પ્રાતઃ થયું રે મારા પ્રાણ સનેહિ, જાગો જીવન જાઉં વારી (૪)

Submitted by swaminarayanworld on Wed, 24/10/2012 - 10:25pm

 

રાગ : ભૈરવી પ્રભાતી  

પદ - ૧

પ્રાતઃ થયું રે મારા પ્રાણ સનેહિ, જાગો જીવન જાઉં વારી; પ્રાત૦ ટેક

દર્શન કારણ મુનિવર મોટાં, આવ્યા હરખ ભર્યા ભારી; પ્રાત૦ ૧

પંચાનન સહસ્ત્રાનન ષડમુખ, ગજવદનો વર ઉગારી;

શારદ નારદ વ્યાસ કીરમુની, સનકાદિક ઋષિવર ચ્યારી. પ્રાત૦ ૨

મૂષકવાહન શિખિવાહન જુત, વૃષભેશ્વર ભવભયહારી;

ગાયે નાચે કરે કુતુહલ, મૂર્તિ તમારી ઉર ધારી. પ્રાત૦ ૩

વદન ઉઘાડો અરવિંદલોચન, નિરખો કૌતુક કંસારી;

પ્રેમાનંદના નાથજી ઉઠ્યા, દીધાં દરશન સુખકારી. પ્રાત૦ ૪

પદ - ૨

અલબેલો ઉઠ્યા હરિ હસતા, આવીને ઉભા ઓસરીયે; અલ૦

ફેંટો શ્વેત ઉપરણો ઓઢ્યો, કર નક્ત કલકી ઘોહરીયે. અલ૦ ૧

શોભા સવારની સુંદર વરની, શું રે વખાણું વૈખરીયે;

પાટ ઉપર બેઠા પુરૂષોત્તમ, નીરખી જન નેણાં ભરીયે. અલ૦ ૨

આશિરવાદ વદે મુનિ નિરખી, અવિચળ રહો દરશન કરીયે;

ધર્મકુંવર તમ ઉપર વારે, તન મન પ્રાણ ફરી ફરીય. અલ૦ ૩

ધર્માત્મજ કરો દંતધાવન, કનક પ્યાલુ આગે ધરીયે;

પ્રેમાનંદ કે સુંદર મુખડું, નિરખી અંતરમાં ઠરીયે. અલ૦ ૪

પદ - ૩

દીનાનાથ કરે દંતધાવન, લઇને કોમળ કરમાઇ; દીના૦ ટેક.

કુંદકળિસમ દશન મંજન કરે, નેણાં લોભાણાં જોઇ ચતુરાઈ. દીના૦ ૧

મુખ પ્રક્ષાલન કરી મનમોહન, નાવા પધાર્યા સુખદાઇ;

ગંગાજળિયા કુવા કાંઠે, ન્હાયે નાથ અતિ હરખાઇ. દીના૦ ૨

સરસ અત્તર લઇ કરે તન મર્દન, વર્ણિમુકુંદ છબી ઉર લાઇ;

ઢોળે જળ ચોળે તન સુંદર, શોભા વરણવી નવ જાઇ. દીના૦ ૩

અંગ અંગોછી ઉજવળ ધોતી, પેરી કટિપર સરસાઇ;

પ્રેમાનદં કે’ જમવા પધારયા, હરિકૃષ્ણ હરિ પુલકાઈ. દીના૦ ૪

પદ -૪

જમવા બેઠા અખિલલોકપતિ, ઓસરીયે અનુરાગેરે; જમ૦ ટેક.

ષટ રસ ભોજન સરસ સુધારી, કનક થાળ ધર્યો આગેરે. જમ૦ ૧

વિધવિધના પકવાન તે પીરસ્યાં, જે જે સારાં લાગેરે;

મોતીચૂર જલેબી ઘેબર, મન ગમતાં જે માગેરે. જમ૦ ૨

દૂધપાક જમે બીરંજ હરીસો, નિરખી દુઃખ દૂર ભાગેરે;

કઢી વડી જમી શાક વખાણ્યાં, સુંદર શ્યામ સુહાગેરે. જમ૦ ૩

ચળું કરીને મુખવાસ લીધો, અધર અરુણ પીક દાગેરે;

પ્રેમાનંદ કે’ મનડું મોહ્યું, સરસ પેચાળી પાઘેરે. જમ૦ ૪

Facebook Comments