આળ પંપાળમાં આવરદા ન ખોવીજી, એ પણ વાત વિચારીને જોવીજી
હીરો હાથ આવ્યે ધુડ્યને ન ધોવીજી, દિનમાં સૂઈ રહી રાત ન ડોવીજી ।।૧।।
ઢાળ -
દિનમાંહી હીંડે મારગ મળે, રાતમાંય ઘણું રડવડિયે ।।
તેમ પ્રગટ મૂકીને પરોક્ષ ભજતાં, કહો પાર એમાં કાંઈ પડિયે ।। ર ।।
જેમ કોઈ ફૂલવાડીનાં ફૂલ મેલી, આકાશ ફૂલની આશા કરે ।।
પાર વિના પરિશ્રમ પડે, સાર થોડું જ મળે સરે ।। ૩ ।।
તેમ પ્રગટ પ્રભુને પરહરી, પરોક્ષમાં કરે પ્રતીત ।।
તે તો પીયુષનો ચરુ પરહરી, કરી છાશ પીવા ચાહે ચિત્ત ।। ૪ ।।
ટાણે ટેવ રાખી નહિ, કરે કટાંણે કોઈ ઉદ્યમ ।।
તેમાં ન પડે પાંસરું, પડે તેમાં તે પૂરણ શ્રમ ।। પ ।।
માટે સમો સાચવવો, પ્રગટશું કરવી પ્રીત ।।
તો પૂરણ તક પાકે ખરી, વળી થાય જગતમાંહી જીત ।। ૬ ।।
એટલું કર્યું તો સર્વે કર્યું, કેડે કરવું ન રહ્યું કાંઈ ।।
મનુષ્ય દેહનો લાભ મળ્યો, આવી આ ભવમાંઈ ।। ૭ ।।
સર્વે સિદ્ધાંતનું સિદ્ધાંત એહ જ, રે’વું પ્રગટ પ્રભુ પરાયણ ।।
મન વચન કર્મે કરી, ભજવા સ્વામિનારાયણ ।। ૮ ।।
એહ ઠીક ઠેરાવી વાત અંતરે, પછી રે’વું નિર્ભય નચિંત ।।
એટલું સમજે સર્વે સમજયા, સમજાણી સનાતન રીત ।। ૯ ।।
મળ્યો મારગ મહાસુખનો, જેમાં દુઃખ નહિ લવલેશ નિષ્કુળાનંદ ।।
નકી એ વારતા, માનવો મોટાનો ઉપદેશ ।। ૧૦ ।। કડવું ।।૪૭।।