ચોપાઇ-
પછી વીત્યા થોડા ઘણા દન, આવ્યા વરતાલે જગજીવન ।
આસોવદી અમાસને દન, કર્યું દીપ ઉત્સવનું મન ।।૧।।
આવ્યા તેડાવ્યા સર્વે દાસ, જોઇ જીવન મન હુલાસ ।
કરે નિત્ય નવી લીળા લાલ, જોઇ જન થાય છે નિહાલ ।।૨।।
જેમ અન્યલોક થાય ભેળા, એમ સમજશ્યોમાં એહ લીળા ।
જેને કહું છું ફરિફરિ અમે, તેની રીત્ય સાંભળજયો તમે ।।૩।।
નર ઇચ્છે છે નરેશ થાવા, રાજા ઇચ્છે અમરલોક જાવા ।
અમર ઇચ્છે ઇંદ્ર પદવી, ઇંદ્ર ઇચ્છે થાવા આદ્ય કવિ ।।૪।।
વિધિપર તે વિરાટ કહીએ, તે પર પ્રધાન પુરૂષ લહીએ ।
તે પર મૂળપ્રકૃતિ પુરૂષ, તેથી પર અક્ષર સુજશ ।।૫।।
અક્ષર પર પુરૂષોત્તમ જેહ, તેણે ધર્યું મનુષ્યનું દેહ ।
તેનું દર્શન ને સ્પર્શ ક્યાંથી, સહુ વિચારોને મનમાંથી ।।૬।।
જે છે મન વાણીને અગમ, તે તો આજ થયા છે સુગમ ।
અતિ દુર્લભ દર્શન જેનાં, કહું છું આ ચરિત્ર હું તેનાં ।।૭।।
જે કોઇ જાણે અજાણ્યે સાંભળશે, તેના જન્મમરણ તાપ ટળશે ।
જે કોઇ સમજે જથારથ જન, તેનું થાશે તેજોમય તન ।।૮।।
માહાત્મ્ય સહિત સમજશે સ્વરૂપ, તે તન મુક્તાં અક્ષરરૂપ ।
છેતો વાત મોટી એવી ઘણી, નાવે પ્રતીત કહેતાં તે તણી ।।૯।।
પણ જાણ્યે અજાણ્યે જે જન, કરશે મહાપ્રભુનાં દર્શન ।
વળી સુણશે આ લીળા ચરિત્ર, તે નર થાશે નિશ્ચય પવિત્ર ।।૧૦।।
માટે કહું છું ફરી ફરીને, સહુ સાંભળો ચિત્ત ધરીને ।
પછી આવ્યો છે ઉત્સવનો દન, પૂરી દીપમાળા મળી જન ।।૧૧।।
તિયાં સુંદર વેદી રૂપાળી, આવી બેઠા તિયાં વનમાળી ।
જયજય બોલે જનવૃંદ, જાણ્યું પ્રગટ્યા પૂરણચંદ્ર ।।૧૨।।
દીપે દીપ જોત્ય ત્યાં અપાર, જાણ્યું બણ્યું તેજનું અગાર ।
પ્રકાશમય મંદિરમાંયે, શોભે મૂરતિ અતિ શોભાયે ।।૧૩।।
અંબર આભૂષણ અંગે જેહ, સર્વે તેજોમય દીઠાં તેહ ।
એમ લૌકિકમાંઇ અલૌકિ, જોઇ જન મન રહ્યાં છકી ।।૧૪।।
દીધાં દર્શન એવાં દયાળે, દયાસિંધુ જનપ્રતિપાળે ।
સવેર્જન થયા છે સનાથ, જોઇ નટવર સુંદર નાથ ।।૧૫।।
ગાય કીર્તન થાય કિલોલ, મળ્યા હરિજનના હિલોલ ।
નરનારીનો ન આવે પાર, મળ્યા મુનિ હજારો હજાર ।।૧૬।।
સર્વે જોઇ રહ્યા હરિ સામું, પુરી કરી છે હૈયાની હામું ।
એમ વીતિ ગઇ અર્ધ રાત, વાલમજી કહે સુણો વાત ।।૧૭।।
અમે જાશું હવે પુરમાંય, તમે રાત્ય રહેજયો સહુ આંય ।
એમ કહી પ્રભુજી પધાર્યા, જનને મન મોદ વધાર્યા ।।૧૮।।
આવી નાથજી પોઢ્યા આવાસે, સખા પાંચ સાત હતા પાસે ।
જયારે પોઢીને જાગ્યા પ્રભાત, ત્યારે પુછી રસોઇની વાત ।।૧૯।।
ત્યારે બોલિયા નારાયણ ગિર, થઇ રસોઇ કાળ અચિર ।
પછી દાતણ કરી દયાળ, નાઇ નાથ જમ્યા પછી થાળ ।।૨૦।।
જમ્યા જીવન જનહિત કાજ, પછી તેડાવ્યો સંત સમાજ ।
તેને જમાડ્યા જુગતે કરી, આપ્યાં ભોજન ભાજન ભરી ।।૨૧।।
બહુ ભાત્યનાં કર્યાંતાં અન્ન, હતો અન્નકોટનો એ દન ।
ફર્યા પંગત્યમાં પાંચવાર, ઘણીઘણી કરી મનુવાર ।।૨૨।।
જમો સંતો કંસાર છે કેવા, માલપુડા છે જમવા જેવા ।
એમ નાથ કરે તાણ્ય ઝાઝી, તેમ નારાયણગિરિ રાજી।।૨૩।।
જન જમ્યા થયો જેજેકાર, પછી આંબલે આવ્યા આધાર ।
સવેર્દાસને દર્શન દિધાં, અતિ આનંદ મગન કિધાં ।।૨૪।।
એમ લીળા કરી બહુ દન, પછી પધાર્યા પ્રાણજીવન ।
સંત ગયા સહુ આસપાસ, પોતે કર્યો ગઢડે નિવાસ ।।૨૫।।
રહ્યા દિવસ થોડાક ત્યાંઇ, વળી આવિયા વરતાલમાંઇ ।
આવી તેડાવિયા આચારજ, કરવા કાંઇક એનું કારજ ।।૨૬।।
સામા જઇને સનમાન કીધું, રૂડી રીત્યે તેને માન દીધું ।
પાટે બેસારી પૂજા કરાવી, ફુલમાળા તો પોતે પહેરાવી ।।૨૭।।
રૂડી રીત્યની રસોઇ દીધી, ચોંપે કરીને ચાકરી કીધી ।
પછી બોલ્યા વેદાંતાચારજ, પૂછો તમે પ્રશ્ન મને આજ ।।૨૮।।
પછી પ્રભુ બોલ્યા એમ રહી, અમે ત્યાગી ને તમે છો ગૃહી ।
પૂછતાં વળી પ્રશ્ન તમને, ઘણો વિચાર થાય છે અમને ।।૨૯।।
ત્યારે બોલ્યા આચારજ એમ, એવું મનમાં ધારો છો કેમ ।
બ્રહ્મવિદ્યા બત્રીશ પ્રકાર, કહો તો કહી દેખાડું આ વાર ।।૩૦।।
પુછો જે કાંઇ પુછવું હોય, નથી ખોટ્ય એ વાતની કોય ।
એવું સુણી બોલ્યા અવિનાશ, લિયો પ્રશ્ન પૂછું તમ પાસ ।।૩૧।।
જયારે ગુરુ કરે કોઇ શિષ્ય, આપે મહા વાક્ય ઉપદેશ ।
તેને પુછું હું જુજવા પાડી, દિયો દ્વાદશ રૂપ દેખાડી ।।૩૨।।
એમાં કરીશ આશંકા હું ઘણી, નહી ચાલે ચતુરાઇ તમ તણી ।
પ્રજ્ઞાનમાનંદ બ્રહ્મ જેહ, વળી અયમાત્મા બ્રહ્મ તેહ ।।૩૩।।
અહં બ્રહ્માસ્મિ જેહ કહીએ, તત્ત્વમસિ તે કેમ લહીએ ।
તૈયે બોલ્યા આચાર્ય તે વાર, એના પણ છે બે પ્રકાર ।।૩૪।।
એમ કહીને વાળ્યા છે ગોટા, કર્યા ઉત્તર તે થયા ખોટા ।
પછી પ્રભુ પાય લાગી ચાલ્યા, આવ્યા દાંત રહ્યા નહિ ઝાલ્યા ।।૩૫।।
વળી પૂછ્યું પોતે બીજે દિન, ક્યાંથી થયા વેદ ઉત્તપન ।
કહેશો અનાદિ છે એહ વેદ, તોયે કહ્યો જોશે તેનો ભેદ ।।૩૬।।
કહેશો વેદ નારાયણ થકી, તોય વ્યક્તિ પાડિ જોશે પકી ।
પછીબોલ્યાઆચારજસોય,એનાપણપ્રકારછેદોય।।૩૭।।
જયારે પ્રલય થાય છે બ્રહ્માંડ, ત્યારે વડ એક રહે છે અખંડ ।
તિયાં રહે છે નારાયણ વેદ, એકતો એમ સમજવો ભેદ ।।૩૮।।
ત્યારે મહારાજને આવી હાંસી, પણ હસ્યા નહિ અવિનાશી ।
કહે નાથ સુણોને આચાર્ય, એનું અમને થાય છે આશ્ચર્ય ।।૩૯।।
જયારે પંચભૂત નાશ થાય, ત્યારે વડે તે કેમ રહેવાય ।
એનો ઉત્તર છે કાંઇ એતે, આવડે તો કહો બીજી રીત્યે ।।૪૦।।
વારૂ એતો હવે રહેવા દિયો, બીજું પ્રશ્ન તે સાંભળી લિયો ।
ભગવાને કહ્યું ગીતામાંય, જીવ અંશ તે મારો કહેવાય ।।૪૧।।
તૈયે બોલ્યા આચારજ એમ, પ્રભુનો અંશ કહેવાય કેમ ।
એને અક્ષરનો અંશ કહીએ, પછી નાથજી બોલ્યા છે તૈએ ।।૪૨।।
અક્ષરશબ્દનો અર્થ છે શિયો, પ્રથમ એનો ઉત્તર તો દિયો ।
કહે ન ક્ષરે અક્ષર તેહ, એનો અર્થ તો થાય છે એહ ।।૪૩।।
ત્યારે નાથ કહે જીવ કેમ ખર્યો, જો ખર્યો તો અક્ષર ન ઠર્યો ।
વળી જીવ છે અછેદ્ય અભેદ્ય, ત્યારે અક્ષરમાં કેમ છેદ ।।૪૪।।
એનો એમ ઉત્તર નોય કાંય, નથી સમજાવવા સંપ્રદાય ।
તોય અજાણ્યા થઇને નાથ, લાગ્યા પાય પછી જોડી હાથ ।।૪૫।।
આચારજની મુંઝાંણી મત્ય, થયો ગાભરો ગઇ હિમત્ય ।
હતો અહંકાર જે એને મને, તેતો ગળ્યો જાણ્યું સહુજને ।।૪૬।।
નાથ કહે એને કહેશોમાં કોય, આપો રુપૈયા શત એને દોય ।
એમ દયા કરી એને માથે, એણે ભૂંડું કયુર્ં એને હાથે ।।૪૭।।
આગળ જઇને અવિદ્યા કરી, નાખી રજ સૂર્યસામી ખરી ।
તેતો પડી એના મુખમાંઇ, સૂરજને અડિ નહિ કાંઇ ।।૪૮।।
એવું ચરિત્ર કરી દયાળ, પછી પધાર્યા દેશ પંચાળ ।
કરી લીળા એ વરતાલે વસી, માગસર શુદિ એકાદશી ।।૪૯।।
તેદિ લીળા કરી વરતાલ, સહુ જનને કર્યા નિયાલ ।
એમ ચરિત્ર કરે નિત્ય નવાં, નિજજનને સુખ આપવા ।।૫૦।।
ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે
નારાયણચરિત્રે વેદાંતાચાર્યને જીત્યો એ નામે સત્યોતેરમું પ્રકરણમ્ ।।૭૭।।