મુરતિ તમારી મારા શ્યામ શોભા ધામ છે (૪) ?

Submitted by swaminarayanworld on Wed, 24/10/2012 - 7:08pm

 

રાગ : ભૈરવી

પદ - ૧

મુરતિ તમારી મારા શ્યામ શોભા ધામ છે;

છબી પર વારું કોટિ કામ કે મન અભિરામ છે. મુરતિ૦ ૧

પ્રેમી જનના પ્રાણ છોજી તમે શ્રીહરિ;

દર્શન કાજ દયાળ આવી સર્વ સુંદરી. મુરતિ૦ ૨

તલખે છે સૌ વ્રજસાથ દર્શન કારણે;

જાગો મારા જીવનપ્રાણ કે જાઉં તારે વારણે. મુરતિ૦ ૩

મનમોહન ચિત્તચોર દર્શન આપીયે;

મુક્તાનંદ કહે નાથ દુઃસહદુઃખ કાપીયે. મુરતિ૦ ૪

 

પદ - ૨

તમે મારા પ્રાણ આધાર છેલવર શ્રીહરિ;

જાગો મારા જગના જીવન જોઉં નેણાં ભરી. તમે૦ ૧

કોની સંગે જાગ્યા મારા શ્યામ રસીક શીરોમણી;

તમથકી તો વ્રજનાર રસીક અતિ ઘણી. તમે૦ ૨

રસમાં કર્યા ચકચુર તમને તો શ્રીહરિ;

મળી કોઇ ચતુર સુજાણ અલૌકિક સુંદરી. તમે૦ ૩

આવડી શું નિદ્રા મારાનાથ હસે છે સૌ ભામીની;

મુક્તાનંદ કહે માવ જાગો તો જુવે કામિની. તમે૦ ૪

 

પદ - ૩

જાગો મારા જીવનપ્રાણ રજની વીતી ગઇ;

દર્શન કારણ દયાળ ગોપી ઘેલી થઇ. જાગો૦ ૧

મન માન્યું તમ સાથ રહે કેમ ધારણે;

તજી કુળ લોકની લાજ દર્શ કેરે કારણે. જાગો૦ ૨

ચાતક સરખી ટેક ધરીને વ્રજ સુંદરી;

મન કર્મ વચને નાથ સર્વે તમને વરી. જાગો૦ ૩

જેશું મન માન્યું મારા શ્યામ તે તો પ્યારી ઘણી;

મુક્તાનંદ કહે નાથ પેરયસી અમતણી. જાગો૦ ૪

 

પદ - ૪

વ્રજવનિતાની સુણી વાત શ્રીહરિ જાગીયા;

ચરણે નમી સર્વે નાર, તાપ સર્વે વામીયા. વ્રજવનિતા૦ ૧

નિદ્રાનાં ભર્યાં નેણ ઉઘાડી જોયું શ્રીહરિ;

શોભે જાણે શરદ સરોજ રક્તરેખા ધરી. વ્રજવનિતા૦ ૨

પીતાંબર તનુધારી રસીક છબી શ્યામની;

શોભે જાણે રક્ત સરોજ સહિત ઘનદામની. વ્રજવનિતા૦ ૩

ફુલ્યાં છે વદન સરોજ રસીક રવિ જોઇને;

મુક્તાનંદ કહે માવ લીધાં મન મોહીને. વ્રજવનિતા૦ ૪

Facebook Comments