અધ્યાય - ૧૧ - ભગવાન શ્રીહરિએ કહેલો જન્માષ્ટમીના વ્રતનો અને ઉદ્યાપનના વિધિનો નિર્ણય.
ભગવાન શ્રીહરિએ કહેલો જન્માષ્ટમીના વ્રતનો અને ઉદ્યાપનના વિધિનો નિર્ણય. વ્રતવિધિ સાથે પાળવાના નિયમો. જન્માષ્ટમીવ્રતનું ઉદ્યાપન.
ભગવાન શ્રીનારાયણ મુનિ કહે છે, હે ભક્તજનો ! તમો સર્વે તમારા હિતને કરનારૂં મારૂં વચન સાંભળો. આવતી કાલે સાક્ષાત્ શ્રીકૃષ્ણ ભગવાનની લોક અને શાસ્ત્રમાં પ્રસિદ્ધ જન્મતિથિ ગોકુળાષ્ટમી છે.૧
મારા આશ્રિત સર્વે ભક્તજનોએ તેનું વ્રત અવશ્ય કરવું. કારણ કે અમને જેવા શ્રીકૃષ્ણ ભગવાન વહાલા છે તેવી જ તેમની જન્મતિથી પણ વહાલી છે.૨
તો હે ભક્તજનો ! એ તિથિનો સમગ્ર વ્રત કરવાનો વિધિ તમને હું શાસ્ત્રને અનુસારે કહું છું. તમારે તે વિધિ સાંભળ્યા પછી તે પ્રમાણે જન્માષ્ટમીનું વ્રત અવશ્ય કરવું.૩
હે ભક્તજનો ! સપ્તમીના વેધ રહિતની રોહિણી નક્ષત્રને બુધવારે યુક્ત અષ્ટમી હોય, તેમજ મધ્યરાત્રીએ પ્રાપ્ત હોય એવી અષ્ટમી તિથિ જન્માષ્ટમીના વ્રત માટે યોગ્ય મનાયેલી છે. સપ્તમીના વેધ રહિતની હોવાનો અહીં એ ભાવ છે કે, શ્રીકૃષ્ણ ભગવાનના પ્રાદુર્ભાવ પછી એક મુહૂર્ત બાદ દુર્ગાદેવીની જન્મતિથિ નવમી હોવી જરૂરી છે.૪
જે રાત્રીના સમયે રોહિણી નક્ષત્ર યુક્ત અષ્ટમી હોય તે જ જન્મનો મુખ્ય કાળ સમજવો. કારણ કે તે કાળમાં ભગવાન શ્રીકૃષ્ણનો પ્રાદુર્ભાવ થયેલો છે.૫
આ જન્માષ્ટમીવ્રતના નિર્ણયમાં અનેક વિદ્વાનો તથા અનેક બ્રાહ્મણો પોતપોતાના મતનું સ્થાપન કરવા તત્પર થઇ વાદ-વિવાદ કરે છે.૬
કેટલાક વિદ્વાનો જન્માષ્ટમી અને જયંતી એ બે વ્રતને જુદાં ગણે છે. અને કેટલાક વિદ્વાનો એક ગણે છે.૭
ત્યારે વળી કેટલાક વિદ્વાનો જન્માષ્ટમીની રાત્રીને જ જયંતી કહે છે. અને કેટલાક અષ્ટમી અને રોહિણી નક્ષત્રના યોગને જ જયંતી કહે છે.૮
કેટલાક પંડિત બ્રાહ્મણો ''ઉદયે ચાષ્ટમી કિઞ્ચિત્'' આ રીતના સ્કંદપુરાણના વાક્યમાં ઉદય શબ્દથી ચંદ્રોદય માને છે. અર્થાત્ ચંદ્રોદય સમયે વર્તતી અષ્ટમી વ્રતમાં ગ્રહણ કરવી, એમ કહે છે. અને કેટલાક વિદ્વાનો ઉદય શબ્દથી સૂર્યોદય માને છે.૯
કોઇ વિદ્વાનો તિથિના અંતે જ પારણા કરવા જોઇએ. એવો પક્ષ લઇને સપ્તમીના વેધવાળી અષ્ટમી જ વ્રતમાં શ્રેષ્ઠ છે. એવી પ્રશંસા કરે છે.૧૦
કોઇ વિદ્વાનો કાલાદર્શમાં કહેવા પ્રમાણે ઉત્સવની સમાપ્તિ વખતે પારણાં કરવાં જોઇએ એવા પક્ષનો સ્વીકાર કરી નવમી તિથિના યોગવાળી અષ્ટમી તિથિની પ્રશંસા કરતા હોવાથી પૂર્વોક્ત સપ્તમીના વેધવાળી અષ્ટમીને આદર કરતા નથી.૧૧
કોઇ વિચક્ષણ પુરુષો ઉપવાસ તિથિનો ને સૂર્યોદયનો સંબંધ મુખ્ય કહે છે. કેટલાક પૂજન- ઉત્સવ ઉજવવાના મધ્યરાત્રીરૂપ સમયને જ મુખ્ય કહે છે.૧૨
કોઇ સપ્તમીના વેધવાળી અષ્ટમી કે વેધ વગરની અષ્ટમીનો આદર કરતા નથી. પરંતુ એક રોહિણી નક્ષત્રનો આશ્રય રાખીને વ્રત કરે છે.૧૩
આ પ્રમાણે અનેક પ્રકારના વાદ-વિવાદો આ જન્માષ્ટમીના વ્રતમાં રહેલા છે. તે પણ વિદ્વાનો આર્ષ પુરુષોના વાક્યોનો આધાર લઇને જ નિર્ણય સિંધુ, સમયમયૂખ, હરિભક્તિવિલાસ આદિ ગ્રંથોમાં લખ્યા છે.૧૪
એ સર્વે વિવાદો ઋષિમુનિઓના વાક્યોના પ્રમાણોથી યુક્ત છે. આ સર્વે પક્ષોની મધ્યે શિષ્ટ પુરુષોએ સારી રીતે સુનિશ્ચિત કરેલો પક્ષ તમારા સર્વેના સંશયોનું નિવારણ કરવા અત્યારે હું તમને કહું છું.૧૫
હે ભક્તજનો ! જો સપ્તમીના દિવસે જ રોહિણી નક્ષત્ર અને બુધવાર યુક્ત મધ્યરાત્રીએ અષ્ટમીનો સારી રીતે યોગ વર્તતો હોય તો અને બીજે દિવસે અષ્ટમી મધ્યરાત્રીએ વ્યાપ્તિ ન હોય તો સપ્તમીના વેઘવાળી જ અષ્ટમીનો વ્રત કરવામાં સ્વીકાર કરવો. અને વ્રત કરનાર મનુષ્યોએ બીજે દિવસે અષ્ટમીતિથિના અંતે પારણાં કરવાં.૧૬-૧૭
આવી રીતના યોગ વિશેષના કારણે સપ્તમીના વેધવાળી અષ્ટમીતિથિ પણ અગ્નિપુરાણ આદિકમાં ગ્રહણ કરવાની કહી છે. પરંતુ તેનાથી વિપરીત કેવળ મધ્યરાત્રીએ અષ્ટમી વ્યાપ્તિ હોય અને બુધવાર કે રોહિણી નક્ષત્રનો યોગ ન હોય તો તે સાતમના વેધવાળી અષ્ટમીનો સ્વીકાર કરવો નહિ.૧૮
જો સપ્તમીની તિથિએ પૂર્વોક્ત રોહિણી નક્ષત્ર, બુધવાર અને મધ્યરાત્રીએ અષ્ટમીની વ્યાપ્તિનો યોગ વર્તતો હોય અને બીજે દિવસે અષ્ટમીની તિથિએ કેવળ અષ્ટમી તિથિ વ્યાપ્તિ હોય તો તેમાં સમર્થ પુરુષે બે ઉપવાસ કરવા અને અસમર્થ પુરુષે બીજે દિવસે કેવળ અષ્ટમીની તિથિએ જ એક ઉપવાસ કરવો.૧૯-૨૦
મધ્યરાત્રીએ બુધવાર, અષ્ટમી અને રોહિણી નક્ષત્રનો યોગ ન હોય તો ડાહ્યા જનોએ સપ્તમીના વેધવાળી અષ્ટમી તિથિ વ્રતમાં ક્યારેય પણ લેવી નહીં.૨૧
હે ભક્તજનો ! જો બુધવારનો યોગ ન હોય પરંતુ મધ્ય રાત્રીએ અષ્ટમી અને રોહિણી નક્ષત્રનો યોગ હોય, છતાં પણ સપ્તમીના વેધવાળી અષ્ટમી વ્રતમાં લેવી નહિ. ને બીજે દિવસે સપ્તમીના વેધ વગરની શુદ્ધ અષ્ટમી વ્રતમાં સ્વીકારવી.૨૨
બીજું કે રોહિણી નક્ષત્રનો યોગ ન હોય એવી પણ નવમીના વેધવાળી અષ્ટમી વ્રતમાં સ્વીકારવી, પરંતુ રોહિણી નક્ષત્રવાળી હોય છતાં સપ્તમીના વેધવાળી અષ્ટમી સ્વીકારવી નહિ.૨૩
જો આ વદપક્ષની અષ્ટમી તિથિ બેઘડી એકઘડી કે પળ માત્ર વર્તતી હોય અને ત્યારપછી નવમી તિથિ આવી જતી હોય તો નવમીના વેધવાળી અષ્ટમી વ્રતમાં સ્વીકારવી. પરંતુ સપ્તમીના એક પલમાત્રના વેધવાળી અષ્ટમી વ્રતમાં સ્વીકારવી નહિ.૨૪
હે ભક્તજનો ! જો સપ્તમીના વેધવાળી અષ્ટમીનો ક્ષય હોય અર્થાત્ એકજ દિવસે સૂર્યોદય સમયે સપ્તમી તિથિ હોય પછીથી અષ્ટમી બેસે પરંતુ તે અષ્ટમી બીજે દિવસે સૂર્યોદયના પ્રારંભ સમયે ન હોય. ત્યારે નવમી બેસી ગઇ હોય તો અષ્ટમી તિથિ સાતમના વેધવાળી જ થઇ, માટે આવી પરિસ્થિતિમાં તો શ્રીકૃષ્ણ ભગવાનનું જયંતી વ્રત કેવળ નવમી તિથિએ જ ગ્રહણ કરવું.૨૫
જો શુદ્ધ અષ્ટમીતિથિની વૃદ્ધિ હોય અર્થાત્ પહેલી અષ્ટમી સાઠ ઘડીની પૂર્ણ હોય અને બીજે દિવસે સૂર્યોદય સમયે એક, બે કે ત્રણ ઘડી જેટલી અષ્ટમી હોય પછીથી નવમી તિથિ બેસી જતી હોય છતાં પણ બીજા દિવસે નવમીના વેધવાળી અષ્ટમી તિથિનું વ્રત પ્રશંસનીય છે. તેથી બીજી અષ્ટમી વ્રતમાં ગ્રહણ કરવી, એમ કેટલાક વૈષ્ણવો કહે છે.૨૬
હે ભક્તજનો ! વિઠ્ઠલેશ ગોસ્વામીનો મત એવો છે કે આવી રીતની જ્યારે બે અષ્ટમી હોય ત્યારે પહેલી શુદ્ધ અષ્ટમી બહુકાળ વ્યાપ્તિની હોવાથી અને જન્મ સમયે તેનો યોગ હોવાથી અને સપ્તમીનો તેમાં વેધ ન હોવાથી શુદ્ધ સાઠ ઘડીની એ પહેલી અષ્ટમીનો જ વ્રત કરવામાં સ્વીકાર કરવો. આ રીતનો ગોસ્વામી વિઠ્ઠલનાથજીનો અભિપ્રાય છે. તે મતનો આપણે પણ સ્વીકાર કરીએ છીએ.૨૭
આ પ્રમાણે સમગ્ર નિર્ણયનો સારાંશ જે હોય તે મેં તમને સંક્ષેપથી કહ્યો છે. મારા આશ્રિત ભક્તજનોએ આ સારાંશનો જ આશ્રય કરી જન્માષ્ટમીના વ્રતનો નિર્ણય કરવો.૨૮
વ્રતવિધિ સાથે પાળવાના નિયમો :- હે ભક્તજનો ! ગોકુલાષ્ટમીનું વ્રત કરનાર પુરુષે સાતમના દિવસે મિતાહારી રહેવું અને ઇન્દ્રિયોને જીતી શ્રીકૃષ્ણ ભગવાનનું ભજન કરતાં કરતાં રાત્રીએ શયન કરવું.૨૯
અષ્ટમીએ બ્રાહ્મમુહૂર્તમાં ઉઠીને પોતાનો નિત્યવિધિ કરવો. ત્યારપછી મધ્યાહ્ને નદીએ જઇ વિધિપૂર્વક સ્નાન કરવું.૩૦
તેમાં પ્રથમ અઘેડાના કાષ્ઠથી દાતણ કરી તીર્થની માટી શરીરે લગાવી સ્નાન કરવું ને ફરી તલ અને આમળાના ચૂર્ણથી અંગમર્દન કરી સ્નાન કરવું.૩૧
પછી મધ્યાહ્ન સંધ્યાવિધિ કરવો. બહાર અને અંદર પવિત્રપણે રહેતા વ્રત કરનાર પુરુષે ઘેર આવી કેળાના સ્તંભથી સુશોભિત કરાયેલા રમણીય મંડપની રચના કરાવવી.૩૨
હે ભક્તજનો ! અનેક પ્રકારનાં રંગીન વસ્ત્રો તથા પુષ્પોથી અને આમ્રપત્રના તોરણોથી સુશોભિત કરી તે મંડપની મધ્યે રંગોથી રંગોળી પૂરાવવી.૩૩
તેમજ શ્વેત, પીળા, લાલ, કાબરા અને લીલા વસ્ત્રોથી અને નૂતન કળશોથી મંડપને સુશોભિત કરવો.૩૪
તથા આસોપાલવ આદિનાં પત્રો તથા લીંબુ આદિકનાં ફળોથી અને દીવાની પંક્તિથી તેમજ પુષ્પોની માળાથી મંડપને રંગબેરંગી કરવો, અને ચંદન તથા અગરુના ધૂપથી સુગંધીમાન કરવો.૩૫
આવા રમણીય મંડપની મધ્યે દેવકીમાતાના સૂતિકાગૃહની રચના કરવી તેમાં એક ધાત્રી અર્થાત્ ઉપમાતાની અને એક નાળી છેદન કરનારી સ્ત્રીની રચના કરવી.૩૬
પછી તે સૂતિકા ગૃહની મધ્યે રમણીય સુંદર પલંગ ઉપર દેવકીમાતાની સ્થાપના કરવી, તેમના ખોળામાં સ્તનપાન કરતા બાલકૃષ્ણને બેસાડવા.૩૭
વળી તે મંડપના એક ભાગમાં ગોકુળ ગામની રચના કરી, તેમાં સૂતિકાગૃહની રચના કરી, પલંગ ઉપર એક કન્યા ખોળામાં સ્તનપાન કરતી હોય તેવા યશોદામાતાની સ્થાપના કરવી.૩૮
હે ભક્તજનો ! તે મંડપમાં નંદરાય, વસુદેવજી, ગોવાળો, ગોપીઓ, ગાયો અને ભગવાન બાલકૃષ્ણને રમવા લાયક રમકડાંઓની યથાયોગ્ય કલ્પના કરીને સ્થાપવાં.૩૯
રોહિણી, બળદેવ, ષષ્ઠીદેવી, પૃથ્વી, બ્રહ્મા, રોહિણી નક્ષત્ર, કૃષ્ણાષ્ટમી તિથિ તેમજ માર્કંડેય, બલિ, વ્યાસ, હનુમાન, વિભીષણ, કૃપાચાર્ય અને પરશુરામ આ સાત ચિરંજીવીઓ, અપ્સરાઓનાં વૃંદોએ સહિત નાચ-ગાન કરી ગીત ગાવામાં તત્પર વર્તતા ગંધર્વો, તેમજ યમુનાના ધરામાં કાળિનાગ હોય એમ આ સર્વેનાં મંડપમાં ચિત્રો દોરાવવાં.૪૦-૪૨
આ પ્રમાણે જે કાંઇ યથાશક્તિ અને યથાબુદ્ધિ અનુસારે ચિત્રોનું આલેખન કરાવી ભક્તિમાં તત્પર વર્તતા વ્રત કરનારા પુરુષોએ પ્રયત્નપૂર્વક પૂજન કરવું.૪૩
તેમાં શ્રીકૃષ્ણ ભગવાનની બાલસ્વરૂપ મૂર્તિ યથાશક્તિ સુવર્ણની કરાવીને રાત્રેના તેમની ભાવથી પૂજા કરવી.૪૪
પછી વ્રત કરનારા પુરુષે યથા સમયે પ્રાપ્ત થયેલા શુદ્ધ ઉપચારોથી વ્રતના ગ્રંથોમાં કહેલા મંત્રોથી અંગદેવતાઓએ સહિત શ્રીકૃષ્ણ ભગવાનનું પૂજન કરવું.૪૫
પૂજનમાં ભક્તે દેવકીએ સહિત ભગવાન શ્રીકૃષ્ણનું ગીત-વાજિંત્રો વગાડવા પૂર્વક પૂજન કરી પછી ભગવાનના પાર્ષદોની અને સર્વે દેવતાઓની પૂજા કરવી. અને પૃથ્વી પર દંડવત્ પ્રણામ કરવા. ત્યારપછી બ્રાહ્મણોની પૂજા કરી તેઓને દક્ષિણા આપવી, પછી બાલકૃષ્ણને પારણિયામાં પધરાવી પૂજા કરીને આરતી ઉતારવી, અને એક મુહૂર્ત પર્યંત ધીરે ધીરે ઝુલાવવા.૪૮
ત્યારપછી વ્રત કરનારા પુરુષે શ્રીમદ્ ભાગવતના દશમ સ્કંધમાં વર્ણવેલા શ્રીકૃષ્ણ ભગવાનના જન્મના અધ્યાયોની કથા દર્ભાસન ઉપર બેસીને ભાવથી સાંભળવી ને જાગરણ કરવું. પ્રાતઃકાળે નિત્યવિધિ કરી ઉત્તર પૂજન કરી મૂર્તિનું દાન કરવું ને બ્રાહ્મણોને જમાડી સ્વયં પારણાં કરવાં.૫૦
સર્વે ઉપવાસોમાં દિવસે જ પારણાં કરવાનું કહેલું છે. તેથી રાત્રીએ પારણાં કરવાં નહિ પરંતુ ભગવાનના પંચામૃતનું થોડું પાન કરવું.૫૧
જે પુરુષો મેં કહેલા આ વિધાન પ્રમાણે દર મહિને વદ પક્ષની અષ્ટમીની તિથિએ આવી રીતે જન્માષ્ટમીનું વ્રત કરે છે તે ઇચ્છિત ફળને પ્રાપ્ત કરે છે.૫૨
આ પ્રમાણે જીતેન્દ્રિય વ્રત કરનારે એક વર્ષ સુધી આ વ્રતનું અનુષ્ઠાન કરી સમાપ્તિને અંતે મહાપૂજા કરવી ને ગાય અને શય્યાનું દાન આપી ઉદ્યાપન કરવું.૫૩
અને વ્રતની આદિમાં, મધ્યમાં અને અંતમાં પણ ઉદ્યાપન કરવું. એમ કરવાથી વ્રત સાંગોપાંગ સર્વે ઇચ્છાઓને પૂર્ણ કરનારૂં થાય છે.૫૪
આ જન્માષ્ટમીનું વાર્ષિક વ્રત દર વર્ષે વિધિપૂર્વક કરવું તેનાથી શ્રીકૃષ્ણ ભગવાન અતિશય પ્રસન્ન થાય છે.૫૫
જન્માષ્ટમીવ્રતનું ઉદ્યાપન :- હે ભક્તજનો ! હવે હું તમને જન્માષ્ટમીના વ્રતનો ઉદ્યાપન વિધિ સંક્ષેપથી કહું છું. સૌ પ્રથમ શ્રેષ્ઠ મંડપમાં સર્વતોભદ્ર મંડલની રચના કરવી.૫૬
તેના મધ્ય ભાગમાં સ્વચ્છ જળ ભરેલા અને તેમાં નવરત્ન પધરાવેલા તાંબાના કળશની શ્વેત વસ્ત્ર વીંટાળીને સ્થાપના કરવી.૫૭
તેમાં પાંચ પલ્લવ પધરાવી ધાન્ય ભરેલા પૂર્ણપાત્રને ઉપર મૂકવું. એક તોલા જેટલા સોનામાંથી તૈયાર કરેલી દેવકીએ સહિત બાલસ્વરૂપ શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિ પધરાવવી.૫૮
અને જે અશક્ત હોય તો તેના અર્ધા ભાગના સુવર્ણમાંથી ભગવાનની પ્રતિમા કરાવીને રોહિણી આદિ નક્ષત્રો સહિત ચંદ્રમાની પ્રતિમા ચાંદીની કરાવવી ને તેનું પૂજન કરવું.૫૯
પૂજનમાં ખીર ભરેલી ચોવીસ થાળીઓ બાલકૃષ્ણ ભગવાનને નૈવેદ્યમાં ધરવી ને પછી તે બ્રાહ્મણોને દાનમાં આપી દેવી.૬૦
મંદિરમાં ઘીની દીપમાળા પૂરવી, પુરુષસૂક્તથી અથવા નામમંત્રથી હોમ કરવો.૬૧
પછી ચોવીસની સંખ્યામાં બ્રાહ્મણોને ભોજન કરાવવું, ને પોતાની શક્તિ પ્રમાણે ચંદન, વસ્ત્ર, આભૂષણાદિકથી તેઓનું પૂજન કરવું.૬૨
તેમાં ઉપહારોએ સહિત તાંબાનો કળશ, સુવર્ણ અને ગાયનું વિધિ પ્રમાણે બ્રાહ્મણોને ભગવાનની પ્રસન્નતાર્થે દાન આપવું.૬૩
તેવીજ રીતે ઘી ભરેલું પાત્ર, સુવર્ણની મુદ્રાઓ, કમંડલું, પગરખાં, વસ્ત્રો અને શય્યાનું પણ વિશેષપણે દાન કરવું.૬૪
હે ભક્તજનો ! જે મનુષ્યો પુષ્કળ ધન મેળવવા ઇચ્છતા હોય તેમણે શ્રાદ્ધમાં, દાનમાં, હોમમાં, વ્રતમાં કે તીર્થયાત્રામાં ધનનો લોભ કરવો નહિ.૬૫
કારણ કે જે પુરુષ દાન આપવા યોગ્ય પાત્રમાં કે ધર્મકાર્યમાં ધનનો લોભ કરે છે. તે પુરુષ સર્વધર્મથી પતિત થઇ અંતે રૌરવ નરકમાં પડે છે. એથી આવા વ્રતના ઉદ્યાપનાદિ ધર્મકાર્યમાં ધનનો લોભ ન કરવો.૬૬
અને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું એ સર્વે વ્રતોમાં સાધારણ એક સરખો નિયમ છે. તેથી સર્વે વ્રત કરનારા સ્ત્રી પુરુષોએ વ્રતમાં પ્રયત્નપૂર્વક બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું.૬૭
હે ભક્તજનો ! મથુરાપુરીમાં પ્રગટેલા રૂક્મિણીના પતિ અને દ્વારિકાના નાથ એવા શ્રીકૃષ્ણ ભગવાનનું આ પુણ્યકારી વ્રત સર્વજનોના મનોરથોને પૂર્ણ કરનારૂં કહેલું છે.૬૮
જે પુરુષો ભગવાનના આ જન્મ દિવસે અન્નનો આહાર કરે છે તે નરાધમ છે અને તેને માતૃગમન કર્યા તુલ્ય પાપ લાગે છે.૬૯
આ વ્રતના દિવસે જે મનુષ્યો ઉપવાસ કરવા અસમર્થ હોય તો ફલાહારાદિકથી યથાશક્તિ વ્રત કરવું પરંતુ આ વ્રતને ક્યારેય પણ છોડી દેવું નહિ.૭૦
હે ભક્તજનો ! આ પ્રમાણે મેં તમને જન્માષ્ટમીતિથિનો વ્રતવિધિ સંક્ષેપથી કહ્યો. તે વિધિનું મારા આશ્રિત ભક્તજનોએ અવશ્ય પાલન કરવું.૭૧
જે પુરુષ મનને એકાગ્ર કરી ભક્તિભાવપૂર્વક આ જન્માષ્ટમીના વ્રતવિધિનું શ્રવણ કરશે અથવા પાઠ કરશે એ પુરુષ પણ વ્રતના ફળને પ્રાપ્ત કરશે, તેમાં કોઇ જાતનો સંશય નથી.૭૨
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ પોતાના ભક્તજનોને જન્માષ્ટમીના વ્રત વિધિનો ઉપદેશ કર્યો. તે સાંભળી સર્વે ભક્તજનો ખૂબજ રાજી થયા ને શ્રીનારાયણ ભગવાનને વંદન કર્યા અને શ્રીહરિ પણ પોતાના નિવાસસ્થાને પધાર્યા અને ભક્તજનો પણ પોતપોતાના નિવાસસ્થાને ગયા.૭૩
હે નરેન્દ્ર ! પોતાના ઉતારે આવી ભગવાન શ્રીહરિએ સમગ્ર સંધ્યાવિધિ કર્યો ને મુખેથી શ્રીકૃષ્ણ ભગવાનના નામ ઉચ્ચારણ કરતાં કરતાં સપ્તમી તિથિના મધ્યના બીજા પ્રહરમાં પૃથ્વી પર બિછાવેલા તૃણના આસન ઉપર યોગનિદ્રાનો સ્વીકાર કર્યો.૭૪
આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં સારંગપુર ગામે જન્માષ્ટમીના ઉત્સવ અને વ્રતવિધિનું નિરૂપણ કર્યું એ નામે અગીયારમો અધ્યાય પૂર્ણ થયો. --૧૧--