જેને અંગે રંગ ચડિયો સ્નેહનોજી, પ્રીતે જો પ્રીતમશું પ્રાણ મળ્યો જેહનોજી ।
અંતરે અભાવ ન થાય તેને તેહનોજી, જો પ્રીત રીતે પાત થાય આદેહનોજી ।।૧।।
ઢાળ –
દેહતણેદુઃખે કરીને,દલગીર ન થાયેદલમાં ।
દરદદુઃખેદોષ હરિનો, પરઠે નહિ કોઈ પલમાં ।।૨।।
ગુણ ગ્રે’વા વળી ગોપિકાના, જેને અભાવ કોઈ આવ્યો નહિ ।
સર્વે અંગે સુખકારી, શ્યામળાને સમઝી સહિ ।।૩।।
જેનાં પય પિધાં મહી લીધાં, વળી ફોડી ગોરસની ગોળીયો ।
વાટે ઘાટે ઘેરી ઘરમાં, જેને લાજ તજાવી રંગે રોળીયો ।।૪।।
વેણ વજાડિ વ્રેહ જગાડી, વળી વનમાં તેડી વનિતા ।
તરત તિયાં તિરસ્કાર કીધો, તોય ન આવી અંતરે અસમતા ।।૫।।
કોઈ વાતે કૃષ્ણ સાથે, અવગુણ ન આવ્યો અંતરે ।
દિન દિન પ્રત્યે પ્રેમ પ્રગટ્યો, નિત્ય નિત્ય નવો નિરંતરે ।।૬।।
રાસ રચિ ખેલ મચિ, વળી વિછોઇ ગયા વનમાં ।
રોઇ રોઇ ખોઇ રજની, તોય ક્ષોભ ન પામી મનમાં ।।૭।।
નાથ નાથ મુખ ગાથ ગાતાં, વળી વિયોગે વિલખે ઘણી ।
તોયે હરિનોદોષ ન પરઠે, એવી રીત જો પ્રીત તણી ।।૮।।
પ્રીતને મગે પગ પરઠી, વળી પાછી ન ભરી જેને પેનિયો ।
શિશ સાટે ચાલી વાટે, ખરી પ્રીત પૂરણ તેનીયો ।।૯।।
લાગી લગન થઈ મગન, વળી તગન કર્યાં તન સુખજી ।
નિષ્કુલાનંદ સ્નેહી સમતોલ, કહે કવિ જન કોણ મુખજી ।।૧૦।। કડવું ।।૮।।
પદ-૨ (રાગ : મારૂ)
‘દુઃખી દિવસ ને રાત, શ્રીજી વિના દુઃખી’ એ ઢાળ.
સ્નેહને રે સમાન, નાવે કોઈ સ્નેહને રે સમાન;
રાગી૨ ત્યાગી ને તપસ્વી રે, વળી ધરે વન જઈ ધ્યાન..નાવે૦ ।। ૧ ।।
જોગ જગન બહુ જજતાં૩ રે, તજતાં તેનું મને માન;
તજી ઘરવાસ ઉદાસ ફરે કોય, કરે તીરથ વ્રત દાન..નાવે૦ ।। ૨ ।।
માળા તિલક ધરે ફરે ફકત, નખ શિખા વધારી નિદાન;
કરે અટન૪ રટન નિરંતર, વળી કરે ગંગાજળ પાન..નાવે૦ ।। ૩ ।।
સ્નેહ નહિ જેને નાથશું રે, શું થયું કરતાં રે જ્ઞાન;
નિષ્કુળાનંદ સ્નેહી જનને, વશ સદા ભગવાન..નાવે૦ ।। ૪ ।।