૪૧. મુક્તાનંદસ્વામીએ વર્ણીના ગુણો વર્ણવતો ગુરુને પત્ર લખ્યો.

Submitted by swaminarayanworld on Tue, 05/07/2011 - 7:26pm

પૂર્વછાયો-

આણી ઉદાસી અંતરે, એમ બોલ્યા વરણિરાટ ।

તે સુણી મુક્તાનંદજી, અતિ કરે છે ઉચાટ ।।૧।।

આવા ત્યાગી તપસ્વી,નિરમોહી વૈરાગ્યવાન ।

નિસ્પૃહપણું જોઈ જાણે, રખે જાતા રહે નિદાન ।।૨।।

કાંઈક ઉપાય કરૂં, જેણે રહે વરણિઈંદ ।

પછી મીઠી વાણીએ, બોલ્યા તે મુક્તાનંદ ।।૩।।

વૈશાખસુદીનો વાયદો, તે નહિ પડે ખોટો નાથ ।

તિયાં લગી તમે રહો, કહું કરગરી જોડી હાથ ।।૪।।

ચોપાઇ-

તમને કહીએ છીએ અમે એહ, તેતો જોઈને તમારૂં દેહ ।

તપે કરી તન છે દુબળું, નહીં પોંચાય શહેર છે વેગળું ।।૫।।

ખારા સમુદ્રની છે ખાડી, તેતો ભુજ જાતાં આવે આડી ।

નથી સિધિ જાવા પગવાટ, અમે કહીએ છીએ તેહ માટ ।।૬।।

હમણાં રહો જાળવીને પળ, હું મેલું છું લખીને કાગળ ।

તેનો વળતો ઉત્તર આવે, કરવું સહુને જેમ સ્વામી કાવે ।।૭।।

તેની આજ્ઞા વિના નવ જાવું, અમને તો જણાય છે આવું ।

ત્યારે બોલ્યા હરિ તેહ પળ, સારૂં લખો સ્વામીને કાગળ ।।૮।।

પછી મુક્તાનંદજી મહારાજ, બેઠા કાગળ લખવા કાજ ।

સ્વસ્તિ શ્રીભુજનગરમાંઈ, સ્વામી રામાનંદ સુખદાઈ ।।૯।।

દીનબંધુ પતિતપાવન, ભક્તજનને મનભાવન ।

પુણ્ય પવિત્ર પ્રૌઢ પ્રતાપ,શરણાગતના શમાવો તાપ ।।૧૦।।

કૃપાનિધિ કરૂણાના ધામ, પતિતપાવન પૂરણકામ ।

દયાસિંધુ દિલના દયાળ, નિજજનતણા પ્રતિપાળ ।।૧૧।।

અનાથના નાથ અધમોદ્ધાર, તમને કરૂં છું નમસ્કાર ।

કલ્યાણકારી જે અનેક ગુણ, તેણે કરી તમે છો પૂરણ ।।૧૨।।

સિદ્ધ સિદ્ધિઓ સર્વે કહેવાય, તેતો સેવે છે તમારા પાય ।

શુદ્ધ ભક્ત જે લાખો કરોડી, તે તમને નમે કર જોડી ।।૧૩।।

આપ ઈચ્છાએ મનુષ્યાકૃતિ, તમે ધરી પ્રભુ અમવતિ ।

એવા તમે જન સુખકારી, પ્રભુ વાંચજયો વિનતિ મારી ।।૧૪।।

અત્ર લોજથી લખ્યો કાગળ, તમ કૃપાએ સુખી સકળ ।

તમારા સુખના સમાચાર, લખજયો મારા પ્રાણઆધાર ।।૧૫।।

બીજું લખવા કારણ જેહ, સ્વામી સાંભળજયો તમે તેહ ।

કોશળ દેશથી આવ્યા છે મુનિ, કહું વાત હવે હું તેહુની ।।૧૬।।

દેહમાંહિ જેટલી છે નાડી, દેખાય છે તે સવેર્ઉઘાડી ।

ત્યાગ વૈરાગ્ય તને છે અતિ, જાણું આપે તપની મૂરતિ ।।૧૭।।

નીલકંઠ નામે નિદાન છે, શિવ જેવા વૈરાગ્યવાન છે ।

મેઘજેવા સહુના સુખધામ, દેખી દર્પ હરે કોટી કામ ।।૧૮।।

ર્વિણવેશ દૃષ્ટિ અનિમેષ, બ્રહ્મસ્થિતિમાં રહેછે હમેશ ।

ઉદારમતિ અચપળતા, પાસળે કાંઇ નથી રાખતા ।।૧૯।।

કિશોર અવસ્થાને ઉતરી, આવ્યા અત્ર તીરથમાં ફરી ।

સુંદર મુખ ને માથા ઉપર, કેશ નાના ભુરા છે સુંદર ।।૨૦।।

બોલે છે સ્પષ્ટ વાણી મુખ, નારી ગંધથી પામે છે દુઃખ ।

માન મત્સર નથી ધારતા, પ્રભુ વિના નથી સંભારતા ।।૨૧।।

જીર્ણ વલ્કલ ને મૃગછાળા, હાથમાંહિ છે તુલસી માળા ।

સરલ ક્રિયામાં સદા રહે છે, મુનિના ધર્મને શિખવે છે ।।૨૨।।

રાખે છે ગુરૂભાવ અમમાં, વૃત્તિ લાગી રહી છે તમમાં ।

રસરહિત જમે છે અન્ન, તેહ પણ બીજે ત્રિજે દન ।।૨૩।।

કયારેક ફળ ફુલ નિદાન, ક્યારે કરે વારિ વાયુ પાન ।

કયારે અજાચ્યું અન્ન આવ્યું લીએ, ક્યારે મળ્યું પણ મુકી દીએ ।।૨૪।।

કયારેક મરચાં મીઢી આવળ્ય, જમે એજ એકલું કેવળ ।

ખારું ખાટું તીખું તમતમું, રસ નિરસ બરોબર સમું ।।૨૫।।

ટંક ટાણાની ટેવજ નથી, અતિ નિસ્પૃહ રહે છે દેહથી ।

જે જે ક્રિયાઓ કરે છે એહ, તનધારીએ ન થાય તેહ ।।૨૬।।

ગ્રીષ્મ પ્રાવૃટ ને શરદઋતુ, હેમંત શીત ને વળી વસંતુ ।

છોયે ઋતુમાં વસવું વને, વહાલું લાગે છે પોતાને મને ।।૨૭।।

મેડી મોલ આવાસમાં રહેવું, તે જાણે છે કારાગૃહ જેવું ।

ઉનાળે તો તાપે છે અગનિ, ચોમાસે સહે ધારા મેઘની ।।૨૮।।

શિયાળે બેસે છે જળમાંઈ, તેણે તન ગયુંછે સુકાઈ ।

કિયાં બાળપણાની રમત, કિયાં પામવો સિદ્ધોનો મત ।।૨૯।।

બાળપણે સિદ્ધદશા જોઈ, અમે સંશય કરૂં સહુ કોઈ ।

એના તપના તેજને માંઈ, અમારૂં તપ ગયું ઢંકાઈ ।।૩૦।।

જેમ દિનકર આગળ દિવો, એ પાસે ત્યાગ અમારો એવો ।

એની વાત તો એ પ્રમાણે છે, સર્વ યોગકળાને જાણે છે ।।૩૧।।

તોય શિષ્ય થઇને રહ્યા છે, જેની અતિ અપાર ક્રિયા છે ।

કેણે થાતો નથી નિરધાર, જાણું પામ્યા છે શાસ્ત્રનો પાર ।।૩૨।।

પુછે છે પ્રશ્ન અલપ કાંઇ, તેમાં પંડિત રહે છે મુંઝાઇ ।

સભામાંહિ વાદ પ્રતિવાદે, બોલે છે પોતે શાસ્ત્ર મર્યાદે ।।૩૩।।

ત્યારે પંડિતના તર્ક સર્વ, થાય બંધ ને ન રહે ગર્વ ।

પુછે પ્રશ્ન કોઇ પોતા પાસ, ત્યારે બહુ રીત્યે કરે સમાસ ।।૩૪।।

ત્યારે સંશય કરે એમ મન, આ શું આવ્યા પોતે ભગવન ।

બેસું ધ્યાને જયાં જયાં મન જાય, તેને દેખે છે સાક્ષિને ન્યાય ।।૩૫।।

દુરિજન વચનનાં બાણ, સહેવા પોતે વજ્ર પ્રમાણ ।

એવા ક્ષમાવંત મહામતિ, પરદુઃખે પીડાય છે અતિ ।।૩૬।।

કોમળતા કહી નથી જાતિ, ઉપમા પણ નથી દેવાતિ ।

સર્ષપ ફુલ માખણ ને કંજ, જાણું પામ્યા કોમળતા રંજ ।।૩૭।।

સર્વ સાધુતા જે જે કહેવાય, તેતો રહી છે જાણું એહ માંય ।

તમ વિના એવા ગુણ બીજે, નથી સાંભળ્યા સાચું કહીજે ।।૩૮।।

એનાં ચરિત્ર જોઇને અમે, જાણું દઢતા જોવા આવ્યા તમે ।

વળી તમારાં દર્શન કાજ, અતિ આતુર રહે છે મહારાજ ।।૩૯।।

તેને રોકીને રાખ્યા છે આંઇ, કહો તો આવે તમ પાસે ત્યાંઇ ।

યાંની વાત મેં લખી જણાવી, રાજી હો તેમ મુકજયો કહાવી ।।૪૦।।

લખ્યું છે મારી બુદ્ધિ પ્રમાણ, સવેર્જાણી લેજયો સુજાણ ।

ઓછું અધિકું જે લખાણું હોય, કરજયો ક્ષમા અપરાધ સોય ।।૪૧।।

દયા કરીને વાંચજયો પત્ર, ઘટે તેમ લખાવજયો ઉત્ર ।

તેની જોઇ રહ્યા છીએ વાટ, આવ્યે ઉત્તર ટળશે ઉચાટ ।।૪૨।।

વારે વારે વિનતિ મહારાજ, કરૂં છું હું આ વરણિ કાજ ।

હશે તેમને ગમતું તે થાશે, બીજા ડાહ્યાનું ડહાપણ જાશે ।।૪૩।।

થોડે લખ્યે બહુ માનજયો નાથ, રાખજયો દયા પ્રભુ મુજમાથ ।

એવો પત્ર લખ્યો મુક્તાનંદે, વાંચ્યો સાંભળ્યો સહુ મુનિવૃંદે ।।૪૪।।

કહે મુનિ ધન્ય છો મહારાજ, અતિ રૂડો પત્ર લખ્યો આજ ।

વાંચી આવશે વહેલા દયાળ, પ્રભુ લેશે આપણી સંભાળ ।।૪૫।।

પછી બોલ્યા એમ મુક્તાનંદ, સુણો નીલકંઠ મુનિઇંદ ।

લખ્યો સ્વામી પ્રત્યે પત્ર અમે, કાંઇક લખોને કહું છું તમે ।।૪૬।।

સુણી મુક્તાનંદનાં વચન, વિચાર્યું છે વરણિએ મન ।

હું શું લખી જણાવું સ્વામીને, કહ્યું ન ઘટે અંતર્યામીને ।।૪૭।।

જાણે મનની વારતા તેને, સર્વે લોક હસ્તામળ જેને ।

એથી અજાણ્યું નથી લગાર, જાણે સર્વે અંતરમાંહિ બાર ।।૪૮।।

એ આગે કરવી ચતુરાઇ, તે વિચારી લેવું મનમાંઇ ।

અમારે તો નથી એવો ઘાટ, લખું તમે કહો છો તેહમાટ ।।૪૯।।

એમ કહીને બેઠા એકાંત્ય, લખવા કાગળ કરી છે ખાંત્ય ।

કાજુ કાગળ લીધો છે કર, માંડી પાટી ગોઠણ ઉપર ।।૫૦।।

જમણા કરમાં કલમ લીધી, લખવા પત્રિકાની ઇચ્છા કીધી ।

પ્રથમ કરી મને વિચાર, માંડ્યા લખવા શુભ સમાચાર ।।૫૧।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે મુક્તાનંદ સ્વામીએ પત્ર લખ્યો એનામે એકતાલીશમું પ્રકરણમ્ ।।૪૧।।