પૂર્વછાયો - કલ્યાણકારી પુર છુપૈયા, સેવે જે કોઇ નરનાર । કોટી જન્મનાં પાપ નાશે, પામે ભવજળ પાર ।।૧।।
પુરૂષોત્તમ જ્યાં પ્રગટયા, એવું નથી કોઇ સ્થાન । તીર્થ સઘળાં કરે પણ, નાવે છુપૈયા સમાન ।।૨।।
જપ તપ યોગ સાધન, ભલે કરો અનુષ્ઠાન । કોટિમા ભાગે સત્ય કહું, નાવે છુપૈયા સમાન ।।૩।।
ચોપાઇ - હવે શ્રીહરિ છુપૈયામાંયે, બાળલીલા કરે બહુ ત્યાંયે । એક દિવસ વેણીના સંગે, રમતા સતા ગયા ઉમંગે ।।૪।।
વેણીના ઘરમાં કોઇ નથી, એવું નકી કર્યું છે મનથી । પેઠા જઇને ઘરમોઝાર, વેણીરામ સહિત તે વાર ।।૫।।
છાનામાના બન્ને જણ પેઠા, નિજ સખાની માતાએ દીઠા । જોતા જોતામાં ગયા છટકી, લક્ષ્મીબા ઉભાં રહ્યાં અટકી ।।૬।।
પડયો પેટમાં બહુ ડબકો, દેવા ચાલ્યાં માતાને ઠબકો । છોટીબાના સુત ઘનશ્યામ, કરે છે તે નિત્ય એવું કામ ।।૭।।
ઘૃત માંખણ દહી ખૈ જાય, ચોરી કરે છે એહ સદાય । એવું કહીને રીસ ચડાવી, પ્રેમવતી માતા પાસે આવી ।।૮।।
છોટીબા ઘનશ્યામને વારો, કરે છે ભંજવાડ તે મારો । દધી દુધ આદિ જે કેવાય, ચોરી કરીને એ ખાઇ જાય ।।૯।।
મારા ઘરમાં આવીને પેઠા, આજ મેં મારી નજરે દીઠા । ત્યારે બોલ્યાં સુવાસિનીબાઇ, નથી આવ્યા ઘનશ્યામભાઇ ।।૧૦।।
તમારા સુત જે વેણીરામ, નિત્ય કરે છે તે એવું કામ । ઘણીખરી ચીજો લઇ જાય, વળી ખાવાનું હોય તે ખાય ।।૧૧।।
તોય અમે કેતાં નથી કાંઇ, ઠબકો દેવા આવ્યાંછો આંઇ । ચોર વિપરીત દંડે જેમ, લક્ષ્મીબા તમે કરો છો એમ ।।૧૨।।
પરસ્પર બોલે માંહોમાંયે, ભક્તિમાતાજી વારે છે ત્યાંયે । બેઉને શાન્ત પમાડયાં મન, પછે બોલ્યાં માતાજી વચન ।।૧૩।।
હવે લક્ષ્મીબાઇ સુણો તમે, સત્ય વાક્ય કૈયે છૈયે અમે । ચોરી કરવા આવેજો નાથ, પકડી બાંધી દેજ્યો બે હાથ ।।૧૪।।
પછે કેમ કરી રેશે છાનું, ત્યારે સત્ય વાત અમે માનું । અમને જુઠી ન કેશો વાત, ખોટો કરશો નહિં ઉતપાત ।।૧૫।।
વેણીરામનું પકડું કાંડું, આજ બાંધી તમને દેખાડું । લક્ષ્મીબાઇ બોલ્યાં છે વચન, ચોરી કરતો નથી મારો તન ।।૧૬।।
ચોરીનું કામ ન કરે એમ, નથી આવડતું કોછો તેમ । પ્રેમવતીજી બોલ્યાં છે એવ, નથી શ્રીહરિને એવી ટેવ ।।૧૭।।
ચોરી કરે નહિં કોય દિન, રેછે મારી આજ્ઞાને આધીન । માંહોમાંય રાજી એમ થયાં, પોતપોતાનાં ઘરમાં ગયાં ।।૧૮।।
વિસારે પડવા દીધી વાત, પછે લીલા કરે જગતાત । એક દિવસ મધ્યાહ્ન કાળ, વેણીરામને ભક્તિના બાળ ।।૧૯।।
સાવચેત થયા છે તૈયાર, ગયા લક્ષ્મીબાઇતણે દ્વાર । ઘરમાં પેઠા જોઇને લાગ, આવ્યા શિકાને પાસે સોહાગ ।।૨૦।।
દધીનું ઠામ લીધું છે હાથ, ઝટ જમી ગયા બેઉં સાથ । સુતેલાં હતાં ત્યાં લક્ષ્મીબાઇ, જાગી જુવે નિજ ઘરમાંઇ ।।૨૧।।
ઉઠીને જેવાં ઝાલવા જાય, તેવા નાઠા છે બેઉં સખાય । પોતાના પુત્રને જાવા દીધા, ઘનશ્યામજીને ઝાલી લીધા ।।૨૨।।
લીધું દોરડું બાંધ્યા બે હાથ, રાજી રાજી થયાં મન સાથ । ભલા આવ્યા છો લાગમાં આજ, હવે ક્યાં જાશો કો મહારાજ ।।૨૩।।
લક્ષ્મીબાઇએ મારી છે હાક, છુપૈયાપુર ચડાવ્યું ૧ચાક । તમે સુવાસિની આવો અહીં, ચોર બાંધી મુક્યો જુવો સહિ ।।૨૪।।
નથી માનતા આ કોય સાચું, કામ આજ નથી રાખ્યું કાચું । નિત્ય ખાય છે આમને આમ, કરે છે જુવો ને એવાં કામ ।।૨૫।।
જાણ્યું જીવને બગડયું કાજ, હવે કેવી રીતે રેશે લાજ । બહુનામી બદલાઇ ગયા, વેણીરામ સ્વરૂપે તે થયા ।।૨૬।।
સુવાસિની આદિ બીજાં જન, આવી જુવેછે ધારીને મન । ઘનશ્યામ તો નથી દેખાતા, વેણીરૂપે થયા જગત્રાતા ।।૨૭।।
લક્ષ્મીબાઇને કે નરનારી, હે લક્ષ્મી તું તો જોને વિચારી। તમે બાંધ્યો છે આ વેણીરામ, ભાન ભુલ્યાં નથી ઘનશ્યામ ।।૨૮।।
બીજા લોક દેખે વેણીરામ, લક્ષ્મીબાઇ ભાળે ઘનશ્યામ । પોતાને ઘેર ધર્મકુમાર, ગોળ જમતા ત્યાં આવ્યા બાર ।।૨૯।।
સુવાસિની કહે લક્ષ્મીબાઇ, જુવો પેલા ઉભા રહ્યા ભાઇ । તમે તો બાંધ્યા છે વેણીરામ, હરિનું જુઠું બતાવો નામ ।।૩૦।।
તમારા માન્યામાં જો ન આવે, પુછી જુવો આ લોકને ભાવે । સઘળા લોકે કહ્યું ત્યાં સત્ય, તમે બાંધ્યો તમારો ૨અપત્ય ।।૩૧।।
લક્ષ્મીબાએ નક્કી કરી જોયું, વેણીરામ દેખ્યો મન પ્રોયું । જુઠાં પડયાં છે વેણીનાં માત, આતો આશ્ચર્ય દેખાણી વાત ।।૩૨।।
પકડયા તો હતા ઘનશ્યામ, હવે ક્યાંથી થયો વેણીરામ । વેણીરામ જાણી છોડી દીધો, જુવો કૃષ્ણે આ પ્રપંચ કીધો ।।૩૩।।
પામ્યાં આશ્ચર્ય પુરનાં જન, ગયાં પોતપોતાને ભવન । વળી એક સમે મોટાભાઇ, નેમ લીધો છે ચોમાસામાંઇ ।।૩૪।।
કરવું ૩સવિતાનું દર્શન, ત્યારે જમવું પોતાને અન્ન । એવો રાખ્યો છે નેમ કઠીણ, રામપ્રતાપજી છે પ્રવિણ ।।૩૫।।
આવ્યો શ્રાવણ માસ તે વાર, એલી મંડાણી છે દિન બાર । સૂર્ય ઉદય નવ દેખાયો, આકાશ વાદળથી છવાયો ।।૩૬।।
ઘનઘોર રહે નિશદિન, ભાનું દિશે નહિં જરા ભિન્ન । એમ વીતી ગયા દિન બાર, મોટાભાઇ રહ્યા નિરાહાર ।।૩૭।।
ત્રયોદશમે દિવસે ધર્મ, બેઠા છે ચોતરાપર પર્મ । ત્રૈણે પુત્ર પોતાની જ પાસ, તેમાં બોલ્યા છે શ્રીઅવિનાશ ।।૩૮।।
મોટાભાઇ સુણો કહું વાત, તમે નેમ લીધો છે સાક્ષાત । એવું નેમ તમારૂં છે ખરૂં, પણ ધાર્યું છે ઘણું આકરૂં ।।૩૯।।
એથી શું ફળ જોયે તમારે, સાચી વાત કહો આણીવારે । ત્યારે બોલ્યા છે ભાઇ જોખન, તમે સુણી લ્યો જગજીવન ।।૪૦।।
સૂર્યનાં પ્રત્યક્ષ દર્શન, મારે કરવાનું રેછે મન । ભાઇની તે વ્રતી એમ જાણી, કર્યો સંકલ્પ સારંગપાણી ।।૪૧।।
સંભાર્યા છે સૂર્યને અખંડ, તે સમે આવ્યા છે ૪માર્તંડ । નિજસારથી રથ સહિત, આવી સન્મુખ ઉભા અભિત ।।૪૨।।
સાથે લાવ્યા છે સેવકજન, કર્યાં શ્રીહરિનાં દર્શન । કરે પ્રાર્થના શિર નામી, વારે વારે વંદે કર ભામી ।।૪૩।।
શ્રીહરિ કહે છે સુણો રવિ, મારી વાત લેજ્યો અનુભવી । મોટાભાઇ જે રામપ્રતાપ, અવિચળ નેમ લીધો આપ ।।૪૪।।
જ્યારે કરવાં તમારાં દર્શન, ત્યારે જ મુખે લેવું ભોજન । એમ ભૂખ્યા રહ્યા દિન બાર, કાંઇ જમતા નથી નિર્ધાર ।।૪૫।।
એજ કારણ માટે બોલાવ્યા, અમારી આજ્ઞા પ્રમાણે આવ્યા । પછે ભાઇને બોલાવ્યા પાસ, પ્રભુ બોલ્યા વચન હુલ્લાસ ।।૪૬।।
તમ સારૂં આવ્યા છે આ રવિ, કરો દર્શન લ્યો અનુભવી । પછે કરો સુખેથી ભોજન, થાય પ્રસન્ન અમારૂં મન ।।૪૭।।
મોટાભાઇને થયો સંદેહ, સૂર્યમાં હોય પ્રકાશ જેહ । આતો નિસ્તેજ દેખાય ભાનુ, કેમ તેજ રાખ્યું હશે છાનું ।।૪૮।।
ધર્મ ભક્તિએ જાણી એ વાત, ધર્યું તેજ સ્વરૂપ સાક્ષાત । હતી રજની અંધારી ઘોર, થયો પ્રકાશ ત્યાં ચહુકોર ।।૪૯।।
અતિ તેજ સમૂહ દેખાય, મોટાભાઇ દેખી ગભરાય । ઘડીવાર એ દર્શન દીધું, તેજ પોતામાં સમાવી લીધું ।।૫૦।।
પામ્યા આનંદ ત્યાં અહિનાથ, કરે સૂર્યની પૂજા સનાથ । બોલ્યા સૂરજ વાણી ગંભીર, સુણો અનંતજી મતિધીર ।।૫૧।।
તમારે ઘેર્ય તમારા ભાઇ, ઘનશ્યામજી છે સુખદાઇ । એછે અક્ષરાધિપતિ એવ, અમારા સર્વેના ઇષ્ટદેવ ।।૫૨।।
અમે ભરાવ્યા પગ ભરીયે, એની આજ્ઞાને અનુસરીયે । કરો પ્રસન્ન તેવોને તમે, સર્વે દેવ રાજી થાશું અમે ।।૫૩।।
કર્યું શ્રીહરિનું ત્યાં પૂજન, સૂર્યદેવે ત્યાં નિર્મલ મન । ભક્તિમાતાયે રસોઇ કરી, ભાઇને જમાડયા પ્રેમ ભરી ।।૫૪।।
તેવે ૧તરણી રથમાં લાવેલા, ઋષિ સાઠય હજાર આવેલા । નાનાં સ્વરૂપ અંગુષ્ઠ માત્ર, કરે છે સ્તુતિ નિર્મલ ગાત્ર ।।૫૫।।
સ્તુતિ સુણી થઇને પ્રવિન, શ્રીહરિ બોલ્યા મિષ્ટ વચન । તમને દેખી થયો છું રાજી, મારી પ્રસન્નતા થઇ ઝાઝી ।।૫૬।।
એમ કહીને મંગાવ્યું દુધ, ગોમતી ગાયનું અતિ શુદ્ધ । સૂર્ય સહિત ઋષિને પાયું, તૃપ્ત કરીને મન મનાવ્યું ।।૫૭।।
રજા માગીને તૈયાર થયા, ઋષિ સહિત ૧માર્તંડ ગયા । રથમાં બેસી ત્યાં થકી ચાલ્યા, છુપૈયાપુર વાસીએ ભાળ્યા ।।૫૮।।
નારાયણસર તર્ફ જાય, તેજ અપરિમિત દેખાય । ઘણી ઘોર અંધારી છે રાત્ય, તેમાં આશ્ચર્ય સરખી વાત ।।૫૯।।
છુપૈયાપુરના વાસી જન, એમ વિસ્મય પામ્યાં તે મન । કાળી ૨વિભાવરી વિષે આ શું, કોણે આવડું તેજ પ્રકાશું ।।૬૦।।
સર્વે ઘરેથી નિકળ્યાં બાર, ધારી ધારી જુવે નિરધાર । તેટલામાં તો થયા અદ્રશ, સૂર્ય અંત્રિક્ષમાં ઉતકર્ષ ।।૬૧।।
પુરવાસી જે સઘળાં લોક, આવી ધર્મને પુછે વિશોક । ધર્મદેવે કહી સહુ વાત, અથ ઇતિ વિસ્તારી સાક્ષાત ।।૬૨।।
સુણીને સર્વે આશ્ચર્ય પામ્યાં, દુઃખ સંસારનાં સર્વે વામ્યાં । ધન્ય ધન્ય કહીને વખાણે, પોતાનાં ભાગ્યને રૂડાં જાણે ।।૬૩।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રીઅયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિએ રામપ્રતાપભાઇને સૂર્યનાં દર્શન કરાવ્યાં એ નામે બાવનમો તરંગ ।।૫૨।।