આ વૃદ્ધ સઘળાની મત વામી ગઈજી, નંદ યશોદાની અકલ કાંઈ ન રહીજી ।
શું એને આપણે સમઝાવિએ કહીજી, એણે કોઈ વિચાર અંતર કર્યો નહીજી ।।૧।।
ઢાળ –
વિચાર ન કર્યો વ્રજવાસીએ, તેમ વિઘ્ન પણ કોઈ નવ પડ્યું ।
કેમ કરી રહે કૃષ્ણ બાઈ, અપરાધ આપણું આવી નડ્યું ।।૨।।
આ સમે કોઈ મરે અચાનક, તો કૃષ્ણ રહે તેહ કારણે ।
મોડાં વે’લા મરશે ખરા પણ, આજ મરે તો જાઉં વારણે ।।૩।।
અન્ય ઊપાયે અલબેલડો, વળી નથી રે’વા કોઈ રીતડી ।
અહો બાઈ અભાગ્ય આપણાં, પિયુ ત્રોડી ચાલ્યા પ્રીતડી ।।૪।।
આ જો રથે બેઠા રસિયો, વળી ખેડાવિયો પણ તે ખરો ।
ધ્રોડો બાઇ જાઈએ ધાઇ, વનિતા વિલંબ જો મા કરો ।।૫।।
બાઈ રોકી રાખીએ રથને, વળી વા’લાને પાછા વાળીયે ।
સાન કરીને કહીયે હરિને, પિયૂ પ્રિત તો નવ ટાળિયે ।।૬।।
એમ ટોળે મળો વટી વળો, મેલી માનિની મરજાદને ।
જીવન જાતાં નથી ખમાતું, મર લોક કરે અપવાદને ।।૭।।
મર જણાયે આ જગતમાંહે, હવે શીદને શાન્તિ રાખશું ।
છાનું છે તે મર થાય છતું, આજ નેક ઊઘાડું નાખશું ।।૮।।
નદક જન મર નદા કરે, વળી દુરિજન મરદાઝતાં ।
કૃષ્ણ ધણી મારો કૃષ્ણ ધણી, એમ કે’શું મુખે ઘણું ગાજતાં ।।૯।।
લોક મળી વળી ચળી કે’શે, તેતો સાંભળી રે’શું શ્રવણે ।
પણ નિષ્કુલાનંદના નાથની, બાઈ ખોટ્ય ન ખમાયે આપણે ।।૧૦।। કડવું ।।૧૪।।