૩૪. આદિકૂર્મમાં રાજા દ્વારા અસુરોનો નાશ,રામેશ્વર સુધીની યાત્રા, શાલગ્રામને પાણી પાયું ,વર્ણીને

Submitted by swaminarayanworld on Tue, 05/07/2011 - 7:08pm

પૂર્વછાયો-

ત્યાર પછી જે જે કર્યું, તે સાંભળો વાત સરેશ ।

એટલું કામ કરી હરિ, પછી ચાલિયા દક્ષિણ દેશ ।।૧।।

એકાએક અરણ્યમાંહિ, રહેવા રાજી છે મન ।

શહેર ન ઇચ્છે સ્વપ્ને, વહાલું લાગે છે વસવું વન ।।૨।।

ભક્તિધર્માદિ ભેળાં રહે, દિવ્ય દેહ ધરીને સોઇ ।

તેહ વિના જીવ જક્તના, નથી ગમતા બીજા કોઇ ।।૩।।

ત્યાગ વૈરાગ્ય તનમાં, તેણે મગન રહે છે મન ।

નાવે બીજા નજરે, જે નોય હરિના જન ।।૪।।

ચોપાઇ-

એવા શ્રીહરિ બહુ નિસ્પ્રેહ, અણઇચ્છાએ ચાલિયા તેહ ।

આવ્યા આદિકૂરમ તીરથ, સુખદાઇ હરિ સમરથ ।।૫।।

તેને સમીપે માનસા શહેર, આવ્યા તિયાં કરી હરિ મેર ।

તેનો રાજા છે અતિ પવિત્ર, જેણે બાંધ્યાં છે અન્નનાં ક્ષેત્ર ।।૬।।

અન્નારથી આવે જેહ જન, તેને ભાવે કરાવે ભોજન ।

તેણે દીઠા એહ બ્રહ્મચારી, જોઇ મનમાં રહ્યો વિચારી ।।૭।।

કહે આતો મોટા કોઇ અતિ, પછી રાખ્યા છે કરી વિનતિ ।

રાખ્યા એકાંતે વરણિરાટ, અતિ ત્યાગી તપસ્વી તે માટ ।।૮।।

એક એકાંતે ઓટો સુંદર, રહ્યા તિયાં પ્રભુ તે ઉપર ।

પછી રાજા રાજાના સેવક, કરે ચાકરી કરી વિવેક ।।૯।।

નિત્ય પ્રત્યે કરે એમ સેવ, જાણે મહાત્મા છે મોટા દેવ ।

કરે સન્માન જોઇ ત્યાગી, બીજા ભેખનું પડીયું ભાંગી ।।૧૦।।

ત્યારે અસુર ત્યાંના રહેનાર, કહે આતો છે આપણો માર ।

જેણે દૈત્ય સમૂહ મરાણો, તેનું મૂળ કારણ આ જાણો ।।૧૧।।

પછી ત્યાંના રહેનાર અસુર, કહે મારીએ એને જરૂર ।

એમ પાપી સહુ પરિયાણ્યા, મારવા પછી પથરા આણ્યા ।।૧૨।।

જાણ્યા એકાએક બેઠા ઓટે, આવ્યા માર્યા સારૂં દડિ દોટે ।

નિશિમાંહિ આવ્યા નિશાચર, માંડ્યા ફેંકવા બહુ પથર ।।૧૩।।

મળી દૈત્ય હજારો હજાર, નાખ્યા અશ્મ અતિશે અપાર ।

સમિ સાંજ થકી સારી રાત્ય, કર્યો પાણાતણો વરષાત ।।૧૪।।

સાધુ સ્વભાવવાળા સુબુદ્ધ, નિરવૈર અતિ અવિરૂદ્ધ ।

બહુ ક્ષમાવાળા હરિ ધીર, તેને ન લાગ્યું કાંઇ શરીર ।।૧૫।।

ઓટા આસપાસે પાણા પડ્યા, ગજ ઓટાથી ઉંચેરા ચડ્યા ।

દીઠા હરિ તેમાંથી કુશળ, લીધાં દૈત્યો આયુધ તે પળ ।।૧૬।।

જાણ્યુ જાણશે રાજા જો વાત, તો થાશે આમાંથી ઉતપાત ।

ત્યાંતો રાજાને ખબર પડી, આવ્યો પ્રભુ પાસળે તે ઘડી ।।૧૭।।

આવ્યા લોક બીજાં સહુ મળી, દેખી પાણા વિસ્મય પામ્યાં વળી ।

જોઇ રાજા વિચારે છે મને, ઉગાર્યા ર્વિણને ભગવને ।।૧૮।।

કરી પ્રહ્લાદની જેમ સાય, નથી તેમાં આમાં ફેર કાંય ।

એમ કહીને નમિયો રાજ, અમે છીએ તમારા મહારાજ ।।૧૯।।

પછી નાથે શિષ્ય તેને કીધો, બીજા બહુને ઉપદેશ દીધો ।

પછી એમ વિચાર્યો ભૂપાળ, પાપી કરત આ વર્ણીનો કાળ ।।૨૦।।

આતો આપણા છે ઇષ્ટદેવ, તેની દેખી શક્યા નહિ સેવ ।

એણે જરૂર માર્યાતા આજ, ખોઇતિ એણે આપણી લાજ ।।૨૧।।

માટે ખરા એ ખુની અસુર, એને જોવા આપણે જરૂર ।

પછી એને કેડ્યે ફોજ ચડી, ઘેરી લીધા અસુર તે ઘડી ।।૨૨।।

કહ્યું લ્યો ઉભારો ઉડું ઉડું, એમ કહીને કાપિયું મુંડું ।

મુવા અધરમી ત્યાં અપાર, બહુ ઉતર્યો ભૂમિનો ભાર ।।૨૩।।

એમ પોતાનાં પાપ પ્રતાપે, થયા નાશ તે અસુર આપે ।

હરિ પોતે અપાપ અદોષ, નથી રાખતા કોઇશું રોષ ।।૨૪।।

એવા કૃષ્ણ દેવ જે દયાળ, પછી ચાલ્યા ત્યાંથી તતકાળ ।

આવ્યા વેંકટાદ્રિયે જીવન, કર્યાં ઠાકોરજીનાં દર્શન ।।૨૫।।

પછી ચાલ્યા ત્યાંથી નિરમોહી, શિવકાંચી વિષ્ણુકાંચી જોઇ ।

ત્યાંથી શ્રીરંગે આવ્યા છે શ્યામ, મોટા મોટાનાં કરવા કામ ।।૨૬।।

કાવેરી ગંગામાં પોતે નાહિ, ઉતરિયા ફુલવાડી માંહિ ।

વાડી સુંદર શોભે છે સાર, જેમાં ફળ ફુલ છે અપાર ।।૨૭।।

રહ્યા પોતે તિયાં દોય માસ, કરવા બહુ જીવને સમાસ ।

તિયાં વૈષ્ણવને વાત કરી, એનાં ફેલ તજાવિયાં હરિ ।।૨૮।।

બીજા નાટક ચેટક વાળા, બહુ કરતા હતા કર્મ કાળાં ।

તેને જીતી પોતે તતકાળ, ડંકો બેસાડ્યો પોતે દયાળ ।।૨૯।।

ચાલ્યા ત્યાંથી થઇ તતપર, આવ્યા સેતુબંધ રામેશ્વર ।

નાયા સમુદ્રમાં ત્યાં જીવન, કર્યાં રામેશ્વરનાં દર્શન ।।૩૦।।

ક્ષેત્ર પવિત્ર છે અતિ એહ, તપસ્વિને સેવ્યા જેવું તેહ ।

રહ્યા પોતે તિયાં દોય માસ, પછી ત્યાંથી ચાલ્યા અવિનાશ ।।૩૧।।

આવ્યા સુંદરરાજમાં શ્યામ, કર્યો તિયાં કાંઇક વિશ્રામ ।

પછી ચાલ્યા ભૂતપુરી ભણી, ન પુછી રીત્ય એ વાટ તણી ।।૩૨।।

ચાલ્યા દીશ બાંધીને દયાળ, નથી જેને શરીર સંભાળ ।

આવ્યું આગળ વિકટ વન, અતિ ઘોર ઘણું છે સઘન ।।૩૩।।

ચાલતાં ચાલતાં પડે રાત્ય, તિયાં પોઢી ચાલે પરભાત્ય ।

એમ વહિ ગયા પંચ દન, મળ્યું નહિ તિયાં જળ અન્ન ।।૩૪।।

પડી સાંજ મળ્યું નહિ પાણી, સૂકો કંઠ ન બોલાય વાણી ।

થયા આપે અતિશે અચેત, એમ કષ્ટ સહે જન હેત ।।૩૫।।

પછી ધીરે ધીરે ચાલ્યા ધીર, ત્યાંતો આવ્યું છે અરણ્યમાં નીર ।

તેમાં નાયા પોતે ઘનશ્યામ, પછી નવરાવ્યા શાલગ્રામ ।।૩૬।।

તિયાં પ્રબોલિયાફળી ચાર, શેકી કર્યું નૈવેદ્ય તે વાર ।

તેને જમ્યા પોતે ઘનશ્યામ, પહોર એક રહ્યા એહ ઠામ ।।૩૭।।

પછી ચાલિયા ત્યાંથી દયાળ, થયો બીજે દિ મધ્યાહ્ન કાળ ।

ત્યાં અરણ્યે આવ્યો એક કુપ, ભર્યો અમળ જળે અનુપ ।।૩૮।।

તિયાં નાયા પોતે જળ કાઢી, પછી બેઠા છાંયા જોઇ ટાઢી ।

ભરી ગળી જળની કઠારી, શેર દશની સુંદર સારી ।।૩૯।।

પછી શાળગ્રામ લઇ ત્યાંઇ, તે પધરાવ્યા કટોરીમાંઇ ।

ઉપરથી કીધી જળધાર, થઇ ઠાલી કઠારી તે વાર ।।૪૦।।

ત્યારે પોતે જોયું વિચારી, કિયાં વહી ગયું આટલું વારી ।

રખે કટોરી ફુટેલ હોય, જોયું ત્યારે સાજી દીઠી સોય ।।૪૧।।

પછી જાણ્યું એમ ઘનશ્યામે, પીધું જરૂર એ શાળગ્રામે ।

રખે હોય હજીએ પિપાસા, એમ કહીને મન વિમાશા ।।૪૨।।

પછી કાઢી કાઢીને કઠારી, પાયું બહુ શાળગ્રામને વારી ।

જેમ જેમ જળ માંડ્યું પાવા, તેમ માંડ્યું ઠામ ઠાલું થાવા ।।૪૩।।

એક બેનો ન રહ્યો વિચાર, પીધું જળ કઠારી અપાર ।

સિંચી સિંચી થાક્યા ઘનશ્યામ, ત્યારે તૃપ્ત થયા શાળગ્રામ ।।૪૪।।

પછી પૂજયા છે ચંદને કરી, વળતા એમ વિચારીયા હરિ ।

પ્યાસ ભાંગી પણ હશે ભૂખ, થયું એ વાતનું અતિ દુઃખ ।।૪૫।।

પોતાને તો મળ્યું નથી અન્ન, તેને વીતી ગયા ષટ્ દન ।

તેનું તો પોતાને નથી કાંય, અતિ ધીરજ પર્વત પ્રાય ।।૪૬।।

તેહ સમે ત્યાં આવ્યા કાપડી, પુરૂષ નારી તે પોઠીયે ચડી ।

કાષાંબર તે સુંદર ધર્યાં, બેઉ અતિ ભાવ માંહિ ભર્યાં ।।૪૭।।

આવીયાં એહ વન મોઝાર, દેખી હરિ કર્યો નમસ્કાર ।

આપ્યું આસન આદરે જયારે, વળતાં બોલ્યાં છે દંપતી ત્યારે ।।૪૮।।

તમે ક્યાંથી આવ્યા એકાએક, નથી સંગે તે કેમ સેવક ।

તમે ભૂખ્યા હશો મારા વીર, એમ કહી ભર્યાં નેણે નીર ।।૪૯।।

પછી ત્રિયાને કહે મહામતિ, આપો સાથુ આ ભૂખ્યા છે અતિ ।

ત્યારે આપ્યો સાથુ લુણ સહિતે, ધર્યું વિષ્ણુને નૈવેદ્ય પ્રીતે ।।૫૦।।

ત્યારે હરિ કહે પુછું છું અમે, આવા કોણ દયાળુ છો તમે ।

ત્યારે યોગી કહે જમી લીયો, ધીરા રહી પછી જળ પીયો ।।૫૧।।

ત્યાર પછી હું કરીશ વાત, જેમ છે તેમ કહીશ વિખ્યાત ।

પછી જમી જળપાન કર્યું, ત્યારે યોગી બોલ્યા મોદભર્યું ।।૫૨।।

સુણો વર્ણી તપસ્વી અક્રોધ, જાણ્યા અમે શ્રીકૃષ્ણ છો શુદ્ધ ।

માટે નહિ બોલું જુઠું મહામતિ, મને જાણો ઇશ આ છે સતી ।।૫૩।।

તમને ભૂખ્યા જાણીને દયાળ, અમે આવ્યાં આંહી તતકાળ ।

શ્રીરંગાદિ જેહ બીજાં ક્ષેત્ર, તિયાં ફરૂં છું જાણી પવિત્ર ।।૫૪।।

તમ જેવાનાં દર્શન સારૂં, નાથ રહેવું જાણો આંહી મારૂં ।

એવી સુણી મહેશની વાત, થયા હરિ બહુ રળિયાત ।।૫૫।।

સદાશિવ કૈલાસ રહેનાર, તે મળ્યા મને સાક્ષાત્કાર ।

લાગ્યા પાય પડી ઓળખાણ્ય, ત્યારે નાથે જોડ્યા જુગ પાણ્ય ।।૫૬।।

કહે નાથ કરો શિવ સાય, જે થકી દઢ વૈરાગ્ય થાય ।

કહે શિવજી સાંભળો વીર, થાશે દઢ વૈરાગ્ય સુધીર ।।૫૭।।

કરી પ્રશંસા તે પરસ્પર, મળ્યા બેઉ પછી મોદભર ।

વળતા ઇશ અંતર્ધાન થિયા, પ્રભુ ભૂતપુરીયે આવિયા ।।૫૮।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે શ્રીહરિ ચરિત્ર નામે ચોત્રિશમું પ્રકરણમ્ ।।૩૪।।