અધ્યાય - ૫૧ - શ્રીહરિની ફલાહારલીલાનું વર્ણન.
સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! વડતાલપુરને વિષે ભક્તજન નરનારીઓએ શ્રીહરિને માટે ઉચિત ફલાહાર સામગ્રીની તૈયારી કરાવેલી.૧
તેમાં સ્વધર્મ નિષ્ઠ એકાંતિક ભક્ત એવાં બ્રાહ્મણી- ગંગાબાએ શ્રીહરિને માટે શુદ્ધ કરેલું સૂરણ ઘીમાં તળ્યું, ખારેકની ખીર, સીંગોડાંની પુરી, ધોળા પેંડા, સુંદર બરફી આદિ વાનગીઓ તૈયાર કરેલી હતી.૨-૩
તેને ઉજ્જવલ પાત્રમાં ગોઠવીને તૈયાર કર્યા પછી જોબનપગી વગેરે પુરવાસી ભક્તોને કહ્યું કે, શ્રીહરિને ભોજન માટે અહીં બોલાવી લાવો.૪
ત્યારે જોબનપગી શ્રીહરિના નિવાસ સ્થાને ગયા ને ફલાહાર કરવા પધારવાની વિનંતી કરી. ત્યારે ભગવાને કહ્યું કે, હે ભક્તો ! આટલી મોટી સંખ્યામાં જનમેદનીથી ભરચક નગરમાં મારૂં આગમન કેમ શક્ય થશે ? તેથી દૂધ આદિ જે કાંઇ હોય તે અહીં લાવો.૫-૬
શ્રીહરિએ આ પ્રમાણે કહ્યું તેથી જોબનપગી વગેરે દૂત મોકલી બહેનોને કહેવડાવ્યું કે, શ્રીહરિ ત્યાં આવશે નહિ. તેથી જે કાંઇ ભોજન તૈયાર કર્યું હોય તે ઉતારે લઇ આવો.૭
દૂતનું વચન સાંભળી માની આદિક સ્ત્રીભક્તોએ ગંગાબાને કહ્યું. મહારાજને જનમેદની વચ્ચે આવવું શક્ય નથી, તો જે પદાર્થો છે તે પાત્રમાં ભરીને તમે અમારી સાથે ચાલો. આપણે સર્વે શ્રીહરિની પાસે જઇશું.૮-૯
ત્યારપછી ધર્મને જાણનારાં ગંગામા માર્ગમાં કોઇ અસ્પૃશ્યનો સ્પર્શ થઇ જાય તેવી શંકાથી ઘીમાં પકાવેલ શુદ્ધ પદાર્થો હતાં તે સર્વે રૂપાના પાત્રમાં ગોઠવીને તેની ઉપર બીજું મોટું પાત્ર ઢાંકી, તેની ઉપર પવિત્ર વસ્ત્ર બાંધી, એક હાથે પાત્ર ગ્રહણ કર્યું અને બીજે હાથે જળઝારી ગ્રહણ કરી, સર્વે સ્ત્રીઓ રાજમાર્ગનો ત્યાગ કરી બીજે માર્ગેથી તત્કાળ ચાલવા લાગી.૧૦-૧૨
અંતરમાં શ્રીહરિનાં દર્શનની ઉત્કંઠાથી સર્વે સ્ત્રી ભક્તો જેવી પુરથી બહાર નીકળી, ત્યાં પણ એટલી મેદની જામી હતી. તેથી પાછાં ફરવાની ઇચ્છા કરી. ત્યારે કુબેર ભક્તની પ્રેરણાથી માર્ગમાં આવતા લોકોને એકબાજુ કરવા માટે હાથમાં નેતરની છડી લઇને યુવાનો જનોને કહેવા લાગ્યા કે આઘા ખસો, જગ્યા કરો, જગ્યા કરો. એમ બોલતા રાજભટ્ટો વેગથી ગંગાબા આદિક સ્ત્રીઓની આગળ ચાલવા લાગ્યા.૧૩-૧૫
હે રાજન્ ! હાથ ઊંચા કરી પગે ચાલતા રાજભટ્ટોની પાછળ સેંકડો સ્ત્રીઓ ચાલતી હતી. ત્યારે તેઓએ દૂરથી શ્રીહરિનાં દર્શન કર્યાં, અને શ્રીહરિએ પણ પોતાના ઉતારાથી દક્ષિણ દિશા તરફ દૂર દૂર સ્ત્રી ભક્તો તથા છડી ધારણ કરેલા રાજભટ્ટોને જોઇ હસવા લાગ્યા ને પોતાને માટે થાળ લાવે છે તેમ જાણ્યું.૧૬-૧૭
સ્ત્રીભક્તો ભગવાન શ્રીહરિની સમીપે જઇ પ્રણામ કરી દૂર જ ઊભી રહી અને ફલાહારની સામગ્રીનો થાળ ભરીને લાવેલાં ગંગાબા શ્રીહરિની આગળ પધરાવી નમસ્કાર કરી ઊભાં રહ્યાં.૧૮
શ્રીહરિ પણ સાયંકાળનો સંધ્યાવંદનાદિ વિધિ પૂર્ણ કરીને તળેલાં સૂરણ ઉપર મીઠુ છાંટીને પોતાની પૂજાની મૂર્તિરૂપ શ્રીકૃષ્ણ ભગવાનની આગળ નૈવેદ્ય ધર્યું. અને પોતાના ભક્તોને રાજી કરવા માટે સ્વયં શ્રીહરિ પૂર્વમુખે બિરાજમાન થઇ જમવાનો પ્રારંભ કર્યો.૧૯
એ સમયે શ્રીહરિએ પીળાં વસ્ત્રો ધારણ કર્યાં હતાં, ભાલ આદિ પાંચ જગ્યાએ શ્વેત ઊર્વપુંડ્ર તિલક ધારણ કર્યાં હતાં, ખભા ઉપર કસુંબલ ઉતરીયવસ્ત્ર ધારણ કર્યું હતું. મંદ હાસ્ય કરતા શ્રીહરિનાં હજારો નરનારીઓ દૂરથી દર્શન કરી રહ્યાં હતાં. શ્રીહરિ પણ ભક્તો ઉપર કૃપા દૃષ્ટિ કરતા કરતા, આંગળીથી સૂરણ વગેરે પદાર્થોનો સ્પર્શ કરી ગંગાબાને પદાર્થોનાં નામ પૂછીને કોળિયે કોળિયે જળપાનની સાથે ફલાહાર કરવા લાગ્યા.૨૦
સંતોના પતિ ભગવાન શ્રીહરિ પેંડા, બરફી વગેરે પદાર્થોનો માત્ર સ્પર્શ કર્યો અને માત્ર શીંગોડાંની પૂરી અને સૂરણ વગેરે થોડું આરોગીને તૃપ્ત થયા. પછી બચેલો થાળ મુકુન્દ બ્રહ્મચારી દ્વારા પોતાના પાર્ષદોને પ્રસાદીમાં અપાવી દીધો. અને પોતે ચળુ કરી હસ્તપ્રક્ષાલન કરી શયનખંડમાં પધાર્યા. શ્રીહરિનું દર્શન કરનારા ભક્તો પોતપોતાને ઉતારે ગયા.૨૧-૨૩
હે રાજન્ ! શ્રીહરિ એક મુહૂર્ત પર્યંત શયન કરી ઊભા થયા ને પાર્ષદ નાનખાચરને કહ્યું કે ઘોડી તૈયાર કરી જલદી અહીં લાવો. ત્યારે નાનખાચર અશ્વને તૈયાર કરીને લાવ્યા.૨૪
શ્રીહરિ સર્વે ભક્તજનોના મનોરથ પૂર્ણ કરવા ભક્તોના નિવાસ સ્થાનોને જોવાની ઇચ્છા કરી, કેટલાક પાર્ષદોની સાથે અશ્વ ઉપર આરુઢ થયા, ને વિચાર કર્યો કે, આ સર્વે ભક્તો મારાં દર્શનની ઇચ્છા રાખી દૂરદૂર દેશોથી અહીં આવ્યા છે. તેથી તેને કોઇ અહીં ઉતારામાં તકલીફ ન પડવી જોઇએ, એમ ધારી સૌના ઉતારા પ્રત્યે જવા લાગ્યા.૨૫-૨૬
દેશાંતરવાસી સર્વે ભક્તોના જુદા જુદા ઉતારે જઇ સ્વાસ્થ્યના ખબર પૂછી કોઇ અધૂરાશો હતી તે અપાવીને પૂર્ણ કરી.૨૭
તે ભક્તો પણ શ્રીહરિ ખૂદ આપણી ખબર પૂછવા આવ્યા છે એમ જાણી વિસ્મયપૂર્વક શ્રીહરિને નમસ્કાર કરી સ્તુતિ કરતા હતા. આ રીતે સૌની સંભાળ લઇ શ્રીહરિ પાછા પોતાના નિવાસ સ્થાને પધારી સુખપૂર્વક શયન કર્યું.૨૮
પાસે રહેલા મુકુન્દ બ્રહ્મચારી અને સોમલા ખાચર આદિ પાર્ષદોની આગળ વડતાલના અને દેશાંતરથી પધારેલા સર્વે ભક્તોની નિષ્કપટ ભક્તિની વારંવાર પ્રશંસા કરતા કરતા યોગ નિદ્રાનો સ્વીકાર કરી તેને પણ સેવાનો લાભ આપ્યો.૨૯
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં વડતાલ ફૂલડોલોત્સવ પ્રસંગે ભગવાનની ફલાહારલીલાનું વર્ણન કર્યું, એ નામે એકાવનમો અધ્યાય પૂર્ણ થયો. --૫૧--