પૂર્વછાયો
વાલમ વરતાલે આવિયા, જોબન ભક્તને ઘેર । ઉમંગથી ઉતારો કર્યો, રાજી થઇ રુડી પેર ।।૧।।
મુક્તાનંદ સ્વામી આદિ જે, સંત રુડા મહાભાગ । વેદાંતીને તેડવા મુક્યા, શ્રીનગરવિષે સોહાગ ।।૨।।
આચાર્યને તેડી તે સર્વે, આવ્યા શ્રીહરિપાસ । પ્રભુયે સન્માન કર્યું, વેદાંતીનું અવિનાશ ।।૩।।
બીજે દિવસે સભા કરી, બિરાજ્યા શ્રીમહારાજ । તે વેદાંતીને પ્રશ્ન પૂછ્યું, શ્રીહરિયે સુખસાજ ।।૪।।
ચોપાઇ
સુષુમ્ણાનામે નાડી જેહ, પિંડમાં કેવી રીતેછે તેહ । વળી કેવી રીતે રૈછે બાર, સુણો વેદાંતી તમો આવાર ।।૫।।
એક અવસ્થામાં બબે એમ, બીજી અવસ્થાઓ રૈછે કેમ । તે કેવી રીતે રૈછે અનુપ, રૂડી રીતે કરો એનું રૂપ ।।૬।।
વળી પ્રણવનું રૂપ જેહ, પછી નાદનું સ્વરૂપ તેહ । દ્રષ્ટા દશ્ય થકી પરબ્રહ્મ, તેનું રૂપ કરો અનુક્રમ ।।૭।।
બ્રહ્મપર જે પરબ્રહ્મ, તેનુંપણ કો સ્વરૂપ કર્મ । વેદની ઉત્પતિછે ક્યાંય, તેની વાત કરો તમે આંય ।।૮।।
એ આદિ પ્રશ્ન પુછ્યાછે ત્યાંય, વેદાંતી વિચારે મનમાંય । એમ શ્રીજીના પ્રશ્નો સાર, ઉત્તર થયો નૈ તેણીવાર ।।૯।।
તોય મહારાજે દીધું માન, બસે રૂપૈયા આપ્યા નિદાન । વેદાંતીને આપીછે રજાય, રૂડી રીતેથી કર્યા વિદાય ।।૧૦।।
પછે શ્રીહરિયે ધાર્યું મન, સુણો રામશરણ પાવન । દેશ વિદેશમાંથી તમામ, સત્સંગી તેડાવ્યા તે ઠામ ।।૧૧।।
અન્નકોટનો સમૈયો જેહ, વૃત્તપુરીમાં કર્યોછે તેહ । હજારો ભક્ત આવ્યાછે હરખે, નેહવડે વાલમને નિરખે ।।૧૨।।
પામ્યા આનંદ ઉત્સવ મન, સર્વે સંત અને હરિજન । સૌને આપ્યાં અતિ ઘણાં સુખ, ભવજળનાં ટાળીયાં દુઃખ ।।૧૩।।
પછે ત્યાંથી કર્યું છે પ્રયાણ, ગઢડે ગયા જીવનપ્રાણ । ઉત્તમ રાજાનું ઘર જ્યાંય, ઉમંગે જઇ ઉત્તર્યા ત્યાંય ।।૧૪।।
દયા કરીને દીનદયાળ, અહોનિશ જમે છે ત્યાં થાળ । તિયાં પ્રાગજીની પાસે નિત, કથા વંચાવે છે કરી પ્રીત ।।૧૫।।
ત્યાર પછી વળી કોય દન, સંત પ્રત્યે બોલ્યા ભગવન । દાનમાં કિયું ઉત્તમ દાન, આપો ઉત્તર દઇને ધ્યાન ।।૧૬।।
અન્ન વસ્ત્ર પૃથ્વી સોનું સાજ, ગાય દાન આદિ શુભ કાજ । એવાં દાન અપાય તે સર્વ, તેમાં ઉત્તમ શું છે અપૂર્વ ।।૧૭।।
ત્યારે સંત બોલ્યા ધારી મન, સુણો ભૂધરજી ભગવાન । કાળ કર્મ માયા ભય જોર, અતિ અજ્ઞાન અંધારુ ઘોર ।।૧૮।।
એ આદિ ટળે દારુણ દુઃખ, મળે તમારી મૂર્તિનું સુખ । તે આપે કોઇ અભય દાન, બીજું તો નથી એના સમાન ।।૧૯।।
તે નથી બીજા કોઇને હાથ, તમ પાસે રહ્યુંછે તે નાથ । અમે તો એવું માન્યું છે મન, સત્ય જાણજ્યો પ્રાણજીવન ।।૨૦।।
એવાં સુણીને સંતનાં વેણ, બોલ્યા ઘનશ્યામ સુખદેણ । હવે ચાલો જૈયે ગુજરાત, અભયદાન દેવા વિખ્યાત ।।૨૧।।
એમ કહી થયા તૈયાર નાથ, પાંચસેં પરમહંસોની સાથ । વળી પાર્ષદ કાઠીના સ્વાર, તેમના સંગે દેવ મુરાર ।।૨૨।।
ચાલ્યા ગઢડેથી ગુણગ્રામ, ગામ બોટાદે ગયા છે શ્યામ । ત્યાંથી લોયા નાગડકે થઇ, ગામ સાયલે રહ્યાછે જઇ ।।૨૩।।
વણિક માણેકચંદભાઇ, તેને ઘેર જમ્યા સુખદાઇ । પછે ચાલ્યા જીવન જરુર, પ્રીતે પધાર્યા છે મુળીપુર ।।૨૪।।
રામાભાઇ નામે દરબાર, રઘાભાઇ છે દીવાન સાર । તેમણે કર્યું છે સનમાન, ગામમાં તેડી ગયા નિદાન ।।૨૫।।
પોતાનો ઉતારો છેરે જ્યાંય, પ્રભુને મુકામ આપ્યો ત્યાંય । બે દિવસ રાખ્યા નિરધાર, સેવા કરી છે રુડે પ્રકાર ।।૨૬।।
તેને વ્હાલે કરી અંગીકાર, પછે પધાર્યા પ્રાણઆધાર । ગામ લિંબળીયે તેણીવાર, ગયા મૂળજી શેઠને દ્વાર ।।૨૭।।
તેને ઘેર જમ્યા છે દયાળ, વળી ચાલ્યા વાલો તતકાળ । વઢવાણમાં ગયા વિહારી, શેર વચ્ચે ચાલ્યા સુખકારી ।।૨૮।।
નદી ઉતરીને અલબેલ, મેમકે ગયા સુંદરછેલ । પછે લખતર થઇ લાલ, લીલાપુર ગયા છે કૃપાલ ।।૨૯।।
ત્યાંથી વિચર્યા વિરમગામ, પછે રામપુરે ગયા શ્યામ । દેતરોજ કડી ને કુંડાલ, ત્યાંથી ડાંગરવે ગયા લાલ ।।૩૦।।
તે કેડે અશરણશરણ, પ્રીતે પધાર્યા કરજીસણ । વળી કર્યોછે મન વિચાર, ઉનાવે ગયા છે નિરધાર ।।૩૧।।
હોંશીલાછે ત્યાંના હરિજન, પરમ વિવેકી પુન્ય પાવન । પટેલ રામદાસ તે નામ, બાજીદાસ પટેલ તે ઠામ ।।૩૨।।
પટેલ વણારશીભાઇ તેહ, સંજય રઘાભાઇ છે જેહ । વાલાભાઇ કૈયે કાનદાસ, અવચળદાસ રુડા ખાસ ।।૩૩।।
મુનદાસ કૃષ્ણદાસ નામ, એઆદિ હરિજન તમામ । સામૈયું લેઇને આવ્યા સંગ, વાલાને વધાવ્યા છે ઉમંગ ।।૩૪।।
વાજતે ગાજતે તેણીવાર, તેડી ગયા છે ગામ મોઝાર । સર્વે લોકે જાણ્યું મનમાંય, આવ્યા સ્વામિનારાયણ આંય ।।૩૫।।
દોડીને આવ્યા કરવા દરશન, ગામમાંથી સહુ હરિજન । હતા સીમાડે ક્ષેત્રની માંય, તે પણ દોડતા આવ્યા ત્યાંય ।।૩૬।।
ખાંપા વાગ્યા છે સર્વેના ચરણે, થયા છે તેથી લોહિત વરણે । એવા હરખથી આવ્યા જન, કરે કર જોડી દર્શન ।।૩૭।।
પાંચસેં પરમહંસ તે ઠાર, વળી પાર્ષદ કાઠી અસ્વાર । તેણે સહિત જોયા જીવન, હજારો જનનાં મોહ્યાં મન ।।૩૮।।
પછે બોલ્યા રામદાસભાઇ, હે કૃપાનાથ હે સુખદાઇ । સીમાડેથી આવ્યા ઘણા જન, દોડતા થકા નિર્મળ મન ।।૩૯।।
ખાંપા વાગ્યા છે એમના પાંય, રૂધિર સ્રવે છે ચરણમાંય । ત્યારે બોલ્યા શ્રીજીમહારાજ, સુણો રામદાસભાઇ આજ ।।૪૦।।
અમારા સામા આવ્યા જે જન, કર્યાં કર જોડી દરશન । તેને નહિ નડે કર્મ કાળ, ગર્ભવાસની ટળશે ઝાળ ।।૪૧।।
એમ કૈને ચાલ્યા હરિ ત્યાંય, રામદાસજીના માઢમાંય । તેમને ઘેર કરાવ્યો થાળ, ત્યાં જમ્યા પોતે પરમ કૃપાળ ।।૪૨।।
સંત પાર્ષદ જે કાઠી જન, સૌને કરાવ્યાં રુડાં ભોજન । રામદાસજીની મેડી જ્યાંય, હિંચકે પ્રભુ પોઢ્યાછે ત્યાંય ।।૪૩।।
એમ ઉનાવામાં ત્રણ દન, કૃપા કરીને રહ્યા જીવન । સર્વે હરિજનોની તે ઠાર, રુડી સેવા કરી અંગીકાર ।।૪૪।।
પછે ચાલવા કર્યો વિચાર, રોઝે ઘોડે થયા અસવાર । જ્યાં પધાર્યા છે શ્રીભગવાન, હાલ મંદિર છે તેહ સ્થાન ।।૪૫।।
ઘોડો ઉભો રાખ્યો છે તેહ ઠાર, ચારે તરફે જોયું નિરધાર । પછે બોલ્યા વિચારીને મન, સુણો રામદાસજી વચન ।।૪૬।।
રૂડું કેવાશે તમારું ગામ, ઘણો સત્સંગ થાશે આ ઠામ । એમ કહી ચાલ્યા છે અજીત, ગામ બાર્ય આવ્યા કરી પ્રીત ।।૪૭।।
સરોવર છે સુંદર સાર, કૂપ સમીપમાં નિરધાર । સભા કરીને બિરાજ્યા નાથ, સર્વ ગામ કર્યું છે સનાથ ।।૪૮।।
છત્રી બાંધી છે સુંદર ત્યાંય, ભયહારી બિરાજ્યા છે જ્યાંય । હવે ત્યાં થકી સધાવ્યા શ્યામ, આવ્યા બાલાગઢ જેહ ગામ ।।૪૯।।
ગામથી પશ્ચિમ દિશામાંય, ક્ષેત્રમાં ઓટો કર્યો છે જ્યાંય । આંબલીતણું વૃક્ષ છે એક, તેને હેઠે બિરાજ્યા વિશેક ।।૫૦।।
માલજી ચોધરી રુડુ નામ, અમીચંદ સુતાર તે ગામ । દવે રતનને જીવરામ, એ આદિ આવ્યા ત્યાં અભીરામ ।।૫૧।।
તેમને દીધાં દર્શન દાન, કુવા ઉપર કર્યાં જળપાન । પછે આવીયા માણસે ગામ, પરમાર્થી તે પૂરણકામ ।।૫૨।।
ત્યાંના સબળસિંહજીરાય, પૃથીસિંહજી નામ કેવાય । તેમણે કર્યું સામૈયું સાર, મનમાં કરી પ્રેમ અપાર ।।૫૩।।
પછે પોતાના દરબારમાંઇ, પધરાવ્યા પ્રભુ સુખદાઇ । ધૂપ દીપ ઉતારી આરતી, કરી પૂજા રાયે મહામતિ ।।૫૪।।
દુધિયો કુવો મલાયસર, શ્રીહરિ ત્યાં ઉતર્યા સત્વર । પછે નાહ્યા દુધિયાને વારિ, કૂપ પવિત્ર કર્યો મુરારી ।।૫૫।।
નાખ્યું પ્રસાદીનું જળ નાથે, કૂપમાંહિ પોતાને હાથે । પછે એમ બોલ્યા અવિનાશ, તમે સાંભળજ્યો મારાદાસ ।।૫૬।।
ગંગા જમુના ને સરસ્વતી, ગોદાવરી આદિ નદી અતિ । તે તો પવિત્ર સર્વ કહેવાય, પણ આ કુવા તુલ્ય ન થાય ।।૫૭।।
જેમાં અમે નાહ્યા નાખ્યું જળ, તે તો સર્વે તીર્થોમાં પ્રબળ । જાણી મહિમા જે જન નાશે, તેને સંસૃતિનું દુઃખ જાશે ।।૫૮।।
એમ કહીને દીનદયાળ, જમવા પધાર્યા હરિથાળ । આસોપાલવ કૂપના પાસ, તેની છાંયે જમ્યા અવિનાશ ।।૫૯।।
પછે સભા કરી જગદીશ, મલાયસર ઉત્તર ઇશ । લિંબવૃક્ષ તળે કીરતાર, બિરાજીયા પ્રભુ કરી પ્યાર ।।૬૦।।
શોભે સંતમાંહી જગવંદ, જેમ શોભે તારામાંહી ચંદ । વાલે બાંધી છે પાઘ સોનેરી, તેણે સૌનાં મન લીધાં હેરી ।।૬૧।।
કંઠે પેર્યા ગુલાબના હાર, જન નિરખે છે વારમવાર । અંગોઅંગે શોભે શણગાર, કરે લટકાં શ્રીકિરતાર ।।૬૨।।
પ્રશ્ન ઉત્તર કરે ત્યાં હરિ, દીનદયાળુ કરુણા કરી । એવા સમાને વિષે તે વાર, એક શાસ્ત્રી આવ્યો તેહ ઠાર ।।૬૩।।
સદા રહે તે માણસા ગામ, તેનું નામ વિપ્ર ઘેલારામ । આવીને બોલ્યા છે તેહ વાણ, કહે ક્યાં છે સ્વામિનારાયણ ।।૬૪।।
આ તો સાધુઓ છે સર્વે આંય, બીજા જનતણો સમૂદાય । સભામાં નથી સહજાનંદ, અમથો કેમ કરો છો ફંદ ।।૬૫।।
ત્યારે તે સર્વે જન કહે એમ, તમને દેખાતા નથી કેમ । અમે તો દેખીયે છૈયે સ્વામી, નથી દર્શનની કોઇને ખામી ।।૬૬।।
હજારોને દરશન થાય, તમને તો સ્વામી ન દેખાય । પૂર્વના પાપે કરીને આજ, તમે દેખ્યા નહિ મહારાજ ।।૬૭।।
પછે મનમાં ધારી તે ઘણું, જુવે દરશન થયું ન અણું । પછે શ્રીહરિ પુરમાં આવ્યા, અતિ જનતણે મન ભાવ્યા ।।૬૮।।
ભક્ત વનમાળી ભાવસાર, તેને ઘેર પધાર્યા આધાર । તેણે પ્રેમે કરાવ્યો તો થાળ, કરુણા કરી જમ્યા દયાળ ।।૬૯।।
પછે સંતને જમાડ્યા ત્યાંય, પ્રભુ બેઠા છે ઢોલિયામાંય । પછે ભક્તને કે અવિનાશ, આપો ઘોડાને દાણોને ઘાસ ।।૭૦।।
ત્યારે તે કહે ઘણું ઘાસ આજ, પણ દાણો થોડો મહારાજ । એક મણ કોઠીમાં ભર્યો છે, કોઠી ઉપર થેપ કર્યો છે ।।૭૧।।
એમ બોલીયા છે વનમાળી, ત્યારે નાથે કોઠીને સંભાળી । પછે કહે કરૂણા ભંડાર, ભર્યો છે દાણો અપરમપાર ।।૭૨।।
કાઢો સાણેથી થેપ ન છોડો, ટોચે ભરેલો છે નથી થોડો । એવું સુણીને આપ્યો તે વાર, મણમાંથી થયો છે અપાર ।।૭૩।।
બારમાસે કોઠી જોઇ ખરી, ત્યારે દીઠી ટોચે તેહ ભરી । પછે ત્યાંથી ચાલીયા બજારે, નરનારી નિરખી ઉરધારે ।।૭૪।।
હરિ માણકી ઉપર રાજે, જોઇ કોટિ કામ છબી લાજે । તિયાં આવ્યો ફરી ઘેલારામ, નિરખવા તે સુંદર શ્યામ ।।૭૫।।
અસંખ્યને દર્શન થાય, તોયે ઘેલાને નવ દેખાય । જુવો આશ્ચર્ય ક્ેવું જણાય, ઘેલો દર્શન વિના તે જાય ।।૭૬।।
એમ ગામમાં ફર્યા મહારાજ, કરવા અનેક જીવનાં કાજ । પછે આવ્યા પ્રભુ સરતીરે, કરી લીલા અતિ બલવીરે ।।૭૭।।
લિંબ વૃક્ષે બેઠા બહુનામી, સભા કરીને અંતર્યામી । તેહ તરુ મીઠો થયો અતિ, તે છે વાત ઘણી જગ છતી ।।૭૮।।
એવાં દિવ્ય ચરિત્રને જોઇ, સુર નર મુનિ રહ્યા મોઇ । મન વાણીને અતિ અગમ, જેને નેતિ નેતિ કે નિગમ ।।૭૯।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ ઉનાવેથી ગામ માણસે પધાર્યા એ નામે પંચોતેરમો તરંગ ।।૭૫।।