અધ્યાય - ૪૪ - ભગવાનને અતિશય પ્રસન્ન કરવાના સાધનસ્વરૂપે માહાત્મ્યજ્ઞાને સહિત ભક્તિનું કરેલું નિરૂપણ.
ભગવાનને અતિશય પ્રસન્ન કરવાના સાધનસ્વરૃપે માહાત્મ્યજ્ઞાને સહિત ભક્તિનું કરેલું નિરૃપણ.
જયાબા આદિ સ્ત્રી ભક્તજનો પૂછે છે, હે નારાયણમુનિ ! હે સ્વામિન્ ! હે ભક્તવત્સલ ! હે સંતોના પતિ ! હે પ્રભુ ! અમને કાંઇક પૂછવું છે, તે કૃપા કરીને તમે સાંભળો.૧
હે ભગવાન ! તમને રાજી કરવા માટે શાસ્ત્રોમાં દાન, યજ્ઞા, તપ, યોગ, જપ, સ્વાધ્યાય અને વ્રત વિગેરે અનેક ગુણો સાધનરૂપે કહેલાં છે.૨
તે સર્વે સાધનોને મધ્યે એક એવો કયો ગુણ છે કે જેનું સેવન કરવાથી ભક્તજનોને ઇચ્છિત વરદાન આપનારા તમે અત્યંત પ્રસન્ન થાઓ.૩
વળી હે ભગવાન ! એવો એક ગુણ અમને બતાવો કે એક ગુણને પ્રાપ્ત કરવાથી બીજા સમગ્ર ગુણોની આપોઆપ પ્રાપ્તિ થાય, અને જો તે એક ગુણ પ્રાપ્ત ન થાય તો બીજા પ્રાપ્ત કરેલા સર્વે ગુણો નકામા થઇ જાય. એવો કયો એક ગુણ છે.૪
હે વાસુદેવ ! તમારી ઉપાસના કરનારી અમે સર્વે બહેનો તમને પ્રસન્ન કરવાનો મુખ્યગુણ જાણવા ઇચ્છીએ છીએ, તેથી તમે જે નિર્ણય કરેલો હોય તે અમને જણાવો .૫
ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે ભક્ત બહેનો ! જેવો હું ભક્તિરૂપી સાધનથી પ્રસન્ન થાઉં છું, તેવો બીજા કોઇ સાધનથી પ્રસન્ન થતો નથી, એમ તમે જાણો.૬
હે બહેનો ! સારી રીતે શુદ્ધભાવથી કરવામાં આવેલાં દાન, યજ્ઞા, તપ, યોગ, જપ, સ્વાધ્યાય અને વ્રત વગેરે સાધનોથી હું પ્રસન્ન જરૂર થાઉં છું. પરંતુ જેવો ભક્તિથી પ્રસન્ન થાઉં છું, તેવો તે સાધનોથી થતો નથી.૭
મને પ્રસન્ન કરવામાં બ્રાહ્મણપણું કે દેવપણું કાંઇ કામ આવતું નથી.દીક્ષાદિ ગ્રહણ કરવા રૂપ સાધનો પણ કામ આવતાં નથી, પરંતુ કેવળ એક સર્વોત્તમ અનન્ય ભક્તિ જ મને પ્રસન્ન કરવાનું સર્વશ્રેષ્ઠ સાધન છે.૮
હે મહાવ્રતને ધારણ કરનારી બહેનો ! માહાત્મ્યજ્ઞાન પૂર્વક કોઇનાથી પણ રોકી ન શકાય તેવા પ્રેમની સાથે નવપ્રકારે મારી જે સેવા કરવી તેને જ ભક્તિનું લક્ષણ જાણવું.૯
કૃષ્ણ એવા અમે મનુષ્યાકૃતિમાં હોવા છતાં અહીં પણ અક્ષરધામમાં રહેલા દિવ્ય ઐશ્વર્ય અને પાર્ષદોએ સહિત સદાય દિવ્ય સ્વરૂપે રહેલા છીએ. આવી રીતનું અમારૂં માહાત્મ્ય જાણવું.૧૦
આવા પ્રકારનો મહાત્મ્યનો એક ગુણ પ્રાપ્ત થાય તો બીજા સર્વે ગુણો આપોઆપ પ્રાપ્ત થાય છે. જો ભક્તિ પ્રાપ્ત ન થાય તો બીજા ગુણો હોવા છતાં નહીં જેવા જ જાણવા.૧૧
હે બહેનો ! પ્રતિદિન ભક્તિનું આચરણ કરે પરંતુ જો મહાત્મ્યજ્ઞાન ન હોય તો તે ભક્તિ વૃદ્ધિ પામતી નથી. માહાત્મ્ય જ્ઞાન વિના કેવળ ભક્તિ કરનારા ભગવાનના ભક્તને શમ, દમાદિ ગુણો પ્રાપ્ત થતા નથી.૧૨
તે પ્રારંભિક દશામાં બહુજ વૃદ્ધિ પામેલી જણાય છે. પરંતુ જેમ ક્ષયરોગથી ઘેરાયેલી કન્યા યુવાન થતાં પહેલાંજ મૃત્યુ પામે છે, તેમ માહાત્મ્યજ્ઞાન વિનાની ભક્તિ પણ વૃદ્ધિ પામ્યા પહેલાંજ ક્ષીણ થઇ જાય છે. ભક્તિનો ક્ષય થતાં પૂર્વે ભક્તિની સિદ્ધિ માટે સંપાદન કરેલા તપ આદિ ગુણો પણ રહેવા સમર્થ થતા નથી, પણ વિનાશ પામી જાય છે. તેમાં કોઇ સંશય નથી.૧૩-૧૪
જો માહાત્મ્ય જ્ઞાને સહિત ભક્તિ કરવામાં આવે તો તે વનમાં લાગેલા દાવાનળની જેમ ક્ષણે ક્ષણે અતિશય બલવાન થતી જાય છે.૧૫
તપ વગેરે નિયમો, બ્રહ્મચર્ય વિગેરે યમો, શમ, દમાદિક સાધનોને ભગવદ્ ભક્ત જ્ઞાની પુરુષોએ સદ્ગુણો કહ્યા છે.૧૬
તે ગુણોની મધ્યે એક પણ ગુણ ભગવાનના માહાત્મ્યજ્ઞાન વિનાનો હોય તો મનુષ્યની અંદર સ્થિર થતો નથી. જો ભક્તિના અંગભૂત ગુણ જ સ્થિર ન થાય તો માહાત્મ્ય-જ્ઞાન વિના સર્વ ગુણોની આધારભૂત તે ભક્તિ કેવી રીતે સ્થિર થઇ શકે ?.૧૭
હે બહેનો ! જે ભક્તજન જેટલું ભગવાનનું માહાત્મ્ય સમજે છે, તેને તેટલી શ્રદ્ધા પ્રગટે છે. પછી તે શ્રદ્ધા દ્વારા પ્રગટ શ્રીકૃષ્ણ ભગવાનને વિષે ભક્તિ પ્રગટ થાય છે.૧૮
આ રીતે ભગવાનનું માહાત્મ્યજ્ઞાન સારી પેઠે સમજીને શ્રદ્ધાથી મજબૂત થયેલી ભક્તિ જો કરવામાં આવે તો તે એક ભક્તિ જ મને અતિશય પ્રસન્ન કરવાનું સાધન સિદ્ધ થાય છે.૧૯
તમે સર્વે મારા ભક્ત છો, અને તમારા અંતરમાં મારૂં માહાત્મ્ય પણ રહેલું છે. પરંતુ જો તેને વૃદ્ધિ પમાડવું હોય તો સદાય સત્શાસ્ત્રોની કથાનું શ્રવણ કરવું.૨૦
શ્રીકૃષ્ણ ભગવાનનું માહાત્મ્ય વેદોમાં પણ વર્ણવ્યું છે, પરંતુ વેદોના અર્થો સમજવા તેતો વિદ્વાનને પણ અતિશય કઠિન છે.૨૧
એથી વ્યાસસ્વરૂપ પ્રગટ થયેલા અક્ષરધામાધિપતિ ભગવાન શ્રીકૃષ્ણે જ વેદોના અર્થોને ભાગવતાદિ અઢાર પુરાણોમાં તથા મહાભારતાદિ ઇતિહાસોમાં સુખપૂર્વક બોધ થાય તે રીતે સરળતાથી નિરૂપણ કર્યા છે.૨૨
હે સ્ત્રીભક્તજનો ! શ્રીમદ્ભાગવત પુરાણ સમગ્ર પુરાણો અને સત્શાસ્ત્રોના સારભૂત છે. તેમાં પણ દશમસ્કંધ, તે તો સારમાં પણ સાર છે, એવો મારો મત છે.૨૩
કારણ કે તે દશમસ્કંધને વિષે ભક્તિ તથા ધર્મના સાધનરૂપ દિવ્ય મનુષ્ય શરીરે જણાતા આપણા ઇષ્ટદેવ શ્રીકૃષ્ણ ભગવાનના સ્વરૂપનું અતિશય પ્રતિપાદન કરેલું છે. તેથી દશમસ્કંધને મેં સર્વ કરતાં અધિક માન્યો છે.૨૪
તેથી પ્રતિદિન તેનું અવશ્ય શ્રવણ-વાંચન કરવાથી ભગવાનના માહાત્મ્યજ્ઞાન પૂર્વકની ભક્તિ વધુ દૃઢ થાય છે અને વૃદ્ધિ પામે છે.૨૫
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિના વચનો સાંભળી જયાબા આદિ સ્ત્રીભક્તજનો પરમ આનંદ પામી, તેમજ પુનઃ આદરપૂર્વક ભગવાન શ્રીહરિને પ્રણામ કરવા લાગી.૨૬
ત્યારપછી ભગવાન શ્રીહરિની આજ્ઞા થતાં સર્વે બહેનો પોતપોતાના ભવનમાં ગઇ, અને ભગવાન શ્રીહરિકૃષ્ણના ગુણ ચરિત્રોનું ગાયન કરતી કરતી પોતાનાં નિત્ય કર્મરૂપ ભક્તિમાં ભગવાનની માળા જપવી, રસોઇ કરી સંતોને જમાડવા, પોતાના દરબારમાં રહેલા દેશાંતરવાસી ભક્તજનોના કે સ્ત્રીઓના ભોજનનો પ્રબંધ કરવો વગેરે ભક્તિમાં પ્રવૃત્ત થઇ ગઇ.૨૭
હે રાજન્ ! કલ્યાણમૂર્તિ સંતોના સ્વામી, ભગવાન શ્રીનારાયણ પણ પોતાના ઉત્તમાદિ સમગ્ર ભક્તજનોને આનંદ આપતા પોતાના મંદિરમાં નિવાસ કરીને રહ્યા.૨૮
હે નરેશ ! ભગવાન શ્રીહરિની કૃપાથી જેમના મનોરથ સર્વે પૂર્ણ થયા છે, એવા ઉત્તમરાજા કોઇ પણ જાતનો ગર્વ કર્યા વિના અતિશય દૃઢ ભક્તિભાવથી શ્રીહરિની પ્રતિદિન સેવા કરવા લાગ્યા.૨૯
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં માહાત્મ્યજ્ઞાને સહિત ભક્તિનું નિરૂપણ કર્યું, એ નામે ચુમાલીસમો અધ્યાય પૂર્ણ થયો. --૪૪--