૩૫. ભૂતપુરી, કન્યાકુમારી, પઢંરપુર, નાસિક અને ભીમનાથ થઇ સંવત ૧૮૫૭ શ્રા.વદ-૭ લોજ પધાર્યા- વર્ણીની કઠો

Submitted by swaminarayanworld on Tue, 05/07/2011 - 7:11pm

પૂર્વછાયો-

શુભમતિ સહુ સાંભળો, એમ કરતાં કરતાં કાજ ।

ત્યાંથકી હરિ આવિયા, ભૂતપુરીમાં મહારાજ ।।૧।।

રામાનુજની ત્યાં મૂરતિ, કર્યાં પોતે ત્યાં દર્શન ।

કાંયેક દિન ત્યાં રહી, પુછ્યું ત્યાગી પ્રત્યે પ્રશન ।।૨।।

ઉત્તર તેનો દક્ષણાદિયે, ન થયો જયારે જરૂર ।

ત્યારે તે ઉઠ્યા મારવા, થઇ ક્રોધમાં ચકચુર ।।૩।।

કહે આવ્યો તું કાલ્યનો, તે લેછે અમારી લાજ ।

એવું પ્રશ્ન અટપટું, તારે પુછવાનું શું કાજ ।।૪।।

ચોપાઇ-

હરિ નિરમાની અતિનેક, બોલ્યા નહિ તે કરી વિવેક ।

ક્ષમાવંત અત્યંત છે શાંતિ, ક્રોધ આવ્યો નથી જેની પાંતિ ।।૫।।

અતિધીર ગંભીર છે ઘણા, શુંકહીએ સદ્ગુણ તે તણા ।

પછી સારૂં કહીને સધાવ્યા, ત્યાંથી કુમારી કન્યાયે આવ્યા ।।૬।।

વળતાં પદ્મનાભમાં પધાર્યા, ત્યાંના વાસીને મોદ વધાર્યા ।

પછી આવ્યા જનાર્દને નાથ, ચાલે એકલા ન જુવે સાથ ।।૭।।

ત્યાંથી આવ્યા છે આદિકેશવે, તેની વાત સુણો કહું હવે ।

તેને સમીપે સુંદરપુર, ત્યાં દીઠા દો સહસ્ર અસુર ।।૮।।

તે તો હરિના છે વેરવાઇ, દેખી ઉઠ્યા છે મારવા ધાઇ ।

કહે આપણો માર એકલો, આવ્યો હાથ હવે રખે મેલો ।।૯।।

એમ કહીને આવ્યા મારવા, ત્યારે લોકે માંડ્યું છે વારવા ।

તેની વાત કાને નવ ધરી, ત્યારે રાજાને ખબર પડી ।।૧૦।।

કહે રાજા અન્યાય માં કરો, કાંઇક પ્રભુના ડરથી ડરો ।

ત્યારે રાજા પ્રત્યે કહે અસુર, એને મારશું અમે જરૂર ।।૧૧।।

તેની કરીશ જો રખવાળ, તો જાણજે આવ્યો તારો કાળ ।

ત્યારે રાજાને ચડી છે રીશ, કાપ્યાં સામટાં સહુનાં શીશ ।।૧૨।।

મુવા દૈત્ય ત્યાં દોય હજાર, રાજાદ્વારે ઉતાર્યો એ ભાર ।

પછી આદિ કેશવનાં દર્શન, કરી ચાલ્યા ત્યાંથી ભગવન ।।૧૩।।

આવ્યા મળિયાચળને માંઇ, દિન પાંચ રહ્યા પોતે ત્યાંઇ ।

કરી સાક્ષીગોપાળનાં દર્શન, પછી જોયું છે વિવિધ્યે વન ।।૧૪।।

વ્યાળે વીટાણાં દીઠાં ચંદન, તિયાં રહ્યા છે કાંયેક દન ।

ત્યાંથી આવ્યા કિસ્કંધા નગર, નાયા ત્યાં પ્રભુજી પંપાસર ।।૧૫।।

ત્યાંથી ચાલ્યા છે સુંદર શ્યામ, કરવા અનેક જીવનાં કામ ।

પછી ચંદ્રભાગા નદી નાઇ, ત્યાંથી આવ્યા પંઢરપુરમાંઇ ।।૧૬।।

કર્યાં વિઠુબાનાં દરશન, રહ્યા બે માસ ત્યાં ભગવન ।

પછી વિઠુબાને પોતે મળી, ચાલ્યા વંદના કરીને વળી ।।૧૭।।

તિયાં રાત્યમાં રાક્ષસ આપ, સુતો તો કરીને મોટો તાપ ।

તેને જગાડીને પુછી વાટ, પછી ચાલ્યા તે વરણિરાટ ।।૧૮।।

પછી આવ્યા દંડકારણ્ય હરિ, તેને પોતે પ્રદક્ષિણા કરી ।

ત્યાંથી આવ્યા પોતે ગોદાવરી, કર્તા તીર્થને પવિત્ર હરિ ।।૧૯।।

જોઇ તીર્થને તીર્થના વાસી, એમ જોતા આવે અવિનાશી ।

ત્યાંથી આવ્યા નાસિકમાં આપ, નિરખી જન થયા છે નિષ્પાપ ।।૨૦।।

કરી ત્ર્યંબકેશ્વરનાં દેદાર, ત્યાંથી આવ્યા તાપી નદી પાર ।

પછી યાત્રા નર્મદાની કરી, ત્યાંથી આવ્યા મહી પ્રત્યે હરિ ।।૨૧।।

વળતાં ઉતર્યા સાભર શ્યામ, બહુ જીવનાં કરવા કામ ।

જોઇ ભીમનાથ ભગવાન, ચાલ્યા નાથ ત્યાંથી નિદાન ।।૨૨।।

ત્યાંથી ગોપનાથજીમાં ગયા, પંચર્તીિથમાં કાંઇક રહ્યા ।

રહ્યા દોઢ માસ ગુપ્તપ્રાગે, અતિ કૃશ તનમાં છે ત્યાગે ।।૨૩।।

પછી ચાલ્યા ત્યાંથી અવિનાશ, રહ્યા લોઢવામાં ત્રણ માસ ।

ત્યાંથી આવ્યા માંગરોળ શહેર, બહુ જીવો પર કરી મહેર ।।૨૪।।

આવ્યા કઠણ કષ્ટને સહિ, કહેતાં કષ્ટ તે કહેવાય નહિ ।

વન પર્વત વસમી વાટ, ઘણા કઠણ ઓઘટ ઘાટ ।।૨૫।।

વાંકા દેશ વચમાં રહેનાર, મળ્યા દૈત્ય હજારો હજાર ।

ભૂત પ્રેત ભવાની ભૈરવ, યક્ષ રાક્ષસ રાક્ષસી સર્વ ।।૨૬।।

ડાકણી સાકણી વૈતાલી, મળી જોગણીયો કહિ કાળી ।

ઠામોઠામ મૃત્યુનાં ઠેકાણાં, રહ્યાં ઘણાં ને થોડાં લખાણાં ।।૨૭।।

જયાં જયાં ફર્યા કર્યાં પોત્યે તપ, મેલી જીવ્યાની કોરનો ખપ ।

જેજે કર્યા હરિએ ઉપાય, તેતો દેહ ધારીએ ન થાય ।।૨૮।।

તીર્થમાંથી અધર્મને ટાળી, આવ્યા પાષંડીના માન ગાળી ।

પાપી જીવને પાછેરા પાડી, સાધુને સારી રીત્ય દેખાડી ।।૨૯।।

મુમુક્ષુને આનંદ આપતા, અઘ ઉથાપી ધર્મ સ્થાપતા ।

ત્યાગ વૈરાગ્ય ને તપશ્ચર્ય, નિયમે સહિત રાખી બ્રહ્મચર્ય ।।૩૦।।

એમ ફર્યા તીરથમાં આપ, ત્યાંના વાસી જોઇ પરતાપ ।

પડ્યા ઝાંખા હરિજીને જોઇ, કહે છે આતો અતિ મોટા કોઇ ।।૩૧।।

પોતાને તો છે સહજ સ્વભાવ, ધનત્રિયાતણો તે અભાવ ।

શાંતિ તિતિક્ષા ને અતિ ત્યાગ, નિસ્પ્રેહ અહિંસા અનુરાગ ।।૩૨।।

કૌપીન વિના નહિ પટ લેશ, મૃગાજિન ને જટા છે શિશ ।

શીત ઉષ્ણમાં ઉઘાડે તન, ગામમાંહિ ન કરે આસન ।।૩૩।।

ત્રણે કાળે નાય જઇ નિત્યે, કરે શ્રીકૃષ્ણની પૂજા પ્રીત્યે ।

પંચાધ્યાય પાઠનું છે નિયમ, કરે ત્રણે કાળે પ્રાણાયામ ।।૩૪।।

કરે આસન ચોરાશી આપે, તાઢ્યમાં પણ અગ્નિ ન તાપે ।

કૃષ્ણમૂર્તિમાં ઠેરાવી વૃત્તિ, તેણે મટકું આંખ્ય નથી ભરતી ।।૩૫।।

રક્ત પળ નથી તને રતિ, કેવળ રહ્યાં છે ત્વચા ને અસ્થિ ।

આખા શરીરમાંહિ ઉઘાડી, સર્વે નિસરી રહી છે નાડી ।।૩૬।।

કાંટા કાંકરામાં અણવાણા, ચાલે આપે રાખે નહિ મણા ।

નિત્યે ચાલવું વણપુછ્યે વાટે, વન પર્વત ઓઘટ ઘાટે ।।૩૭।।

ચાલે નિર્ભય થઇ નિઃશંક, નથી કોઇની પોતાને શંક ।

વાઘ વ્યાળ વરૂ નિત્ય મળે, તેતો તેની મેળ્યે દૂર પળે ।।૩૮।।

ફળ ફુલ જે વન મોઝાર, મળે તો તે જમે એકવાર ।

નહિ તો રહે વાયુ વારિ પીને, નથી જમતા કેને યાચીને ।।૩૯।।

અજાચ્યું અન્ન મળે તો જમે, નહિ તો ન ખાધે દિન નિગમે ।

એકાદશી જન્મદિન જેહ, કરે તપ્તકૃચ્છ્ર વ્રત તેહ ।।૪૦।।

પંચ વિષયશું નથી સંબંધ, નથી ગમતો નારીનો ગંધ ।

ધર્મવાળા જોઇ હરિ એવા, બીજાપણ ઇચ્છ્યા એમ રહેવા ।।૪૧।।

સારૂં જાણી સંગે રહ્યા કઇ, દેહમાની શક્યા નહિ રઇ ।

અતિ કઠણ તપ કરતા, આવ્યા દેશ પ્રદેશ ફરતા ।।૪૨।।

વર્ષ સાત વેઠ્યો વનવાસ, તે ઉપર થયો એક માસ ।

સંવત્ અઢાર છપન કહિએ, શ્રાવણવદિ ષષ્ઠમી લહીએ ।।૪૩।।

તેદિ લોજ પધાર્યા મહારાજ, કરવા અનેક જીવનાં કાજ ।

સુંદર વાવ્ય એક ગામબાર, તિયાં બેઠા પોતે ઘડિ ચાર ।।૪૪।।

તે ગામમાં ઉદ્ધવ અવતાર, સ્વામી રામાનંદજી ઉદાર ।

તેના સંતનો વસે સમોહ, જેને કામ ક્રોધ નહિ મોહ ।।૪૫।।

તેમાં મોટેરા છે મુક્તાનંદ, તેની આજ્ઞામાં રહે મુનિવૃંદ ।

આપે સદાવ્રત જમે સંત, તિયાં આવ્યા પોતે ભગવંત ।।૪૬।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે હરિવનવિચરણ નામે પાંત્રિશમું પ્રકરણમ્ ।।૩૫।।