સ્નેહગીતા કડવું - ૧૨ મથુરાં મ જાશો રે પ્રીતમ પાતળા રે,પદ-૩

Submitted by swaminarayanworld on Wed, 21/06/2017 - 8:10pm

અહો કષ્ટ અચાનક આવિયોજી, જયારે હરિવરને કંસે બોલાવિયોજી ।
મથુરાંની નારીનોદાવો બાઈ ફાવિયોજી, આપણે તો લેખ એવો જો લખાવિયોજી ।।૧।।

ઢાળ –

લેખ લખતાં ભૂલ્યો તું બ્રહ્મા, અને અકલ ગઈ તારી ઊચળી ।
જોડ્ય જોડિ નાખેછે ત્રોડી, તારી અસત મત્ય એવી વળી ।।૨।।

વિવેક હોય જો વિધિ તુંમાં, તો એવું ન કરે કોઈ દિને ।
જોગ મેળીદેછે ઊબેલિ, તેની મે’ર નથી તારે મને ।।૩।।

મન ગમતું સુખ મેળવીને, વળી વિછોહ પાડછ વળતો ।
માટે મૂરખ મોહોટો ભાઈ, નથી કોઈ તુંજ ટળતો ।।૪।।

જેમ કલ્પાંકરે કાંઈ કરિયાં, ઘણાંઘણાં રચે ઘર ઘોલિયાં ।  
રમતાં રમતાં રોષ ઊપનો, તારે ભાંગતાં તે કાંયે ભુલિયાં ।।૫।।

તેહ માટે તુંને બ્રહ્મા ભાઈ, ઊપમા તે એહની આપિયે ।
હરિવર ત આપ્યો અમને, તો અસન પેઠે ન ઊથાપિયે ।।૬।।

હાસ અમારી હૈયાં કેરી, નથી પુરી કરી નાથને ।
વાલાથી કેમ કરેછે વેગળાં, એવો વેરી થયો શું વ્રજસાથને ।।૭।।

નયણે નિરખતાં નાથને, જેહ મટકે કરી પાંપણ મળે ।  તેહજ બ્રહ્મા ભૂલ્ય તારી, કાંરે ભાઈ તું નવ કળે ।।૮।।

એટલી ખોટ તે ખરખરે, તો વેગળે મન કેમ વાળીયે ।  
તેહ માટે ભાઈ કહ્યું તુંજને,દયાદલથી નવ ટાળીયે ।।૯।।

કૃષ્ણ વિના કેમ કરીને, વળી વિકટ ઘડી વામશે ।  
નિષ્કુલાનંદનો નાથ ચાલતાં, પ્રાણ પ્રીતેદુઃખ પામશે ।।૧૦।। કડવું ।।૧૨।।

પદ-૩
રાગ : મેવાડો
‘અંતકાળે આવી રે સંભાળી લેજો’ એ ઢાળ.
મથુરાં મ જાશો રે પ્રીતમ પાતળા રે,
નાખી અમને નોધારાં મારા નાથ;
જરૂરને જાવું રે હોય તીયાં તમને રે,
તો લેજો શ્યામળા અમને રે સાથ...મથુરા૦ ।। ૧ ।।
પ્રીત કરીને રે પિયુજી મા પરહરો રે,
રાખો રાખો પ્રીતમ અમને રે પાસ;
અળગાંને રે’તાં રે અધીર અતિ અમને રે,
વણ દીઠે રહે અંતર ઉદાસ...મથુરા૦ ।। ૨ ।।
જેમ મણિ વિના ફણી રે અણ દીઠે આંધળો રે,
વળી કોઈ લિયે લોભીનું ધન,
વણમૃત્યુએ મૃત્યુ તેને માનવું રે,
જેનું કાંઈ જાતું રહ્યું રે જીવન...મથુરા૦ ।। ૩ ।।
જળવાસી જીવ રે જવાળામાં જીવે નહિ રે,
અમારે છે તમ વિના હરિ તેમ,
નિષ્કુળાનંદના રે સ્વામીજી સુજાણ છો રે,
અજાણ જે હોય તેને કે’વું એમ...મથુરા૦ ।। ૪ ।।