અધ્યાય - ૪ - ભગવાન શ્રીહરિએ ઉત્તમરાજાને કહેલો શ્રીમદ્ભાગવતની કથામાં પૂજાવિધિનો વિસ્તાર.
ભગવાન શ્રીહરિએ ઉત્તમરાજાને કહેલો શ્રીમદ્ભાગવતની કથામાં પૂજાવિધિનો વિસ્તાર. ધ્યાન. ષોડશોપચારથી પૂજા.
ભગવાન શ્રીનારાયણ મુનિ કહે છે, હે ઉત્તમ ભૂપતિ ! હવે હું તમને શ્રોતા જનોનું હિત કરતો પુરાણ-શ્રવણનો વિધિ કહું છું.૧
ધનવાન પુરુષોએ પોતાના ઘરમાં કથા કરાવવી અને બીજા ભક્તજનોએ સાથે મળીને દેવમંદિર આદિકને વિષે આ શ્રીમદ્ ભાગવતની કથા કરાવવી.૨
હે રાજન્ ! પોતાના પુત્રના વિવાહમાં મનુષ્યને જેવો પોતાના મનમાં આનંદ અને ઉત્સાહ વર્તતો હોય તેવો ઉત્સાહ કથાના પ્રારંભમાં રાખવો.૩
કથાની નિર્વિઘ્ન સમાપ્તિ થાય તેના માટે પ્રથમ સિંદૂર, દુર્વા, અને ઘી, સાકર યુક્ત લાડુથી ગણપતિજીનું પૂજન કરવું.૪
હે રાજન્ ! શ્રોતાજનોએ પ્રતિદિન કેવળ જો અર્થ વિના શ્રીમદ્ ભાગવતના શ્લોકોનો પાઠ સાંભળવો હોય તો ભોજન પૂર્વે સાંભળવો અને અર્થે સહિત શ્લોકો સાંભળવા હોય તો ભોજન કર્યા પછી સાંભળવા. અને જો પોતાના સ્વાસ્થ્યમાં કોઇ વાંધો આવે તેમ ન હોય તો ભોજન પહેલાં કે પછી રાત્રી દિવસ જ્યારે પોતાનું ચિત્ત સ્વસ્થતા અનુભવતું હોય તેવા સમયે કથાનું શ્રવણ કરવું.૫
જો દરરોજ કથા સાંભળવાની અનુકૂળતા ન હોય તો ચાતુર્માસમાં તો અવશ્ય કથા સાંભળવી.૬
હે રાજન્ ! એક પોષમાસ વિના સર્વે મહિનાઓ ભાગવતની કથા-પ્રારંભમાં પુણ્ય આપનારા કહેલા છે. અધિકમાસ પણ પુણ્યદાયી કહેલો છે.૭
આ સર્વે મહિનાઓની મધ્યે જે માસમાં પોતાનું ચિત્ત સ્વસ્થતા અનુભવતું હોય તે એક માસમાં પાપના સમૂહોને હરનારી આ મહાપુરાણની કથા સાંભળવી.૮
હે રાજન્ ! કહેલા મહિનાઓની મધ્યે બે મહિના સુધીની કથા મનુષ્યે સાંભળવી. અથવા ભાદરવા માસની સુદ નવમી તિથિથી પ્રારંભ કરાવીને કાર્તિકી પૂર્ણિમા સુધી છાસઠ દિવસ પર્યંતની કથાનું શ્રવણ કરવું.૯
અથવા કાર્તિક સુદ નવમી તિથિથી પ્રારંભ કરાવીને માઘ મહિનાની પૂર્ણિમાની સમાપ્તિ કરાવવી. તથા માઘ સુદ નવમીની તિથિએ પ્રારંભ કરાવીને ચૈત્રમાસની પૂર્ણિમાની તિથિ સુધીની કથા સાંભળવી, જો એક સપ્તાહની જ કથા સાંભળવી હોય તો કહેલા મહિનાઓની મધ્યે કોઇ એક મહિનાની સુદ નવમી તિથિએ પ્રારંભ કરાવી પૂર્ણિમાની તિથિ સુધી મનુષ્યે કથા સાંભળવી.૧૧
હે રાજન્ ! જે પોતાના જ્ઞાતિજનોને અને મિત્રજનોને શ્રીમદ્ ભાગવતની કથા સાંભળવામાં શ્રદ્ધા હોય તેવા સૌને કથા પ્રારંભના પહેલા દિવસે જ દેશાંતરોમાંથી બોલાવી લેવા. તેમજ કથા સાંભળવાની શ્રદ્ધા ધરાવતા અન્ય જનોને પણ આમંત્રણ આપી કથાનો લાભ આપવો.૧૨
તે સમયે જુદા જુદા દેશોમાં નિવાસ કરતા, વૈરાગ્યવાન તેમજ દંભે રહિત વર્તતા જે વૈષ્ણવ ભક્તો હોય કે સંતો હોય તેમને પણ પત્ર લખીને બોલાવવા, અને કથાનું શ્રવણ કરવા આવેલા તે સર્વેને અન્ન જળ નિવાસાદિ અર્પણ કરીને સત્કારવા.૧૩
હે રાજન્ ! કથાના પ્રારંભ દિવસથી પાંચ દિવસ પહેલાં પ્રયત્નપૂર્વક આસન આદિ કથામાં ઉપયોગી સર્વે સામગ્રી ભેળી કરવી, જે પ્રદેશમાં વિશાળ ભૂમિ હોય ત્યાંજ કથા સ્થળનું આયોજન કરવું.૧૪
તે પવિત્ર વિશાળ જગ્યામાં કેળાના સ્તંભ, સુંદર વસ્ત્રો, ફળ, પુષ્પાદિક વડે સુશોભિત કરાયેલા અને મનને ગમે તેવા કથામંડપની રચના કરવી.૧૫
તે વિશાળ સભામંડપમાં ચતુર પુરુષોએ, સ્ત્રીઓ અને પુરુષોને બેસવાનાં સ્થાનો ગોઠવવાં તેમજ વ્યાસપીઠની પણ મનોહર રચના કરવી.૧૬
હે રાજન્ ! સર્વશ્રોતાજનોના આસનથી ઊંચી વિશાળ અને કોમળ એવી વ્યાસપીઠ ઉપર પુરાણીને બેસાડવા અને વ્યાસાસનથી પણ થોડા ઊંચા ચાર પાયાવાળા વસ્ત્ર બિછાવેલા બાજોઠ ઉપર પુસ્તક પધરાવવું.૧૭
ત્યારપછી સવારનો સ્નાનાદિ નિત્ય વિધિ પૂર્ણ કરીને આવેલા મુખ્ય શ્રોતાએ શ્રીમદ્ ભાગવત પુરાણના અધિદેવતા અને ભાગવત સ્વરૂપે રહેલા શ્રીકૃષ્ણ ભગવાનનું આગળ કહેલા મંત્રોથી પૂજન કરવું.૧૮
ધ્યાન :- હે રાજન્ ! સૌ પ્રથમ ધ્યાન કરવું કે પ્રથમ સ્કંધથી આરંભીને બારમા સ્કંધ સુધીના સર્વે સ્કંધોને શ્રીકૃષ્ણ ભગવાનનાં સુંદર ચરણાદિક અવયવો કહ્યાં છે. તે બારે સ્કંધ સ્વરૂપે રહેલા શ્રીકૃષ્ણ ભગવાનનું હું ધ્યાન કરૂં છું.૧૯
તે શ્રીકૃષ્ણ ભગવાનનું શરીર નવીન મેઘની સમાન શ્યામ સુંદર છે. મુખની શોભા શરદઋતુના પૂર્ણિમાના ચંદ્રની કાંતિનો પણ તિરસ્કાર કરે તેવી સર્વોત્તમ છે.૨૦
બન્ને નેત્રકમળ શરદઋતુમાં સૂર્યોદયથી વિકાશ પામતા કમળ પાંખડીની શોભાને પણ શરમાવે તેવાં સુંદર છે. પોતાના અંગેઅંગના સૌંદર્યની શોભા ધારણ કરેલાં રત્નજડિત આભૂષણોને પણ શોભાવે છે.૨૧
આવા અનુપમ સૌંદર્યનું દર્શન અતિશય પ્રસન્ન ચિત્તે તથા વક્ર દૃષ્ટિથી ગોપીઓ વારંવાર કરી રહી છે. જેથી ગોપીજનોના પ્રાણથી જ જાણે એમના અંગોમાં લાવણ્યતા સર્જાતી હોય તેમ શોભે છે.૨૨
પોતાનું પૂજન કરવા તત્પર થયેલી રાધા અને લક્ષ્મીજીના નેત્રોરૂપી ચકોરને આકર્ષવામાં એ લાવણ્યતા ચંદ્રમાની જેમ શોભી રહી છે. વળી સુંદર રત્નજડિત મુગટમાં ધારણ કરેલા તોરાઓથી એ ભગવાનનું સ્વરૂપ અતિશય શોભી રહ્યું છે.૨૩
વિનોદને માટે મોરલી હાથમાં ધારણ કરી છે, ભક્તિથી દેવતાઓ અને ભયથી અસુરો સદાય એમનું સેવન કરે છે. જેમનું વક્ષઃસ્થળ કૌસ્તુભ મણિથી શોભી રહ્યું છે. આવા સકલ ઐશ્વર્યસંપન્ન શ્રીકૃષ્ણ ભગવાનનું હું કાયા, મન, વાણીથી ભજન કરું છું.૨૪
ષોડશોપચારથી પૂજા :- હે પ્રભુ ! કળિયુગના દોષના વિનાશને માટે અતિશય દયાભાવથી પ્રાદુર્ભાવ પામેલા શ્રીમદ્ભાગવત શાસ્ત્રરૂપી આપ શ્રીકૃષ્ણ ભગવાનનું હું આવાહન કરું છું.૨૫
હે શ્રીકૃષ્ણ ! હે પ્રભુ ! સુવર્ણનું રત્ન જડિત અને તમને પ્રીતિ ઉપજાવે તેવું આ સિંહાસન અર્પણ કરૂં છું. તેનો તમે સ્વીકાર કરો.૨૬ હે એકાંતિક ભાવે પોતાનો આશ્રય કરનારા ભક્તજનોનો સંસારરૂપી સાગરમાંથી ઉદ્ધાર કરનારા ! હે દેવેશ ! હે શ્રીકૃષ્ણ ! મારા ઉપર કૃપા કરી મેં અર્પણ કરેલા પાદપ્રક્ષાલન માટેના જળનો સ્વીકાર કરો.૨૭
હે અનંત અવતારોના ચરિત્રોથી સાધુઓના સંકટને નાશ કરનારા ! હે શ્રીકૃષ્ણ ! ચંદન આદિ આઠ પ્રકારનાં દ્રવ્યો યુક્ત તૈયાર કરેલા હસ્ત ધોવા માટેના અર્ઘ્ય જળનો સ્વીકાર કરો.૨૮
હે ગોકુળવાસી જનોને અનંત પ્રકારની લીલા કરી આનંદ ઉપજાવનારા ! હે ઇન્દ્રના મદને હરનારા ! હે વૃંદાવનચંદ્ર ! મેં અર્પણ કરેલું આચમનીય જળનો સ્વીકાર કરો.૨૯
હે યમુનાના જળમાં ગરૂડના ભયથી નિવાસ કરતા કાલીયનાગની ફણાઓનું ચરણના પ્રહારથી મર્દન કરનારા ! હે જળક્રીડા કરવામાં પ્રીતિ ધરાવનારા ! હે શ્રીકૃષ્ણ ! મેં અર્પણ કરેલા આ સ્નાન કરવા યોગ્ય જળનો સ્વીકાર કરો.૩૦
હે શ્રીકૃષ્ણ ! હે નંદનંદન ! સુવર્ણના વર્ણ સમાન પીળું આ નવીન વસ્ત્ર તમને ધારણ કરવા માટે અર્પણ કરું છું. તેનો તમે સ્વીકાર કરો.૩૧
હે દેવદેવેશ ! ગાયત્રીમંત્રથી પૂજન કરવા પૂર્વક બાંધેલી ત્રણ ગ્રંથિવાળી અને સુવર્ણના ત્રણ તંતુમાંથી નિર્માણ કરવામાં આવેલી શોભાયમાન આ યજ્ઞોપવિતનો સ્વીકાર કરો.૩૨
હે સત્પતિ ! હે શ્રીકૃષ્ણ ! મેં ભક્તિપૂર્વક અર્પણ કરેલાં આ દિવ્ય કુંડળ આદિક આભૂષણોનો પ્રેમથી સ્વીકાર કરો.૩૩
હે દેવકીનંદન ! હે પ્રભુ ! કર્પૂરરસથી મિશ્રિત કુંકુમથી સુશોભિત એવા દિવ્ય ચંદન અને ચોખા અર્પણ કરું છું તેનો સ્વીકાર કરો.૩૪
હે શ્રીકૃષ્ણ ! હે પ્રભુ ! અનેક પ્રકારના પુષ્પોની માળા, તોરા, કડાં, બાજુબંધ આદિ અર્પણ કરું છું તેમજ તુલસીની વનમાલા અને સૌભાગ્ય દ્રવ્યનો પણ સ્વીકાર કરો.૩૫
હે ભગવાન ! સુગંધીમાન દ્રવ્યોથી સુગંધીત કરેલું તેમજ સર્વજનોને માટે મનોહર અને પ્રિય એવું આ અત્તર તમને અર્પણ કરું છું. તેનો સાદર સ્વીકાર કરો.૩૬
હે બાળક્રીડાના વિનોદમાત્રમાં પુતનાના પ્રાણને હરનારા ! હે કંસાદિ દુષ્ટોનો વિનાશ કરનારા ! તમે આ ધૂપનો સ્વીકાર કરો.૩૭
હે સ્વયં પ્રકાશમાન ! હે ઇશ્વર ! હે અનેક સૂર્યોને પણ પ્રકાશને આપનારા ! તમને હું આ અંધકારનું નિવારણ કરનારો દીપ અર્પણ કરૂં છું તેનો કૃપા કરીને સ્વીકાર કરો.૩૮
હે વિશ્વંભર ! છ પ્રકારના રસથી મનોહર, અનેક પ્રકારના પકવાન્નોનું નૈવેદ્ય અર્પણ કરું છું. પ્રેમથી તેનો સ્વીકાર કરી મને વરદાન આપનારા થાઓ.૩૯
હે શ્રીહરિ ! પવિત્ર અને નિર્મળ તથા વિરણના વાળાથી તેમજ એલચી, ગુલાબ આદિથી સુગંધીમાન કરેલું અને સર્વ જીવોના જીવનરૂપ આ જળ તમને અર્પણ કરૂં છું તેનાથી જમતાં મધ્યે પાન કરો. અંતે ચળુ કરો. હસ્ત ધુઓ અને મુખની શુદ્ધિ કરો.૪૦
હે મધુસુદન ! નિર્મળ યમુનાનું સુગંધીમાન પવિત્ર જળ ફરી આચમન માટે અર્પણ કરું છું. તેનો તમે સ્વીકાર કરો.૪૧
હે શ્રીકૃષ્ણ ! સોપારીનો ચૂરો, લવિંગ, એલાયચી તેમજ જાયફળ, તજ મિશ્રિત આ પાનબીડું તમને અર્પણ કરૂં છું તેનો તમે સ્વીકાર કરો.૪૨
હે મથુરાપતિ ! સર્વ ફળના મધ્યે દિવ્ય અને દેવતાઓને પણ પ્રિય એવું આ નાળિયેરનું ફળ તમને અર્પણ કરૂં છું, તેનો તમે સ્વીકાર કરો.૪૩
હે દ્વારિકાપુરીના અધીશ્વર ! મારી શક્તિ પ્રમાણે અર્પણ કરેલી આ સુવર્ણમુદ્રા તેમજ રૂપાની મુદ્રાની દક્ષિણા તમે ગ્રહણ કરો.૪૪
હે દેવેશ ! હે પ્રકાશમાનોના પણ અધિપતિ ! હે કમલાપતિ ! હું તમારી આરતી ઉતારૂં છું તમને વારંવાર નમસ્કાર પણ કરૂં છું. મેં અર્પણ કરેલી આ આરતીનો સ્વીકાર કરો. તેમજ મંત્ર પુષ્પાંજલી પણ સ્વીકાર કરો.૪૫
હે દેવોના પણ દેવ ! હે શંખ, ચક્ર, ગદાધર ! હે શ્રીકૃષ્ણ ! તમને નમસ્કાર કરી હું પ્રદક્ષિણા કરૂં છું. તમારી પ્રદક્ષિણા કરવાથી આખા અનંત બ્રહ્માંડોની પ્રદક્ષિણા થઇ જાય છે.૪૬
આ પૃથ્વી પર સર્વજનોના ઉદ્ધારને માટે પ્રાદુર્ભાવ પામેલા શ્રીમદ્ભાગવત સ્વરૂપી હે શ્રીકૃષ્ણ ! તમને હું પ્રણામ કરૂં છું.૪૭
હે દેવેશ ! હે કરૂણાનિધિ ! હું મારા કર્મના પરિપાકના કારણે આ સંસારસાગરમાં પડયો છું તમે કૃપા કરીને મારો ઉદ્ધાર કરો. હે જગત્પતિ ! તમે શ્રીમદ્ભાગવતસ્વરૂપે પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ જ વિરાજો છો. હું તમારા શરણે આવ્યો છું. તમે મારા ઉપર કૃપા કરો.૪૮
હે રાજન્ ! આ પ્રમાણે ભાગવતગ્રંથ સ્વરૂપી શ્રીકૃષ્ણ ભગવાનનું ચંદન પુષ્પાદિક ષોડશોપચાર વડે વિધિપૂર્વક પૂજન કરીને ભક્તિભાવથી વક્તા પુરાણીનું પણ પૂજન કરવું, નવીન વસ્ત્રો અને આભૂષણોથી વક્તાનું પૂજન કરી તેમને દક્ષિણા આપવી. ત્યારપછી ''નમસ્તે ભગવન્વ્યાસ'' આ પૂર્વોક્ત મંત્રથી વક્તાને નમસ્કાર કરી મુખ્ય શ્રોતા પુરુષે વક્તાની પ્રાર્થના કરતાં કહેવું કે હે વ્યાસસ્વરૂપ ! હે શ્રોતાઓને બોધ આપવામાં નિપુણ ! હે સર્વ શાસ્ત્રના વિશારદ ! આ કથાના પ્રકાશથી મારૂં અજ્ઞાન દૂર કરો.૫૦-૫૨
હે રાજન્ ! આ પ્રમાણે વક્તા પુરાણીની પ્રાર્થના કરી પોતાના નિયમોએ યુક્ત થઇ તે મુખ્ય શ્રોતાએ અન્ય શ્રોતા એવા વિપ્રોનું યથાયોગ્ય પ્રમાણે પૂજન કરવું. ત્યારપછી આ શ્રીમદ્ ભાગવતની કથા સાંભળવા બેસવું.૫૩
આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિ-જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં પુરાણ શ્રવણના ઉત્સવ પ્રસંગે શ્રીમદ્ ભાગવતની કથાના શ્રવણ વિધિમાં પ્રથમ પૂજાવિધિ કર્યાનું નિરૂપણ કર્યું એ નામે ચોથો અધ્યાય પૂર્ણ થયો. --૪--