ઊદ્ધવ કહે હું શું કહું શ્રીહરિજી, તમારા સ્નેહવશ વ્રજસુંદરીજી ।
હે કૃષ્ણ કૃષ્ણજી કરેછે ભાવે ભરીજી, નાથ નથી રહી એને ખાન પાનની ખબર ખરીજી ।।૧।।
ઢાળ –
ખાન પાનની ખબર નથી, ઊન્મત ગત છે અંગની ।
લોકલાજ કાજ ત્યાગ કરી, ૧રાતી છે તમારા રંગની ।।૨।।
જેમ નર કોઈ માદક પીયે, તેને તન તણી શુદ્ધ વિસરે ।
તેમ તમારા સ્નેહની કેફે કરી, એનેદેહદશા નવ દિસે સરે ।।૩।।
જોગ યજ્ઞ જપ તપ તીરથ, વળી વેદ વિધિ કરી કેમ શકે ।
સ્નેહ માંહિ રહે સમાઈ, બોલે નહિ બોલાવી બોલ્યે થકે ।।૪।।
પ્રેમ જોઈને પ્રમદાનો, મારો ગર્વ સર્વે ગળીયો ।
હુંતો ગયો તો શીખદેવા, પણ સામું શીખ લઈને વળિયો ।।૫।।
એવા નિર્મળ અંતર વિના, સ્નેહ રસ શેમાં રહે ।
ચારણી ચિત્તે લટક પ્રીતે, પ્રેમ સુધારસ શું ગ્રહે ।।૬।।
એવા સ્નેહ વિના શીદને, મૂરખ કોયે મલકાય છે ।
હજી પશુ જેવી પણ પ્રીત નથી, તો હરિજન હોડ કાંયે થાયછે ।।૭।।
પ્રિતમ વિના પ્રેમીના પ્રાણ ન રહે, અને રહે તો પ્રીત ન હોય ।
જેમ જળ વિયોગે ઝષ ન જીવે, પણ જીવે દાદુર કૂર્મદોય ।।૮।।
તેમ તમ વિના ગોપીના પ્રાણ ન રહે, પણ રહેવા છે એક રીત ।
જાણે હમણાં હરિ આવશે, એવું ચતવેછે ચિત્ત ।।૯।।
પછી ભેટદીધી પૂજા કીધી, કહ્યું વા’લા આપી છે વ્રજસાથને ।
વળી કહ્યું અંગોઅંગ મળજો, નિષ્કુલાનંદના નાથને ।।૧૦।। કડવું ।।૪૦।।
પદ-૧૦
રાગ : ધોળ
અલબેલા આગળે ઉદ્ધવજી રે કહે છે,
પ્રમદાના પ્રાણ કોણ જાણે કેમ રહે છે રે.. ઉદ્ધવ૦ ।। ૧ ।।
નીર વિના નયણાં મે કેદિયે ન દીઠાં,
આંખડિયેથી આંસુ ઝરી ઝરી પડે છે હેઠાં રે.. ઉદ્ધવ૦ ।। ૨ ।।
રોઈ રોઈ ખોયા છે રે દેહના રે હાલ,
તમ વિના કૃપાનિધિ થઈ છે કંગાલ રે.. ઉદ્ધવ૦ ।। ૩ ।।
તમારા વિયોગ રોગે મણા નથી રાખી,
ઝૂરી ઝૂરી જુવતી રે પડી છે ઝાંખી રે.. ઉદ્ધવ૦ ।। ૪ ।।
પ્રાણ ગયાની પેર એની રે મેં દીઠી,
વા’લા વધામણી મેલો રે તમે મીઠી રે.. ઉદ્ધવ૦ ।। ૫ ।।
નિષ્કુળાનંદના નાથજી રે તમને,
કહ્યું કર જોડી જેવું જણાણું રે અમને રે.. ઉદ્ધવ૦ ।। ૬ ।।