કથી નથી કે’વાતી વણ જાણે વાતજી, કે’શે કોઈ સંત જે જાણે છે સાક્ષાતજી
બીજા બહુને છે એ વાત અખ્યાતજી, દીઠા ભેટ્યા વિના ભાખશે કોણ ભાતજી ।।૧।।
ઢાળ -
કોણ ભાતે નર ભાખશે, જેને સ્વપ્ને પણ સંબંધ નથી ।।
અટકળ અનુમાન કરી, મોટા મોટા મરે છે મથી ।। ર ।।
કોઈ કહે હજાર હાથ હરિને, કોઈ કહે આઠ ચાર કર છે ।।
કાનનું સુણ્યું સહુ કહે, પણ ખરી કાંઈ ખબર છે ? ।। ૩ ।।
કોઈ કહે હરિ અરૂપ છે, કોઈ કહે તેજોમય તન ।।
કોઈ કહે વિશ્વમાંહિ વ્યાપી રહ્યા, કોઈ કહે આ બોલે વચન ।। ૪ ।।
કોઈ કહે પ્રભુને પરછાયો નહિ, કોઈ કહે ન ધરા ધરે પાવ ।।
દીઠા વિના આપ ડા’પણે, અમથા કરે છે ઉઠાવ ।। પ ।।
પણ જાણો હરિને બે હાથ છે, બે પાવલિયા છે પુનિત ।।
શ્રવણ નયન નાસિકા, મુખે બોલે છે રૂડી રીત ।। ૬ ।।
જમે રમે નિજજન ભેળા, લિયે દિયે પૂજા જે દાસ ।।
હસે વસે સેવક સંગે, અલબેલો આપે અવિનાશ ।। ૭ ।।
સાકાર સુંદર મૂરતિ, સુખદાયી સહજાનંદ ।।
તેને જાણ્યા વિના જડમતિ, નિરાકાર કહે નર મંદ ।। ૮ ।।
સવળું અવળું સમજી, પાડી આંટી ઘાટી ઉરમાંય ।।
ઘૂંચાણા ઘણી ઘૂંચવણીમાં, પડ્યું નહિ પાધરું કાંય ।। ૯ ।।
પૂઠ્ય દઈ પૃથ્વીનાથને, ચોડ્યું ચિત્રામણમાંય ચિત્ત ।।
નિષ્કુળાનંદ પ્રગટ મૂકી, કરી આળ પંપાળશું પ્રીત ।। ૧૦ ।। કડવું ।।૪૬।।