પૂર્વછાયો-
સ્વસ્તિ શ્રીભુજનગરમાં, રહ્યા રાજઅધિરાજ ।
સવેર્શુભ શોભા ત્યાં રહે, જીયાં આપ બિરાજો મહારાજ ।।૧।।
સર્વે સદ્ગુણ મણિતણી, ધરી રહ્યા તમે માળ ।
ભક્તજનના મંડળમાં, બહુ શોભોછો દયાળ ।।૨।।
જે જન આવે આશરે, તેને આપો છો અભયદાન ।
કૃષ્ણભક્તિ પ્રગટ કરી, આ સમે તમે ભગવાન ।।૩।।
સવેર્ગુરૂના ગુરૂ તમે, આપે ઉદ્ધવ છો તમે આજ ।
એવા સ્વામી રામાનંદજી, જયકારી પ્રવર્તો મહારાજ ।।૪।।
ચોપાઇ-
તમે સાક્ષાતકાર ઉદ્ધવ, પ્રકટ્યા જીવ તારવાને ભવ ।
ધર્મરક્ષા કરવાને કાજ, તમે જન્મ લીધો છે મહારાજ ।।૫।।
અવધપુરી અજયવિપર, લીધો જન્મ સુમતિ ઉદર ।
એવા ઉદ્ધવ તમે રામાનંદ, જિજ્ઞાસુ જીવના સુખકંદ ।।૬।।
તેને પૃથ્વી ર્સ્પિશ નમસ્કાર, કરૂં છું હું હજારો હજાર ।
એમ કરી લખું છું વિનંતિ, તમે સાંભળજયો મહામતિ ।।૭।।
નીલકંઠ વર્ણી મારૂં નામ, તમ શરણ વિના નથી ઠામ ।
એવો હું આવ્યો શરણ તમારી, સ્વામી સહાય કરજયો અમારી ।।૮।।
કોશળદેશમાં મેલી સંબંધી, કૃષ્ણ મળવા વનવાટ લીધી ।
પછી ફર્યો હું સર્વે તીરથે, કૃષ્ણ પ્રગટ મળે એહ અર્થે ।।૯।।
એમ કરતાં આવ્યો લોજ આંઇ, રહ્યો છું તમારા સંત માંઇ ।
કૃષ્ણ પ્રત્યક્ષ મળવા કાજ, કરૂં આગ્રહ તે કહું મહારાજ ।।૧૦।।
તપ કરૂં છું કઠણ તને, નથી મોળો હું પડતો મને ।
ચારે માસ ચોમાસાના જેહ, કરૂં ધારણા પારણા હું તેહ ।।૧૧।।
વર્ષો વરસ ર્કાિતક માસ, કરૂં છું સામટા ઉપવાસ ।
વળી એ માસમાં કોઇ સમે, કરૂં કૃચ્છ્રવ્રતને તે અમે ।।૧૨।।
ત્યાર પછી માઘ માસમાંય, કરૂં પારક કૃચ્છ્ર કહેવાય ।
ચાંદ્રાયણ એકાદશી લઇ, સવેર્વ્રત કરૂં છું હું સઇ ।।૧૩।।
કૃષ્ણ પ્રસન્ન કરવાને કાજ, એનું દુઃખ નથી મને મહારાજ ।
પંચ વિષયથી મન ઉતારી, કરૂં છું તપ કઠણ ભારી ।।૧૪।।
તેણે કરીને શરીરમાંઇ, લોહિ માંસ ગયું છે સુકાઇ ।
પ્રાણ રહ્યા તણી એક રીત, નથી રાખી મેં ચિંતવ્યું ચિત ।।૧૫।।
કૃષ્ણદ્રશ્ન આશા સુધાવેલ, તેણે જાણો આ પ્રાણ રાખેલ ।
નહિતો અન્ન વિના મારો દેહ, વળી ચાલે એવા પ્રાણ જેહ ।।૧૬।।
તેને રહેવા બીજું આલંબન, નથી બહુ મેં વિચાયુર્ં મન ।
કળિયુગે અન્નસમા પ્રાણ, સર્વે જાણે છે જાણ અજાણ ।।૧૭।।
માટે મારા પ્રાણ નથી એવા, સહુ જાણે છે સતયુગ જેવા ।
વળી અષ્ટાંગ યોગથી ઘણું, ઉપન્યું છે જે ઐશ્વર્યપણું ।।૧૮।।
તેણે કરી દેહ ક્રિયા જેહ, વળી તપ ઉપવાસ તેહ ।
નથી પડતા તે કઠણ કાંઇ, તે તો પ્રભુ તમારી કૃપાઇ ।।૧૯।।
એવો કૃષ્ણભક્ત મને જાણી, મળજયો મારે માથે મહેર આણી ।
મારે માત તાત બંધુ લૈયે, સુહૃદ સ્વામી ગુરૂ કૃષ્ણ કૈયે ।।૨૦।।
તેહ કૃષ્ણવિષે છે સ્નેહ, બંધાણા છે મન પ્રાણ દેહ ।
તે વિના બીજે પ્રીત બંધાણી, તે તો શ્રીકૃષ્ણના ભક્ત જાણી ।।૨૧।।
તે વિના પંચ વિષય દેનાર, વા હોય સંબંધી નરનાર ।
તેને નોય જો કૃષ્ણમાં પ્રીત્ય, તો તજું તેને વૈરિની રીત્ય ।।૨૨।।
તેમાં કાઢશો દોષ જો તમે, તિયાં કહીએ છીએ સ્વામી અમે ।
આગે ત્યાગ્યું એમ મોટે મોટે, તેને આવી નહી કાંઇ ખોટે ।।૨૩।।
જુવો વિભીષણે તજયો ભ્રાત, તેમ તજી ભરતજીએ માત ।
તજી વિદુરે કુળની વિધિ, ઋષિપત્નીએ તજયાં સંબંધી ।।૨૪।।
ગોપીએ તજયો પતિનો સંગ, તજયો પુત્ર વેન રાજા અંગ ।
તજયો પ્રહ્લાદે પિતાને વળી, તેમ ગુરૂ તજયો રાજા બળી ।।૨૫।।
તેની અપર્કીિત નવ થઇ, સામું ર્કીિત શાસ્ત્રમાંહી કઇ ।
માટે એ રીત્ય અનાદિ ખરી, કૃષ્ણ વિમુખ મેલ્યાં પ્રહરી ।।૨૬।।
માટે કૃષ્ણભક્ત મને વહાલા, બીજા સવેર્લાગ્યા છે નમાલા ।
જેને તમારા જનશું નેહ, તેજ પામ્યા છે મનુષ્યદેહ ।।૨૭।।
બીજા જીવ છે પશુ સમાન, જેને વિષયસંબંધિ છે જ્ઞાન ।
તેમાં ને પશુમાં ફેર નથી, એમ વિચારૂં છું હું મનથી ।।૨૮।।
મનુષ્યદેહને ઇચ્છે છે દેવ, જે પામી ન કરી હરિસેવ ।
તે તો પશુ પુછશિંગહીણ, મર હોય ગુણી પરવીણ ।।૨૯।।
કૂળ ર્કીિત રૂડા ગુણ રૂપ, હોય અૈશ્વર્યે કરી અનુપ ।
તેતો જક્તમાં શોભે છે ઘણું, જેમ શોભે ફળ ઇંદ્રામણું ।।૩૦।।
સર્વે ગુણ તો શોભે છે ત્યારે, કૃષ્ણભક્તિ કરે જન જયારે ।
કૃષ્ણભક્તિહીણ ગુણ હોય, વણ લુણે વ્યંજન સમ સોય ।।૩૧।।
ભક્તિહીણ બ્રહ્મલોક જાય, તોપણ કાળ થકી ન મુકાય ।
ભગવાનનું અંતરમાં સુખ, નથી પામતા હરિવિમુખ ।।૩૨।।
માટે કૃષ્ણની ભક્તિ છે મોટી, જેથી સુખી થયા કોટિ કોટિ ।
શિવ બ્રહ્મા ઇંદ્ર શુકાદેલી, કરે છે ભક્તિ માનને મેલી ।।૩૩।।
જેમ કરે છે બીજા સહુ જીવ, તેમ કરે છે બ્રહ્મા ને શિવ ।
રાધાઆદિ શક્તિઓ અપાર, કરે સેવા દાસી જેમ દ્વાર ।।૩૪।।
અલ્પ જીવ કૃષ્ણભક્તિ કરે, તો તે કાળ કર્મ ભયથી તરે ।
બ્રહ્મા હોય જો ભક્તિએ હીણો, તો તે પણ છે કાળ ચવિણો ।।૩૫।।
એવું માહાત્મ્ય શ્રીકૃષ્ણતણું, સુણ્યું શાસ્ત્ર સાધુથી મેં ઘણું ।
માટે મેલી આળસ હું અંગે, કરૂં છું ઉગ્ર તપ ઉમંગે ।।૩૬।।
તેતો કૃષ્ણ પ્રસન્ન થવા માટ, મળે પ્રત્યક્ષ એ મને ઘાટ ।
પામશે ચિત્ત નિરાંત્ય ત્યારે, મળશે કૃષ્ણ પ્રકટ જયારે ।।૩૭।।
માટે સંત વચને બંધાઇ, રહ્યો છું તમારા સાધુમાંહી ।
વળી જોઉં છું તમારી વાટ, અતિવિરહમાં કરૂં છું ઉચાટ ।।૩૮।।
કૃષ્ણર્કીિત વિના પદગાન, શબ્દ લાગે ત્રિશૂળ સમાન ।
નારી રૂપાળી લાગે છે એવી, જાણું ભૂખી રાક્ષસણી જેવી ।।૩૯।।
વળી સુગંધી પુષ્પની માળ, તેતો લાગે છે કંઠમાં વ્યાળ ।
ચંદન કેસર ને કુંકુમ, તે લેપન લાગે પંકસમ ।।૪૦।।
કૃષ્ણ વિષે રહ્યું મારૂં મન, રહેવું પ્રાસાદે લાગે છે વન ।
ઝીણાં ઘાટાં અંબર છે જેહ, થયાં સર્પસમ મને તેહ ।।૪૧।।
નાના પ્રકારનાં જે ભોજન, તે લાગે છે ઝેર જેવાં અન્ન ।
વળી જે જે વસ્તુ સુખકારી, તે સવેર્મને થઇ છે ખારી ।।૪૨।।
કૃષ્ણ દર્શન વિના છું ઘેલો, સ્વામી મેલજો સંદેશો વહેલો ।
તમારૂં દર્શન જયારે થાશે, ત્યારે સવેર્દુઃખ મારાં જાશે ।।૪૩।।
માટે કૃપા કરી દર્શન દેજયો, વિરહાબ્ધિમાં બુડ્યાં બાંયે ગ્રેજયો ।
જેમ વર્તે છે પોતાને મન, એવાં લખ્યાં ર્વિણએ વચન ।।૪૪।।
જેવું છે પોતાનું વરતંત, તેતો લખતાં ન આવે અંત ।
લખ્યું સંક્ષેપે સાર એટલું, ન લખાય જેમ છે તેટલું ।।૪૫।।
એ છે મુમુક્ષુને ઉપદેશ, કહ્યો કૃષ્ણ ભક્તનો રહસ્ય ।
પણ કૃષ્ણ બીજા નથી કોઇ, સમજો શ્રીપુરૂષોત્તમ સોઇ ।।૪૬।।
એમ પત્રી લખી પુરી કીધી, લઇ મુક્તાનંદજીને દીધી ।
પછી મુક્તાનંદે પત્ર લીધો, પોતાના પત્ર ભેળો તે કીધો ।।૪૭।।
બિડી બેઉ લખ્યું સરનામ, પછી તેડ્યા ભટ મયારામ ।
કહ્યું આ કાગળ ઉતાવળ્યે, પહોંચાડો શ્રીસ્વામીની પાસળ્યે ।।૪૮।।
કહેજયો મુખે સર્વે સમાચાર, આવે વહેલા તે કરજયો વિચાર ।
પછી મયારામ લાગી પાય, ચાલ્યા ભુજનગરને રાય ।।૪૯।।
સપ્ત દિને પહોંચ્યા ભુજ શહેર, સ્વામી હતા ગંગારામ ઘેર ।
નિરખી વિપ્ર પામ્યો છે આનંદ, કેવા શોભે છે તે સુખકંદ ।।૫૦।।
નેણાં કમળદળસમ દોય, પૂર્ણ શશીસમ મુખ સોય ।
ગૌર શરીર અજાન કર, સુંદર શ્વેત પહેર્યાં છે વસ્તર ।।૫૧।।
વાંકી ભ્રકુટી મંદમંદહાસ, પ્રસન્નવદને કરે છે વિલાસ ।
કમળ સરીખાં છે ચરણ દોય, ભક્ત રહ્યા છે તે સામું જોય ।।૫૨।।
આપે છે નિજજનને આનંદ, સુખદાયી સ્વામી રામાનંદ ।
એવા નિરખી મયારામે નાથ, આપ્યા પત્ર બે સ્વામીને હાથ ।।૫૩।।
ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે નીલકંઠર્વિણએ પત્ર લખ્યો એ નામે બેતાલીશમું પ્રકરણમ્ ।।૪૨।।