૪૩. રામાનંદસ્વામીએ બન્નેનો ઉત્તર તથા ભલામણ કહી મોકલાવ્યા.

Submitted by swaminarayanworld on Tue, 05/07/2011 - 8:46pm

પૂર્વછાયો-

રાજી થઇ રામાનંદજીએ, લીધા પત્ર તે બેઉ હાથ ।

વર્ણી આવ્યાની વાત વાંચી, રાજી થયા આપે નાથ ।।૧।।

પોતાવિષે અતિભાવ છે, તપે કરી કૃશ છે શરીર ।

એવાં વચન વિચારીને, આવ્યાં પોતાને નયણે નીર ।।૨।।

ગદ્ગદ્ કંઠે ગિરા થઇ, ધીરા રહીને વાંચ્યા કાગળ ।

પછી તેહની વારતા, કહી હરિજનને આગળ ।।૩।।

સુંદર આદિ સતસંગી, સુણવા આવ્યા સહુ કોય ।

નીલકંઠજીના ગુણને, કહેતાં સુણતાં તૃપ્ત ન હોય ।।૪।।

ચોપાઇ-

ધન્ય ધન્ય એ વરણિરાટ, આવ્યે ટળ્યો સરવે ઉચાટ ।

કહી ર્વિણની મોટપ્ય બહુ, સુણી સતસંગીએ તે સહુ ।।૫।।

પછી પત્રનો પ્રતિઉત્તર, લખે છે પોતે અતિ સુંદર ।

બ્રહ્મચારીની પ્રશંસા કરી, રૂડો ઉત્તર લખે છે હરિ ।।૬।।

શ્રી લોજપુરમાં રહ્યા સંત, તે મુજને વહાલા છો અત્યંત ।

તીર્થવાસિની કરો છો ટેલ, તેમાં પળ નથી પામતા વેલ ।।૭।।

માંદા સાધુની કરવી સેવ, વળી તકેશું રાખવી ટેવ ।

તે તો કોઇથી બની ન આવે, તેહ તમે જ કરો છો ભાવે ।।૮।।

દુઃખીને તમે દ્યોછો આનંદ, એવા પરમાર્થી મુનિ ઇંદ ।

વળી અષ્ટભાતે ત્રિયા ત્યાગી, એવા સંત તમે બડભાગી ।।૯।।

માટે તમારા બ્રહ્મચર્યમાંઇ, કહું વિઘ્ન પડશો માં કાંઇ ।

મારી આશિષથી મુનિજન, નહિ આવે બ્રહ્મચર્યે વિઘન ।।૧૦।।

તે બ્રહ્મચર્ય છે બ્રહ્મસ્વરૂપ, કહ્યું સનત્સુજાતીયે અનૂપ ।

શ્રી ભુજથી લખિતંગ અમે, કરજયો આશિષ ગ્રહણ તમે ।।૧૧।।

શ્રીકૃષ્ણ અનુગ્રહ પ્રતાપે, છીએ સુખી સંતો અમે આપે ।

પત્ર પોતા છે તમારા બેઉં, ભટ્ટ મયારામ લાવ્યા તેઉં ।।૧૨।।

વાંચી જાણ્યો સર્વે અભિપ્રાય, જે જે લખ્યું છે કાગળમાંય ।

તમ પાસે આવ્યા બ્રહ્મચાર, તે પણ જાણ્યા છે સમાચાર ।।૧૩।।

જે જે રીત લખી એની તમે, તેની વાત કહીએ છીએ અમે ।

એની ક્રિયા જે જે તમે કહી, તેતો એકે મનુષ્યની નહિ ।।૧૪।।

માટે સાધારણ પુરૂષ એહ, તમે જાણશો માં મુનિ તેહ ।

નિરન્નમુક્ત એ છે નિરધાર, શ્વેતદ્વીપ ધામના રહેનાર ।।૧૫।।

કાંતો બદ્રિકાશ્રમના મુક્ત, આવ્યા છે તપને ત્યાગે યુક્ત ।

ઇશ્વર ઇચ્છાએ આવ્યા છે આંઇ, બીજી વાત જાણશોમાં કાંઇ ।।૧૬।।

એ જે આવ્યા છે તમારે પાસ, તેનો અમે કર્યો છે તપાસ ।

માટે એને ગમે તેવી રીત્યે, કરજયો સેવા સહુ મળી પ્રીત્યે ।।૧૭।।

એની પાસેથી યોગની કળા, તમે શિખજયો મુનિ સઘળા ।

નેતિ ધોતિ ને નૌલિ કુંજરી, બસ્તિ બે પ્રકારની ખરી ।।૧૮।।

તેણે શરીરની શુદ્ધિ થાય, તમે શિખજયો સહુ મુનિરાય ।

પછી અનુક્રમે કરી એહ, શિખજયો અષ્ટાંગયોગ તેહ ।।૧૯।।

યમ નિયમ આસન કહીએ, પ્રાણાયામ પ્રત્યાહાર લહીએ ।

ધારણા ધ્યાન ને જે સમાધિ, એ કહે તેમ લેજયો શિખી સાધી ।।૨૦।।

અષ્ટાંગયોગ અભ્યાસ વિના, ઉઠે અંતરે ઘાટ નવીના ।

શુદ્ધ બ્રહ્મચર્ય નવ પળે, માટે જરૂર કરવું સઘળે ।।૨૧।।

એમ કરશો ત્યારે ઇંદ્રિયજીત, કહેવાશો તમે સંત પુનિત ।

કામરૂપ શત્રુતો જીતાય, જો સ્ત્રીસંગનો ત્યાગ થાય ।।૨૨।।

બ્રહ્મચર્ય રાખવા જે ઇચ્છે, ન જુવે નારી ભલી ભૂંડી છે ।

સ્ત્રીની કથા કેદિયે ન સુણે, ન કહે તેના અવગુણ ગુણે ।।૨૩।।

સ્ત્રીને રમવાનાં જે જે સ્થળ, ન જાવું ત્યાગીને ત્યાં કોઇ પળ ।

અતિ નાની હોય જો યોષિત, જાણી જોવી નહિ દઇ ચિત્ત ।।૨૪।।

ચિત્રપ્રતિમાની જે સુંદરી, ન અડવું ન જોવું દ્રગ ભરી ।

નારી ચિત્રની પણ ન કરવી, એના મર્મની વાત પ્રહરવી ।।૨૫।।

એની વાત કહેવી નહિ કાંઇ, ભેળું ચાલવું નહિ વાટમાંઇ ।

સંકેતે પણ ભાષણ ન કરવું, નારી સ્પર્શેલ પટ પ્રહરવું ।।૨૬।।

નારી વિષેનો સંકલ્પ ત્યાગી, રહેવું પ્રભુપદે અનુરાગી ।

કૃષ્ણભક્ત ત્યાગી પ્રાણઅંત, ન સ્પર્શે નારી ત્યાં પરજંત ।।૨૭।।

નારી નહાતિ ધોતિ હોય જીયાં, બ્રહ્મચારીને ન જાવું તિયાં ।

જે ઘરમાં સુતી હોય નારી, તિયાં સુવું નહિ બ્રહ્મચારી ।।૨૮।।

ચાર હાથથી ચાલવું દૂર, એવા નિયમ રાખવા જરૂર ।

એટલાં વ્રત પાળે જે યોગી, થાય અંતરે તે જ અરોગી ।।૨૯।।

જગે દુર્લભ યોગી છે એવા, તે બ્રહ્માદિકને વંદ્યા જેવા ।

એ રીત્યે બ્રહ્મચર્ય રખાય, એમ ન રહે તે ભ્રષ્ટ થાય ।।૩૦।।

ક્રોધ માન મદ અમરશ, મત્સર નાનાભાત્યના રસ ।

એ યોગીને વિઘ્ન કરનાર, માટે તજવા તે નિરધાર ।।૩૧।।

આહાર નિદ્રા તે યુક્ત કરવું, વ્યસન ફેલ માત્ર પ્રહરવું ।

મદ્ય માંસનો સ્પર્શ પ્રહરીએ, દ્રોહ પ્રાણી માત્રનો ન કરીએ ।।૩૨।।

કેદી મન કર્મ ને વચને, આપે મરવું ન મારવું કેને ।

ચોરી કરવા ચિત્તે ન ચાહવું, વર્ણ સંકર યોગીને ન થાવું ।।૩૩।।

એવા ધર્મવાન મુનિ પ્રેહ, શ્રીકૃષ્ણને પણ વહાલા તેહ ।

મુક્તાનંદજી ને બીજા સંત, તમે સાંભળજયો ગુણવંત ।।૩૪।।

નીલકંઠ માંહિ ગુરૂભાવ, રાખજયો તમે કરી ઉછાવ ।

શિખજયો સર્વે યોગની રીત્ય, ધર્મ વિષે રહેજયો કરી પ્રીત્ય ।।૩૫।।

તપે કરી કૃશ છે વરણી, કરજયો સેવા અન્ન જળે ઘણી ।

એ છે નાના એ નહિ કરો ઘાટ, તમે વયે મોટા છો તે માટ ।।૩૬।।

અમે વીતતે વૈશાખ માસે, આવશું સંતો તમારી પાસે ।

ત્યાં સુધી રાખજયો કરી સ્નેહ, રખે જાતા રહે એ નિસ્પ્રેહ ।।૩૭।।

એવો સમાચાર ઘણો ઘણો, લખ્યો ઉત્તર એમ પત્રતણો ।

પછી નીલકંઠની પત્રીનો, લખે છે સ્વામી ઉત્તર એનો ।।૩૮।।

શ્વેતદ્વીપવાસી નિરન્નમુક્ત, તેમાં મુખ્ય અતિ તેજે યુક્ત ।

નીલકંઠ જણાવો છો એવા, તપે કરી છો નરવીર જેવા ।।૩૯।।

એહ વાતમાં નથી સંદેહ, તે આવ્યા છો ધરી નરદેહ ।

એવા તમે તેનો જે કાગળ, આવ્યો છે તે અમારી પાસળ ।।૪૦।।

વાંચી જાણ્યો સવેર્સમાચાર, સુણી ક્રિયા મેં કર્યો વિચાર ।

તેતો મનુષ્ય થકી ન થાય, જોયું છે વિચારી મનમાંય ।।૪૧।।

જ્ઞાન વૈરાગ્ય ભક્તિ દ્રઢાવ, નિયમ ધર્મનિષ્ઠા શાંતિભાવ ।

પૂર્વ જન્મનું છે તે તમારે, તેનું નથી આશ્ચર્ય અમારે ।।૪૨।।

તમે દેખો છો ધ્યાનમાં જેવા, નથી ફેર શ્રીકૃષ્ણ છે એવા ।

સાધુમાં રહીને જોજયો વાટ, આવશું અમે માં કરો ઉચાટ ।।૪૩।।

વૈશાખ માસ ઉતર્યા ટાણે, આવીશ હું ગામ પિપલાણે ।

આવ્યા જાણીને આવજયો તમે, તિયાં મળશું તમને અમે ।।૪૪।।

તમને દર્શનની છે જે તાણ, તે હું જાણું છું વર્ણી સુજાણ ।

પણ યાં આવ્યાનું નથી ઠીક, વચ્ચે લાગે છે દુષ્ટની બીક ।।૪૫।।

માટે તમારે આવવું નહિ, હોય પ્રીતી તો માનજયો સહિ ।

સર્વે સાધુને યોગ શિખવજયો, આનંદે સંતજનમાં રહેજયો ।।૪૬।।

જેમ તમને ઇચ્છા છે મારી, તેમ અમને ઇચ્છા છે તમારી ।

માટે આવીશ હું ઉતાવળ્યે, થાશે સુખ તે તમને મળ્યે ।।૪૭।।

તમ જેવા જે ભક્તનો સંગ, તે કરવા મારે છે ઉમંગ ।

રહેજયો ધર્મમાંહિ સાવધાન, ધર્મ વહાલો મને ભગવાન ।।૪૮।।

ધર્મયુક્ત ભક્ત રહે દૂર, પણ જાણું છું તેને હજુર ।

વળી તમ જેવાનાં ચરણ તોય, ર્સ્પિશ મનુષ્ય પાવન હોય ।।૪૯।।

તમ જેવાની કરે જે સેવ, તેણે પૂજયા છે સર્વે દેવ ।

એવા સાધુમાં પ્રીતિ છે મારી, તેવી નથી મેં દેહમાં ધારી ।।૫૦।।

એવા કૃષ્ણ ભક્ત ધર્મવાન, તે મારૂં હૃદય છે નિદાન ।

માટે ક્ષોભ મ કરશો કાંઇ, આપણે મળશું પિપ્પલમાંઇ ।।૫૧।।

માટે આજ્ઞા વિના નહિ આવો, આવશો તો થાશે પસતાવો ।

જો છે અતિશે હેત તમારૂં, તોય ઇયાં આવ્યાનું છે વારૂં ।।૫૨।।

કરજયો સાધુનો આદરભાવ, રાખજયો અંગે સહજ સ્વભાવ ।

તપે કરી છે કૃશ તન, માટે જમજયો કાંઇક અન્ન ।।૫૩।।

હવે તપ કરશો માં એવું, પડે તન ન મળે એ જેવું ।

જ્ઞાન ભક્તિ તપ નિજધર્મ, તેનું સાધનરૂપ એ પર્મ ।।૫૪।।

માટે અમસારૂં એ દેહને, કરવું પોષણ કહું છું તેહને ।

એહ દેહવડે મહારાજ !, બહુ કરવા ધાર્યાં છે કાજ ।।૫૫।।

એમ સ્વામીએ વિચારી મન, એવાં લખ્યાં કાગળે વચન ।

પછી બીડ્યો છે કાગળ હાથે, મોકલ્યો મયારામજી સાથે ।।૫૬।।

પછી મયારામ ત્યાંથી ચાલ્યો, દિન સાતે આવી પત્ર આલ્યો ।

આપ્યો પત્ર સાધુને તે બીડ્યો, લઇ મુક્તાનંદે હૃદે ભીડ્યો ।।૫૭।।

પછી વર્ણી અને મુક્તાનંદ, વાંચી પત્રને પામ્યા આનંદ ।

પછી સ્વામીની આજ્ઞામાંઇ, રહ્યા નીલકંઠ પોતે ત્યાંઇ ।।૫૮।।

શીખવે છે નિત્ય યોગકળા, તેહ શીખે છે સંત સઘળા ।

તે ગુરૂકૃપાએ તતકાળે, શીખી લીધી છે સર્વે મરાળે ।।૫૯।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે રામાનંદ  સ્વામીએ પત્રનો ઉત્તર લખ્યો એ નામે ત્રેંતાલીસમું પ્રકરણમ્ ।।૪૩।।