અધ્યાય - ૬૦ - ભગવાન શ્રીહરિએ ફાગણ,ચૈત્ર અને વૈશાખ માસમાં આવતા ઉત્સવોનું કરેલું નિરૂપણ.
ભગવાન શ્રીહરિએ ફાગણ, ચૈત્ર અને વૈશાખ માસમાં આવતા ઉત્સવોનું કરેલું નિરૃપણ. ફૂલડોલોત્સવ. ચૈત્રમાં મત્સ્યાવતાર જન્મોત્સવ. રામનવમી ઉત્સવ. ચૈત્રી ડોલોત્સવ. વૈશાખ માસમાં કૂર્માવતાર જન્મોત્સવ. શ્રીપરશુરામ જન્મોત્સવ અને ચંદનયાત્રા ઉત્સવ. શ્રીનૃસિંહજયન્તી ઉત્સવ.
ફૂલડોલોત્સવ :- ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે પુત્રો ! ફાગણ માસના વદ પડવાના દિવસે શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનના ઉત્તરાફાલ્ગુની જન્મ-નક્ષત્રમાં ગિરનાર પર્વત પર પધારી અર્જુન અને યાદવોની સાથે બહુ ક્રીડા કરી છે.૧
તે સમયે અતિ આનંદિત થયેલા યાદવોએ ડોલા ઉપર વિરાજમાન અર્જુન સહિત શ્રીકૃષ્ણ ભગવાનનું પૂજન કરી તેઓને ઝુલાવ્યા હતા. અને તેમની આગળ ખૂબજ ક્રીડા કરી હતી. અને બીજો હેતુ એ છે કે.૨
પૂર્વે આજ ઉત્તરાફાલ્ગુની નક્ષત્રના યોગમાં શ્રીકૃષ્ણ અને અર્જુન આ બન્ને શ્રીનરનારાયણ નામથી ધર્મપ્રજાપતિ અને મૂર્તિદેવી થકી પ્રાદુર્ભાવ પામ્યા હતા.૩
તે સમયે ઇન્દ્રાદિ દેવતાઓ ધર્મના આશ્રમે આવી ફૂલડોલના હીંડોળામાં શ્રીનરનારાયણ ભગવાનને બેસાડી તેમની પૂજા કરીને ઝુલાવ્યા હતા. આવા બે હેતુને લીધે આજે ફાગણવદ પડવાના દિવસે ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં આ ઉત્સવ ઉજવવો.૪
હે પુત્રો ! જે દિવસે સૂર્યોદય સમયે અર્યમાદેવતાવાળું ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર હોય તે જ દિવસે આ ફૂલડોલોત્સવ કરવો. જો ઉત્તરાયફાલ્ગુની નક્ષત્ર પૂર્ણિમા અને પડવાના બન્ને દિવસે સૂર્યોદય સમયે હોય તો પૂર્વના પૂર્ણિમાના દિવસે જ ઉત્સવ કરવો. કારણ કે તે બહુકાળ વ્યાપી સમય છે. ૫
આ ઉત્સવમાં વસંતોત્સવની જેમ જ શ્રીકૃષ્ણ ભગવાનનું પૂજન કરવું. તેમાં શ્રીનરનારાયણની પૂજામાં જે કાંઇ વિશેષતા છે તે કહું છું.૬
પ્રાતઃ કાળે ષોડશોપચારથી અને મહાઆરતીથી શ્રીનરનારાયણ ભગવાનની મહાપૂજા કરવી.૭
તેમાં શ્વેત સૂક્ષ્મવસ્ત્રો, શ્વેત સુગંધીમાન ચંદન, શ્વેત પુષ્પો અને તુલસીદળથી પૂજન કરવું.૮
નૈવેદ્યમાં દૂધપાક ધરવો. અને ફળમાં બોરડીનાં ફળ અર્પણ કરવાં, અને ભગવાનને ફૂલડોલમાં દક્ષિણદિશા સન્મુખ બેસાડી ઝુલાવવા. ૯
જો ભગવાન શ્રીનરનારાયણની મૂર્તિ અચળ હોય તો પૂજારીએ તે જગ્યાએ શ્રીબાલકૃષ્ણને ગીતવાજીંત્રોના નાદની સાથે બેસાડવા.૧૦
વસંતઋતુના પુષ્પો આદિકથી તેનું પૂજન કરવું. ને પછી ભગવાનના ભક્તજનોએ પરસ્પર રંગ, ગુલાલ ઉડાવી રંગક્રીડા કરવી.૧૧
આ ફૂલડોલના રંગોત્સવમાં પણ વસંતના રંગોત્સવની જેમ મર્યાદામાં રમવું. પુરુષો અને બહેનોએ પોતપોતાના વિભાગમાં રમવું. તેમાં પણ વિધવા, સાધુ અને બ્રહ્મચારીએ રમવું જ નહિ. વગેરે વ્યવસ્થા અહીં પણ સમજવી. આ ઉત્સવમાં ધર્મપુત્ર શ્રીનરનારાયણદેવના ફૂલડોલોત્સવના પદોનું ગાયન કરાવવું.૧૨
પછી આરતી ઉતારી ડોલામાંથી ઉતારી લેવા, અને શયન કરાવવું. પછી મુખ્ય પૂજા કરનાર યજમાને હરિભક્તોને જમાડીને જમવું.૧૩
અને બીજે દિવસે મંદિરનું માર્જન કરવું. ને જળથી ધોઇ શુદ્ધ કરવું. તેમાં જે પ્રકારે રંગ, ગુલાલ આદિકના દાગ ક્યાંય ન રહે તે રીતે મંદિરને સ્વચ્છ કરવું.૧૪
ભગવાનને ધારણ કરાવેલાં વસ્ત્રો ને પાથરેલા ઉલ્લોચ આદિક વસ્ત્રો તેમજ ધોઇ શકાય તેવાં સર્વે પદાર્થોને શુદ્ધ કરવાં ને ભગવાનને બીજાં વસ્ત્રો ધારણ કરાવવાં. બાકી વિધિ પૂર્વવત જાણી લેવો.૧૫
ચૈત્રમાં મત્સ્યાવતાર જન્મોત્સવ :- હે પુત્રો ! ચૈત્ર સુદ તૃતીયાના દિવસે કૃતમાલા નામની નદીના જળમાં સત્યવ્રત રાજાની આગળ મત્સ્યાવતાર લઇ ભગવાન શ્રીહરિ પ્રગટયા છે.૧૬
તેથી જે તૃતીયા સૂર્યોદય વ્યાપિની હોય તે મત્સ્ય ભગવાનની પૂજામાં ગ્રહણ કરવી. જો બીજ અને ત્રીજના બન્ને દિવસે વ્યાપ્તિ હોય તો બીજના વેધવાળી ત્રીજ શુભ મનાયેલી છે.૧૭
તે દિવસે મત્સ્ય સ્વરૂપ શ્રીવાસુદેવ ભગવાનની પૂજા કરવી અથવા શક્તિ પ્રમાણે મત્સ્ય ભગવાનની મૂર્તિ સુવર્ણની કરાવવી.૧૮
તેના ડાબા હસ્તમાં શંખ અને જમણા હસ્તમાં ગદા ધારણ કરાવવી. ઉપરના અર્ધાભાગમાં મનુષ્યાકૃતિ અને નીચેના અર્ધાભાગમાં મત્સ્યાકૃતિવાળું સ્વરૂપ તૈયાર કરાવવું. અને તેની પૂજા કરવી.૧૯
નૈવેદ્યમાં દહીં-ભાત અને દહીંવડાં અર્પણ કરવાં ને પૂજા કરનારે મત્સ્યભગવાનના જન્મોત્સવની કથાનું ગાન કરાવવું.૨૦
હે પુત્રો ! ત્યાર પછી મત્સ્ય ભગવાનની મહાઆરતી કર્યા પછી જ ભોજન સ્વીકારવું. આ ઉત્સવમાં આટલી જ વિશેષતા છે, બાકીનો પૂજા વિધિ હમેશના પ્રમાણે જાણવો.૨૧
રામનવમી ઉત્સવ :- હે પુત્રો ! ચૈત્રમાસના સુદ પક્ષની નવમી તિથિએ દિવસે પુનર્વસુ નક્ષત્રમાં, ઉદય લગ્નમાં, ગુરુ અને ચંદ્રના યોગમાં, ગ્રહપંચક પોતાના ઉચ્ચભવનમાં રહેતાં જ્યારે સૂર્ય મેષ રાશીમાં પ્રવેશ્યો ત્યારે કર્કટલગ્નમાં શુભ અવસરે પરમપુરુષ પરમાત્મા શ્રીરામચંદ્રભગવાનનો રાજા દશરથ થકી કૌશલ્યાજીને ત્યાં પ્રાદુર્ભાવ થયો.૨૨-૨૩
આ નવમી તિથિ અષ્ટમીના વેધ રહિતની મધ્યાહ્ને વ્યાપ્તિ હોય તેવી રામચંદ્રજીના પૂજનમાં ગ્રહણ કરવી.૨૪
જો આઠમ અને નવમીની બીજી તિથિએ મધ્યાહ્ને નવમી વ્યાપ્તિ હોય અથવા ન વ્યાપ્તી હોય તો પણ બીજી તિથિએ જ નવમી ગ્રહણ કરવી.૨૫
આઠમના વેધવાળી નવમી તિથિએ પુનર્વસુ નક્ષત્રનો યોગ હોય છતાં પણ છોડી દેવી અને પુનર્વસુ નક્ષત્રનો યોગ હોય નહીં, તો પણ બીજી જ નવમી ગ્રહણ કરવી ને તે દિવસે જ વ્રતનો ઉત્સવ કરવો. કારણ કે, વ્રત વિધાયકના વચનમાં કેવળ નવમી શબ્દ જ ગ્રહણ કર્યો હોવાથી પુનર્વસુ નક્ષત્ર રહિત હોવા છતાં પણ બીજે દિવસે ઉપવાસ કરવો.૨૬
જો વેધવાળી નવમીનો ક્ષય પ્રાપ્ત થાય તો આઠમના યોગવાળી પણ નવમી ગ્રહણ કરવી. આ રામનવમીના દિવસે નિરાહાર ઉપવાસ કરવો ને શ્રીરામચંદ્રજીનું પૂજન કરવું.૨૭
હે પુત્રો ! આ ઉત્સવમાં રમાપતિ ભગવાનને મુગટ અને પીતાંબર ધારણ કરાવવાં, હાથમાં ધનુષબાણ તથા સુવર્ણના તારે યુક્ત પટકો કેડમાં બાંધવો. નૈવેદ્યમાં કેસરીયો બિરંજ, મોતૈયા લાડુ, સાકર, દહીં અને દૂધ અર્પણ કરવું, બાકીનો વિધિ હમેશના પ્રમાણે જાણવો.૨૯
આ દિવસે મધ્યાહ્ને શ્રીકૃષ્ણનું શ્રીરામ નામથી પૂજન કરવું, અથવા રાજાધિરાજનાં લક્ષણોએ યુક્ત સુવર્ણના રામ તૈયાર કરવા.૩૦
અને તે યુવાન, પ્રસન્ન મુખ, સિંહના જેવા સ્કંધોથી શોભતા, મહાબળવાન, આજાનબાહુ ને ધનુર્ધારી એવા શ્રીરામ બનાવવા.૩૧
પૂજા કરનાર ભક્તજને ગીતવાજિંત્રોના નાદપૂર્વક તેમની મહાપૂજા કરી શ્રીરામજન્મના પદોનું ગાયન કરવું ને કરાવવું.૩૨
આ વ્રતના દિવસે નિરાહાર ઉપવાસ કરનાર ભક્તજને બીજે દિવસે ફરી શ્રીરામચંદ્રજીનું પૂજન કરવું, ને સાધુ, બ્રાહ્મણોને જમાડી પારણાં કરવાં. (આજની તિથિએ ભગવાન શ્રીહરિનો રાત્રિએ જન્મ છે, તેથી તેમના જન્મોત્સવાદિનો નિર્ણય જાણવો આવશ્યક છે. તે અહીં નહિ કહેલો હોવાથી પંચમ પ્રકરણમાં શ્રીહરી જયંતીના વ્રતવિધિમાં વિસ્તારથી વર્ણન કરેલ છે. ત્યાંથી જાણી લેવો.)૩૩
ચૈત્રી ડોલોત્સવ :- હે પુત્રો ! !ચૈત્રમાસની સુદ એકાદશી ''વિમલા'' નામે કહેલી છે. એ દિવસે શ્રીકૃષ્ણ ભગવાનની મહાપૂજા કરીને તેમને હિંડોળામાં પધરાવવા.૩૪
સુગંધીમાન પુષ્પોથી રચેલા તે હિંડોળામાં બે ઘડી સુધી પ્રભુને ઝૂલાવીને આરતી કરી ભક્તજનોએ પ્રભુને હિંડોળેથી ઉતારવા.૩૫
આ ઉત્સવમાં આટલી જ વિશેષતા છે. બાકીનો એકાદશીવ્રતપૂજાનો વિધિ જે સામાન્યપણે વ્રતગ્રંથમાં નિરૂપણ કરેલ છે તે જ જાણવો. આ સમયે ભગવાન પારણીયામાં ઝૂલતા હોવાથી એ સમયે અલગ ફૂલનો હિંડોળો રચવાની જરૂર નથી. પરંતુ પારણિયામાં જ ફુલના શણગાર કરીને આ ઉત્સવ ઉજવવો. આટલું વિશેષ જાણવું.૩૬
વૈશાખ માસમાં કૂર્માવતાર જન્મોત્સવ :- હે પુત્રો ! વૈશાખ માસના સુદ પડવાને દિવસે દેવતાઓ અને દૈત્યોએ સમુદ્રમંથન કરવાનો પ્રારંભ કર્યો, ત્યારે પ્રાતઃકાળે ભગવાન શ્રીહરિ કૂર્મસ્વરૂપે પ્રગટ થયા હતા.૩૭
તેથી સૂર્યોદય વ્યાપી પડવો કૂર્મ ભગવાનના પૂજનમાં ગ્રહણ કરવો. જો એકમ અને બીજ આ બન્ને તિથિમાં પડવો સૂર્યોદય વ્યાપી હોય તો બીજ યુક્ત પડવો પૂજનમાં ગ્રહણ કરવો.૩૮
આ ઉત્સવમાં કૂર્મસ્વરૂપે વિરાજતા શ્રીવાસુદેવ ભગવાનનું પૂજન કરવું. પૂજા કરનારે પોતાની શક્તિ પ્રમાણે સુવર્ણના કૂર્મ ભગવાન કરાવવા.૩૯
તેમનું ઉપરનું અંગ મનુષ્યાકારે કરવું અને નાભીથી નીચેનો ભાગ કૂર્મનો કરવો. ઉપર બે ભૂજા કરવી. તેમાં જમણા હાથમાં શંખ અને ડાબા હાથમાં ગદા ધારણ કરાવવી.૪૦
પછી સર્વતોભદ્રમંડલની રચના કરી તેમાં પ્રાપ્ત થયેલા ઉપચારોથી તેમનું પૂજન કરવું. નૈવેદ્યમાં શ્વેત ચુરમાના લાડુ અર્પણ કરવા, બાકીનો વિધિ હમેશના પ્રમાણે જ છે તે જાણવું.૪૧
હે પુત્રો ! આ વૈશાખ સુદ બીજથી આરંભીને જેઠસુદ દશમના ગંગોત્સવ પર્યંત દરરોજ ભગવાનને પૂજનમાં સાકરે યુક્ત આંબલીવાળું જળ ગાળીને અર્પણ કરવું.૪૨
તેમજ નૈવેદ્યમાં દરરોજ ઉત્તમ દહીંસાકર અર્પણ કરવા ને કૂર્મ જન્મોત્સવના દિવસે કૂર્મ ભગવાનના પ્રાદુર્ભાવની કથા ગાવી અને સાંભળવી અને પૂજન પછી ભોજન કરવું.૪૩
શ્રીપરશુરામ જન્મોત્સવ અને ચંદનયાત્રા ઉત્સવ :- હે પુત્રો ! વૈશાખમાસના સુદ પક્ષની તૃતીયાના દિવસે પુનર્વસુ નક્ષત્રમાં દિવસના આઠમા મુહૂર્તમાં રાહુ મિથુન રાશિમાં સ્થાન પ્રાપ્ત કરતાં ને છએ ગ્રહો પોતપોતાના ઉચ્ચ સ્થાને હતા ત્યારે જમદગ્નિ ઋષિથકી રેણુકાદેવીને વિષે પરશુરામ ભગવાન પ્રગટ થયા.૪૪-૪૫
બુદ્ધિમાન પુરુષોએ ત્રીજને દિવસના પૂર્વના ભાગે વ્યાપ્તિ હોય તેવી પરશુરામ ભગવાનના પૂજનમાં ગ્રહણ કરવા યોગ્ય માનેલી છે. જો તૃતીયા બે હોય અને બન્ને પૂર્વના ભાગમાં વ્યાપ્તિ હોય તો બીજી તૃતીયા ગ્રહણ કરવી.૪૬
અને બપોરના સમયે શ્રીવાસુદેવ ભગવાનની પરશુરામરૂપે મહાપૂજા કરવી, પછી જ ભોજન કરવું.૪૭
અથવા પૂજન કરનારે પોતાની શક્તિ પ્રમાણે ક્રોધથી પહોળા થઇ ગયેલા નેત્રોવાળા સુવર્ણની પરશુરામ ભગવાનની દ્વિભુજ મૂર્તિ કરવી અને હાથમાં પરશુ અને મસ્તક ઉપર જટા ધારણ કરેલી કરવી.૪૮
તેમની પૂજા પણ પૂર્વવત્ મંડપ કરાવીને કરવી ને દિવસે પરશુરામ ભગવાનના ચરિત્રોનું ગાયન કરવું.૪૯
આજે અક્ષયતૃતીયાના દિવસે જ ચંદનયાત્રા મહોત્સવ હોવાથી આજથી આરંભીને જેઠસુદ પૂનમના સ્નાનયાત્રા ઉત્સવ પર્યંત નિત્યે ભગવાનને સુગંધીમાન ચંદનનો લેપ કરેલાં વસ્ત્રો ધારણ કરાવવાં અને શ્વેતવસ્ત્રો પણ ધારણ કરાવવાં.૫૦
વળી પૂજા કરનારે નવીન રમણીય તાલપત્રના વીંઝણાથી નિરંતર પવન ઢોળવો.૫૧
દરરોજના નૈવેદ્યમાં કેરીનો રસ અને સાકર અર્પણ કરવાં. બાકીનો વિધિ હમેશ પ્રમાણે કરવો.૫૨
શ્રીનૃસિંહજયંતી ઉત્સવ :- હે પુત્રો ! વૈશાખ માસની સુદ ચૌદશના દિવસે સોમવારે સ્વાતિ નક્ષત્રમાં હિરણ્યકશિપુનો વધ કરવા માટે નૃસિંહ અવતાર થયો છે.૫૩
સૂર્યોદય સમયે તેરસના વેધ વિનાની ચૌદશ હોય તેજ શુદ્ધ ચૌદશ નૃસિંહ જન્મોત્સવમાં ગ્રહણ કરવી. જો આવી ચૌદશ બે શુદ્ધ હોય તો પહેલી ગ્રહણ કરવી. અને જો ચૌદશનો ક્ષય હોય તો તેરસના વેધવાળી પણ ગ્રહણ કરવી.૫૪
આજે સાયંકાળ સમયે નૃસિંહ ભગવાનના નામથી શ્રીકૃષ્ણ ભગવાનનું શોભાયમાન ઉપચારોથી પૂજન કરવું, પૂજાને અંતે પારણાં કરવાં. કારણ કે આજે ઉપવાસ કરવાનું શાસ્ત્રોમાં વિધાન હોવાથી કેટલાકે ઉત્સવ પછી પણ પારણાં ન કરવાં, અને કેટલાકે ઉત્સવ પછી પારણાં કરવાં, આવું વિધાન કરેલ હોવાથી આપણા ઉદ્ધવસંપ્રદાયનો નિર્ણય એ છે કે, સમર્થ હોય તેમણે ઉપવાસ કરવો અને અસમર્થ હોય તેમણે ફલાહાર કરવું. પરંતુ અન્ન તો કોઇએ જમવું નહિ.૫૫
જો પૂજા કરનારને નરસિંહ સ્વરૂપમાં જ ભગવાનની પૂજા કરવાની ઇચ્છા હોય તો પોતાની શક્તિ પ્રમાણે સુવર્ણની ભયંકર નરસિંહદેવની મૂર્તિ કરાવવી.૫૬
તેના ખભા, કેડ અને કંઠ પુષ્ટ ભરાવદાર કરવાં, ઉદર કૃશ કરવું, મુખારવિંદ કેશરીસિંહના જેવું કરવું. અને બાકીનું શરીર સર્વ આભૂષણોથી વિભૂષિત મનુષ્યાકૃતિ કરવું.૫૭
અગ્નિની શિખાઓથી વ્યાપ્ત મુખ, લબકારા કરતી જીભ, ભયંકર દાંત અને ડાઢો કરવી. તથા તીક્ષ્ણ નખથી હિરણ્યકશિપુનું વક્ષઃસ્થળ વિદારતા હોય એવા નૃસિંહ ભગવાનની મૂર્તિ કરાવવી.૫૮
તે મૂર્તિની મંડપના મધ્યે વિધિપૂર્વક પૂજા કરવી ને નૈવેદ્યમાં ઘણા બધા ખાજાઓ તથા વડાનું નૈવેદ્ય કરવું.૫૯ પૂજા સમયે નૃસિંહ પ્રાગટયના પદોનું ગાયન કરાવવું. આ પ્રમાણે કરવું બાકીનો વિધિ પૂર્વવત્ જાણવો.૬૦
હે પુત્રો ! આ પ્રમાણે મેં ફાગણ, ચૈત્ર અને વૈશાખ માસમાં આવતા ઉત્સવો તમને જણાવ્યા, હવે પછી જેઠ, અષાઢ અને શ્રાવણ માસમાં જે ઉત્સવો આવે છે તેનો વિધિ તમને કહું છું.૬૧
આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં શ્રીહરિએ ફાગણ, ચૈત્ર અને વૈશાખ માસમાં આવતા ઉત્સવોનું નિરૂપણ કર્યું એ નામે સાઠમો અધ્યાય પૂર્ણ થયો. --૬૦--