જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી;
સહજાનંદ દયાળુ (૨), બળવંત બહુનામી. પ્રભુ જય૦ ૧
ચરણ સરોજ તમારાં, વંદુ કર જોડી;
ચરણે શીશ ધર્યાથી (૨), દુઃખ નાખ્યાં તોડી. જય૦ ૨
નારાયણ નર ભ્રાતા દ્વિજકુળ તનુ ધારી;
પામર પતિત ઊધાર્યા (૨), અગણિત નરનારી. જય૦ ૩
નિત્ય નિત્ય નૌતમ લીલા, કરતા અવિનાશી;
અડસઠ તીરથ ચરણે (૨), કોટી ગયા કાશી. જય૦ ૪
પુરુષોત્તમ પ્રગટનું, જે દર્શન કરશે;
કાળ કરમથી છુટી (૨), કુટુંબ સહિત તરશે. જય૦ ૫
આ અવસર કરુણાનિધિ, કરુણા બહુ કીધી;
મુક્તાનંદ કહે મુક્તિ (૨), સુગમ કરી સિધી. જય૦ ૬
કીર્તન-લીલા
આ આરતી છે, આર્તનાદ થી પરમાત્માને પુકારવામાં આવે ત્યારે તે ભક્તના ભાવને જોઇને પ્રભુ તત્કાળ ભક્તની વહારે દોડીને આવે છે. હૃદયમાંથી આર્તનાદ તો ત્યારે જ છુટે જ્યારે પૂર્ણ રુપે પરમાત્માના સ્વરુપમાં દૃઢ નિષ્ઠા સાથે સમર્પિત થઇ જવાનો નિશ્ચય નિષ્કપટ ભાવથી જાગૃત થાય છે. તેને જ આર્તનાદ કહેવાય છે. તેમાં પણ જ્યારે અતિશયતાની સાથે અનન્યાશ્રયતા ભળે છે, ત્યારે આપણે તેને આરતી ના નામથી ઓળખીએ છીએ. તેમાં કંઇક એવો જ ભાવાભિવ્યક્ત થાય છે. સ.ગુ. મુક્તાનંદ સ્વામીને જ્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણે સમાધી પ્રકરણ ચલાવ્યાના સમાચાર મળ્યા ત્યારે મનમાં મુંજવણ થઇ કે આવું રામાનંદ સ્વામીએ પણ ક્યારેય કર્યું નથી અને આ તેમના સ્થાને વિરાજમાન થઇને સહજાનંદ સ્વામી આ શુ ? કરવા માંડ્યા છે. પણ ગુરૂ જેમને મુક્તાનંદ મુનિ સાક્ષાત શ્રીકૃષ્ણનો અવતાર જ માનતા હતા અને તેઓ શ્રીની આજ્ઞા છે, કે આ સહજાનંદ સ્વામી મારા સ્થાને છે. તેથી તેઓ ગુરૂ સ્થાને વિરાજમાન છે. પણ આ સંપ્રદાયની રીત નથી તેમ જાણ તો કરવી જ પડશે, તેવું સમજીને કચ્છભૂજ થી આવ્યા અને શ્રીહરિને મળીને નારાજગી બતાવી શ્રીહરિએ પણ તેમનું માન રાખ્યું. પરન્તુ મુક્તાનંદ સ્વામી જેવા સમર્થ સંતને પોતાના સર્વોપરિ જ્ઞાનથી ક્યાં સુધી અજાણ રાખવા આમ વિચારિને એક દિવસ તેમનો ભ્રમ નિવારણ કરવાનો નિર્ણય કર્યો વિક્રમ સંવત ૧૮૫૯ ના કાર્તક સુદ ૧૦ ને તા. ૫ સપ્ટેમ્બર ૧૮૦૨ ને શુક્રવારના રોજ નિત્ય ક્રમ પ્રમાણેસૌ સંતો અને શ્રી હરિ પણ કાલવાણી ગામમાં સ્નાનના નિમિત્તે નદિ કીનારે પધાર્યા જંગલમાં સ.ગુ. મુક્તાનંદ મુનિને ઉદ્ધાવાવતાર રામાનંદ સ્વાામીએ દિવ્ય દર્શન આપીને આ સહજાનંદ સ્વામી એતો સાક્ષાત પૂર્ણ પુરૂષોત્તમનારાયણ છે.અને હું જે તમને સૌ ને કહેતે હતેા કે હું તો ડુગ ડુગી વગાડનાર છું ખરો ખેલ ભજવનાર તો આવવાના છે,તે આ જ સાક્ષાત શ્રીહરિ સહજાનંદ સ્વામી શ્રીસ્વામિનારાયણ ભગવાન સર્વ અવતારના અવતારી છે. ગુરૂના વચનથી મનમાં જે સંશય હતો તે નાશ પામી ગયો અને હવે તો સાક્ષાત પ્રગટ ભગવાનનો આશ્રય પ્રાપ્ત થયો છે, હવે કોઇ વાતની ખામી નથી રહી એવા પૂર્ણ વિશ્વાસ સાથે તે ભગવાન શ્રીહરિના શરણોમાં આત્મ સમર્પણ કરી દેવાને સંપૂર્ણ નિષ્ઠા પૂર્વક તૈયાર થયા ત્યારે મુક્તાનંદ મુનિ ના કવિ હૃદયમાં થી જે આજ સુધી સંશય રૂપ અપરાધ કર્યો તેના નિવારણ માટે ના જે શબ્દો નિશ્રી પડ્યા તેનાથી જગતના કેટલાય જીવો આજ પણ સંપ્રદાયમાં પરબ્રહ્મ પરમાત્મા સર્વાવતારી પૂર્ણપુરૂષોત્તમ સર્વોપરિ ભગવાન શ્રીસ્વામિનારાયણની આર્તનાદથી પ્રાર્થના કરે છે. અને અક્ષર ધામને પ્રાપ્ત કરે છે, તેવા અદ્ભૂત શબ્દોના ભાવને જાણવાનો પ્રયત્ન કરીએ.
કીર્તન-અર્થ
જય સદ્ગુરૂ સ્વામી, જય સદ્ગુરૂ સ્વામી. :-
અર્થ ત્રીકાળાબાધીત સદા સત્ય ( ત્રણેય કાળમાં) એક સરખું જેનું સ્વરૂપ રહે છે. સદા ભૂત ભવિષ્ય ને વર્તામાનમાં મન બુદ્ધિ અને વાણી એક સરખા રહે, તેને કહેવાય સત્ય અર્થાત સત્ તેમાં ગુરૂ અજ્ઞાન રૂપ તિમારંધકારમાં થી જ્ઞાન રૂપી પ્રકાશમાં લઇ જાય તે ગુરૂ જગતની માયામાંથી છોડાવીને પરમાત્માની સાથે ભેટો કરાવે ત્યારે જીવના હૃદયમાં થી અજ્ઞાન નાશ પામે છે. જ્ઞાન રૂપી પ્રકાશ માત્રને માત્ર પરમાત્મા સિવાય બીજે ક્યાંય નથી, પોતાનામાં જોડાવાથી જીવનું અજ્ઞાન ટળતું નથી. કારણ કે પોતામાં જ જ્ઞાન રૂપી પ્રકાશ નથી તે બીજાને શું ? પ્રકાશ આપશે.માટે ભગવાન સિવાય જીવના ગુરૂ થવાની કોઇનેય યોગ્યતા નથી. એટલા માટે મુક્તાનંદ સ્વામી શ્રીહરિને ઉપમાં આપે છે, સદ્ગુરૂ તમારી સર્વત્ર જય થાય છે કેમકે તમે તો જીવ પ્રાણી માત્રના અને મારા આત્માના સ્વામી છો, માલીક છો, કર્તા હર્તા છો, અન્તર્યામી છો. અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ છો. છતાં દયાળુ તો કેવા છો, સહજ માત્રમાં કોઇ પણ જીવ આપનું સ્મરણ કરે કે નામ બોલવા માત્રમાં આપ તેને મોટા મોટા યોગીઓ ને પણ જે સ્વપ્નમાં પણ સમાધી ની સિદ્ધિ ન મળે તે સાધારણ જીવને તમો તત્કાળ બ્રહ્માનંદના આનંદનો આસ્વાદ દયા કરીને આપો છો. સહજ સ્વાભાવિક પણે આપના સ્વરૂપમાં દયાનો ભંડાર ભરેલો છે. મહાબળવાન તમારી માયા જેના પારને પામવા માટે મોટા મોટા જ્ઞાની યોગી અને તપસ્વીઓ પણ તરી નથી શકતા તે માયાને તો જે તમારા શરણે આવી ને તમારા અનંત નામોમાં થી એક પણ નામનું ઉચ્ચારણ કરવા માત્રથી તેનાથી તમો તત્કાળ રક્ષા કરો છો એવા તમારા નામ બળશાળી છે અને તેવા નામો બહુજ પ્રકારના છે. ૧
એટલા માટે હે સ્વામી હું મુક્તાનંદ તમારા કમળ જેવા કોમળ ચરણો માં બે હાથ જોડીને વંદન કરૂ છું.નમસ્કાર કરૂ છું. કારણ કે તમારા ચરણોમાં ચિત્ત ધરવા માત્ર થી શિષ નમાવવા માત્રથી દુઃખ માત્ર નો નાશ થાય છે. ૨
હે પ્રભુ તમો તો સાક્ષાત નારાયણ છો, શાસ્ત્રોમાં નારાયણ તો વૈકુંઠપતિ લક્ષ્મીનારાયણ, શ્વેતદ્વિપપતિ વાસુદેવનારાયણ અને વિરાટનારાયણ એવા અનેક નામોથી પ્રસિદ્ધ છો પરંતુ મુક્તાનંદ સ્વામી આ પ્રકારે સર્વત્ર પ્રસિદ્ધ પરમાત્મા નારાયણમાંથી તમો તો સાક્ષાત જગતના હિત માટે બદ્રીકાશ્રમ ધામમાં સદા તપઃ પરાયણ એવા ભગવાન નર ઋષિના મોટા ભાઇ નારાયણ ઋષિ છો. તે તમો એ પવિત્ર સર્યુપારિ બ્રહ્મણ કુળ ધર્મદેવના પુત્રરૂપે મનુષ્ય શરીર ધારણ કર્યું છે. જગતના અતિ પામર અને સ્વધર્મથી પતિત એવા મનુષ્ય માત્રનો ઉદ્ધાર કર્યો છે. જેમાં અસંખ્ય સ્ત્રી અને પુરૂષો આપના દર્શન માત્રથી તરી ગયા છે. ૩
પ્રતિદિન રોજે રોજ ભક્તોના સુખ માટે નવિન નવિન લીલાઓને કરીને પોતાના ભક્તોના ચિત્તને અવિનાશી એવા તમારા સ્વરૂપમાં જોડો છો. જેનાથી જીવ માત્રને બ્રહ્માનંદના આનંદનો અનુભવ થાય છે. તેથી વિષય સુખમાં થી વૈરાગ્ય પામીને મોક્ષને અર્થાત અવિનાશી સુખને પ્રાપ્ત કરે છે.એવા તમારા ચરણે જે આવે છે તેને કોઇ કરોડ ગયાજીની કે કરોડ વખત કાશીની યાત્રા કરે કે અગ્નિપુરાણમાં કહેલ ૬૮ અડસઠ તીર્થોની યાત્રા કરે અને જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે તમારા ચરણ સ્પર્શ માત્રથી પ્રાપ્ત થાય છે.૪
પ્રગટ પુરૂષોત્તનારાયણ એવા તમારૂ જે કોઇ જીવને દર્શન થશે કે સ્મરણ કરશે તે જીવ કાળ કર્મ અને માયા ના બંધનથી છુટી કુટુંબ પરિવાર સહિત સંસાર સાગરને તરીને મોક્ષને પ્રાપ્ત કરશે તમારા દિવ્ય ધામનો અધિકારી બનશે.૫
આ ભયાનક કળીકાળમાં આ વખતે અતિ કરૂણાના સાગર એવા તમોએ અતિ કરૂણા કરીને અપાર દયા કરી છે જીવ ઉપર એવું આ મુક્તાનંદ જગતને જણાવતાં કહે છે કે જો મુક્તિને (મોક્ષ) ને સરળતા થી પ્રાપ્ત કરવો હોય તો આવો અવસર ફરી વખત મળશે નહી. ૬
કીર્તન લીલા અને અર્થ સમજૂતિ “સાર્થ કીર્તનાવલી” માંથી સાભાર – પ્રકાશક – શ્રી સહજાનંદ ગુરુકુલ, અસારવા, અમદાવાદ