દોહા
અમલ ભર્યાં સૌ અંતરે, આવે અંત્યે અવિનાશ ।
દેહ તજાવી દાસને, આપેછે અક્ષર વાસ ।।૧।।
નર નારી નિઃશંક થયાં, ભાગી બેઠા સહુ ભય ।
શરણ લીધું જેને સ્વામીનું, તેને કર્યાં નિરભય ।।૨।।
સહુને ઉપર શ્રીહરિ, શકો બેસાર્યો સુંદર ।
ભક્તિ કરાવી આ ભવમાં, તાર્યાં કંઇક નારી નર ।।૩।।
નૌતમ રીતને નાથજી, પ્રગટાવી પૃથવી માંય ।
સાંભળ્યું નો’તું જે શ્રવણે, એવું કર્યું આવી આંય ।।૪।।
રાગ ધોળ વધામણાનું –
આનંદ આપ્યો અતિઘણોરે,
આ સમામાં અલબેલ; પુરુષોત્તમ પ્રગટીરે ।
અમૃતના સિંધુ ઉલટ્યારે, રંગડાની વાળી છે રેલ; પુરુષોત્તમ ૦ ।।૫।।
નિર્ભયની નોબત્યો વાગિયોરે, મળીયા મોહનરાય; પુરુષોત્તમ ૦ ।
વિધવિધ થયાં વધામણાંરે, કસર ન રહી કાંય; પુરુષોત્તમ ૦ ।।૬।।
ખોટ્ય ગઇછે ખોવાઇનેરે, જિત્યનાં જાંગિર ઢોલ; પુરુષોત્તમ ૦ ।
દુઃખ ગયું બહુ દનનુંરે, આવિયું સુખ અતોલ; પુરુષોત્તમ ૦ ।।૭।।
કળશ ચઢાવ્યો કલ્યાણનોરે, સહુના મસ્તક પર મોડ; પુરુષોત્તમ ૦ ।
ધન્ય ધન્ય આ અવતારનેરે, જોવા રાખી નહી જોડ; પુ પુરુષોત્તમ ૦ ।।૮।।
સહુને પાર સહુ ઉપરેરે, એવી ચલાવી છે રીત; પુરુષોત્તમ૦ ।
નો’તી દિઠી નો’તી સાંભળીરે, પ્રગટાવી એવી પુનિત; પુરુષોત્તમ ૦ ।।૯।।
સર્વના સ્વામી જે શ્રીહરિરે, સર્વના કાવિયા શ્યામ; પુરુષોત્તમ ૦ ।
સર્વેના નિયંતા નાથજીરે, સર્વેનાં કરિયાં કામ; પુરુષોત્તમ ૦ ।।૧૦।।
સ્વામિનારાયણ નામનોરે, શક્કો બેસારિયો આપ; પુરુષોત્તમ ૦ ।
એ નામને જે આશર્યારે, તેના તે ટાળિયા તાપ; પુરુષોત્તમ ૦ ।।૧૧।।
ધામી જે અક્ષરધામનારે, તેણે આપ્યો છે આનંદ; પુરુષોત્તમ ૦ ।
અખંડ આનંદ આપી જીવનેરે, કાપ્યાં ભારે ભવફંદ; પુરુષોત્તમ ૦ ।।૧૨।।
ખાતાં વળાવ્યાં છે ખોટ્યનાંરે, ખરી કરાવી છે ખાટ્ય; પુરુષોત્તમ ૦ ।
બંધ કિધાં બિજાં બારણાંરે, વે’તી કિધી અક્ષર વાટ્ય; પુરુષોત્તમ ૦ ।।૧૩।।
તમ ટાળ્યું ત્રિલોકનુંરે, પ્રકાશી પૂરણબ્રહ્મ; પુરુષોત્તમ ૦ ।
અંધારુ રહ્યું તુ આવરીરે, તે ગયું થયું સુગમ; પુરુષોત્તમ ૦ ।।૧૪।।
સૂરજ સહજાનંદજીરે, આપે થયા છે ઉદ્યોત; પુરુષોત્તમ ૦ ।
પૂર્વની દિશાયે પ્રગટીરે, ખોટા મોટા તે કર્યા ખદ્યોત; પુરુષોત્તમ ૦ ।।૧૫।।
અષાડિ મેઘે આવી કર્યાંરે, ઝાઝાં બિજાં ઝાકળ; પુરુષોત્તમ ૦ ।
પુર ચાલ્યાં તે પૃથવીયેરે, ધોયા ધરતીના મળ; પુરુષોત્તમ ૦ ।।૧૬।।
ગાજ વીજ ને વર્ષવુંરે, અગમ સુગમ કર્યું સોય; પુરુષોત્તમ ૦ ।
સહુ જનને સુખ આપિયાંરે, દુઃખી રહ્યું નહિ કોય; પુરુષોત્તમ ૦ ।।૧૭।।
શર્મનો ઢોલ સુણાવિયોરે, દેવા લાગ્યા પોતે દાત્ય; પુરુષોત્તમ ૦ ।
દુર્બળનાં દુઃખ કાપીયાંરે, ન જોઇ જાત કુજાત્ય; પુરુષોત્તમ ૦ ।।૧૮।।
ધન્ય ધન્ય મારા નાથજીરે, ધન્ય ઉદ્ધારિયા જન; પુરુષોત્તમ ૦ ।
ધન્ય ધન્ય આ અવતારનેરે, ભલે મળ્યા ભગવાન; પુરુષોત્તમ ૦ ।।૧૯।।
વારે વારે જાઉં વારણેરે, કર્યાં અમારાં કાજ; પુરુષોત્તમ ૦ ।
ઘણે હેતે ઘનશ્યામજીરે, મળ્યા અલબેલો આજ; પુરુષોત્તમ ૦ ।।૨૦।।
કહીયે મુખથી કેટલુંરે, આપિયો છે જે આનંદ; પુરુષોત્તમ ૦ ।
નિષ્કુલાનંદ જાય વારણેરે, સે’જે મળ્યા સહજાનંદ; પુરુષોત્તમ ૦ ।।૨૧।।
ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે પંચપંચાશત્તમઃ પ્રકારઃ ।।૫૫।।
પુરૂષોત્તમપ્રકાશ સમાપ્ત