રાગ સામેરી- સદબુદ્ધિ દ્યો સ્વામી મુને, શ્રીહરિ સહજાનંદ । અલ્પમતિયે ગુણ ગાઉં, સહાય કરો સુખકંદ ।।૧।।
એકસમે મીનસાગરે, ત્રિખુણી ખેતરમાંયે । મકૈ ચીભડાં ભેગાં વાવ્યાં, વશરામજીયે ત્યાંયે ।।૨।।
ચીભડીયે ચીભડાં બેઠાં, ચાખી જોયાં તેણીવાર। વિખસર્ખાં કડવાં થયાં, કરે છે મન વિચાર ।।૩।।
ઘેર આવી ભક્તિમાતાને, કેવા લાગ્યા નિરધાર । ચીભડી તો થૈછે ઘણી પણ, કડવી છે તે અપાર ।।૪।।
મીઠાં હોત તો ખાત સર્વે, મોટાં નાનાં જે બાલ । એમ કહી થયા ઉદાસી, ત્યારે બોલ્યા દયાળ ।।૫।।
જુવો મામા હું લેઇ આવ્યો, ચીભડાં આણી વાર । સુધારી સહુ ચાખી જુવો, કડવાં નથી લગાર ।।૬।।
એમ કહી સુધારી દીધાં, વેંચી આપ્યાં અવિનાશ । અમૃત જેવાં મીઠાં લાગ્યાં, હરિ લીધી કડવાશ ।।૭।।
શ્યામનો પ્રતાપ જોઇને, વિસ્મય પામ્યા વશરામ । પ્રભુપણાનો નિશ્ચય થયો, દેખી અદ્બૂત કામ ।।૮।।
ઘનશ્યામને સાથે લેઇ, ગયા તે ખેતરમાંયે । ચીભડાં સર્વે ચાખી જોતાં, મીઠાં નીકળ્યાં ત્યાંયે ।।૯।।
બહુનામી વળી બોલિયા, સુણો મામા સદમત્ય । પ્રથમ મુને જમાડવા, તમે વિચાર્યું તું સત્ય ।।૧૦।।
માટે ચીભડાં મીઠાં થયાં, સમજો એમ સદાય । દેવને અર્પણ કરીયે, તો કરે આપણી સાય ।।૧૧।।
પ્રભુનાં એ વચન સુણી, મામા થયા છે પ્રસન્ન । ચીભડાં લઇ શ્યામ સાથે, આવ્યા નિજ સદન ।।૧૨।।
ભક્તિધર્મ જોખન આદિ, બીજાં સઘળા જન । જમાડયાં ચીભડાં સહુને, વિચારી શુભ મન ।।૧૩।।
મંછારામની માતુ બોલ્યાં, સુણો પુત્ર કહું કામ । આપણાં ખેતરમાંથી, બગાડે છે ઘનશ્યામ ।।૧૪।।
ના કેજો તે આવે નહિ, ખેતરમાં કોઇ દિન । એ વાત અંતર્યામિપણે, જાણી ગયા જીવન ।।૧૫।।
ચીભડીયો સુકાવી દીધી, ખેતરમાંથી તમામ । તે જોઇ સહુ કેવા લાગ્યાં, કેમ થયું આ કામ ।।૧૬।।
ત્યારે મંછારામ ઉચર્યા, એતો જાણે ભગવાન । ઘનશ્યામજી પાસે હતા, તે બોલી ઉઠયા નિદાન ।।૧૭।।
હા ભાઇ એ સાચી વાત છે, પ્રભુ જાણે તે મર્મ । બીજો કોઇ શું જાણી શકે, કારણનો અનુક્રમ ।।૧૮।।
આવું મર્મનું વાક્ય સુણી, સમજ્યા છે વશરામ । ઘનશ્યામજી તમ વિના, નથી બીજાનું આ કામ ।।૧૯।।
હવેથી હમેશ લાવજ્યો, જેમ રાજી થાવો મન । મકૈ ચીભડાં સારી પેઠે, જમજ્યો પ્રાણજીવન ।।૨૦।।
તે સુણીને માતાપિતાને, લાવી જમાડે નિત્ય । વેણી માધવ પ્રાગ આદિ, તેને આપે કરી પ્રીત ।।૨૧।।
જે જે ખેત્રમાં હરિ ફર્યા, જમ્યા છે ચીભડાં આપ । તે તે ખેત્રમાં ઘણું પાક્યું, હરિઇચ્છાથી અમાપ ।।૨૨।।
વળી ગાય છે એક ગોમતી, સગ્દુણવાળી સાર । દુહેછે ત્યારે એકટંકે, દુધ આપે શેર ચાર ।।૨૩।।
તે ઘનશ્યામને વહાલી છે, એને વ્હાલા ઘનશ્યામ । તેની પરીક્ષા જોવા લાગ્યાં, સુવાસિનીબાઇ નામ ।।૨૪।।
એકસમે ધર્મદેવને, સાથે ત્રણ કુમાર । જમવા બેઠા જોડાજોડે, રસોડામાં તે વાર ।।૨૫।।
સુવાસિનીયે થાળ પીરસ્યા, ભોજન નાનાપ્રકાર । ન્યૂનાધિક પય આપ્યું છે, લેવા પરીક્ષા સાર ।।૨૬।।
ધર્મ ને રામપ્રતાપને, આપ્યું છે શેર શેર । ઇચ્છારામ ને શ્રીહરિને, દીધું દુધ એક શેર ।।૨૭।।
ભક્તિમાતા આદિક સર્વે, જમીને થયાં તૈયાર । સુવાસિની બાઇ ગયાં છે, ગાય દોવા નિરધાર ।।૨૮।।
બશેર દુધ તે ટાંણે દીધું, કરી માતાને વાત । માતા કે તમે જમાડયામાં, કર્યો હશે પક્ષપાત ।।૨૯।।
હતી તેવી વાત કહી, માતાજીને તે સત્ય । ફરીને પણ એમ કરી, દોહવા બેઠાં સદમત્ય ।।૩૦।।
તારે તો એક શેર આપ્યું, વધુ ન દીધું લગાર । વળી માતાને વાત કરી, વિસ્તારી ને એ સાર ।।૩૧।।
મૂર્તિ કે સુવાસિની તમે, પીરસો સહુને સમાન । ત્યારે ચાર શેર આપશે, એ ગાય છે ગુણવાન ।।૩૨।।
પછે જ્યારે જમવા બેઠા, ધર્મ સહિત કુમાર । ચારેને સરખું દુધ આપ્યું, ત્યારે દીધું શેર ચાર ।।૩૩।।
તે સતીએ જાણ્યો મહિમા, ઘનશ્યામનો અપાર । શીશ નમાવી સ્તુતિ કરે, વંદેછે વારમવાર ।।૩૪।।
ગાયની ત્યાં કરી પરીક્ષા, સમજીયા સહુ સાર । શ્રીહરિવરની માયાનો, પામે નહિ કોઇ પાર ।।૩૫।।
ઘણા ગુણ છે એ ગાયમાં, શું વખાણું આણી વાર । જ્યારે જેટલી વાર બેસે, દુધ આપે શેર ચાર ।।૩૬।।
ખાતાં પીતાં ચોથે દિવસે, કરે વલોણું જે વાર । તો પણ એના એ પ્રમાણે, ઘી ઉતરે શેર ચાર ।।૩૭।।
સુવાસિની હરિ આગળ, સ્તુતિ કરે જોડી કર । હે દયાળુ હે હરિકૃષ્ણજી, ક્ષમા કરો મુજ પર ।।૩૮।।
સુરભીનો સ્નેહ જોવા સારૂં, મેં કર્યું આ કામ । દોષ ન જોશો મમ વિષે, દીનબંધુ ઘનશ્યામ ।।૩૯।।
સુરભીનો જે સ્નેહ છે, તેવો મારે થજ્યો મહારાજ । તવ મૂર્તિમાં નિશદિન, ભક્તિ આપો મુને આજ ।।૪૦।।
તવ રૂપનું દિવ્ય ભાવથી, હું ધરૂં નિત્યે ધ્યાન । મનુષ્ય બુદ્ધિ ન આવે મુને, એ આપો વરદાન ।।૪૧।।
મધુર ને કોમળ વાણી, સાંભળી દીનદયાળ । ભાભીને વરદાન આપ્યાં, કૃપા કરી તતકાળ ।।૪૨।।
ઇતિ શ્રી મદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિએ ચીભડી મીઠી કરી એ નામે છત્રીશમો તરંગ ।।૩૬।।