અધ્યાય - ૫૨ - એકાદશીને દિવસે શ્રીહરિએ બ્રાહ્મણો દ્વારા શ્રીકૃષ્ણ ભગવાનનું મહાપૂજન કર્યું.
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! રાત્રીના અંતિમ પહોરમાં બંદીજનો મધુર સ્વરે શ્રીકૃષ્ણ ભગવાનના ગુણચરિત્રોનાં કીર્તનો ગાવવા લાગ્યા. તે સાંભળી શ્રીહરિ તત્કાળ જાગ્રત થઇ, પલંગ ઉપર જ દૃઢ પદ્માસન વાળી, પોતાના અંતરમાં સર્વથી પર અવિનાશી એવું પોતાનું પરબ્રહ્મ સ્વરૂપનું ભક્તજનોની શિક્ષાને અર્થે ધ્યાન કરવા લાગ્યા.૧-૨
પછી શૌચવિધિ કરી ભક્તજનોએ લાવેલા પવિત્ર જળથી તત્કાળ સ્નાન કર્યું. પછી બે વસ્ત્રો ધારણ કરી ઉત્તમ દર્ભના આસનપર બેસી, પાંચ જગ્યાએ ઊર્ધ્વપુંડ્ર તિલક ધારણ કર્યું. પ્રથમ પ્રાતઃ સંધ્યાદિ નિત્યકર્મનો વિધિ કર્યો, પછી ફાગણ સુદ એકાદશીની તિથિએ હમેશાં સર્વે એકાદશીઓમાં કરવામાં આવતું શ્રીકૃષ્ણ ભગવાનનું મહાપૂજન કર્યું.૩-૫
હે રાજન્ ! મહાપૂજામાં ભગવાન શ્રીહરિના આમંત્રણથી વૈદિક વિધિને જાણનારા, શાસ્ત્રો લક્ષણે સંપન્ન તથા પૂજાવિધિમાં વિશારદ હરિશર્મા આદિક બ્રાહ્મણો આવ્યા.૬
ભગવાન શ્રીહરિ ધર્મના સ્થાપનને અર્થે જ શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા કરે છે. પોતે જ સ્વયં શ્રીકૃષ્ણ પરમાત્મા છે, એમ જાણતા ભૂદેવો સમસ્ત પૂજા વિધિ કરવા લાગ્યા.૭
તેમાં પ્રથમ અનેક પ્રકારના રંગોથી સર્વતોભદ્રમંડળની રચના કરી, તેના મધ્યે સુવર્ણ કળશની સ્થાપના કરી, પાંચ પલ્લવયુક્ત સૂક્ષ્મ વસ્ત્રથી વીંટેલા કળશની ઉપર એક રમણીય આચ્છાદન વસ્ત્ર પધરાવ્યું. તેના પર પાત્ર પધરાવી તેમાં મનોહર શ્રીકૃષ્ણ ભગવાનની સુવર્ણની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી સ્થાપના કરાવી.૮-૧૦
ત્યારપછી અવ્યગ્ર મનવાળા બ્રાહ્મણોએ શ્રીકૃષ્ણની ચારે બાજુ તેમના અંગદેવતા એવા કેશવાદિ ચોવીસ મૂર્તિઓની તથા નંદ, સુનંદ આદિ પાર્ષદોની સ્થાપના દિશાને અનુસારે વિધિ પ્રમાણે કરી.૧૧
તેમજ સમગ્ર પૂજાની સામગ્રીને પોતાની સમીપે ભેળી કરીને વંદોક્ત મંત્રોથી પૂજા કરવા લાગ્યા.૧૨
બ્રાહ્મણો જ્યારે સદ્ધર્મનું પોષણ કરતા શ્રીહરિ પાસે પૂજન કરાવી રહ્યા હતા, ત્યારે આ પૃથ્વી પર સર્વત્ર આનંદ આનંદ છવાયો.૧૩
પૂજનની સાથે વીણા, વાંસળી, મૃદંગ, શંખ, દુંદુભી, આદિ અનેક પ્રકારનાં વાજિંત્રો વાગવા લાગ્યાં.૧૪
તે સાંભળીને હજારો નરનારીઓ ત્યાં આવ્યાં, ને સર્વે ભક્તજનો ઉચ્ચા સ્વરે મંગલ ગીતો ગાવવા લાગ્યાં.૧૫
તેમજ બ્રાહ્મણો પણ ઉચ્ચસ્વરે વેદમંત્રનો ઘોષ કરવા લાગ્યા.૧૬
હે રાજન્ ! શ્રીહરિ બ્રાહ્મણોએ કહેલા વિધિ પ્રમાણે આહ્વાહ્ન આદિ ષોડશોપચારોથી શ્રીકૃષ્ણની પૂજા કરી.૧૭
પછી દૂધ વગેરે પંચામૃતથી સ્નાન કરાવી ''જિતં તે પુણ્ડરીકાક્ષે'' એ મંત્રોથી શુદ્ધ જળવડે અભિષેક કર્યો તથા અમૂલ્ય વસ્ત્રો અને આભૂષણો ધારણ કરાવી સુગંધીમાન ચંદન અને પુષ્પોના હારથી શ્રીકૃષ્ણ ભગવાનનું પૂજન કર્યું.૧૮-૧૯
પછી શ્રીહરિએ દશાંગધૂપ અર્પણ કરી સેંકડો દીવાઓ અર્પણ કર્યા ને બહુ પ્રકારનું નૈવેદ્ય અર્પણ કર્યું.મઘ્યે પાણી તથા ઉતરાપોશન કર્યા પછી પાન સોપારીનો મુખવાસ અર્પણ કરી મહા આરતી કરી.૨૦-૨૧
છેલ્લે શ્રીહરિએ ભક્તિભાવપૂર્વક પુષ્પાંજલી અર્પણ કરી દંડવત્ પ્રણામ કર્યા ને શ્રીકૃષ્ણ ભગવાનની પ્રાર્થના કરી પૂજાની સમાપ્તિ કરી.૨૨
વિધિને અનુસારે હમેશાં કરવામાં આવતો દાનવિધિ પૂર્ણ કરીને ત્યાં પધારેલા સર્વે બ્રાહ્મણોનું પૂજન કર્યા પછી સો ગાય, સુવર્ણ, તલ, રૂપાની સો મુદ્રાઓ તેમજ અનેક પ્રકારનાં વસ્ત્રો આભૂષણો વગેરેનું દાન કર્યું, પછી સર્વજનોને દર્શન આપવા માટે ઉદાર કીર્તિવાળા શ્રીહરિ પોતાના નિવાસ સ્થાનેથી બહાર આવી ઊંચા સિંહાસન ઉપર વિરાજમાન થયા.૨૩-૨૫
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિ-જીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં વડતાલ ફૂલડોલોત્સવ પ્રસંગે એકાદશીના દિવસે શ્રીહરિએ શ્રીકૃષ્ણ ભગવાનની મહાપૂજા કરી એ નામે બાવનમો અધ્યાય પૂર્ણ થયો. --૫૨--