વનિતાને વેદના વ્યાપી વિયોગનીજી, પણ વીતે પંડ્યને વણ રોગે રોગનીજી ।
કરે અતિ જંખના શ્યામ સંયોગનીજી, ભૂલી ગઈ ભામિની ભવવૃત્તિ વૈભોગનીજી ।।૧।।
ઢાળ –
ભવ વૈભવની ભૂલી વૃત્તિ, જેની સુરતિ લાગી લાલશું ।
રહે ઊદાસી થઈ નિરાશી, મન મોહે નહિ ધન માલશું ।।૨।।
જેહનું પ્રીતે ચિત્ત ચોરાણું, અને ઈશક લાગી જેના અંગમાં ।
તેનું માશુક વિના મન બીજે, રાચ્યું નહિ કોઈ રંગમાં ।।૩।।
બોલ્યું ન ગમે બીજું તેહને, પ્રિતમના ગુણગાન પખી ।
અન્ય કથા કાને સુણતાં, દાઝેદલ ને થાયદુઃખી ।।૪।।
જેમ મીનને નેક નીર વિના, વળી ક્ષીરે ક્ષણું સુખ નવ વળે ।
તેમ પ્રેમી જનને પિયુ વિના, અન્ય ઊપાયે અંતર જળે ।।૫।।
જેનું પ્રેમબાણે પ્રાણ પ્રોયું, ભાવભલકે ભતર ભેદિયું ।
તેહને તે જંપ કયાંથી હોય તનમાં, જેનું રંગ ને રૂપ છેદિયું ।।૬।।
ફરે ઊદાસ મૂકે નિશ્વાસ, પાસે નથી પિયુ જેહને ।
ઊન્મત્તવત ગતિ હોયે અંગની, અન્ય જન ન જાણે તેહને ।।૭।।
એવા ભાવને પામી અબળા, હરિ વિયોગે વળી વિરહિણી ।
પિયુપિયુ પોકાર કરતાં, વણદીઠે પ્રિતમ વિલખે ઘણી ।।૮।।
લોહી માંસ ને લાલી મુખની, હરિ જાતાં એટલું હરિ ગયા ।
અસ્થિ ત્વચા ને પ્રાણ પ્રેમીનાં, વળતાં તનમાં તે રહ્યાં ।।૯।।
પ્રાણને પિયુ વિયોગે, પ્રેમી ન રહે રાખીને ।
નિષ્કુલાનંદના નાથને, જાણું જોશું કયારે કરી ઝાંખીને ।।૧૦।। કડવું ।।૧૮।।