અધ્યાય - ૪૮ - વડતાલ પધારેલા શ્રીહરિનાં દર્શને પધારેલા ભક્તસમુદાયની સ્થિતિનું વર્ણન.
વડતાલ પધારેલા શ્રીહરિનાં દર્શને પધારેલા ભક્તસમુદાયની સ્થિતિનું વર્ણન.
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ચરોત્તર પ્રદેશના રસાળ તથા ફળદ્રુપ વૃક્ષોની બહુ પ્રકારે પ્રશંસા કરતા ભગવાન શ્રીહરિ પાંચમે દિવસે મધ્યાહ્ને પિપળાવ ગામે પધાર્યા.૧
માર્ગમાં આવતાં તે તે ગામવાસી મનુષ્યો શ્રીહરિનું ફળ, પુષ્પ તથા સાકરનાં પડિકાં અર્પણ કરીને આદરપૂર્વક પૂજન કરતા.૨
તે સમયે મધુર વચનામૃતોથી તે તે જનો પર અનુગ્રહ કરતા અને સર્વને આનંદ ઉપજાવતા શ્રીહરિ ફાગણસુદ દશમીની તિથિએ સાયંકાળે વડતાલ પધાર્યા.૩
હે રાજન્ ! દેશાંતરવાસી સર્વે મનુષ્યો પશ્ચિમદિશા તરફ મુખરાખીને પ્રતીક્ષા કરી રહ્યા હતા તેવામાં જ ભગવાન શ્રીહરિના આગમનની વાત સાંભળીને સૌ અતિશય રાજી થઇને આદરપૂર્વક સન્મુખ ગયા.૪
જેમ શરીરમાં પ્રાણનું આગમન થાય ને ચેષ્ટા પ્રગટે તેમ, શ્રીહરિના આગમનથી હર્ષઘેલાં થયેલાં સર્વે મનુષ્યો તત્કાળ તેમની સન્મુખ ગયા.૫
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર વિગેરે સેંકડો નરનારીઓ શ્રીહરિ નજીકના પ્રદેશમાં આવી ગયા છે તેવું સાંભળી અતિશય વિહ્વળ થઇને સન્મુખ ચાલવા લાગ્યા.૬-૭
ત્યારે હર્ષનાં આંસુથી ભરાયેલાં નેત્રોવાળા સર્વે જનો સન્મુખ જવાની ઉતાવળમાં સંભ્રમ દશાને કારણે ધારણ કરેલા છે ઉલટાં-સુલટાં વસ્ત્રો અને આભૂષણોવાળી સ્ત્રીભક્તજનો, જે હાથમાં આવ્યું તે લઇને શ્રીહરિનાં દર્શન કરવા અત્યંત ઉત્કંઠાવાળી થઇને પોતાના ભવનમાંથી બહાર નીકળી શ્રીહરિના સન્મુખ દોડવા લાગી.૮-૧૦
હે રાજન્ ! તે સમયે કોઇ સ્ત્રી સાવરણીથી ઘરની સફાઇ કરી રહી હતી, કોઇ ઘર લીંપતી અને કોઇ સ્નાન કરી રહી હતી, તો કોઇ ગોદોહન કરતી, કોઇ રસોઇ કરતી, કોઇ પોતાના પુત્રને સ્તનપાન કરાવતી હતી, તે સર્વે પોતાનાં કામને તત્કાળ છોડી દઇને ભગવાન શ્રીહરિની સન્મુખ ચાલવા લાગી.૧૧-૧૨
વળી કોઇ સ્ત્રી શ્રીહરિનું ધ્યાન કરતી હતી, કોઇ માનસ ઉપચારોથી ભગવાનના ચરણારવિંદનું પૂજન કરતી હતી, તેનો પણ તત્કાળ ત્યાગ કરીને પ્રત્યક્ષ શ્રીહરિની સન્મુખ ગઇ.૧૩
તો કોઇ સ્ત્રીઓ સમાધીદશામાં શ્રીહરિનાં સારી રીતે દર્શન કરતી હતી અને અચાનક અંતર્ધાન થઇ ગયેલા ભગવાનને જોઇ, ઉન્મત્તની જેમ ઘરમાંથી બહાર નીકળી ભગવાન સન્મુખ ચાલવા લાગી.૧૪
તે સમયે વડતાલપુરવાસી સર્વે ભક્તજનો પોતાની સ્ત્રીઓને સાથે લઇને પ્રેમથી જયજયકારનો ધ્વનિ કરતા અને વાજિંત્રો વગાડી કીર્તન કરતા કરતા ભગવાન શ્રીહરિને મળવાની અતિશય ઉત્કંઠાથી સામે દોટ મૂકવા લાગ્યા.૧૫-૧૬
સૌ પ્રથમ ભગવાન શ્રીહરિની આગળ ચાલી રહેલા સેંકડો સંતોનાં દર્શન થયાં. તેઓને નમસ્કાર કર્યા અને ત્યારપછી શ્રીહરિનાં દર્શન કરવા લાગ્યા.૧૭
શ્રીહરિ માણકીઘોડી ઉપર વિરાજમાન થયા હતા, ડાબા હાથમાં લગામ હતી, અને સ્વભાવિક મંદમંદ મુખ હાસથી પ્રફુલ્લિત નેત્રકમળથી અને ચંદન તથા પુષ્પોના હારોથી અત્યંત શોભી રહેલા, શ્રીહરિનું દર્શન અતિશય મનોહર લાગતું હતું.૧૮
ચળકતા અને ચંચળ છેડાવાળા શ્વેત વસ્ત્રથી કેડને મજબૂત રીતે બાંધી હતી. પોતાનું લક્ષ્ય કરીને સન્મુખ દોડયા આવતા વડતાલવાસી ભક્તજનો ઉપર કૃપાદૃષ્ટિથી આશ્ચર્યમાં ગરકાવ થઈ હસી રહ્યા હતા.૧૯
હજારો અસ્વારોના વૃંદની મધ્યે શોભતા અને જમણા હાથથી અભયદાન આપી રહેલા શ્રીહરિને સામે આવેલા સર્વે ભક્તજનો દંડવત્ પ્રણામ કરવા લાગ્યા.૨૦
તેઓમાં કુબેર પટેલ, જોબનપગી આદિક સર્વે પુરવાસીઓ તુરંત દંડની માફક પડી શ્રીહરિને પ્રણામ કરવા લાગ્યા.૨૧
અને સ્ત્રી ભક્તજનો પણ હર્ષઘેલી થઇ પૃથ્વીપર બેસી પંચાંગ પ્રણામ કરવા લાગી. તેઓને પોતાના આત્મા કરતાં પણ કમલનયન ભગવાન શ્રીહરિમાં અધિક પ્રીતિ હતી, તેથી તેમનાં દર્શન થતાંની સાથે નેત્રો દ્વારા પોતાના હૃદયકમળમાં શ્રીહરિને પધરાવ્યા, પછી મનથી તેમની સાથે આલિંગન કરી રોમાંચિત ગદ્ગદ્ ગાત્ર થઇ.૨૨-૨૩
શ્રીહરિની સન્મુખ આવેલા દેશાંતરવાસી ભક્તજનો સૌની આગળ ''જય શ્રીકૃષ્ણ'' આ પ્રમાણે ઉચ્ચે સાદે બોલી શ્રીહરિની સાથે પધારેલા ભક્તજનોને આનંદપૂર્વક ભેટવા લાગ્યા. અને દેશાંતરવાસી સ્ત્રી ભક્તજનો પણ શ્રીહરિની સાથે પધારેલાં રમાબા આદિ સર્વે સ્ત્રીભક્તજનોને ભેટવા લાગી.૨૪-૨૫
સર્વે સ્ત્રીઓ હર્ષઘેલી થઇ ''જય શ્રીકૃષ્ણ'' કહી ઉત્સુકતાથી એકબીજાને ભેટી આલિંગન કરવા લાગી.૨૬
અને શ્રીહરિની આજ્ઞાથી પ્રચાર પ્રસાર કરી વડતાલપુર પધારેલા અને લતા આદિકથી આચ્છાદિત સ્થળોમાં ઉતારા કરીને રહેતા હજારો સંતો-ભક્તો પણ શ્રીહરિને મળવા માટે દોટ મૂકી, જેવી રીતે આકાશમાં વિહાર કરતા રાજહંસો માનસરોવરનું લક્ષ કરીને દોટ મૂકે.૨૮
ત્યારપછી સર્વે દંડની જેમ પૃથ્વી ઉપર પડી પ્રણામ કરીને શ્રીહરિની સન્મુખ ઊભા રહ્યા. તેને જોઇને શ્રીહરિની સાથે આવેલા સર્વ ભક્તજનો સંતોને વંદન કરવા લાગ્યા, અને જય સ્વામિનારાયણ કહીને શ્રીહરિનાં પ્રેમભરેલી દૃષ્ટિથી દર્શન કરવા લાગ્યા.૨૯-૩૦
હે રાજન્ ! શ્રીહરિ પણ પોતાની સન્મુખ આવી વંદન કરતા પોતાના એકાંતિક સર્વ સંતો તથા ભક્તજનોને સંતોષ પમાડી યથાયોગ્ય રીતે સન્માન કરતા હતા.૩૧
તેમાં કોઇને હાથના સ્પર્શથી, કોઇને વાર્તાલાપથી, કોઇને અભયદાનથી અને કોઇને મંદમંદ મુખહાસ્યે યુક્ત દૃષ્ટિ આપીને નરનારીઓનું સન્માન કરતા હતા. અને સર્વે નરનારીઓ પણ શ્રીહરિનો જયજયકાર અને સ્તુતિ કરતા હતા. તે સમયે ભક્તજનોની સાથે શ્રીહરિએ વડતાલપુરમાં પ્રવેશ કર્યો.૩૨-૩૩
ત્યારે મુખીયા કુબેર પટેલ અને જોબનપગી બન્ને જણા શ્રીહરિની પડખે ઊભા રહી, રત્નજડેલા દંડથી શોભતા ચામરને ગ્રહણ કરી શ્રીહરિ ઉપર ઢોળતા હતા.૩૪
તે સમયે હજારો દીવડાઓની મહા જ્યોતથી અને ઉદય પામેલા ચંદ્રમાની કાંતિથી સર્વે દિશાઓમાંથી અંધકારે વિદાય લીધી.૩૫
તેવામાં હજારો શંખ, ભેરી, ભુંગળ, વગેરે અનેક પ્રકારનાં વાજિંત્રોનો મોટો ધ્વનિ થવા લાગ્યો. તેથી કોઇના શબ્દો સાંભળી શકાતા ન હતા, ત્યારે બોલેલા શબ્દોનો અર્થ હાથની સંજ્ઞા કરી સમજાવતા હતા.૩૬-૩૭
હે રાજન્ ! શ્રીહરિએ સ્થાવર જીવોના ઉદ્ધારના હેતુથી વડતાલથી બહારના ભાગમાં આવેલી આંબાવાડીમાં પોતાનો નિવાસ કર્યો.૩૮
હે રાજન ્! ભક્તજનોના વૃંદથી ઘેરાયેલા ભગવાન શ્રીહરિ ધીરે-ધીરે પુરથ ઉત્તર દિશામાં રહેલી શ્રેષ્ઠ સર્વે લોકોને ગમે તેવી આંબાવાડીમાં પધાર્યા.૩૯
ત્યારે પોતાની માણકી ઘોડી ઉપરથી જ્યાં નીચે ઉતરવા જાય ત્યાં બાજુમાં ઊભેલા રતનજી પાર્ષદે પોતાનું કાંડું અર્પણ કરવા હાથ લાંબો કર્યો. તેટલામાં જ શ્રીહરિ પૃથ્વી પર ઊભા રહ્યા ને સર્વે જનોને પોતાનું દર્શન થાય તે માટે ચારપાયા વાળા ઊંચા મંચ ઉપર જઇ દર્શન દેવા લાગ્યા.૪૦-૪૧
ત્યારપછી પોતાની સાથે આવેલા ભક્તજનોને યથાયોગ્ય ઉતારા અપાવ્યા, ને પોતે ઊંચા મંચ ઉપર સ્થાપન કરેલા સિંહાસન પર વિરાજમાન થઇને થોડીવાર વિશ્રાંતિ લીધી તે સમયે નારાયણાનંદ બ્રહ્મચારી ચાંદીની કટોરીમાં મીઠું જળ ભરીને લાવ્યા, તેને પોતાના જમણા હાથમાં ગ્રહણ કરી, ડાબા હાથે કટોરીને ટેકો આપી જળપાન કર્યું. પછી પોતાની ચારે તરફ રહેલા દેશાંતરવાસી ભક્તજનોને નિહાળવા લાગ્યા.૪૨-૪૩
ત્યારે સન્મુખ રહેલા મનુષ્યોમાં ઘણાખરા તો પોતાના આશ્રિત ભક્તજનો જ હતા. તેમાં કોઇક તો આ સ્વામિનારાયણ અને તેના સાધુ તથા તેનો સંપ્રદાય તથા ભક્તો કેવું વર્તન કરે છે ? આવું કૌતુક જોવા આવેલા હતા. તેમાં કેટલાક એવા હતા કે પોતાના પરિવારમાંથી થયેલા આશ્રિતો સ્વામિનારાયણની સમીપે રહી ન જાય તેને લેવા માટે આવેલા હતા.૪૪
હે રાજન્ ! ભગવાન શ્રીહરિ જે જે દિશાઓમાં નજર કરતા હતા ત્યાં પોતાની સામે નજર સ્થિર કરીને ઊભેલા ભક્તજનો જોવામાં આવતા હતા.૪૫
શ્રીહરિની ચારે બાજુ ભક્તજનોની ભીડ જામી હતી. તેને જોઇને દૂર દૃષ્ટિ કરી તો વડતાલના કિલ્લા ઉપર, ક્ષેત્રોમાં, સરોવરના કિનારે, કૂવાકાંઠે, ગાડા ઉપર વગેરે જગ્યાએ સર્વત્ર રહેલા મનુષ્યોને નિહાળ્યાં, વળી દરેક વૃક્ષોની ડાળો ઉપર, ઘરનાં છજાં ઉપર બેઠેલા અનેક જનોને ભગવાને નિહાળ્યા.૪૬-૪૮
આ પ્રમાણે સર્વત્ર નજર કરી શ્રીહરિ પોતાના આસન ઉપરથી ઊભા થયા ને અસંખ્ય મનુષ્યોને જોઇ આશ્ચર્યપૂર્વક હસવા લાગ્યા.૪૯
અહો !! અહો.... આ પ્રમાણે બોલતા અને પોતાનું મસ્તક કંપાવતા પુનઃ આસનપર વિરાજમાન થયા.૫૦
ત્યારપછી શ્રીહરિ પોતાના બન્ને હાથ ઊંચા કરી બેસાડવાની મુદ્રાથી ઊભા રહેલા સર્વે જનોને બેસાડયા.૫૧
લાખોની સંખ્યામાં હોવા છતાં શ્રીહરિની સૂચના માત્રથી બેસવાનો નિર્દેશ સમજીને સર્વે આજ્ઞાકારી ભક્તજનો તે જ ક્ષણે ત્યાં જ બેસી ગયા, પછી તાડી પાળી નાસિકા ઉપર આંગળી રાખી સૌને મૌન રહેવાની સૂચના કરી તેટલામાં લાખો મનુષ્યો એકજ ક્ષણમાં મૌન થઇ ગયાં. એટલે શ્રીહરિ સર્વેને સુખી સમાચાર પૂછવા લાગ્યા, તેમાં એક એક દેશના અગ્રેસર ભક્તજનોને પોતાની સમીપે બોલાવી સમાચાર પૂછયા. તેમાં પોતાની કે સંતોની અને ભક્તોનાં વર્તન સંબંધી જનશ્રુતિ પણ પૂછી.૫૨-૫૫
હે રાજન્ ! ત્યારપછી સમસ્ત ભક્તજનોને ભગવાન શ્રીહરિએ ચોર આદિકના પ્રવેશથી સાવધાન કરવા ભલામણ કરી કે તમારા નિવાસ સ્થાનમાં કોઇ અજાણી વ્યક્તિને પ્રવેશ કરવા દેશો નહિ, ભલે સત્સંગીના વેષમાં આવે છતાં અજાણ્યા ઉપર ભરોસો કરશો નહિ.૫૬
પછી પોતપોતાના ઉતારે જવાની આજ્ઞા કરી, આ પ્રમાણે શ્રીહરિના આદેશને મસ્તક ઉપર ધારણ કરી ભક્તો પોતાને ધન્ય ભાગ્યશાળી માનવા લાગ્યા, અને સૌ સૌના ઉતારે ગયા.૫૭
ત્યારે પોતાના ઉતારાનાં રક્ષણ માટે વારાફરતી એક એક જણને ઉતારામાં મૂકીને શ્રીહરિનાં દર્શન કરવાની ઉત્કંઠા હોવાથી ફરી દર્શને આવ્યા ને જ્યાં સુધી શ્રીહરિનાં દર્શન થયાં ત્યાં સુધી ત્યાં જ બેસી રહ્યા.૫૮
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં વડતાલના ફૂલદોલોત્સવ પ્રસંગે પરિવારે સહિત શ્રીહરિનાં દર્શને પધારેલા ભક્તજનોના આનંદનું નિરૂપણ કર્યું, એ નામે અડતાલીસમો અધ્યાય પૂર્ણ થયો. --૪૮--