રાગ - ગરબી
પદ - ૧
તારે ચટક રંગીલો છેડલો અલબેલા રે,
કાંઈ નવલ કસુંબી પાઘ રંગના રેલા રે;
શિર અજબકલંગી શોભતી-અલ૦ હૈડામાં રાખ્યાલાગ. રંગના૦ ૧
મોળીડું છાયું મોતીએ-અલ૦ ફુલડાંની સુંદર ફોર. રંગના૦ ૨
ઘેરે રંગે ગુચ્છ ગુલાબના-અલ૦ જોઈ ભ્રમર ભમે તે ઠોર. રંગના૦ ૩
તારી પાઘડલીના પેચમાં-અલ૦ મારું ચિત્તડું થયું ચકચુર. રંગના૦ ૪
બ્રહ્માનંદ કહે તારી મૂરતિ-અલ૦ વણદીઠે ઘેલી તૂર. રંગના૦ ૫
પદ - ૨
કેસરનું તિલક સોહામણું ગિરધારી રે,
ઝળકે છે સુંદર ભાલ જાઉં બલિહારી રે,
રસ રેખડલી વિલસી રહી-ગિર૦ નીરખીને થઈ છું નિહાલ. જાઉં૦ ૧
વારી બેહદ ભ્રકુટી વાંકડી- ગિર૦ જાણે કરડી શ્યામકબાણ. જાઉં૦ ૨
રૂપાળી ટસરૂં રાતડી-ગિર૦ લોચનીયાં તીખાં બાણ. જાઉં૦ ૩
નાસા અણિયાળી નમણી- ગિર૦ જોઈ લાજે દીપક કીર. જાઉં૦ ૪
બ્રહ્માનંદ કહે જોઈ રહેતી નથી- ગિર૦ ઊર દેવત્રિયાને ધીર. જાઉં૦ ૫
પદ - ૩
કુંડળ બેઊ રાજે કાનમાં વ્રજ ચંદા રે,
સુંદર માંહી બિંદુ શ્યામ નંદના નંદા રે,
રંગભીના તારા રૂપને- વ્રજ૦ જોઈ લાજે કોટીક કામ. નંદ૦ ૧
તિલનું એક નૌતમ ત્રાજવું- વ્રજ૦ કંકોળેલ ગૌર કપોળ. નંદ૦ ૨
તારા અધર પ્રવાળા સરખા-વ્રજ૦ છબીવદન કમળની ગોળ. નંદ૦ ૩
તારા દંત ડોલરીયાની કળી-વ્રજ૦ વળી દાડમ કેરાં બીજ. નંદ૦ ૪
બ્રહ્માનંદ કહે હાસ્ય વિલાસમાં-વ્રજ૦ રહી વ્રજનારી રંગભજ. નં૦ ૫
પદ - ૪
બાંયે બાજુ કાજુ બેરખા મને પ્યારા રે,
બહુમૂલી લટકે બોર કામણગારા રે,
હાથોમાં પોંચી હેમની-મને૦ ખાસી તન ચંદન ખોર. કામ૦ ૧
બની શોભા વીંટી વેઢની-મને૦ હૈયે નવલ ગુલાબી હાર. કામ૦ ૨
તારું રૂપ જોઈ ઘેલી ફરે-મને૦ ગોકુળીયાં કેરી નાર. કામ૦ ૩
જોઈ તેજ અલૌકિક અંગનું-મને૦ થયા ઝાંખા સુરજ ચંદ. કામ૦ ૪
તારી નવલ છબીની ઊપરે-મને૦ બલિહારી બ્રહ્માનંદ. કામ૦ ૫