૨૪. શ્રીહરિએ માતાને હરિગીતાનું જ્ઞાન આપ્યું તથા પોતાનો નિશ્ચય કરાવી દેહત્યાગ કરાવ્યો.

Submitted by swaminarayanworld on Tue, 05/07/2011 - 6:35pm

પૂર્વછાયો-

એટલી વાત એમ થઇ, તમે સાંભળો સહુ સુજાણ ।

કથા કહું ત્યાર કેડ્યની, શુદ્ધ બુદ્ધિ ને સુખખાણ ।।૧।।

બહુ હેતે હરિકૃષ્ણનાં, જે ચરિત્ર ધરશે ચિત્ત ।

હશે મહા પંચ પાતકી, તોય થાશે તર્ત પુનિત ।।૨।।

એવો યશ એ અનુપ છે, સુભાગી સાંભળશે કાન ।

ત્યાર પછીની જે વારતા, સહુ સાંભળો થઇ સાવધાન ।।૩।।

પ્રેમવતી બાળા ભગતિ કહીએ, ત્રણે જેહનાં નામ ।

તેના તનમાં તપ્ત આવી, વળતાં પામ્યાં વિરામ ।।૪।।

ચોપાઇ-

ર્કાિતક શુદી અષ્ટમીને દને રે, તેદિ માંદાં થયાં માતા તને રે ।

જેનું વ્રત તપે કરી દેહ રે, અતિ શિથિલ થયું છે તેહ રે ।।૫।।

ફુલ મૃદુલસમ છે કાય રે, અતિશે કોમળ ન સહેવાય રે ।

તેને જોઇ જયેષ્ઠ સુત જેહ રે, કરે ઔષધ ઉપાય તેહ રે ।।૬।।

કરી ઔષધ વિધિ અનેક રે, તેની ટાંકી લાગી નહિ એક રે ।

ત્યારે પ્રભુએ કર્યો વિચાર રે, નહિ રહે તન નિરધાર રે ।।૭।।

આપું જ્ઞાન માને આણિ પળે રે, જેણે કરી તર્ત દુઃખ ટળે રે ।

ત્યારે હરિ કહે સાંભળો માત રે, એકચિત્ત દઇ મારી વાત રે ।।૮।।

સતશાસ્ત્રમાં મળતાં વેણ રે, આવા સમામાંહિ સુખદેણ રે ।

જન્મમરણ રૂપ માયા મારી રે, તેતો સર્વેને છે દુઃખકારી રે ।।૯।।

પંચરાત્ર સાંખ્યયોગ વાળા રે, એમ કહે છે માનો માતા બાળા રે ।

માટે જ્ઞાન વૈરાગ્ય ધર્મ યુક્તરે, ભક્તિ કૃષ્ણની કરીએ તો મુક્તરે ।।૧૦।।

સર્વે દુઃખ મટવા ઉપાય રે, નથી એહ વિના બીજો માય રે ।

એવી સાંભળી સુતની વાત રે, વળતાં મનમાં વિચાર્યાં માત રે ।।૧૧।।

જે જે કહ્યું તું માર્કંડેય રે, મળી વાત સર્વે આ તેહ રે ।

કહ્યું ગુણે છે હરિ અમૂલ્ય રે, થયું એમાં નથી કાંઇ ભૂલ્ય રે ।।૧૨।।

વળી કહ્યું તું વૃંદાવન માંય રે, તેહ સર્વે સાંભર્યું મનમાંય રે ।

પછી પુત્રને શ્રીકૃષ્ણ જાણી રે, થઇ દીન ને બોલિયાં વાણી રે ।।૧૩।।

વળી હું આવી શરણ તમારી રે, આપો શિખામણ મને સારી રે ।

તમે કહ્યું જે જ્ઞાન વૈરાગ્ય રે, ધર્મ સહિત ભક્તિ સુભાગ્ય રે ।।૧૪।।

તેનો વિધિએ વિભાગ કરી રે, કહો અતિ હેતે તમે હરિ રે ।

વળી સાચા સાધુનું સ્વરૂપ રે, કહેજયો કૃપા કરી સુખરૂપ રે ।।૧૫।।

એમ પ્રેમે પૂછ્યું પ્રેમવતિ રે, ત્યારે બેલિયા હરિમહામતિ રે ।

નવમી નિશિ જાતાં જુગ જામ રે, બોલ્યા માતા પ્રત્યે ઘનશ્યામ રે ।।૧૬।।

દેવા માતાને જ્ઞાનનું દાન રે, કહી હરિગીતા ભગવાન રે ।

પંચ વાતે કર્યો તે પ્રબોધ રે, જેને સાંભળતાં વાધે મોદ રે ।।૧૭।।

તેહના છે પંચ અધ્યાય રે, કહ્યું પ્રથમના અધ્યાયમાંય રે ।

સ્વધર્મ સહિત ભક્તિ જેહ રે, થાય સાધુના સંગથી તેહ રે ।।૧૮।।

તેહ સાધુ તણાં જે લક્ષણ રે, કહિ દેખાડ્યાં તે તતક્ષણ રે ।

બીજે અધ્યાયે વર્ણાશ્રમ ધર્મ રે, કહી દેખાડ્યો તેહનો મર્મ રે ।।૧૯।।

ત્રીજે અધ્યાયે જીવાત્મજ્ઞાન રે, કહ્યું માતા પ્રત્યે ભગવાન રે ।

વળી પરમાત્મા જે શ્રીકૃષ્ણ રે, કહ્યું તેનું જ્ઞાન થઇ પ્રશ્ન રે ।।૨૦।।

ચોથે અધ્યાયે કહ્યું સુખરૂપ રે, વૈરાગ્યનું સ્વરૂપ અનુપ રે ।

તેહ વૈરાગ્ય જે થકી થાય રે, કહ્યા તેહના સર્વે ઉપાય રે ।।૨૧।।

પંચમા અધ્યાયે નવ પ્રકારે રે, કહી ભક્તિ વિભાગ વિચારી રે ।

એમ પંચાધ્યાયે ઉપદેશ રે, આપ્યો માતાને હરિએ અશેષ રે ।।૨૨।।

એવી રીતે હરિગીતા કઇ રે, સુણી માતાએ તે શ્રુતિ દઇ રે ।

પછી પુત્ર પ્રત્યે બોલ્યાં માત રે, સુણો હરિ પ્રભુ મારી વાત રે ।।૨૩।।

તમે કૃષ્ણને વિષે ભગતિ રે, કહ્યું કરવી હેતે શું અતિ રે ।

તેહ શ્રીકૃષ્ણ છો સુત તમેરે, નિશ્ચે કરીને જાણ્યા છે અમે રે ।।૨૪।।

કૃષ્ણ કહીએ જે ગોલોક ધામે રે, તે તમે થયા છો હરિનામે રે ।

પ્રભુ તમારે વચને વળી રે, મારા સર્વે સંશય ગયા ટળી રે ।।૨૫।।

મારી વૃત્તિ તમમાં ઠેરાણી રે, કાલ માયાના ભયથી મુકાણી રે ।

હવે જાઉં છું તમારે ધામ રે, એમ કહીને પામ્યાં વિશ્રામ રે ।।૨૬।।

પછી ધર્યું પ્રભુજીનું ધ્યાન રે, તેણે કરી ભૂલ્યાં તનભાન રે ।

એમ કર્તાં અર્ક ઉદે થયા રે, ત્યારે પ્રભુજી નાવાને ગયા રે ।।૨૭।।

પછી નિત્ય કરમ ને કાજરે, આવ્યા અગ્નિશાળામાં મહારાજ રે ।

ત્યારે માતાજીને તેહ વાર રે, દેખાણા પ્રભુ હૃદય મોઝાર રે ।।૨૮।।

પ્રસન્ન વદન ર્વિણને વેશ રે, બાંધ્યો છે સારો અંબોડો શિશ રે ।

ચંદ્રકાંતિ સમ મુખ શોભે રે, નયણાં નવીન કમળ ઉભે રે ।।૨૯।।

ઘનશ્યામ સુંદર છે તન રે, પહેર્યું કોપીન પર આછાદન રે ।

ખભે શ્વેત વસ્ત્ર લીધું ધારી રે, કંઠે માળા બે સુંદર સારી રે ।।૩૦।।

પંચ ઉર્ધ્વપુંડ્ર છે પુનિત રે, પહેરી શ્વેત સારી ઉપવીત રે ।

એવી મૂર્તિમાં ચિત્ત ચોટ્યું રે, પામ્યાં અંતરમાં સુખ મોટું રે ।।૩૧।।

પછી દીઠો પોતાનો આત્મા રે, તેજ તેજ તેજની છે સીમા રે ।

મન પ્રાણ ગુણ ઇંદ્રિય દેહ રે, તેહ પર પ્રકાશક જેહ રે ।।૩૨।।

એવો નિજ આત્મા પ્રકાશ રે, તેનો થયો બ્રહ્મશું વિલાસ રે ।

તેહ બ્રહ્મ તેજમાંહિ માત રે, દીઠા હરિ તે કૃષ્ણ સાક્ષાત રે ।।૩૩।।

મનોહર સુંદર ઘનશ્યામ રે, છબી જોઇ લાજે કોટી કામ રે ।

કોટિકોટિ ઇન્દુનો ઉજાસ રે, અંગઅંગ પ્રત્યે છે પ્રકાશ રે ।।૩૪।।

હેમસમ શોભા વસનની રે, કટિમેખળા છે રતનની રે ।

મોરમુગટ જડ્યો મણિયે રે, મકરાકૃતિ કુંડળ ગણિએ રે ।।૩૫।।

કંઠે કૌસ્તુભ મણિનો હાર રે, મોતિ માળા શોભે છે અપાર રે ।

વેઢ વિંટી કડાં કર ઉભે રે, બાજુ કાજુ ને સાંકળાં શોભે રે ।।૩૬।।

પગે શોભે સુંદર નૂપુર રે, સારી કોમળાવસ્થા કિશોર રે ।

ર્ચિચ ચંદન પહેર્યા છે હાર રે, તોરા ગજરા શોભે અપાર રે ।।૩૭।।

પહેરી વૈજયંતી સુંદર માળા રે, તેણે લાગે છે અતિ રૂપાળા રે ।

શોભે વાંસળી સારી સુંદર રે, એવા દીઠા માયે નટવર રે ।।૩૮।।

નિરખી હર્ષ પામ્યાં મહેતારી રે, પછી દીઠા તેને બ્રહ્મચારી રે ।

કૃષ્ણ હરિ હરિ તેજ કૃષ્ણ રે, એવું થયું માતાજીને દ્રષ્ણ રે ।।૩૯।।

પછી કર જોડી દીન થઇ રે, બોલ્યાં કૃષ્ણ પ્રત્યે માતા રઇ રે ।

કરી સ્તુતિ કહે છે એમ માય રે, ધન્ય ધન્ય કૃષ્ણ હરિરાય રે ।।૪૦।।

સાધુ દેવતા ને સત્ય ધર્મ રે, તેને પાળો છો પૂરણ બ્રહ્મ રે ।

વળી રક્ષક બ્રાહ્મણ ગાય રે, ધન્ય ધન્ય કૃષ્ણ હરિરાય રે ।।૪૧।।

કરવા નિજજનની પ્રતિપાળ રે, આવ્યા ગોલોક થકી દયાળ રે ।

થઇ પુત્ર કરી મારી સહાય રે, ધન્ય ધન્ય કૃષ્ણ હરિરાય રે ।।૪૨।।

વળી અજ્ઞાનરૂપી જે તમ રે, તેને ટાળવા સૂરજ સમ રે ।

ધર્મ એકાંતિક ધાર્યો સદાય રે, ધન્ય ધન્ય કૃષ્ણ હરિરાય રે ।।૪૩।।

વળી એક હાથે વર આપો રે, એક હાથે અભય કરી સ્થાપો રે ।

પાપવનદહન નામદાય રે, ધન્ય ધન્ય કૃષ્ણ હરિરાય રે ।।૪૪।।

પાખંડધર્મને ખંડવા કાજ રે, તમે પ્રકટ પંડિત રાજ રે ।

શરણાગતના સુખ સીમાય રે, ધન્ય ધન્ય કૃષ્ણ હરિરાય રે ।।૪૫।।

જ્ઞાન ભક્તિ વૈરાગ્ય ભંડાર રે, અહિંસાદિક ધર્મ અપાર રે ।

એવા બહુ ગુણ તમ માંય રે, ધન્ય ધન્ય કૃષ્ણ હરિરાય રે ।।૪૬।।

તમે અકળરૂપ અવતારી રે, હમણાં ર્વિણવેષ રહ્યા ધારી રે ।

એમ કરે છે સ્તુતિને માય રે, ધન્ય ધન્ય કૃષ્ણ હરિરાય રે ।।૪૭।।

એમ ભાવે કરીને ભગતિ રે, કરે મૂરતિ આગળ્ય વિનતિ રે ।

કરે વંદન વારણે જાય રે, ધન્ય ધન્ય કૃષ્ણ હરિરાય રે ।।૪૮।

એમ કહીને તજયું છે તન રે, રાખી શ્રીકૃષ્ણ મૂર્તિમાં મન રે ।

એમ દેહને તજી ભગતિ રે, પામ્યાં દિવ્ય દેહ પ્રેમવતી રે ।।૪૯।।

મેલી એહ દેહ ઉછરંગે રે, રહ્યાં શ્રધાદિ દ્વાદશ સંગે રે ।

દુર્વાસાનો શાપ તે ટળ્યો રે, મોરે હતો તેવો દેહ મળ્યો રે ।।૫૦।।

સંવત અઢાર અડતાળિશે રે, ર્કાિતક શુદિ દશમી દિવસે રે ।

શનિવાર સુંદર સવારે રે, મેલ્યું માતાજીએ તન ત્યારે રે ।।૫૧।।

પછી દેહને લઇ સંબંધી રે, અગ્નિ દાહ દીધો રૂડી વિધિ રે ।

પછી રામપ્રતાપ સુજાણ રે, કરી ક્રિયા તે શાસ્ત્ર પ્રમાણ રે ।।૫૨।।

પછી હરિએ માન્યાં માતા તેહ રે, મોટા ભાઇની વધુ છે જેહ રે ।

કર્યું ભાભીજીએ હેત ઘણું રે, રાખે બહુ બહુ હરિતણું રે ।।૫૩।।

નિત્યે જમાડીને પોતે જમે રે, જેજે કહે તે સર્વે ખમે રે ।

અર્ધ ઘડી જો અળગા જાય રે, વણદિઠે તે વ્યાકુળ થાય રે ।।૫૪।।

વળી ભાઇને હેત છે ભારી રે, ન ખાય પીયે એને વિસારી રે ।

જાય રમવા તો ટળવળે રે, જોયા વિના તો જંપ ન વળે રે ।।૫૫।।

હરિ પોતે બહુ નિસ્પૃહ રે, ખાનપાનમાં નહિ સનેહ રે ।

શીલ સંતોષ સાધુતા અતિ રે, જાણ્યું તપ ત્યાગની મૂરતિ રે ।।૫૬।।

વળી તાતે આપી ભલામણ્યું રે, આની રાખજયો ખબર ઘણું રે ।

આને નથી દેહની સંભાળ રે, તેની કરજયો તમે રખવાળ રે ।।૫૭।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે ભક્તિ દેહત્યાગ નામે ચોવીશમું પ્રકરણમ્ ।।૨૪।।