અધ્યાય - ૪૯ - રામપ્રતાપભાઇ આદિ અયોધ્યાવાસીઓનું આગમન.
રામપ્રતાપભાઇ આદિ અયોધ્યાવાસીઓનું આગમન.
સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! ફુલદોલોત્સવન પ્રસંગમાં મનુષ્યાકૃતિ ધારણ કરી વિરાજી રહેલા શ્રીહરિના બન્ને ભાઇઓ, મોટા રામપ્રતાપજી અને નાનાભાઇ ઇચ્છારામજી તેમની સમીપે આવ્યા.૧
હે રાજન્ ! શ્રીનીલકંઠવર્ણી જે દિવસથી ઘરનો તથા સગાસંબંધીનો ત્યાગ કરીને, કદી પાછા નહી ફરવાના દૃઢ સંકલ્પ સાથે વનમાં સિધાવ્યા તે દિવસથી આરંભીને શ્રીહરિના વિયોગમાં વ્યાકુળ થયેલા અને બુધ્ધિમાન મનુષ્યોમાં શ્રેષ્ઠ રામપ્રતાપજી અને ઇચ્છારામજીનાં શરીરો પોતાના સહોદરના વિરહને કારણે કૃશ થયાં હતાં. પ્રતિદિન રાત્રી દિવસ શ્રીહરિના વિચારોમાંજ તેનાં ચિત્ત મગ્ન રહેતાં હતાં.૨-૩
શ્રીહરિની આજ્ઞાથી અનંત જીવોને ભગવાનના સ્વરૂપનો બોધ કરાવવા દેશાંતરમાં વિચરણ કરી રહેલા માયાજિતાનંદ વગેરે સંતો કોઇ વખત યદૃચ્છાએ તેમના ઘેર પહોંચ્યા. તેમના મુખેથી મહિમાએ સહિત ભગવાન શ્રીહરિનું વૃત્તાંત સાંભળ્યું ને નક્કી થયું કે એ તો અમારા સગાભાઇ છે. તેથી ભગવાન શ્રીહરિનાં દર્શન કરવાની અત્યંત ઉત્કંઠા જાગી. પિતા ધર્મદેવે શરીર છોડતી વખતે જે શ્રીહરિની ભગવાનપણાના સ્વરૂપ સંબંધી વાતો કરેલી તેની સ્મૃતિ થઇ આવી, તેથી બહુજ આશ્ચર્ય પામ્યા, અને જવાના પ્રયાણમાં દૂરનો પ્રવાસ હોવાથી માંગલિક કર્મ કરી, શ્રીહરિને વિષે અતિશય સ્નેહવાળા પોતાના પરિવારના સંબંધીઓને સાથે લઇને તત્કાળ છપૈયા ગામેથી ચાલી નીકળ્યા.૪-૬
હે રાજન્ ! તેમની સાથે તેમનો પરિવાર પણ ચાલ્યો, તેમાં બાળપણમાં લાડ લડાવેલા શ્રીહરિનાં દર્શન કરવાની અત્યંત ઇચ્છાવાળાં અને પતિવ્રતા પરાયણ સુવાસિની નામનાં રામપ્રતાપજીનાં પત્ની હતાં. નંદરામ, ઠાકુરરામ અને અયોધ્યાપ્રસાદજી આ ત્રણ રામપ્રતાપજીના પુત્રો અને સિધ્ધિ નામની રામપ્રતાપજીની એક પુત્રી. દિનમાના નામનાં નંદરામજીનાં ધર્મપત્ની, રામશરણ અને નારાયણ બે નંદરામના પુત્રો અને મેધા નામની નંદરામની પુત્રી પણ સાથે હતાં, તેમજ શિવકુમારી નામનાં ઠાકોરરામની પત્ની તથા ગોવિંદા અને કુંતિ નામની બે પુત્રીઓ, તેમજ સુનંદા નામનાં અયોધ્યા પ્રસાદજીનાં પત્ની અને યમુના નામની તેમની પુત્રી પણ સાથે હતી.૭-૧૨
તેવીજ રીતે વરીયાળી નામનાં ઇચ્છારામજીનાં પત્ની અને ગોપાળ, રઘુવીર, વૃંદાવન, સીતારામ અને બદરીનાથ આ પ્રવીણ પાંચ ઇચ્છારામજીના પુત્રો, તેમજ ફુલ્લસરી અને ફુલ્લઝરી આ બે પુત્રીઓ, સાથે મંડા નામનાં ગોપાળજીનાં પત્ની, વીરજા નામનાં રઘુવીરનાં પત્ની, તેમજ સુફળ નામનો ઇચ્છારામજીનો સાળો, અને મામાનો પુત્ર માનસરામ તથા અન્ય કાહ્નો, શિવદિન અને ભાગવત આદિક સંબંધીજનો બન્ને ભાઈઓની સાથે ફુલદોલોત્સવમાં ભગવાનનાં દર્શન કરવા આવી રહેલા પથીકજનોની ભેળા થઈ શ્રીહરિનાં દર્શન કરવા વડતાલ પધાર્યાં.૧૩-૧૭
હે રાજન્ ! માર્ગમાં પ્રત્યેક ગામના ભક્તજનો, વિનયપૂર્વક આ આપણા ઇષ્ટદેવ શ્રીસ્વામિનારાયણ ભગવાનના સગા ભાઇઓ છે, એમ જાણી તેઓનું પૂજન સન્માન કરતા હતા.૧૮
અને ભક્તજનોના મુખેથી પોતાના ભાઇ ભગવાન શ્રીહરિકૃષ્ણનો અસાધારણ દિવ્યપ્રતાપ સાંભળીને અતિશય વિસ્મય પામી ગયેલા બન્ને ભાઇઓએ સહિત ધર્મપરિવારે શ્રીહરિને દૂરથી નિહાળ્યા.૧૯
તે સમયે બન્ને ભાઇઓએ પોતે અનુભવેલી મુખની લાવણ્યતા નાસિકાની સમીપે તલ, કાનની બુટીમાં તલ વિગેરે લક્ષણોથી ભગવાન શ્રીહરિને પોતાના સહોદર જ છે એમ ઓળખીને હર્ષપૂર્વક બહુકાળના વિરહ પછી દર્શન થયું હોવાથી પ્રેમથી ભેટવા દૂરથી દોટ મૂકી.૨૦
દૂરના પ્રદેશથી પોતાના ઘરનો ત્યાગ કરી કેવળ પોતાનાં દર્શન કરવા પધારેલા બન્ને ભાઇઓનાં નેત્રોમાંથી પ્રેમનાં અશ્રુઓ વહી રહ્યાં હતાં, દર્શન થવાથી તેઓના અંતરમાં આનંદ પણ સમાતો ન હતો. ભગવાન શ્રીહરિને પોતાના ભાઇઓમાં કોઇ સંબંધપણાનો સ્નેહ ન હતો, છતાં પણ ભક્તપણાના નિર્મળ ભાવને અતર્યામીપણે જાણી મંદમંદ હાસ્યથી પ્રફુલ્લિત મુખકમળથી શોભતા શ્રીહરિ તત્કાળ પોતાના સિંહાસન ઉપરથી નીચે ઉતર્યા.૨૧
તેવામાં બન્ને ભાઇઓ પણ શ્રીહરિની સમીપે તત્કાળ આવી પહોંચ્યા અને અનુક્રમે ભૂજાઓ ભરી હર્ષથી ભેટતા રહ્યા. શ્રીહરિ પણ બન્ને ભાઇઓની તથા તેમની સાથે પધારેલા સંબંધીજનોની યથાયોગ્ય સંભાવના કરી અને પોતાના મિત્રોને પણ બાથમાં ઘાલીને ભેટયા તેથી ખૂબજ આનંદ થયો.૨૨
હે રાજન્ ! ભગવાન શ્રીનારાયણમુનિ પોતાના મોટાભાઇ શ્રીરામપ્રતાપજીને દંડવત્ પ્રણામ કરીને મળ્યા અને ઇચ્છારામભાઇ પોતે નાના હોવાથી શ્રીહરિને દંડવત્ પ્રણામ કરીને મળ્યા.૨૩
વડીલ સંબંધીજનો તથા અન્ય સર્વેને યથાયોગ્ય વંદન કર્યા, આ રીતે સર્વે સંબંધીજનોએ પોતાના પ્રાણપ્રિય ઇશ્વર શ્રીહરિનાં બહુ લાંબાકાળ પછી દર્શન કરીને બહુ કાળના વિરહતાપને દૂર કર્યો અને પરમ સુખ પામ્યા.૨૪-૨૫
પછી સર્વેને બેસાડી સ્વયં શ્રીહરિ આસન ઉપર વિરાજમાન થયા, અને સ્વાગતાદિ પ્રશ્નો પૂછી, અમે અહીં છીએ તે તમોએ કેમ જાણ્યું ? વગેરે વૃત્તાંત તથા કુશળ સમાચાર પણ પૂછયા.૨૬
પછી મુક્તાનંદ સ્વામી આદિ સંતો, મયારામભટ્ટ, હેમંતસિંહરાજા આદિ સત્સંગીજનો, મુકુન્દાનંદવર્ણી, સોમલા સુરા આદિ પાર્ષદો તથા જયા, લલિતા આદિ બહેનોએ રામપ્રતાપજી તથા ઇચ્છારામજીને શ્રીહરિના સહોદર જાણી આદરપૂર્વક નમસ્કાર કર્યા.૨૭
શ્રીહરિએ પોતાના સંબંધીજનોને ઉતારા માટે રાજાઓને યોગ્ય એવું એક ભવન અપાવ્યું. તેમની સેવામાં જોબનપગી અને મુકુન્દાનંદ બ્રહ્મચારીને નિયુક્ત કર્યા.૨૮
સર્વે સંબંધીજનો પણ શ્રીહરિના મહાઆશ્ચર્યકારી દિવ્યપ્રતાપનો પ્રત્યક્ષ અનુભવ કરીને અને ભક્તજનોના મુખેથી સાંભળીને અતિશય વિસ્મય પામી, પ્રત્યક્ષ બ્રહ્મપુરધામના અધિપતિ શ્રીવાસુદેવ ભગવાન છે એમ માનવા લાગ્યાં.૨૯
સર્વે અયોધ્યાવાસી જનો પોતાને મળેલા ઉતારામાં સુખપૂર્વક રહેવા લાગ્યા. હરિપ્રિય જોબનપગી આદિ સેવકો તેમની ખાનપાનાદિકથી સેવા કરવા લાગ્યા.૩૦
રામપ્રતાપભાઈ આદિ પ્રભુના સંબંધીજનો ઉતારે ગયા પછી સભામાં આનંદાનંદ સ્વામી શ્રીહરિને પૂછવા લાગ્યા કે, હે ભગવાન ! અયોધ્યાથી આવેલા તમારા મોટાભાઇ રામપ્રતાપજીને જોઈને મને એક સંશય ઉત્પન્ન થયો છે તે તમને પૂછું છું.૩૧-૩૨
હે ધર્મનંદન ! તમને પ્રથમ નમસ્કાર કરવા તત્પર થયેલા રામપ્રતાપભાઇને રોકીને તમે તેમને નમસ્કાર કરવા આપ્યા નહિ. શું તમારે વિષે તેને ભક્તીમાં ન્યૂનતા હતી ? કે મોટા નાનાઓને વંદન ન કરે, આ શિષ્ટાચારની મર્યાદાનું રક્ષણ કરવા તેમોએ આવું ચરિત્ર કર્યું ? તે જણાવો.૩૩-૩૪
ત્યારે શ્રીહરિ સભામાં સર્વેને સાંભળતાં આનંદાનંદ સ્વામીને કહેવા લાગ્યા કે, હે મુને ! મારે વિષે મોટાભાઇની ભક્તિતો અક્રૂરજીના જેવી વર્તે છે.૩૫
અક્રૂરજી જ્યારે ગોકુળ આવ્યા ત્યારે માર્ગમાં જેવો ભગવાન શ્રીકૃષ્ણ વિષે ભક્તિભાવ વર્તતો હતો અને જેવા સંકલ્પો કરતા હતા તેવો જ ભાવ મારે વિષે મોટા ભાઈને વર્તે છે.૩૬
તેથી મારે વિષે ભક્તિની ન્યૂનતાનો તમે લેશ માત્ર સંશય કરશો નહિ. પરંતુ મેં એમને પ્રણામ કરવા ન દીધા અને મેં તેમને પ્રણામ કર્યા એતો ધર્મ મર્યાદાના સ્થાપન માટે જ છે, એમ તમે જાણો.૩૭
આવું શ્રીહરિનું વચન સાંભળી મહામુનિ આનંદાનંદ સ્વામી તથા સભામાં બેઠેલા સર્વે સંતો તથા ભક્તજનો અતિશય આશ્ચર્યસહિત હર્ષ પામ્યા.૩૮
હે રાજન્ ! વડતાલમાં દેશદેશાંતરથી આવેલા સર્વે ભક્તજનોને શ્રીહરિનાં દર્શન થવાથી અતિશય આનંદ ઉત્પન્ન થયો. તેથી માર્ગમાં ચાલવાના પરિશ્રમની જે પીડા હતી તે તત્કાળ દૂર થઇ.૩૯
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિ-જીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં વડતાલ ફૂલડોલોત્સવ ઉપર રામપ્રતાપભાઇ આદિ શ્રીહરિનાં સંબંધીજનો પધાર્યાનું નિરૂપણ કર્યું, એ નામે ઓગણપચાસમો અધ્યાય પૂર્ણ થયો. --૪૯--