- ભૂમિકા -
ભગવાન પુરુષોત્તમની પ્રાપ્ત થાય તે ઊંચામાં ઊંચી શાશ્વત સિદ્ધિ છે. તે મેળવવાનો એકમાત્ર ઉપાય છે - પુરુષોત્તમમાં પ્રગાઢ પ્રેમ, અનન્ય ભક્તિ.
भकत्या त्वनन्या शकय अहमेवंविधोडर्जुन ।
ज्ञातुं द्रष्टुं च तत्त्वेन प्रवेष्टुं च परन्तप ।। (ગીતા - ૧૧-૫૪ )
હે અર્જુન ! એક અનન્ય ભકતથી જ આ રીતે યથાર્થપણે મને જાણવો, સાક્ષાત્ દેખવો અને મારામાં વિરામ પામવો તે શકય બને છે. આ પ્રેમ કેવો હોવો જોઈએ ? પ્રભુમાં તેવો પ્રેમ થઈ જાય તો તેની કેવી સ્થતિ હોય ? આ વિષયને સમજાવવા માટે સ.ગુ.નિષ્કુળાનંદસ્વામીને નિમિત્ત બનાવી સ્વયં શ્રીહરિએ આ ગ્રંથ બનાવ્યો છે. આ વાત પૂ.સ્વામીએ જ આ રીતે લખી છે --
સ્નેહગીતા ગ્રંથ ગાવા, ઇચ્છા કરી અવિનાશ ।
નિષ્કુળાનંદને નિમિત્ત દઈ, કર્યો ગ્રંથ એહ પ્રકાશ ।। (૪૪/૮)
પ્રેમ તથા સ્નેહ તે બન્ને એક જ છે. જેમાં સ્નેહ વિશેનું સંપૂર્ણ વર્ણન થયું હોય તે સ્નેહગીતા. (ગીતા=વર્ણવાયેલી ગાથા) પ્રભુપ્રેમના સ્વરૂપને યથાર્થ સમજાવવા માટે આ ગ્રંથમાં ગોપીઓની કથા વર્ણવવામાં આવી છે. ભગવાન શ્રીકૃષ્ણ વ્રજમાં પધાર્યા પછી વ્રજવાસીઓને તેમાં ગાઢ પ્રેમ થઈ ગયો. પરંતુ આ પ્રેમની ખરી પરીક્ષા લેવા માટે પ્રભુ અચાનક મથુરા રહેવા ગયા. આ વિયોગની વેળાએ ગોપીઓનો પ્રેમ ઘટ્યો નહિ, પણ પ્રગાઢ બન્યો. ગોપીઓ સંપૂર્ણ ભગવાનમય બની ગઈ તેથી સદા સ્વતંત્ર પ્રભુ તેને કાયમ માટે વશ થઈ ગયા. આ કથાના માધ્યમથી આ ગ્રંથમાં આટલા મુદ્દાઓનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
(૧) જપ, તપ, તીર્થ, વ્રત કે દાન-પુણ્ય આવા કોઈ પણ સાધન સ્નેહ સમાન થતા નથી. (૨) નવધા ભકત પણ જો પ્રભુપ્રેમ વિનાની હોય તો સૂકું સરોવર, ઘી વિનાનું ભોજન અને સુગંધ વિનાના ફૂલ જેવી માત્ર શોભારૂપ છે. (૩) અરે ! સ્વયં મોટા કથાકાર પણ જો પ્રભુપ્રેમ રહિત શુષ્ક હૃદયવાળા હોય તો તેની કથા પક્ષીના ગાયન બરાબર છે. (૪) પ્રભુપ્રેમથી રહિત ભલે ગમે તેટલું જ્ઞાન હોય તોપણ તે વર વિનાની જાન છે. (૫) ઉત્કટ પ્રભુપ્રેમના પ્રભાવે વૈરાગ્ય તો આપોઆપ આવી જાય છે, તે ગોપીઓનાં વૃત્તાંતથી સમજાવ્યું છે --
ભવવૈભવની ભૂલી વૃત્તિ, જેની સુરતિ લાગી લાલશું ।
રહે ઉદાસી થઈ નિરાશી, મન મોહે નહિ ધન માલશું ।।
(૬) સાચા પ્રેમી ભકતને હંમેશા પોતાનો જ અવગુણ આવે છે પણ પ્રિયતમ પ્રભુનો કે પ્રભુના ભકતનો કયારેય નહિ. (૭) સાચા પ્રેમીને ચોવીશેય કલાક તેના પ્રિયતમની રટના આપોઆપ લાગેલી જ રહે છે. (૮) જેને ભગવાનનો મહિમા ખરેખર સમજાયો હોય, તેને તો ભગવાનના સાચા ભકત પાસે આપોઆપ માન મુકાઈ જાય છે અને તેની ચરણરજ થઈને રહેવું ગમે છે. આ વાત ઉદ્ધવના દષ્ટાંતથી સમજાવી છે --
પ્રેમ જોઈને પ્રમદાનો, મારો ગર્વ સર્વે ગળિયો ।
હું તો ગયો’તો શીખ દેવા, પણ સામું શીખ લઈને વળિયો ।।(૪૦/૫)
(૯) પરાભકતના ફળસ્વરૂપે ભગવાન ભકતને વશ થઈ જાય છે તે શ્રીકૃષ્ણ ભગવાનના શબ્દોમાં આ રીતે વર્ણવ્યું છે --
હું જ છઉં પ્રાણ પ્રેમીના, અને પ્રેમી જ મારું તન ।
ઉદ્ધવજી એમાં અસત્ય નથી, સત્ય માનજે તું મન ।। (૪૧/૮)
મુને પ્યાર છે પ્રેમીનો, હું તો પ્રેમી જનને પૂંઠે ફરું ।
સ્નેહ સાંકળે સાંકળ્યો હું, જે જે જન કહે તે તે કરું ।। (૪૧/૯)
મુને સંભારે છે સ્નેહીજન, તેમ સંભારું હું સ્નેહીને ।
અરસપરસ રહે એકઠા, જેમ પ્રીત છે દેહ દેહીને ।। (૪૨/૪)
હું તો વશ છઉં પ્રેમને , કહું ગોપ્ય મારો મત છે ।
સ્નેહ વિના હું શિયે ન રીઝું, એહ માનજે સત્ય સત્ય છે ।। (૪૨/૯)
સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતોને આવો સ્નેહ પોતાના ઇષ્ટદેવ સર્વોપરી શ્રીહરિમાં જ કરવો જોઈએ. એવો અભિપ્રાય સ્નેહગીતાની આ છેલ્લી કડીમાંથી જણાય છે --
હેત-પ્રીતે સ્નેહીને સંગે, અલબેલો આપે છે આનંદ ।
વાલો નિષ્કુળાનંદનો નાથજી, સ્નેહવશ શ્રી સહજાનંદ ।।(પદ - ૧૧/૬)
આ ગ્રંથનું તાત્પર્ય ભગવાનને સગુણ-સાકાર સમજાવવા પર છે. તથા સર્વ વ્યાપક પ્રભુ કરતાં મળેલા પ્રગટ ભગવાનમાં સાચો સ્નેહ કરી સંપૂર્ણ સમર્પાઈ તેમને સેવી લેવા અને પરોક્ષ કરતાં પ્રગટથી જ કલ્યાણ થાય છે, એવો સ્પષ્ટ આશય જણાય છે.
સંવત ૧૮૭૨માં વૈશાખ સુદ-૪ સર્જાયેલા આ ગ્રંથમાં ૪૪ કડવાં તથા ૧૧ પદ છે. કુલ મળી ૪૯૦ ચરણ (કડીઓ) છે. સ.ગુ.નિષ્કુળાનંદસ્વામી જેવા એક વૈરાગ્યમૂર્તિ સંત, આવા ઉત્કટ પ્રેમી પણ છે. તે તેમના જીવનનું એક આશ્ચર્ય છે.