તરંગઃ - ૪૮ - શ્રીજી મહારાજ ગઢપુરથી ચડોતરદેશમાં પધાર્યા

Submitted by swaminarayanworld on Fri, 12/02/2021 - 11:29pm

પૂર્વછાયો

ભીમનાથ મહાદેવમાં, ઉતારો કર્યો ત્યાંય । બલદેવને ઘેર જમ્યા, રાજી થયા મનમાંય ।।૧।।

ઘણા દિવસ ત્યાં રહ્યા છે, મેર કરી મુરાર । બહુ પ્રકારે લીલા કરી, આપ્યાં સુખ અપાર ।।૨।।

પછે પધાર્યા ત્યાં થકી, મેઉ ગયા મહારાજ, ત્યાં ભાવસાર ભુખણ છે । ગયા કરવા તેનું કાજ ।।૩।।

પાર્ષદ સાથે જમ્યા પોતે, રહ્યા ત્યાં બેઉ રાત । ત્રીજે દિન ચાલ્યા ત્યાં થકી, આપે ભૂધરભ્રાત ।।૪।।

 

 

ચોપાઇ

 

ગામ મેઉ થકી મહારાજ, પધાર્યા માણસે શુભ કાજ । ત્યાં અંબારામ પંડ્યા છે નામ, તેને ઘેર ગયા સુખધામ ।।૫।।

ભાવે કરાવ્યાં ભોજન પાન, બે દિવસ રહ્યા ભગવાન । વળી ત્યાંથી ચાલ્યા અવિનાશ, ઉંવારસદે પધાર્યા પ્રકાશ ।।૬।।

જમી ત્યાંથી કર્યું વિચરણ, અડાલજે અશરણ શરણ । ત્યાંની વાવ્ય જોઇ અભિરામ, રાજી થયા દેખી રૂડું કામ ।।૭।।

લેખ લખ્યો છે પથરમાંય, વિચારીને વાંચી જોયો ત્યાંય । વાવ્યકરનો જેહ શુદ્ધ ભાવ, જાણી બોલ્યા નટવર નાવ ।।૮।।

જેણે કર્યું હશે આમાં કામ, તે સર્વે પામશે મોક્ષ ધામ । એમ કૈને કર્યું છે ત્યાં સ્નાન, નિજ પાર્ષદ સાથે તે સ્થાન ।।૯।।

પ્રેમ વડે કર્યું જલપાન, વિચર્યા ત્યાં થકી ભગવાન । શ્રીનગરે પોચ્યા સુંદર શ્યામ, ચોકસી હીરાચંદને ધામ ।।૧૦।।

ઘણા દિવસ રહ્યા તે ઠાર, આપ્યું ભક્તને સુખ અપાર । ચાલ્યા ત્યાંથી કરી મન પ્રીત, રંગરસીયો આપે અજીત ।।૧૧।।

અશલાલી થૈને અવિનાશ, જેતલપુરે ગયા હુલ્લાસ । કર્યો ઉતારો મંદિરમાંય, વાલિડે પછે ધાર્યું છે ત્યાંય ।।૧૨।।

ફુલડોલનો સમૈયો સાર, કરવા જેતલપુર મોઝાર । કંકોત્રીયો લખી ધારી જેમ, દેશોદેશમાં મોકલી તેમ ।।૧૩।।

તેડાવ્યા સંત ને હરિજન, બહુ ભાવ કરીને જીવન । પછે પોતે ગયા છે વેલાળ, દેવા દર્શન દીનદયાળ ।।૧૪।।

જેસંગભાઇના પિતા પાસ, રુડું નામ રઘુનાથદાસ । હતા માંદા રઘુનાથદાસ, આપ્યાં દર્શન જૈ તેને પાસ ।।૧૫।।

ગયા ગામડી ત્યાંથકી શ્યામ, પ્રેમીજનના પૂરણકામ । ત્યાંથી અશલાલી થૈ તેવાર, ગયા જેતલપુર મોઝાર ।।૧૬।।

ત્યાં દેવસરોવરને તીર, સંત આવી મળ્યા છે સધીર । તે સંતોયે દેખ્યાછે દયાળ, દંડવત કર્યાં તતકાળ ।।૧૭।।

એ સર્વેને મળ્યા મહારાજ, કર્યા પૂર્ણ મનોરથકાજ । ગયા મંદિરમાં કરી હિત, સંત ને હરિજન સહિત ।।૧૮।।

પાટ ઉપર બિરાજ્યા નાથ, આવી બેઠા છે સંત સનાથ । તેને બીજે દિવસે તે સાર, આવી હુતાશની નિરધાર ।।૧૯।।

સંત સહિત હિત ઉમંગ, રસીયોજી ઉડાડે છે રંગ । ઝોળીયો ભરી ભરી ગુલાલ, નાખે છે સૌના ઉપર લાલ ।।૨૦।।

રંગ ધુમ મચી છે રે ત્યાંય, ગિરિધારીને ગમે મનમાંય । સંત હરિજન હોરી ગાય, અતિ દુર્લભ ઉત્સવ થાય ।।૨૧।।

વાગે વાજિંત્ર નાના પ્રકાર, જેની શોભા તણો નહિ પાર । આવ્યા અદૃશ્ય આકાશે દેવ, હોરી ખેલેછે શ્રીવાસુદેવ ।।૨૨।।

અતિ આનંદ જે સુખદાઈ, દશ દિશાઓમાં રહ્યો છાઈ । ઉડે રંગ ગુલાલ રસાળ, ઘન મારગ થૈગયો લાલ ।।૨૩।।

તે દેખી લલચાયાછે દેવ, ગુપ્તરૂપે ત્યાં ખેલેછે એવ । પુરૂષોત્તમજીને રે સંગ, ઉડાડેછે કોડે કોડે રંગ ।।૨૪।।

દેવના દેવ છે પ્રભુ જાણ, વ્હાલાને કરે વેદ વખાણ । એમ લીલા કરી ઘણી વાર, આપ્યું ભક્તને સુખ અપાર ।।૨૫।।

સંત હરિજન સાથે છેલ, દેવસરે ગયા અલબેલ । કર્યાં જળમાં રૂડાં ચરિત્ર, નરનારી થયાં છે પવિત્ર ।।૨૬।।

પછે સ્નાન કરીને તેવાર, પ્રાણપતિ પધાર્યા છે બાર । પેર્યાં વસ્ત્ર અતિશે અનૂપ, કોટિ કોટિ બ્રહ્માંડના ભૂપ ।।૨૭।।

મોલમાં પધાર્યા મહારાજ, બિરાજ્યા સાથે સંતસમાજ । ત્યારે સંત હરિજન સર્વ, પૂજા કરવા લાગ્યા તજી ગર્વ ।।૨૮।।

કેસર ચંદનાદિ ઉપચાર, પૂજાયો કરી છે ધરી પ્યાર । તે સમે આવ્યા હતા જે દેવ, એ પણ કરવા લાગ્યા ત્યાં સેવ ।।૨૯।।

કર્યું પૂજન અર્ચન પ્રીત, વંદ્યા ચરણકંજ રુડી રીત । સભાને જોતે થકે તે દેવ, થયા અદૃશ્ય ત્યાં તતખેવ ।।૩૦।।

ગંગામા આદિક ભક્ત જેહ, તેમને મન થયો સંદેહ । પૂછ્યું પ્રભુને થૈ નિરમાન, કોણ હતા એ કો ભગવાન ।।૩૧।।

થયા અદૃશ્ય તે આણી વાર, નોય મનુષ્ય એ નિરધાર । એવું સુણી બોલ્યા વાસુદેવ, એ તો આવ્યા હતા સહુ દેવ ।।૩૨।।

એમ લીલા કરે અજીત, સંત હરિજન કેરે હિત । પછે તે ગામના હરિજન, રસોઇ કરાવી શુભ મન ।।૩૩।।

પ્રેમવડે જમાડ્યા અનૂપ, સ્નેહે શાંતિ પમાડ્યા અનૂપ । સંત હરિભક્ત સમુદાય, સૌને જાવાની કરી આજ્ઞાય ।।૩૪।।

પછે ત્યાં થકી ચાલ્યા છે માવ, પોતે પધાર્યા છે મછીયાવ । વળી ત્યાંથી ચાલ્યા જગતાત, ગામ શીયાળે જૈ રહ્યા રાત ।।૩૫।।

પછે અડવાળ થૈ તેવાર, પધાર્યા કારિયાણી મોઝાર । રાયખટ્વાંગનો દરબાર, બહુનામી બિરાજ્યા તેઠાર ।।૩૬।।

ખટ માસ રહ્યાછે ત્યાં માવ, ખોદાવ્યું છે ત્યાં પોતે તળાવ । ત્યાં આવ્યા ગઢડાના ભક્ત, નિર્ખી હરિને થયા આશક્ત ।।૩૭।।

એભલખાચર હરિજન, વળી ઉત્તમ પુત્ર પાવન । રૂડી પુત્રીઓ બેઉ અનૂપ, જયા લલિતા ધર્મનું રૂપ ।।૩૮।।

તે સર્વેનો પ્રેમ છે અથાહ, તેડી જાવાનો જોયો આગ્રહ । તેમાટે પધાર્યા દુર્ગપુર, અભયરાજાને ત્યાં જરૂર ।।૩૯।।

બહુનામી બિરાજ્યા તે સ્થાન, ગઢપુર વિષે જૈ નિદાન । અભયરાયને ભગવન, કર્યા છે પોતાના હરિજન ।।૪૦।।

નિજ રૂપમાંથી નિરધાર, બતાવ્યા ચોવીસે અવતાર । વળી પોતાની મૂરતિમાંય, લીન કરી દેખાડ્યા છે ત્યાંય ।।૪૧।।

નિશ્ચે કરાવ્યો પૂર્ણ પ્રકાશ, ધરાવ્યો મન દઢ વિશ્વાસ । કરી નિવાસ રહ્યા તેઠાર, લીલા આચરેછે ત્યાં અપાર ।।૪૨।।

ગઢપુર કર્યું છે પાવન, જેવું ગોકુળ ને વૃંદાવન । જયા લલિતા ઉત્તમરાય, તેમને સુખ આપ્યાં સદાય ।।૪૩।।

વળી કર્યાં છે અક્ષરરૂપ, આપ્યું અખંડ જ્ઞાન અનૂપ । એવા ભક્ત પવિત્રછે સાર, આપ્યાં સુખ અપરમપાર ।।૪૪।।

વાલાજીયે કર્યોછે વિચાર, ત્યાંથી ચાલવા થયા તૈયાર । સાથે લીધા છે કાઠીના સ્વાર, ગયા ચડોતરદેશ મોઝાર ।।૪૫।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીજી મહારાજ ગઢપુરથી ચડોતરદેશમાં પધાર્યા એ નામે અડતાલીશમો તરંગઃ ।।૪૮।।