથા તેમના અવતારો તથા તેમના ભક્તોનો દ્રોહ કરવો તે અસુરોનું મુખ્ય લક્ષણ છે.૧૪
તે અસુરોમાં આ પૂર્વોક્ત લક્ષણ સ્વભાવિક રીતે રહેલું જ હોય છે, એમ તમે નક્કી જાણો. ઉપરથી ભક્તનો આડંબર કરી અજ્ઞાની મનુષ્યો આગળ પોતાનો મોટા ભક્તપણાનો મહિમા બતાવતા ફરવું, એ અસુરોનું બીજું લક્ષણ છે.૧૫
તેવી જ રીતે ભગવાન અને તેમના ભક્તોનાં અતિ અદ્ભૂત આશ્ચર્યકારી મહિમાવાળાં ચરિત્રોમાં દોષ દૃષ્ટિ કરવી તે અસુરોનું ત્રીજું લક્ષણ છે.૧૬
હે વિપ્ર ! વળી હિંસા પ્રિય તેમજ મદિરા અને માંસપ્રિય એવા દેવ દેવીઓને વિષે દૃઢ ઇષ્ટદેવપણાની બુદ્ધિ કરવી, તેમના મંત્રોના જપ કરવા, તેમનું પૂજન કરવું, તેમનાં વ્રતનું અનુષ્ઠાન કરવું, તે દેવ-દેવીના ગ્રંથોનો પાઠ કરવો, શ્રવણ કરવામાં પ્રીતિ રાખવી, તેમની દીક્ષા ગ્રહણ કરવી, જાણી જોઇને જીવહિંસા કરવી, મદિરાનું પાન કરવું, માંસનું ભક્ષણ કરવું, પોતાની સ્ત્રી સિવાયની સ્ત્રી સાથે ગમન કરવું, આ બધા અસુરોનાં લક્ષણો છે.૧૭-૧૯
વળી હે વિપ્ર ! કામ, ક્રોધ, લોભ, માન, મદથી યુક્ત થઇ ઉદ્ધતની પેઠે વર્તન કરવું, રસાસ્વાદમાં આસક્તિ કરવી, વર્ણાશ્રમની ધર્મમર્યાદાનો ભંગ કરવો, પોતાના વર્ણાશ્રમ ધર્મપાલનનો ડોળ કરવો એ આદિ અસુરોનાં લક્ષણો છે. તે તમારે જાણી રાખવાં. એ લક્ષણો મેં તમને સંક્ષેપમાં કહ્યાં છે. જે મનુષ્યમાં આવું જોવા મળે તે અસુરો છે.૨૦-૨૨
તેનો સંગ ભગવાનના ભક્તોએ આપત્કાળ પડયા વિના તો કરવો જ નહિ, અને જે તેમનો સંગ કરશે તે કલ્યાણના માર્ગથકી નક્કી ભ્રષ્ટ થશે.૨૩
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિનાં શિક્ષાનાં હિતકારી વચનો સાંભળી મૂળશર્મા વિપ્ર તથા સભામાં બેઠેલા સર્વે અન્ય ભક્તજનોએ મસ્તક ઉપર ધારણ કર્યાં, અને તે પ્રમાણે જ વર્તવાની પ્રતિજ્ઞા કરી.૨૪
હે રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિ પ્રતિદિન શિક્ષાનાં વચનો દ્વારા ભક્તજનોને ભાગવતધર્મનો બોધ આપતા ભાદરા ગામમાં છ દિવસ પર્યંત નિવાસ કરીને ત્યાંથી નીકળી ભુજ જતાં રસ્તામાં સમુદ્રની ખાડીએ પધાર્યા.૨૫
શ્રીહરિનું કચ્છમાં અંજાર અને ભુજમાં આગમન :-- હે રાજન્ ! ત્યારપછી નૌકા દ્વારા ખાડી ઉતરી અંજાર નગરમાં પધાર્યા. ત્યાં કચરા આદિ બ્રાહ્મણ ભક્તોએ મહા આનંદ સાથે શ્રીહરિની પૂજા કરી.૨૬
સદ્ધર્મનું સ્થાપન કરવામાં તત્પર અને અધર્મનો ઉચ્છેદ કરવામાં ચતુર ભગવાન શ્રીસહજાનંદ સ્વામી કેટલાક દિવસો સુધી નિવાસ કરીને રહ્યા, અને પછી ત્યાંથી ભુજ નગર પધાર્યા.૨૭
ભુજનગરના નિવાસી ભક્તજનો ભગવાન શ્રીહરિને આવતા સાંભળીને રથ, અશ્વ, હાથી, પાલખી આદિ વાહનોની સાથે દુન્દુભી આદિ વિવિધ વાજિંત્રોનો ધ્વનિ કરતા શ્રીહરિની સન્મુખ આવ્યા, અને શ્રીહરિનાં દર્શન કરતાંની સાથે જ કપડાંની પરવા કર્યા વિના આદરપૂર્વક સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવા લાગ્યા૨૮
ત્યારે સકલ ઐશ્વર્ય સંપન્ન ભગવાન શ્રીહરિ પોતાની સન્મુખ પધારેલા સર્વે ભુજનગરવાસી ભક્તજનોને અતિ પ્રેમથી માન આપી બહુજ ખુશી કર્યા. અને પછી તે ભક્તજનોએ લાવેલા વિવિધ વાહનો ઉપર પોતાની સાથે આવેલા બ્રહ્મચારી, સાધુ તથા ભક્તજનોને યથાયોગ્ય બેસાડી સ્વયં સૈન્ધવ (સિન્ધી) નામના મોટા ઊંચા ઘોડા ઉપર વિરાજમાન થયા. અને ભક્તજનોની સાથે વાજતે ગાજતે નગરમાં પધાર્યા.૨૯
હે રાજન્ ! અક્ષર, કાળ અને માયા આદિ સર્વના નિયંતા ભગવાન શ્રીહરિ તે ભુજ નગરમાં રાજાના મંત્રી સુંદરજીભાઇ સુથારના ભવનમાં પોતાનો નિવાસ કર્યો, તથા પોતાની સાથે આવેલા સંતો-ભક્તોને નગરમાં અન્ય ભક્તજનોને ઘેર યથાયોગ્ય નિવાસ કરાવ્યો.૩૦
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં અસુરોનાં લક્ષણોનું નિરૂપણ કર્યું અને શ્રીહરિ કચ્છ ભુજનગરમાં પધાર્યા એ નામે સત્તરમો અધ્યાય પૂર્ણ થયો. --૧૭--