અધ્યાય - ૧૨ - શ્રીહરિએ જન્માષ્ટમીવ્રતનું યથાર્થ આચરણ કરી શ્રીકૃષ્ણ ભગવાનના તથા ગુરુ રામાનંદ સ્વામીના પ્રાગટયનો ઉત્સવ ઉજવ્યો.
શ્રીહરિએ જન્માષ્ટમીનું યથાર્થ આચરણ કરી શ્રીકૃષ્ણ ભગવાનના તથા ગુરુ રામાનંદ સ્વામીના પ્રાગટયનો ઉત્સવ ઉજવ્યો.
સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! ભગવાન શ્રીહરિ જન્માષ્ટમીને દિવસે પાંચ ઘડી રાત્રી બાકી હતી ત્યારે જાગ્રત થયા અને સ્નાન સંધ્યાદિ નિત્યકર્મ કરી પોતાના ગુરુ શ્રીરામાનંદ સ્વામીના પ્રાગટયનો મહાપૂજા મહોત્સવ ઉજવ્યો.૧
ઉધ્ધવાવતાર શ્રીરામાનંદ સ્વામીની પૂજાની સમાપ્તિ કરી, નૈષ્ઠિક બ્રહ્મચારીઓની પૂજા કરી, અને પોતાના પાર્ષદો પાસે અતિશય રમણીય મંડપ બંધાવ્યો.૨
રંગબેરંગી વસ્ત્રોથી શોભાયુક્ત કેળાના સ્તંભથી રચેલા તે મંડપની મધ્યે શ્રીકૃષ્ણ ભગવાનની અને દેવતાઓની સ્થાપના કરવા રમણીય પીઠની સ્થાપના કરી.૩
તે દિવસ સર્વ ભક્તજનોની સાથે ઉપવાસી રહીને શ્રીહરિએ રાત્રે પૂજા કરવા માટે ભગવાનની સુવર્ણની પ્રતિમા તૈયાર કરવી.૪
તેમજ ભગવાન શ્રીહરિએ આજનો આખો દિવસ શ્રીકૃષ્ણ ભગવાનના સંકીર્તનોનું ગાન કરાવવામાં જ પસાર કર્યો અને રાત્રીએ ફલ્ગુ નદીના નિર્મળ જળમાં સ્નાન કરી પૂર્વોક્ત વિધિ પ્રમાણે મહાપૂજા કરી.૫
શ્રીહરિએ શ્રીકૃષ્ણ ભગવાન, દેવકીજી, નંદજી અને યશોદાજી વગેરેને પંચામૃતથી સ્નાન કરાવ્યું ને શુદ્ધજળથી અભિષેક કર્યો.૬
પછી નવીન વસ્ત્રો, આભૂષણો, સુગંધીમાન કેસર, અને કુંકુમયુક્ત ચંદન, ચોખા, અનેક પ્રકારના સુગંધીમાન પુષ્પો, તુલસીપત્ર, દૂર્વા, બિલીપત્રો અને કેતકીથી પૂજન કર્યું.૭-૮
હે રાજન્ ! શ્રીહરિએ પૂજન વિધિમાં એક એક તુલસીપત્રના અર્પણ સમયે શ્રીકૃષ્ણ ભગવાનના નામ મંત્રનું ઉચ્ચારણ કરતાં કરતાં એક હજાર તુલસી પત્રોથી શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા કરી.૯
પછી ધૂપ, દીપ અર્પણ કરી ચાર પ્રકારના પક્વાનોનું નૈવેદ્ય અર્પણ કરીને ફળ, પાનબીડું તથા દક્ષિણાથી પૂજન કરી, મહા આરતી કરી, પુષ્પાંજલી અર્પણ કરી, સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને બ્રાહ્મણોનું પૂજન કર્યું ને પૂજાની સમાપ્તિ કરી.૧૦-૧૧
હે રાજન્ શ્રીબાલકૃષ્ણ ભગવાનને પારણિયામાં પધરાવી શ્રીહરિ ઝુલાવવા લાગ્યા, ને શ્રીમદ્ ભાગવતમાં વર્ણવેલી ભગવાનના જન્મ ચરિત્રોની કથા સાંભળતાં રાત્રીને જાગરણ કરતાં પસાર કરી.૧૨
અને નવમીના પ્રાતઃકાળે સ્નાન સંધ્યાદિ નિત્યવિધિ કરી ઉત્તરપૂજા કરી ભગવાનની મૂર્તિનું બ્રાહ્મણોને દાન કર્યું ને અનંત વિપ્રોને ચાર પ્રકારનાં અન્ન જમાડી તૃપ્ત કર્યા.૧૩
હે રાજન્ ! શ્રીહરિના દર્શન કરીને જ ભોજન કરવાના નિયમવાળા ભક્તજનોને શ્રીહરિ પોતાનું દર્શન આપી ત્યારપછી પારણાં કર્યાં.૧૪
અને બપોર પછી દિવસના ચોથા મુહૂર્તમાં રમણીય ફલ્ગુ નદીને તીરે કરેલી મહાસભામાં પોતાના ભક્તજનોની સાથે વિરાજતા શ્રીહરિએ તેઓને ભાગવતધર્મની શિક્ષા આપી.૧૫
આ પૃથ્વી પર પોતાના નિર્મળ યશને વિસ્તારતા ભગવાન શ્રીહરિએ વિદ્વાન ભક્તજનોએ પૂછેલા અનેક પ્રકારના પ્રશ્નોના ઉત્તર આપી તેઓને નિઃસંશય કર્યા.૧૬
હે રાજન્ ! તે સર્વે ભક્તજનોએ શ્રીહરિને આદરપૂર્વક શ્વેત, પીળા, લાલ વસ્ત્રો તથા સુવર્ણના આભૂષણો ધારણ કરાવ્યા.૧૭
ને ચંદન, પુષ્પનાહાર, મોતીઓના તોરાની પંક્તિ તથા અનેક પ્રકારના ઉપહારોથી શ્રીહરિનું પૂજન કરી નમસ્કાર કર્યા.૧૮
આ રીતે નિષ્કપટ ભાવવાળા સર્વે સારંગપુરવાસી ભક્તજનોએ પોતાની સ્ત્રીઓને સાથે રાખી શ્રીહરિની તથા સાથે આવેલા તથા દર્શને આવેલા સર્વે ભક્તજનોની સેવા કરી પ્રસન્ન કર્યા.૧૯
તે સમયે દેશાંતર નિવાસી સેંકડો હરિભક્તોએ સંતો તેમજ પાર્ષદોની સાથે ભક્તવત્સલ ભગવાન શ્રીહરિને પોતાને ત્યાં ભોજન કરવા પધારવા પ્રાર્થના કરી.૨૦
હે રાજન્ ! તે પ્રાર્થના સાંભળી શ્રીહરિને તેઓના મનોરથો પૂર્ણ કરવાની ઇચ્છા થઇ તેથી એ જ સમયે તેમની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો.૨૧
ત્યાર પછી ધનવાન ભક્તજનો સંતો તથા પાર્ષદોએ સહિત ભગવાન શ્રીહરિને અનુક્રમે દરરોજ ભક્તિભાવ પૂર્વક રસોઇ આપી ભોજન કરાવવા લાગ્યા.૨૨
હે રાજન્ ! આ પ્રમાણે સારંગપુરમાં નિવાસ કરી રહેલા ભક્તજનોના આનંદનિધિ ભગવાન શ્રીહરિનો શ્રાવણ મહિનો પ્રસાર થયો ને ભાદરવા સુદની ઋષિપંચમી તિથિ પ્રાપ્ત થઇ.૨૩
વિશુદ્ધ ધર્મના ઉપદેશક શ્રીહરિએ સ્ત્રીઓના રજસ્વલા ધર્મપાલનમાં કોઇ રહી ગયેલા દોષનું નિવારણ કરવા માટે વર્ષમાં એકવાર આવતા આ ઋષિપંચમીના વ્રતના અનુષ્ઠાનથી સ્ત્રીઓની શુદ્ધિને માટે તેમની પાસે સપ્તર્ષિઓનું પૂજન કરાવી, ઋષિપંચમીના વ્રતનું પાલન કરાવ્યું. આ વ્રત સ્ત્રીઓને અવશ્ય કરવાનું શાસ્ત્રમાં કહ્યું છે.૨૪
આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિ-જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં જન્માષ્ટમીના ઉત્સવ પ્રસંગે ભગવાન શ્રીહરિએ જન્માષ્ટમીના વ્રતનું પાલન કર્યાનું નિરૂપણ કર્યું એ નામે બારમો અધ્યાય પૂર્ણ થયો. --૧૨--