૧૦. ધર્મદેવનો જન્મ,જનોઇ પ્રદાન અને શાસ્ત્રાભ્યાસ.

Submitted by swaminarayanworld on Sun, 03/07/2011 - 9:27pm

ચોપાઇ-

સુંદર શોભે છે સરવાર દેશરે, જયાં ધર્મે કર્યો પ્રવેશરે ।

ધન્ય ધન્ય ધરા એ પાવન રે, ધન્ય દેવહા નદી તટે વન રે ।।૧।।

અંબ કદંબ અશોક કેરીરે, જાંબુ લીંબુ વળી જામફળીરે ।

કરમુક કુટટિમ કણેરી રે, બહુ બદરી ને નાળીયેરીરે ।।૨।।

તિયાં સારસ હંસ શુક મોરરે, કરે કોયલ કોકિલા ઝિંગોરરે ।

ઘણે વૃક્ષે વિટાણાં જયાં ગામરે, જાણું બીજું આ ધર્મનું ધામરે ।।૩।।

તિયાં શોભે શહેર રૈકહટરે, તેમાં વર્તે આનંદ અમટરે ।

ખાન પાને પટે સુખી લોકરે, ભય વિગ્રહ ને નહિ શોકરે ।।૪।।

તિયાં વસે છે વર્ણ ચારરે, તેણે શોભે છે શહેર અપારરે ।

દ્વિજ ક્ષત્રિય વૈશ્ય વળી શુદ્રરે, તર્યા ધર્મથી શોકસમુદ્ર રે ।।૫।।

વસે વિપ્ર તિયાં સરવરિયારે, અતિ ભાવ ભક્તિના ભરિયા રે ।

દયાવાળા દિલના ઉદારરે, પાપ રહિત પુણ્ય ભંડારરે ।।૬।।

ઉચ્ચે કુળે આચાર છે અતિરે, સદા સ્વધર્મ માંહિ છે મતિરે ।

ગોત્ર સાર્વિણ ને સામવેદ રે, શાખા કૌથમી સાંભળો ભેદરે ।।૭।।

ત્રણ પ્રવર તેનાં સુજસ રે, ભાર્ગવ વૈતહવ્ય સાવેતસરે ।

પાંડે ઇટાર ગામના કહીએરે, પૂજય શિરનેત્ર રાજાના લહીએ રે ।।૮।।

અતિ કૃપાળુ કનહિરામરે, તેના સુત બાલશર્મા નામરે ।

વેદ શાસ્ત્રને પઢ્યા પુરાણરે, શુદ્ધ આત્માવાળા તે સુજાણરે ।।૯।।

સત્યવાદી અતિ ઇંદ્રિય જીતરે, ધીર ગંભીર ધર્મમાં પ્રીત રે ।

શીલ સંતોષ દલ ઉદારરે, શુભ શાંતિ ગુણના ભંડાર રે ।।૧૦।।

એવા બાળશર્મા મહામતિરે, જેને ઘેર છે ભાગ્યવતી સતીરે ।

ગુણવાન પતિવ્રતા ધારી રે, પુણ્ય પવિત્ર નિર્મળ નારીરે ।।૧૧।।

એવાં નરનારી ગુણ ભંડારરે, તિયાં ધર્યો ધર્મે અવતારરે ।

સંવત્ સત્તર વર્ષ છનું રે, પ્રમોદ નામ સંવત્સરનું રે ।।૧૨।।

દક્ષિણાયનમાં રવિ રમેરે, વર્તે શરદઋતુ તે સમેરે ।

માસ ર્કાિતકશુદિ સારરે, એકાદશી સુંદર બુધવારરે ।।૧૩।।

નક્ષત્ર ઉત્તરા વ્રજ યોગ રે, વિષ્ટિ કરણ હરણ રોગરે ।

કુંભ લગ્ન માંહિ ભાગ્યવતી રે, જન્મ્યા ધર્મદેવ મહા મતિ રે ।।૧૪।।

ધર્મ જન્મ જાણી ત્રણ લોક રે, થયા વિબુધ સાધુ અશોક રે ।

આવ્યા સુર તેત્રીશ ક્રોડિ રે, તેતો કરે સ્તવન કર જોડી રે ।।૧૫।।

આવ્યા બ્રહ્મા ને તિયાં બ્રહ્માણીરે, આવ્યા શિવને ગિરિજા રાણીરે ।

ગાય શારદા શેષ ત્યાં ગાનરે, તાંડવ નૃત્યે ત્રોડે શિવ તાન રે ।।૧૬।।

ગાય ગાંધર્વ ને અપસરા રે, સિદ્ધ ચારણ ને મુનિવરા રે ।

આવ્યાં વૈકુંઠ થકી વિમાન રે, નયણે નિરખવા ધર્મ નિદાનરે ।।૧૭।।

કરે સુર તે વૃષ્ટિ સુમને રે, બહુ વાજીંત્ર વાજે ગગને રે ।

વાજે ઢોલ ને દુંદુભિ ગડે રે, તેની ખબર મુક્તને પડે રે ।।૧૮।।

થાય નભે ઉત્સવ અપારરે, થયો જાણી ધર્મ અવતાર રે ।

જેમ ગેકિ રહ્યો છે ગગન રે, તેમ ભૂમિએ ભક્ત મગન રે ।।૧૯।।

નરનારી પામ્યાં છે આનંદરે, ધર્મ પ્રકટ્યા પૂરણ ચંદ રે ।

ઘેરઘેરથી માનિની મળી રે, ગાયે વધાઇ મંગળ વળીરે ।।૨૦।।

કરે ઉત્સવ નર ને નારરે, બાંધ્યાં તરિયાં તોરણ બારરે ।

ભરી ગજ મોતિડાંના થાળ રે, ચાલી નારી વધાવા દયાળ ।।૨૧।।

વધાવે છે વનિતાનાં વૃંદરે, મુખ જોઇને પામ્યાં આનંદ રે ।

પછી ભામિની ગઇ ભવન રે, તેડ્યા વિપ્ર વિદ્યાએ સંપન્ન રે ।।૨૨।।

જોયાં વાર ઘડી ને લગન રે, જોઇ વિપ્ર મનમાં થયા મગન રે ।

કહે એવી પળે બાળ આવ્યો રે, જાણું ત્રિભુવનને સુખ લાવ્યો રે ।।૨૩।।

આવી પળે પ્રકટ જે થાય રે, તે તો ધર્મ મૂર્તિ કહેવાય રે ।

માટે આ વાત તમે છપાડો રે, એનું નામ દેવશર્મા પાડો રે ।।૨૪।।

તન શોભિત સુંદર અતિરે, માટે દેવશર્મા મહામતિ રે ।

પછી હરખ્યા બાળશર્મા મન રે, આપ્યાં દાન થઇને પ્રસન્ન રે ।।૨૫।।

બ્રાહ્મણ ભિક્ષુક ને ભરિ ભાંગ્યાં રે, દીધાં દાન બહુ મુખ માગ્યાંરે ।

થઇ રાજી અતિ વિપ્ર જન રે, ગયા પોતપોતાને ભવન રે ।।૨૬।।

પછી મા બાપે વિચાર્યું મન રે, આની કરવી ઝાઝી જતન રે ।

અતિ હેત રાખી ઉરમાંઇ રે, અર્ધ ઘડી મેલે નહિ ક્યાંઇરે ।।૨૭।।

હૈયે હેત સમેત હુલાવે રે, પ્રેમે પારણિયામાં ઝુલાવે રે ।

કરે કામ ધામનું જો કાંઇ રે, પણ વૃત્તિ રહે બાળક માંઇ રે ।।૨૮।।

રુડે હર્ષે સુતને રમાડે રે, પય સાકર પાન જમાડે રે ।

એમ કરતાં મોટા જયારે હવારે, ત્યારે માંડ્યું છે મુખે બોલવારે ।।૨૯।।

કાંઇ બોલે છે કાલંુ જો કાલું રે, તેતો લાગે માતાજીને વહાલું રે ।

બાળચંદ્ર પેર્યે અહોનિશ રે, વાધે દેવશર્મા તે હમેશ રે ।।૩૦।।

ધર્યો ધર્મે જે દિનો જનમ રે, મટી સાધુને વેળા વિષમ રે ।

તર્ત પાપીને પીડા ઉપની રે, આવ્યું અચાનક એવું બની રે ।।૩૧।।

પુર ગ્રામ ઘોષ પૃથ્વી પર રે, તિયાં ઉપજયો આનંદ ભર રે ।

થયા યજ્ઞ અગ્નિ નિર્ધુમ રે, સુખમાં વાયુ નિર્મળ વ્યોમ રે ।।૩૨।।

થયાં સતપુરૂષનાં ચિત્ત રે, અતિ નિર્મળ પરમ પુનિત રે ।

નદી કૂપ વાવ્યનાં જે જળ રે, થયાં તાલ સરવે અમળ રે ।।૩૩।।

સિદ્ધ ઋષિ સહુ સુખ પામ્યા રે, અંતરેથી અધર્મને વામ્યા રે ।

થઇ રાજી ને આપે આશિષ રે, ધર્મ જીવજયો કોટિ વર્ષ રે ।।૩૪।।

એમ સુખ પામ્યા સત્ય ધર્મી રે, પામ્યા પીડા જે હતા કુકર્મી રે ।

પાપી પાખંડીનું પડી ભાંગ્યું રે, મન સહુનું ધર્મમાં લાગ્યું રે ।।૩૫।।

ધર્મ પોતે અતિ મહાધીર રે, સુખદુઃખે રહે મન સ્થિર રે ।

ભૂખ દુઃખ વળી શીત ઉશ્ન રે, હોય તનમાં ન માને મન રે ।।૩૬।।

એવું જોઇ બાળશર્મા બાપરે, જાણ્યા મોટા યોગી છે આ આપરે ।

વર્ષ આઠ જનમથી થિયાં રે, આપી તાતે ઉપવીત તિયાં રે ।।૩૭।।

આપી જનકે જનોઇ જયારે રે, કર્યો મોટો ઉત્સવ તે વારે રે ।

પછી ધર્મે બટુનો જે વેષ રે, ધારી વધારીયા પંચ કેશ રે ।।૩૮।।

ભણ્યા વેદ શાસ્ત્ર ને પુરાણ રે, થયા પંડિત પોત્યે સુજાણ રે ।

હુવા બાર વર્ષના આપે રે, ત્યારે પ્રીત્યે શું પુછીયું બાપે રે ।।૩૯।।

પુત્ર પરણો એક મેરારૂ રે, માનો વચન એટલું મારૂં રે ।

જેવા પુત્ર તમે ગુણવાન રે, જોઇયે સુંદરી તમ સમાન રે ।।૪૦।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદ સ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે ધર્મ જન્મ એ નામે દશમું પ્રકરણમ્ ।।૧૦।।