તરંગ - ૪૮ - શ્રી હરિયે સુવર્ણની વાળી કંદોઇને આપીને તેની મિઠાઇ ખાધી એ નામે અડતાલીશમો

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 10:13am

 

પૂર્વછાયો- કર્તા અકર્તા અન્યથાકર્તા, સમર્થ શ્રી ઘનશ્યામ । વિષ્ણુ વિધિ વૈરાજ સરખા, જપે નિત્ય જેનું નામ ।।૧।।

બાળલીલાસાગરનું, કુંણ કરી શકે વર્ણન । લાલાતણી અદ્બુત લીલા, ન જાણે ૧પંચવદન ।।૨।।

શંકા ન કરવી કોઇને, પ્રભુલીલામાં આજ । કર જોડી કરું કાલાવાલા, સ્વીકારજ્યો શુભ કાજ ।।૩।।

રસિકજન રસ પિયે, મૂઢ ન સમઝે મર્મ । ગ્રંથી કરે ગુણી જનતો, પ્રગટના ગુણ કર્મ ।।૪।।

કોટી અંડાધીશ શ્રીહરિ, સ્વામી સહજાનંદ । કષ્ટહર્તા મોક્ષદાતા, ઉધારણ સુખ કંદ ।।૫।।

શેષાદિ ગુણ ગાય જેના, પામે નહિં તે પાર । ત્યારે બીજાનું શું ગજું છે, સમજવાનું સાર ।।૬।।

માટે પ્રફુલ્લ મનવડે, સુણો બાળચરિત્ર । સાકરનુંજ શ્રીફળ છે, ત્યાગભાગ નથી મિત્ર ।।૭।।

ચોપાઇ- શ્રોતા સુણો એકચિત્તે કરી, બીજું ચરિત્ર કહું છું ફરી । એક સમયમાં ધર્મદેવ, સ્નાન કરવા ગયા તતખેવ ।।૮।।

જન્મસ્થાનકમાં જેહ કૂપ, તેના ઉપર બેઠા અનૂપ । સ્નાન આચર્યું નિર્મલ મન, કર્યું પોતાનું તન મંજન ।।૯।।

પછે પેર્યાનું જે પટકુળ, સુવાસિની લાવ્યાં સાનુકુળ । પછે સતી વિચારે તે ઠામ, મારા સસરાનું ધર્મ નામ ।।૧૦।।

સર્વલોક કરી મનભાવે, ધર્મદેવ કહીને બોલાવે । પણ ધર્મને મુખ ચતુર, હોય તેટલા હાથ જરૂર ।।૧૧।।

વળી ચર્ણતો કહે છે ચાર, અષ્ટનેત્ર રુડાં હોય સાર । વૃષદેવનું તનુ અનૂપ, એવું શાસ્ત્રમાં કેછે સ્વરૂપ ।।૧૨।।

નથી દેખતી હું કોય દિન, મુજ શ્વસુરનું એવું તન । એવો સંક્લ્પ કરે છે જ્યાંય, ધર્મદેવવિષે મનમાંય ।।૧૩।।

વસ્ત્ર લઇને ત્યાંથી જરૂર, પછે પેરે છે જઇ તે દૂર । નિજ પુત્ર ઇચ્છાયે તે વાત, ધર્મદેવે જાણી છે સાક્ષાત ।।૧૪।।

સત્યસંકલ્પ કરવા સારૂં, ધર્મે મૂલસ્વરૂપ ત્યાં ધાર્યું । ધર્મશાસ્ત્ર ગ્રહ્યું એક હાથ, બીજે કનકઝારી છે સાથ ।।૧૫।।

કર્યો સંપુટ બે કર સાર, કરે હરિની સ્તુતિ અપાર । પોતાના પુત્ર જે ઘનશ્યામ, તેની સ્તુતિ કરે તેહ ઠામ ।।૧૬।।

દીધાં અદ્બુત એવાં દર્શન, સુવાસિની થયાં છે પ્રસન્ન । કહે અવધપ્રસાદ વાત, એવાં સુવાસિની મુજ માત ।।૧૭।।

પાસે આવીને બે કર ભામી, કરે પ્રારથના શિર નામી । પુત્રવધૂને દાદા કહે છે, શું વિચાર તમોને રહે છે ।।૧૮।।

ધર્મભક્તિ અમારું છે નામ, પુત્રરૂપે થયા ઘનશ્યામ । તે છે સાક્ષાત અક્ષરપતિ, પુરૂષોત્તમ જે ગૂઢગતિ ।।૧૯।।

અમો મુનષ્યરૂપે દેખૈયે, તવ સુખમાટે અમે રૈયે । એ સમઝી લેજ્યો તમે મન, પછે હતું તેવું ધર્યું તન ।।૨૦।।

વિસ્મે પામ્યાં સુવાસિનીબાઇ, વખાણે છે ધર્મની વડાઇ । સુંદરીબાઇ ને મૂર્તિમાત, એ આદિને કહી સહુ વાત ।।૨૧।।

વળી સુણો વ્હાલાનું ચરિત્ર, અતિપાવન પુન્ય પવિત્ર । ઉત્તમ માસ અધિક આવ્યો, સર્વે દંપતિને મન ભાવ્યો ।।૨૨।।

હીરા ત્રવાડી ને વશરામ, ધાર્યું અધિક માસમાં કામ । વળી પુરનાં જન અશેષ, લીધો નાવાનો નિમ વિશેષ ।।૨૩।।

મલમાસમાં નાવું છે સત્ય, નારાયણસરોવરે નિત્ય । એક દિવસ વાલિડો વ્હેલા, નાઇ ઘેર આવ્યા સહુ પેલા ।।૨૪।।

સુવાસિનીને કે ભગવન, મુજ વાક્ય ધરો એક મન । અમને લાગી છે ઘણી ભુખ, જમવા આપો તો થાય સુખ ।।૨૫।।

રેવતીજી કહે સુણો ભાઇ, હાલ બેસો થોડી વાર આંઇ । દાળભાત થાયછે તૈયાર, કરૂં રોટલી એટલી વાર ।।૨૬।।

હરિ કે ઘડીયે ન ખમાય, મારું મન ભુખે અકુળાય । ઘણી ક્ષુધા તે લાગી છે આજ, માટે ખાવા આપો સુખસાજ ।।૨૭।।

એવું કૈને લાંબા કર્યા ચરણ, ઘસવા લાગ્યા અશરણશરણ । નાકે પેર્યાની વાળી તમારી, લેઇ જાવા મતિ થઇ મારી ।।૨૮।।

એવું કૈને વાળી લઇ લીધી, ભોજાઇને દલગીર કીધી । બહુનામી આવ્યા ઘરબાર, કેડે ભાભી દોડયાં તેણીવાર ।।૨૯।।

ભાઇ લાવો તમે મારી વાળી, વિશ્વંભર તમે હદ વાળી । દોડી ઉભા કુવાને કિનારે, ત્યાં રહીને બોલ્યા પ્રભુ ત્યારે ।।૩૦।।

હે ભાભી આ વાળી પાસે મારે, તેમાં વર્તિ લાગી છે તમારે । જઇ આપું કંદોઇને ઘેર, બર્ફી ખાશું એની રુડી પેર ।।૩૧।।

તમારી રોટલી નથી ખાવી, ભલી વાળી મારે હાથ આવી । એવું કૈને પ્રભુ નાશી ગયા, મિઠૈવાળાને ત્યાં ઉભા રહ્યા ।।૩૨।।

વાળી આપીને મિઠાઇ લીધી, તેને જમવા મરજી કીધી । વેણી માધવ રામ પ્રયાગ, નાનાભાઇ સાથે છે સોહાગ ।।૩૩।।

સર્વને લઇ ત્યાંથી સધાવ્યા , મીનસાગર ઉપર આવ્યા । મધુવૃક્ષહેઠે તેણી વાર, સખા સંગે બેઠા ચંદ્રાકાર ।।૩૪।।

જમીને તૃપ્ત થયા જીવન, પછે આવ્યા છે નિજભુવન । ધર્મભક્તિ કરીને ત્યાં સ્નાન, તેહ ઘેર આવ્યા ભગવાન ।।૩૫।।

ત્યાં તો રસોઈ થઇ તૈયાર, ધર્મદેવે બોલાવ્યા કુમાર । ત્રૈણે પુત્રને લઇને સંગે, જમવા સારૂં બેઠા ઉમંગે ।।૩૬।।

પિતાપુત્ર જમી રહ્યા ત્યાંયે, પાનબીડાં લીધાં મુખમાંયે । આંબલી હેઠે ચોતરો જેહ, તેના ઉપર બેઠા છે તેહ ।।૩૭।।

ભક્તિમાતા સુવાસિનીબાઇ, બે જમવા બેઠાં ઘરમાંઇ । વાળી દેખી નહિ વધૂપાસ, માતાયે પુછયું કરી હુલ્લાસ ।।૩૮।।

વધૂ કયાં ગઇ તમારી વાળી, આજ નાકે પેરી નથી ભાળી । સુવાસિની કહે સુણો માત, પુછો ઘનશ્યામને એ વાત ।।૩૯।।

ત્યારે બોલાવ્યા માતાયે પાસ, પુછે વાળીની વાત હુલ્લાસ । તમારાં પોતે ભોજાઇ સહી, તેની વાળી લીધી છે કે નહીં ।।૪૦।।

લાલ કહે મેં લીધી છે વાળી, રોટલી જમવા નવ આલી । એ આપી હલવાઇના ઘેર, મિઠાઇ ખાધી છે રુડી પેર ।।૪૧।।

માતા કે લાગે ભુખ તમને, પેલેથી કેજ્યો આવી અમને । જમ્યાનું કરી આપીશું હાલ, વસ્તુ લેવું નહિ કોઇ કાળ ।।૪૨।।

આમ કર્યાથી ઇજ્જત જાય, કરે લોક તમારી નિંદાય । માતા એવી શિખામણ દેછે, શ્યામ સુણીને ધ્યાનમાં લેછે ।।૪૩।।

એટલામાં ઇચ્છારામભાઇ, માગે પાણી પીવા સારું ત્યાંઇ । જળનો કટોરો કર લઇ, ચોતરા ઉપર આવ્યાં સઇ ।।૪૪।।

બેઠા છે ધર્મદેવની જોડે, માતાયે પાણી પાયું છે કોડે । પછે જોયું માતાયે તે સ્થળ, શ્રીહરિ બેઠા છે ત્યાં અકળ ।।૪૫।।

જુવે છે ઓસરી સામું માતા, ત્યાં તો ઉભા દીઠા જગત્રાતા । માતા વિસ્મે પામ્યાં છે અનૂપ, જોયાં હરિનાં બન્ને સ્વરૂપ ।।૪૬।।

માતાયે દેખ્યું એવું ચરિત્ર, વિચારે મન પુન્ય પવિત્ર । ધર્મ ગયા છે કંદોઇ પાસ, વાળી લાવી આપી સુખરાશ ।।૪૭।।

આપી જોખનભાઇને હાથ, આવી લીલા કરે યોગીનાથ । પ્રેમવતીયે પુછયું ફરીને, સુખકારી વિહારી હરિને ।।૪૮।।

તમે એક થકા ઘણા રૂપે, જણાવો છો સુંદર સ્વરૂપે । સાચી વાત કરો તે અમને, એનું કારણ પુછું છું તમને ।।૪૯।।

ત્યારે બોલ્યા પ્રગટ પ્રમાણ, માત સુણો કહું મુજ વાણ । અક્ષરપતિ પુરૂષોત્તમ, પૂર્ણબ્રહ્મ અમે તો ઉત્તમ ।।૫૦।।

તમારા સ્નેહે બંધાણા છૈયે, માટે આજ્ઞા વિષે અમો રૈયે । કરું છું માનુષી લીલા આજ, કરવા અનેકના મોક્ષકાજ ।।૫૧।।

એવું સુણીને સત્યવચન, ધર્માદિ થયા સર્વે પ્રસન્ન । ભક્તિમાતા સુવાસિનીબાઇ, વળી રાજી થયા મોટાભાઇ ।।૫૨।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રી હરિયે સુવર્ણની વાળી કંદોઇને આપીને તેની મિઠાઇ ખાધી એ નામે અડતાલીશમો તરંગઃ ।।૪૮।।