કારીયાણી ૧૧ : પ્રેમના લક્ષણનું

Submitted by Parth Patel on Wed, 09/02/2011 - 12:18am

કારીયાણી ૧૧ : પ્રેમના લક્ષણનું

સંવત્ ૧૮૭૭ ના કાર્તિક સુદી ૧૧ એકાદશીને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રીકારિયાણી મઘ્‍યે વસ્‍તાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ રાત્રિને સમે વિરાજમાન હતા, અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી છીંટની ડગલી પહેરી હતી અને મસ્‍તક ઉપર ધોળી પાઘ બાંધી હતી અને પીળાં ને રાતાં જે ગુલદાવદીનાં પુષ્પ તેના હાર પહેર્યા હતા અને પાઘમાં પીળાં પુષ્પના તોરા લટકતા હતા, અને પોતાની આગળ બે કોરે વાળંદ મશાલ લઇને ઉભા હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજને સચ્‍ચિદાનંદ સ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે. ”ભગવાનને વિષે પ્રીતિ હોય તેનાં શાં લક્ષણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”જેને પોતાના પ્રિયતમ જે ભગવાન તેને વિષે પ્રીતિ હોય તે પોતાના પ્રિયતમની મરજીને લોપે નહિ, એ પ્રીતિનું લક્ષણ છે. જો ગોપીયોને શ્રીકૃષ્ણ ભગવાનને વિષે પ્રીતિ હતી તો જ્યારે શ્રીકૃષ્ણ ભગવાન મથુરાં જવા તૈયાર થયા ત્‍યારે ગોપીયો સર્વે મળીને એમ વિચાર કર્યો જે, ‘આપણે કુટુંબની તથા લોકની લાજનો ત્‍યાગ કરીને ભગવાનને જોરાઇએ રાખીશું.’ પછી ચાલવા સમે શ્રીકૃષ્ણ ભગવાનનાં નેત્ર સામું જોયું ત્‍યારે ભગવાનની રહ્યાની મરજી દેખી નહિ ત્‍યારે સર્વે ડરીને છેટે રહીયો, અને અંતરમાં એમ બીનીયો જે, જો આપણે ભગવાનના ગમતામાં નહિ રહીએ તો ભગવાનને આપણા ઉપરથી હેત ઉતરી જશે,’ એમ વિચારીને કાંઇ કહી શકીઓ નહિ. પછી ભગવાન મથુરાં પધાર્યા ત્‍યારે પણ ત્રણ ગાઉ ઉપર ભગવાન હતા તો પણ ગોપીઓ કોઇ દિવસ મરજી લોપીને દર્શને ગઇ નહિ. અને ગોપીયોએ એમ જાણ્‍યું જે, ‘ભગવાનની મરજી વિના જો આપણે મથુરાં જઇશું તો ભગવાનને આપણા ઉપર હેત છે તે ટળી જશે.’ માટે હેતનું એજ રૂપ છે જે, ‘જેને જે સાથે હેત હોય તે તેની મરજી પ્રમાણે રહે’ અને જો પોતાના પ્રિયતમને પાસે રહ્યે રાજી જાણે તો પાસે રહે, અને જો પોતાના પ્રિયતમને છેટે રહ્યે રાજી જાણે તો છેટે રહે, પણ કોઇ રીતે પોતાના પ્રિયતમની આજ્ઞાને લોપે નહિ એ પ્રેમનું લક્ષણ છે. જો ગોપીયોને ભગવાનને વિષે સાચો પ્રેમ હતો તો આજ્ઞા વિના ભગવાનને દર્શને ગઇ નહિ, અને જ્યારે ભગવાને કુરૂક્ષેત્રમાં તેડી ત્‍યારે ભગવાનનું દર્શન કર્યું પણ કોઇ રીતે ભગવાનના વચનનો ભંગ કર્યો નહિ. માટે જેને ભગવાનને વિષે પ્રીતિ હોય તે ભગવાનની આજ્ઞા કોઇ કાળે લોપે નહિ, જેમ ભગવાનનું ગમતું હોય તેમ જ રહે એ પ્રીતિનું લક્ષણ છે.”

પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”લ્‍યો એક અમે પ્રશ્ર્ન પુછીએ.” પછી મુનિએ કહ્યું જે, ”હે મહારાજ ! પુછો.” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”જે ભગવાનનો ભક્ત હોય તે ભગવાનની મૂર્તિના સંબંધ વિનાના જે અન્‍ય સંબંધી પંચવિષય તેને તુચ્‍છ કરી નાખે છે અને પંચે પ્રકારે એક ભગવાનનો સંબંધ રાખે છે, એવો જે ભક્ત તેને ભગવાન એમ આજ્ઞા કરે જે, ‘તમે અમ થકી છેટે રહો.’ ત્‍યારે તે જો ભગવાનના દર્શનનો લોભ રાખે તો એને આજ્ઞાનો ભંગ થાય અને જો આજ્ઞા ન પાળે તો ભગવાનને એ ભક્ત ઉપર હેત ન રહે. માટે એ ભકતે જેમ માયિક શબ્‍દાદિ પંચવિષયનો ત્‍યાગ કર્યો છે તેમજ ભગવાન સંબંધી જે શબ્‍દ, સ્‍પર્શ, રૂપ, રસ, ગંધ, એ પંચવિષય છે તેનો પણ ત્‍યાગ કરે કે ન કરે ?’ એ પ્રશ્ન છે. પછી સર્વે મુનિ મળીને જેને જેવી બુદ્ધિ હતી તેણે તેવો ઉત્તર કર્યો પણ એ પ્રશ્ર્નનું સમાધાન થયું નહિ. પછી શ્રીજીમહારાજને કહ્યું જે, ”હે મહારાજ ! એનો ઉત્તર તમે કરો.” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”જેને ભગવાનને વિષે દૃઢ પ્રીતિ છે અને ભગવાનને અખંડ સંબંધે રહિત જે માયિક પંચવિષય તેને તુચ્‍છ કરી નાખ્‍યા છે, અને શબ્‍દાદિક પંચવિષયે કરીને ભગવાન સંગાથે દૃઢપણે જોડાણો છે, તે ભક્ત ભગવાનની આજ્ઞાએ કરીને જ્યાં જ્યાં જાય છે ત્‍યાં ત્‍યાં ભગવાનની મૂર્તિ પણ એ ભક્ત ભેળી જ જાય છે; ને જેમ એ ભક્તને ભગવાન વિના રહેવાતું નથી તેમજ ભગવાનને પણ એ ભક્ત વિના રહેવાતું નથી અને એ ભક્તના હૃદયમાંથી આંખ્‍યનું મટકું ભરીએ એટલી વાર છેટે રહેતા નથી. માટે એ ભક્તને પાંચે પ્રકારે ભગવાન સંગાથે અખંડ સંબંધ રહે છે, કેમ જે, જે શબ્‍દાદિક પંચવિષય વિના જીવમાત્રને રહેવાતું નથી તે શબ્‍દાદિક પંચવિષયને એણે તુચ્‍છ કર્યા છે, ને પંચે પ્રકારે કરીને ભગવાનને વિષે જોડાણો છે. તે માટે એ ભક્તને ભગવાન સાથે અખંડ સંબંધ રહે છે.” ઇતિ વચનામૃતમ્ કારીયાણીનું  ||૧૧|| ||૧૦૭||