રાગ : ગરબી
પદ-૧
જમો મારા નાથ જુગતી કરીને રે, રહે છે જોઈ જોઈ નયણાં ઠરીને. જમો.
રૂડો ચંદન પાટ ઢળાવું રે, જળ જમુનાજીનાં મંગાવું રે,
અંગ ચોળી અત્તર નવરાવું. જમો૦ ૧
કાજુ ઓરડાની ઓસરીએ રે, પ્રેમે પાથરણાં પાથરીએ રે,
આગે બાજોઠ કનકનો ધરીએ. જમો૦ ૨
પ્રીતે નવલ પીતાંબર પહેરો રે, હેતે સહિત મનોહર હેરો રે,
પુરૂં થાળ હું કંચન કેરો. જમો૦ ૩
તાજા લાખણસાઈ મોતૈયા રે, તળીયા મગદળ ને સેવૈયા રે,
કોડે કોડે આરોગો કનૈયા. જમો૦ ૪
ખીર લાપસી સુંદર ખોરી રે, બિરંજ સેવ કંસાર કચુરી રે,
પુડા માલપુવા શીરા પુરી. જમો૦ ૫
દુધપાક જલેબીને ખાજાં રે, તળીયા મોદક ઘેબર તાજાં રે,
રૂડાં જાદરીઆં ઘૃત ઝાંઝા. જમો૦ ૬
સાટા બરફી પતાસાં સાબેણી રે, ઠોર મરકીને રોટલી ઝીણી રે,
હલવો સક્કપારા સુત્રફેણી. જમો૦ ૭
હેત ઝાઝે હું પીરસું હરખી રે, થઈ જાઉં છું દીવાની સરખી રે,
બ્રહ્માનંદના વહાલા તમને નિરખી. જમો૦ ૮
પદ-૨
આરોગોને લાલજી લટકાળા રે, મીઠાબોલા અતિ મરમાળા. આરોગો૦
તળીયાં નૌતમ ઘૃતમાં નિપજીયાં રે, રૂડાં અડદવડાં મન રજીયાં રે,
તમને ભાવે છે સુંદર ભજીયાં. આરોગો૦ ૧
તાન માન સર્વ એક ત્રાજુ રે, સ્વાદુ ફરતે એક બાજુ રે,
કડી તીખી ને ગાંઠીયા કાજુ. આરોગો૦ ૨
ફરસાણ ફુલવડી મંગાવુ રે, તાજા ચોળા ચણા તે તળાવું રે,
વહાલા જમતા તે ત્યાગી ન થાવું. આરોગો૦ ૩
ટાંકો સુવાને તાંદળજાની ભાજી રે, તળી અળવી મેથીવળી તાજી રે,
રસિયા જમો થઈ રાજી. આરોગો૦ ૪
લુણી લાલરો વિણીને લાવી રે, તાજી પાનલી ચીલ તળાવી રે,
કણંજ પણજ તે ત્યાર કરાવી. આરોગો૦ ૫
મુળા મોગરી તળીયલ કોળું રે, નાખ્યું પરવળમાં ઘૃત બહોળું રે,
વૃંતાક ને નવીન વાલોળું. આરોગો૦ ૬
તાજી સુરણની તરકારી રે, વળી કઢી તે લવીંગે વઘારી રે,
ચોળા ગ્વારફળી છમકારી. આરોગો- ૭
વા ઢોળું હું વિંઝણો લઈને રે, માગી લેજો જોઈએ તે કહીને રે,
બ્રહ્માનંદ કહે જમો ધીરા રહીને. આરોગો૦ ૮
પદ-૩
જમો જમો ગુણવંતા ગિરધારી રે, મનુવાર માનો વહાલા મારી. જમો૦
ભીંડી ડોડી રતાળુ રૂડાં રે, ચોંપ રાખી કર્યા ચીચુડાં રે,
ઘીમાં ખૂબ તળ્યાં છે ઘીસુડાં. જમો૦ ૧
ભરતાં સેજરાં સ્વાદ ભરેલાં રે, તાજાં તુરીયાં નૈયાં તળેલાં રે,
કુંભી શાક કંકોડાં કારેલાં. જમો૦ ૨
કુણાં ચીભડાં તીંડસ લેરાં રે, દહીં રાઈતાં સુંદર ઘેરા રે,
કીધાં શાક તે કોચલાં કેરાં. જમો૦ ૩
મઠ કણકને નીલવા મળિયા રે, કાજુ પાપડ ખાસા તળીયા રે,
પ્રીતે સહિત આરોગો પાતળિયા. જમો૦ ૪
અંબકેરી મુરબ્બો આણું રે, લીંબુ ગરમર મરચાં ખટાણું રે,
આદાં કમરખ કેરૂં અથાણું. જમો૦ ૫
કુંણા વાંસતણી કાતળિયું રે, કાજુ ચટણી કટેરની કળિયું રે,
વળી કેરાં કાંચરિયું તળિયું. જમો૦ ૬
દાળ અડદ ચણા કેરી ન્યારી રે, મગ ચળા તુવેર વિધિ સારી રે,
ભુંજુ ઘૃતમાં લેહેજત અતિ ભારી. જમો૦ ૭
દયા દીનને ઉપર આણી રે, પીજો જમતા થોડું થોડું પાણી રે,
બ્રહ્માનંદ જાયે કુરબાણી. જમો૦ ૮
પદ-૪
વહાલા મારા જમીએ વનમાળી રે, હૈડું હરખે છે ભુધર ભાળી. વહાલા૦
આંબાસાળને સુત્ર ત્રિપાંખી રે, કીધો ભાત કેસર માંહી નાખી રે,
જમતા નિરખી ઠરે મારી આંખી. વહાલા૦ ૧
આંબા રસને કેળાં ધર્યા આગી રે, માંખણ સાકર લેજો માગી રે,
દયા કરીને મ થાજો ત્યાગી. વહાલા૦ ૨
છુટી ખીચડી રાંધી છે ખાંતે રે, તાજું ઘૃત પીરસ્યું રૂડી ભાતે રે,
મારા નાથજી જમજો નિરાંતે. વહાલા૦ ૩
સારો કરમલડો સખરાણું રે, દહીં લેજો ઝાઝું છે દુઝાણું રે,
કહાના જમતા ન કરીએ ધિંગાણું. વહાલા૦ ૪
મીઠા દૂધનો કીધો છે માવો રે, હાથે સાકર નાખી હલાવો રે,
ચોખા લઈને પ્રીતમજી શીરાવો. વહાલા૦ ૫
સુગંધી કાલિન્દ્રીનાં વારી રે, ભરી કંચન કેરી ઝારી રે,
ચળુ કીજીએ દેવ મુરારી. વહાલા૦ ૬
તાજાં પાન કાથો ચુનો લાવું રે, તજ લવીંગ સોપારી ચુરાવું રે,
બીડી લઈ મુખવાસ કરાવું. વહાલા૦ ૭
ચર્ચું કેસર ચંદન સારું રે, શણગારીને આરતિ ઉતારૂં રે,
બ્રહ્માનંદ કહે ઘડી ન વિસારૂં. વહાલા૦ ૮