અધ્યાય - ૫૯ - માગસર, પોષ અને મહા માસમાં આવતા ઉત્સવોનું ભગવાન શ્રીહરિએ કરેલું નિરૂપણ.

Submitted by swaminarayanworld on Thu, 03/08/2017 - 6:59pm

અધ્યાય - ૫૯ - માગસર, પોષ અને મહા માસમાં આવતા ઉત્સવોનું ભગવાન શ્રીહરિએ કરેલું નિરૂપણ.

માગસર, પોષ અને મહા માસમાં આવતા ઉત્સવોનું ભગવાન શ્રીહરિએ કરેલું નિરૃપણ. ધનુર્માસોત્સવ. મકરસંક્રાંતિ ઉત્સવ. વસંતોત્સવ. શિવરાત્રી ઉત્સવ.

ધનુર્માસોત્સવ :- ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે પુત્રો ! સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરે ત્યારે ધનુર્લગ્નમાં રમાપતિ શ્રીકૃષ્ણ ભગવાનને શરીરે તૈલમર્દન કરી ગરમજળથી સ્નાન કરાવવું. આવી રીતે પૂરા એક માસ સુધી કરાવવું, એમ જાણવું.૧

પછી ભગવાનને વસ્ત્રો ધારણ કરાવી તેમની આગળ સગડી રાખવી ને લક્ષ્મીએ સહિત ભગવાનને દરરોજ શણગાર ધરાવવા.૨

નૈવેદ્યમાં તલે સહિત ચૂરમાના લાડુ, માખણ, દહીં, ઘી, રીંગણાનો ઓળો, તેમજ રાબ અને બાફેલા મૂળા સમર્પણ કરવા.૩

તથા ઉપર નીચે શ્વેત તલસહિત બાજરાનો રોટલો ગરમ ઘીમાં ઝબોળીને ધરાવવો અને ભગવાનના ગુણોના વર્ણનયુક્ત પદોનું ગાયન કરવું.૪

મકરસંક્રાંતિ ઉત્સવ :- હે પ્રભુ ! મકર રાશિમાં સૂર્યનું સંક્રમણ થાય ત્યારથી ચોવીસ ઘડીનો કાળ સ્નાન, પૂજા, દાન આદિક પૂણ્યકર્મમાં તથા શ્રાદ્ધાદિકમાં મહર્ષિઓએ સ્વીકારવા યોગ્ય કહ્યો છે.૫

જ્યારે સૂર્ય અસ્તાચળ પામે ત્યારે જો મકરરાશિમાં પ્રવેશ કરે, અથવા સૂર્યાસ્ત પછી રાત્રીના પ્રારંભ પહેલાના પ્રદોષ સમયે અથવા અર્ધરાત્રીના સમયે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે, તેના પછીનો દિવસ સ્નાન, દાન આદિક માટે ગ્રહણ કરવો.૬

સૂર્ય મકરમાં પ્રવેશ કરે ત્યારે ભગવાનને નૈવેદ્યમાં તલના લાડુ અને ખીચડી વિશેષપણે ધરાવવાં. બાકીનો વિધિ પૂર્વવત્ જાણવો.૭

વસંતોત્સવ :- હે પુત્રો ! માઘમાસની સુદ પંચમીના દિવસે દ્વારિકેશ શ્રીકૃષ્ણ ભગવાન પ્રભાત સમયે રથમાં બેસીને ગિરનાર પર્વત પધાર્યા.૮

તે સમયે લક્ષ્મીજી, સત્યભામા આદિ પટરાણીઓ, તથા સાત્યકી, ઉદ્ધવ વગેરે પાર્ષદો અને સંકર્ષણ એવા બલરામજી તેમજ નારદ વગેરે ઋષિઓ તથા પોતાના સખા અર્જુન અને અન્ય યાદવો પણ શ્રીકૃષ્ણ ભગવાનની સાથે ત્યાં પધાર્યા ને બહુ પ્રકારની ક્રીડા કરી.૯-૧૦

અબીલ ગુલાલ, તથા પીળા લાલ આદિ રંગોની પીચકારીઓ ભરી ભરી બહુ પ્રકારની રંગક્રીડા અને જળક્રીડા પણ કરી હતી.૧૧

અવી રીતે ક્રીડા કરતા તે સર્વેના હાથમાંથી ઉડેલા ગુલાલથી વૃક્ષો સહિત સમગ્ર પર્વત લાલ વર્ણનો થઇ ગયો.૧૨

તે માટે આજે વસંતોત્સવમાં પંચમી સૂર્યોદય વ્યાપિની ગ્રહણ કરવી. જો પંચમી વૃદ્ધિતિથિ હોય તો ઉત્સવ ઉજવવામાં પહેલી ગ્રહણ કરવી યોગ્ય છે. કારણ કે તે બહુ કાળ પર્યંત વ્યાપે છે. અને જો પંચમીનો ક્ષય હોય તો ચોથના વેધવાળી પણ, બીજો કોઇ વિકલ્પ ન હોવાથી પ્રસંશનીય છે.૧૩

તે દિવસે ભગવાનને શ્વેત વસ્ત્રો ધારણ કરાવવાં. ઉલ્લોચ અને બિછાના પણ શ્વેત વસ્ત્રોનાંજ કરવાં.૧૪

ત્યાર પછી રુક્મિણી અને કૃષ્ણના નિવાસસ્થાનમાં રંગ ઉડાડવો તેમજ ગુલાલ અને ગુલાબજળ પણ વારંવાર છાંટવું.૧૫

આંબાના મોરના તોરા બનાવી ધારણ કરાવવા. અને જલેબી આદિ પક્વાન્નોનું વિશેષપણે નૈવેદ્ય ધરાવવું.૧૬

હે પુત્રો ! વસંત પંચમીના દિવસથી પ્રારંભ કરીને હોળી સુધી પ્રતિદિન મંદિરમાં રંગ, ગુલાલ આદિનો છંટકાવ કરવો. અને વસ્ત્રો પણ કેસરીયા રંગનાં ધારણ કરાવવાં.૧૭

તેમજ માઘ સુદ પૂર્ણિમા સુધી ભગવાનની વસંતલીલાના પદોનું ગાન કરાવવું. ત્યાપછી એક માસ ફૂલડોલોત્સવ પર્યંત નિત્યે ભગવાનની ફાલ્ગુનીલીલાના પદોનું ગાન કરાવવું.૧૮

હે પુત્રો ! આ વસંતપંચમીના દિવસે પોતાની શક્તિ પ્રમાણે ઘઉંનો કે ચોખાનો ઢગલો કરી ગિરનાર પર્વતની રચના કરવી. તેને પીળા વસ્ત્રથી ઢાંકીને તે પર્વતની ચારેબાજુ આંબાનાં પાંદડાઓથી વૃક્ષોની રચના કરવી ને તે પર્વત પર દૂધ અથવા ઘીથી ગોમુખ ગંગાનદીની રચના કરવી.૧૯-૨૦

તેમના મધ્ય શિખર પર રૂક્મિણી અને શ્રીકૃષ્ણ ભગવાનની સુવર્ણની મૂર્તિ સ્થાપન કરવી. અને શ્રીકૃષ્ણને ચારે બાજુ ફરતે સત્યભામા આદિક સર્વે અંગદેવતાઓની સ્થાપના કરવી.૨૧

તેમાં ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ દ્વિભુજ કરવી તેના જમણા હસ્તમાં ચક્ર અને હાબા હસ્તમાં શંખ ધારણ કરાવવો. અને લક્ષ્મીજીની મૂર્તિ પણ દ્વિભુજ કરવી. તેના જમણા હાથમાં કમળપુષ્પ અને ડાબા હાથમાં સુવર્ણની ઝારી ધારણ કરાવવી.૨૨

પછી સત્યભામા આદિ પટરાણીઓ, બલરામ, અર્જુન, સાત્યકી અને ઉદ્ધવવાદિ પાર્ષદો, તેમજ નારદાદિ ઋષિઓ અને અન્ય પોતાની સ્ત્રીઓએ સહિત યાદવોની સ્થાપના સોપારીને વિષે કરવી.૨૩

પછી અંગદેવતાઓએ સહિત શ્રીકૃષ્ણ ભગવાનનું આવાહ્ન કરી તેમનું વિધિપૂર્વક પૂજન કરવું.૨૪

તે સમયે નૈવેદ્યમાં ખજૂર, ખારેક, નારિયેળ, સાકર, ચણાની સાથે ધાણી અર્પણ કરવી.૨૫

તેમજ દ્રાક્ષ, પતાસાં અને પેંડાનું પણ નિવેદન કરવું. પછી આરતી ઉતારી ભગવાન ઉપર રંગ અને ગુલાલ ઉડાડવો.૨૬

પછી ભક્તપુરુષોએ રંગ અને ગુલાલથી પરસ્પર રંગક્રીડા કરવી ને સધવા સ્ત્રીઓએ પણ પરસ્પર રંગક્રીડા કરવી.૨૭

પરંતુ સ્ત્રીઓએ પુરુષો સાથે રંગક્રીડા ન કરવી. તેમાં પણ વિધવા નારી, સાધુ અને બ્રહ્મચારીઓએ તો આ ગુલાલાદિની રંગક્રીડા ક્યારેય ન કરવી.૨૮

આ ત્રણે ઉપર ગુલાલ કે રંગનો છંટકાવ થાય તો તેઓએ વસ્ત્રે સહિત સ્નાન કરી ભગવાનના નામની એક માળા કરવી. અને પ્રમાદવશ સ્વયં રંગક્રીડા કરે તો, તે દિવસે સ્નાન કરી શ્રીહરિનું સ્મરણ કરતાં એક ઉપવાસ કરવો.૩૦

અધિકારી સર્વે ભક્તો રંગક્રીડા કરી સ્નાન કર્યા પછી બપોરનું ભોજન કરવું. આ ઉત્સવમાં બાકીનો વિધિ હમેશ પ્રમાણે સમજી લેવો.૩૧

શિવરાત્રી ઉત્સવ :- હે પુત્રો ! માઘમાસના વદ પક્ષની શિવચતુર્દશી મધ્યરાત્રીએ જે વ્યાપ્તિ હોય તે વ્રત ઉત્સવ માટે ગ્રહણ કરવી. તેમાં પણ તેરસ અને ચૌદશ બન્ને તિથિમાં મધ્યરાત્રીએ શિવતિથિ વ્યાપે કે ન વ્યાપે એક દિવસે વ્યાપે કે બન્ને દિવસે વ્યાપે છતાં શિવરાત્રી ઉત્સવ માટે બીજી ચૌદશ ગ્રહણ કરવી, એમ સમયમયુખમાં કહેલું છે.૩૨

આ શિવરાત્રીના ઉત્સવમાં શ્રીવાસુદેવ ભગવાનને અને લક્ષ્મીજીને ચિત્ર વિચિત્ર વસ્ત્રો ધારણ કરાવવાં અને સુવર્ણનાં આભૂષણો ધારણ કરાવવાં.૩૩

મધ્યારાત્રીએ રૂદ્રસૂક્તથી શિવજીનો વિધિપૂર્વક મહાભિષેક કરવો. અને શ્રીફળ તથા બિલ્વપત્રોથી ગણોએ સહિત શંકરનું પ્રેમથી પૂજન કરવું.૩૪

ને મલ્લિકા, કુંદ, કણેર, ધતૂરો આદિ પુષ્પો અર્પણ કરવાં. ત્યારપછી નૈવેદ્યમાં ખીરવડાં ધરાવવાં અને તે દિવસે પૂજારીએ ઉપવાસ કરવો.૩૫

તે દિવસે નારાયણ અને શિવજીના એકાત્મભાવને જણાવતાં પદોનું ગાન કરાવવું. આ ઉત્સવમાં આટલો વિધિ વિશેષ છે. બાકી પૂર્વવત્ જાણવો.૩૬

હે પુત્રો ! આ પ્રમાણે મેં વિધિએ સહિત માગસર, પોષ અને માઘ માસમાં આવતા ઉત્સવો કહ્યા. હવે ફાગણ, ચૈત્ર અને વૈશાખ માસમાં આવતા ઉત્સવોનો વિધિ કહું છું.૩૭

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં ભગવાન શ્રીહરિએ માગસર, પોષ અને મહા માસમાં આવતા ઉત્સવોનું નિરૂપણ કર્યું એ નામે ઓગણસાઠમો અધ્યાય પૂર્ણ થયો. --૫૯--