અધ્યાય - ૬ - અન્નકૂટની સેવામાં તત્પર નરનારીઓનો ઉત્સાહ વધારવા બન્ને પાકશાળામાં પધારતા ભગવાન શ્રીહરિ.
અન્નકૂટની સેવામાં તત્પર નરનારીઓનો ઉત્સાહ વધારવા બન્ને પાકશાળામાં પધારતા ભગવાન શ્રીહરિ.
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! પોતાની અસાધારણ યોગમાયારૂપ યુક્તિથી મનુષ્ય નાટકને ધારણ કરી પોતાના ભક્તજનોના મનને આહ્લાદ ઉપજાવતા ભગવાન શ્રીનારાયણ દુર્ગપુરમાં બિરાજી રસોયા ભક્તોની પ્રશંસા કરતા થકા તેમની પાસેથી પ્રતિદિન બમણા પકવાનોના ઢગ તૈયાર કરાવવા લાગ્યા.૧
તેવી જ રીતે પકવાન્નો બનાવવાની ક્રિયામાં નરનારી ભક્તજનોના પરિશ્રમને પોતાના ગુપ્તચરો દ્વારા પ્રતિક્ષણે જાણીને પરમેશ્વર શ્રીહરિ તેઓના રાત્રી દિવસના અવિરત પરિશ્રમને જોઇ અતિશય આનંદની સાથે પરમ વિસ્મયને પામ્યા. 'સેવા એ જ મુક્તિ છે' એવી નિષ્કામ ભાવના વિના આટલો અથાગ પરિશ્રમ કોણ કરી શકે ?૨
પકવાન્નો તૈયાર કરી રહેલા સ્ત્રી ભક્તજનો અને પુરુષભક્તજનોનો ઉત્સાહ વધારવા પ્રતિક્ષણ ત્યાં જઇને ભગવાન શ્રીહરિના વચનોનો સંદેશો સંભળાવવાની સેવા અતિશય નિષ્કામી એવા ખટ્વાઙ્ગરાજા, ઉમાભાઇ, નાચિકેત અને મયારામ ભટ્ટ આ ચાર જણા બજાવી રહ્યા હતા.૩
હે રાજન્ ! આ ચારે ભક્તોમાંથી પણ નિષ્કપટ ભાવનાવાળા, નિર્મળ અંતઃકરણવાળા, આત્મા પરમાત્માના સ્વરૂપને યથાર્થ જાણનારા તથા હમેશાં ભગવાન શ્રીહરિની સમીપે નિવાસ કરીને રહેતા ખટ્વાઙ્ગરાજા શ્રીહરિના આદેશના શબ્દોને વારંવાર દોહરાવી ઊંચા હાથ કરી કરી ઉચ્ચસ્વરે બોલતા સર્વે હરિભક્તોને તત્કાળ તે તે દેખાડેલાં કાર્યોમાં જોડાવાની પ્રેરણા કરતા હતા.૪
હે રાજન્ ! ચારમાંથી ઉમાભાઇ અને નાચિકેત હતા તે નિર્માની ભાવે વર્તી સાક્ષાત્ વાસુદેવ ભગવાન શ્રીહરિને પ્રસન્ન કરતા અને અતિશય ધીરજશાળી બન્ને શ્રીહરિનાં વચનોરૂપ સંદેશને જેટલા કહ્યા હોય તેટલાજ શબ્દોમાં પકવાન્ન કરનારા સ્ત્રીઓને અને પુરુષોને કહી સંભળાવતા. એટલું જ નહિ સર્વે હરિભક્તોને અનુકૂળ થઇ રહેતા હતા. તે બન્ને ક્યારેક સ્ત્રીઓના રસોડામાં હોય, ક્યારેક પુરુષોના રસોડામાં હોય અને ક્યારેક ભગવાન શ્રીહરિની સમીપે રહે એમ સતત સેવા પરાયણ રહેતા હતા.૫
અને મયારામ વિપ્ર વૃદ્ધાવસ્થાને કારણે નીચે નમેલા હોવાથી કેડને વસ્ત્રથી મજબૂત બાંધી તેના પર હાથ ટેકવી ચાલતા 'સર્વેનું કલ્યાણ થાઓ, સર્વેનું કલ્યાણ થાઓ'. આ પ્રમાણેના શબ્દોથી ભગવાન શ્રીહરિને હસાવતા, રસોડામાં રહેલા નરનારીજનોને તત્કાળ શ્રીહરિના સંદેશના શબ્દોનું નિવેદન કરી ફરી શ્રીહરિ પાસે આવી જતા. આવી સેવાનો કાર્યભાર સંભાળતા મયારામ વિપ્ર ભગવાન શ્રીહરિની સમીપે રાત્રી-દિવસ નિવાસ કરીને રહેતા હતા.૬
હે રાજન્ ! ત્યારપછી અચ્યુત ભગવાન શ્રીહરિ પણ તૈયાર થયેલાં પકવાન્નોનું નિરીક્ષણ કરવા બારસની રાત્રીએ પોતાના પાર્ષદોની સાથે પાકશાળાઓમાં પધાર્યા, તે સમયે કૃષ્ણદાસ નામના વાણંદ ભક્તે ભગવાન શ્રીહરિની આગળ મશાલ ધારણ કરી હતી. તે મશાલના ઉજાસમાં ભગવાન શ્રીહરિનાં દિવ્ય શરીરની ઉજ્જ્વળ કાંતિ અતિશય શોભી રહી હતી.૭
ત્યારે શ્રીહરિ જમણા હાથમાં નેતરની નાની સોટી ધારણ કરી હતી. બીજો હાથ પોતાની કેડ ઉપર ધારણ કર્યો હતો. ઉતાવળી ગતિએ ચાલવાથી કંઠમાં ધારણ કરેલા ઉત્તમ પુષ્પોના હાર આમ તેમ ડોલતા હતા. વિશાળ ચંચળ નેત્રોથી ભક્તજનો ઉપર કૃપાકટાક્ષ વરસાવતા હતા.૮
પોતાના ભક્તજનોએ પાઘમાં ધારણ કરાવેલા પુષ્પોના તોરાઓ પાઘમાં આમ તેમ ડોલી રહ્યા હતા. ઉતાવળી ગતિએ ચાલવાથી ચરણમાં ધારણ કરેલી ચાખડીઓનો ચટ્ચટ્ અવાજ ઉઠતો હતો. શ્રીહરિ એટલી બધી ઉતાવળી ચાલે ચાલતા હતા કે પાછળ ચાલતા પાર્ષદો દોડી દોડીને સાથે ચાલી શકતા હતા. શ્રીહરિએ સર્વે શ્વેત વસ્ત્રો ધારણ કર્યાં હતાં. આવી શોભાએ યુક્ત ભગવાન શ્રીહરિ પાકશાળામાં પધાર્યા.૯
હે રાજન્ ! પાકશાળામાં અચાનક પ્રાદુર્ભાવ પામેલું તેજ જોઇને શ્રીહરિનું આગમન થયું લાગે છે એમ જાણીને સૌએ બોલવાનું બંધ કર્યું અને સર્વે કંદોઇ તથા રસોયા ભૂદેવોએ શ્રીહરિને જોયા ને તત્કાળ નમસ્કાર કર્યા.૧૦
તે કંદોઇયા અને રસોયામાં પકવાન્ન બનાવવામાં કુશળ પ્રભાશંકર શર્મા હતા. બીજા દયારામ અને દાજી નામના બે ભક્તો હતા. તેમાં એક દાજીભાઇ પ્રભાશંકરના ભાઇ હતા, અને બીજા દાજીભાઇ બંધીયા ગામના હતા. તેમજ બીજા ભૂદેવોમાં બેચર, રામચંદ્ર અને લાલજી આ ત્રણ ગઢપુરના જ ભૂદેવો હતા.૧૧
તેમજ નંદુભાઇ, નંદલાલ, ગંગાદત્ત, નરોત્તમ, લક્ષ્મીદત્ત, દયારામ, કૃપાશંકર અને ઇશ્વર આ આઠ ઉમરેઠના ભૂદેવો હતા.૧૨
તેમજ દોરા ગામના કાશીરામ, વેમાલડીના તુલજારામ, હળવદપુરના શિવયાજ્ઞિાક, ભાડેરના દેવરામ તથા પીઠવડીના જીવરામ, ઉમરેઠના લીલાધર, મેમદાવાદના પીતાંબર અને અનુપમરામ, ધોળકાના રેવાશંકર, વસોના વાલાધ્રુવ, સંજાયાના વિજયરામ, એક મેમદાવાદના અંબારામ અને બીજા સુરતના અંબારામ, અને ધોળકાના નારણજી આદિ સર્વે વિપ્રભક્તજનો ભગવાન શ્રીહરિના અચાનક આગમનથી વિસ્મય પામી ગયા અને ચરણમાં વંદન કરી બે હાથ જોડી શ્રીહરિની સામે ઊભા રહ્યા.૧૩-૧૫
હે રાજન્ ! ત્યારપછી ભગવાન શ્રીહરિએ રસોડામાં મોટાં મોટાં લોખંડનાં ખાલી કડાયાં જોયાં તેથી કંદોઇયા વિપ્રોને કહેવા લાગ્યા કે તમે અહીં શું કરો છો ? કડાયાં ખાલી કેમ છે ?૧૬
ત્યારે સર્વે રસોયા ભૂદેવોએ કહ્યું કે, હે સ્વામિન્ ! હમણાંજ સમગ્ર બનાવેલાં પકવાન્નો પેટારામાં ભરી દીધાં છે.૧૭
અને આ કડાયાં ચૂલા ઉપરથી હમણાંજ નીચે ઉતાર્યાં છે, હે પ્રભુ ! બીજી કોઇ આજ્ઞા હોય તો બોલો.૧૮
હે રાજન્ ! રસોયા વિપ્રોનાં આવા પ્રકારનાં વચનો સાંભળી શ્રીહરિ તેમની ઉતાવળે કામ પૂર્ણ કરી લેવાની હાથચતુરાઇ જોઇ વિસ્મય પામી ગયા. અને સર્વે કંદોયાઓની ખૂબ પ્રશંસા કરી કહેવા લાગ્યા કે, હે વિપ્રો ! આવતી કાલે પ્રાતઃકાળે સર્વદેશોમાંથી સંતોનાં મંડળો પધારશે. તેથી તેમના માટે દાળ, ભાત, શાક વિગેરે બનાવવાની જલદી તૈયારી કરો.૧૯-૨૦
હે રાજન્ ! આ પ્રમાણે રસોઇયા ભૂદેવોને આજ્ઞા આપી ભગવાન શ્રીહરિ પોતાના પાર્ષદોને બહારજ ઊભા રાખી સ્વયં એકલા જ સ્ત્રીઓના રસોડામાં પધાર્યા.૨૧
હે રાજન્ ! ભગવાન શ્રીહરિને પોતાના રસોડામાં પધારેલા જોઇ વિપ્ર સ્ત્રીઓ એકદમ ઉભી થઇ ગઇ અને ભગવાન શ્રીહરિને બેસવા એક સુંદર સુવર્ણથી વિભૂષિત બાજોઠ ઢાળી આપ્યો.૨૨
તેના પર શ્રીહરિ વિરાજમાન થયા. ત્યારે રસોડામાં રહેલી સર્વે સ્ત્રીઓ ભગવાન શ્રીહરિને નમસ્કાર કરી બે હાથ જોડી સામે ઊભી રહી. તેમાં ગંગાબા અને રેવાબા શ્રીનગરનાં નિવાસી હતાં. યમુના અને યતિની એ બે વસો ગામનાં, લહેરી ભુજનાં, મૌના અને રૂપા એ બે ઉમરેઠનાં, દુર્લભા વડનગરનાં, નાથી ઉમરેઠનાં, રામબા, અમૃતા અને અમરી આ ત્રણ ગઢપુર નિવાસી હતાં. તેમજ ગુલાબા ગાંફ ગામનાં, પુતળી પીઠવડીનાં, લાડુ, જીવી અને મીઠી આ ત્રણ આખા-પિપલાણાનાં, જાહ્નવી અને માન્યા એ બે ત્રાપાસ ગામનાં, ઉદયકુમારી વિસનગરનાં, કાશીબાઇ મેમદાવાદનાં, જયકુમારીકા ઉઝાનાં, ઉમા શ્રીનગરનાં, કુમારી શિયાણીનાં, કુશલા અને વાણી ઉમરેઠનાં, હેતુ પીપલાણાનાં અને સુખા મેમદાવાદના નિવાસી હતાં.૨૩-૨૫
એ સિવાય અન્ય અનેક વિપ્ર સ્ત્રીઓ રાત્રી દિવસ પકવાન્નો બનાવવામાં તત્પર રહેતાં હતાં. તેઓને ભગવાન શ્રીહરિ હસતાં હસતાં પૂછવા લાગ્યા કે, હે મહાવ્રતવાળી બહેનો ! અત્યારે તમે રસોઇમાં શું પકાવો છો ? ત્યારે લલિતાબા તત્કાળ સમીપે આવી કહેવા લાગ્યાં કે, હે પ્રભુ ! આગલા દિવસે આ વિપ્ર સ્ત્રીઓએ ખાજાં બનાવ્યાં અને આજે સુતરફેણી બનાવી છે. અને આવતી કાલે સંતો પધારે છે તેમના માટે ભક્ષ્ય ભોજ્યાદિ પદાર્થો બનાવવાની તૈયારી આ બહેનો કરી રહી છે.૨૬-૨૮
તેમજ અમે ક્ષત્રિય બહેનો તમારાં દર્શને આવનારા ક્ષત્રિય આદિ સમસ્ત ભક્તો માટે અમારા ભવનમાં અમે જુદી રસોઇ તૈયાર કરીશું.૨૯
તે ક્ષત્રિય સ્ત્રીઓમાં જયાબા, રમા, પાંચાલી, નાની અને ધોલેરાનાં ફુલજયા છે. તેમજ અમરી, અમલા, ક્ષેમા, યમી, દેવી આ છ ગઢપુરની જ બહેનો છે. ધોલેરાનાં અજુબા, જૂનાગઢનાં અદિતિ, કુંડળનાં રાઇબાઇ, નાગડકાનાં શાન્તાબા, કારિયાણીનાં મેના, સ્થલી ગામનાં મલ્લીકા અને જાહ્નવી વિગેરે અનંત ક્ષત્રિય સ્ત્રીઓ છે તે અમારા ભવનમાં રસોઇ બનાવે છે.૩૦-૩૧
હે રાજન્ ! આ પ્રમાણે લલિતાબાનું વચન સાંભળીને ભગવાન શ્રીહરિને અતિશય આશ્ચર્ય થયું અને પુરુષો કરતાં પણ તેઓના અધિક પરિશ્રમને જોઇ પોતાનું મસ્તક ધૂણાવી રસોઇ કરનાર સમસ્ત બહેનોની ખૂબજ પ્રશંસા કરી.૩૨
પોતે જે કહેવા આવ્યા હતા તે તો પહેલેથી જ તેઓ સ્વયં કરવા લાગી ગઇ હોવાથી ભગવાન શ્રીહરિ મૌન રહ્યા અને પ્રસન્ન થતા પોતાના નિવાસસ્થાને પધાર્યા.૩૩
ત્યારપછી ભગવાન શ્રીહરિએ નિષ્કુળાનંદ મુનિ, ઉત્તમરાજાના મંત્રીઓ, લાધા ઠક્કર અને હરજી ઠક્કરને પોતાના નિવાસસ્થાને બોલાવ્યા ને કહ્યું કે આવતી કાલે પ્રાતઃકાળે મહાવ્રતવાળા આપણા હજારો સંતો અને દેશદેશાંતરનાં નરનારી ભક્તજનો ગઢપુરમાં પધારશે, તો તે સર્વેને માટે અલગ અલગ ઉતારાની વ્યવસ્થા તમારે અત્યારથી જ કરવાની છે.૩૪-૩૬
હે રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ આજ્ઞા કરી તેથી ત્રણે જણા નગરમાં જઇને યથાયોગ્ય ઉતારાની વ્યવસ્થા કરી આવ્યા.૩૭
હે રાજન્ ! શ્રીહરિ પણ પોતાના સંતો-ભક્તોનું હિત વિચારી આટલું કાર્ય પૂર્ણ કર્યા પછી રાત્રીના દશમા મુહૂર્તમાં થોડી નિદ્રાનો સ્વીકાર કર્યો. તે સમયે પણ શ્રીહરિની સેવાનો અવસર યોગનિદ્રાને પ્રાપ્ત થયો નહિ.૩૮
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં અન્નકૂટોત્સવમાં ભગવાન શ્રીહરિએ પાકશાળાઓનું અવલોકન કર્યું એ નામે છઠ્ઠો અધ્યાય પૂર્ણ થયો. --૬--